જિજ્ઞેશ મેવાણી પર ફૅક વીડિયો શૅર કરવા બદલ કેસ, ધારાસભ્યે કહ્યું માફી માગશે

જિજ્ઞેશ મેવાણી Image copyright JM FB

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર સોશ્યલ મીડિયા પર કથિત રૂપે એક ફૅક વીડિયો પોસ્ટ કરી એક ખાનગી સ્કૂલને બદનામ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે, એવી જાણકારી પોલીસે આપી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 20 મેના દિવસે તેમના ટ્ટિટર અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અર્ધનગ્ન હાલતમાં એક વિદ્યાર્થી દેખાય છે જેને એક વ્યક્તિ માર મારી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો હતો કે માર મારી રહેલા વ્યકિત વલસાડમાં આરએમવીએમ સ્કૂલના એક શિક્ષક છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ આ સ્કૂલના આચાર્ય વિજલ કુમારી પટેલે ગુરુવારે વલસાડ પોલીસ સ્ટેશમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જે વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે તે તેમની સ્કૂલનો નથી અને જિજ્ઞેશ મેવાણીએ તેમની સ્કૂલ અને શિક્ષકોને બદનામ કર્યા છે.

મેવાણી પર ભારતીય દંડ સંહિતાની ધારા 505(2) (બદઇરાદાથી અફવા ફેલાવવી) અને ધારા 500 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

20 મેના દિવસે જિજ્ઞેશ મેવાણીએ વીડિયો લિંક શૅર કરી હતી. એમણે પીએમઓને પણ ટ્ટીટ કર્યું હતું.

ટ્ટિટર પર યૂઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ ઇજિપ્તનો છે ત્યાર બાદ મેવાણીએ આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.


જિજ્ઞેશ મેવાણીનું શું કહેવું છે?

Image copyright Getty Images

આ અંગે બીબીસીએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે વાત કરી હતી. એમણે પોતે આ વીડિયો પીએમઓને ટ્ટીટ કર્યો હોવાની કબુલાત કરી હતી.

વધુમાં જિજ્ઞેશ મેવાણીએ બીબીસીને કહ્યું કે કોઈપણ ગુના પાછળ ગુનાહિત માનસ હોય છે. એટલે કે ગુનો કરવાનો ઇરાદો હોય છે. આ કેસમાં કોઈ વ્યકિત બાળકને ક્રૂર અને અમાનવીય રીતે મારી રહી હતી આ વાત પોલીસ અને પ્રશાસન સુધી પહોંચે તેવો મારો ઇરાદો હતો. કોઈ વ્યકિત કે સંસ્થા વિશેષ બદનામીનો આશય કદી નહોતો.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ફરિયાદ થઈ હોવાની માહિતી મળી છે પંરતુ મેં કથિત શાળા વલસાડની જ કોઈ ચોક્કસ શાળા છે એવી કોઈ વાત નથી કરેલી.

એમણે કહ્યું કે એ વીડિયો જે ફરતો ફરતો મારી પાસે આવ્યો અને તેમાં જે માહિતી હતી તેને અક્ષરસહ મુકીને મે વડા પ્રધાનને સવાલ કર્યો કે આ અંગે તમારું શું કહેવું છે.

મે પોતે કોઈ શાળા કે શિક્ષક પર સીધો આક્ષેપ કર્યો નથી તેમ છતાં ફરિયાદ થઈ છે તે આશ્ચર્યનો વિષય છે.

તેમણે એમ પણ કહ્યું કે કથિત વીડિયોને લઈને કેટલાક લોકો દ્વારા શાળાની પજવણી કરવામાં આવી હોવાની માહિતી મને આજે મળી છે જે વાતનો મને અફસોસ છે.

આ મુદ્દે કોઈને જાણે અજાણે મનદુખ થયું હોય તો પોતે માફી માગશે એમ પણ જિજ્ઞેશ મેવાણીએ બીબીસીને કહ્યું.

આની સાથે જ એમણે એવો સવાલ પણ કર્યો કે એક ધારસભ્ય થાવાણી સ્ત્રીને જાહેરમાં ફટકારે અને એનો વીડિયો વાઇરલ થાય પણ તેમાં તરત કેસ દાખલ થતો નથી અને જેમાં હેતુ ફક્ત બાળઅધિકારની વાત કરવાનો છે તે વીડિયો શૅર કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરે છે એ એમનો મારી પરનો વિશેષ પ્રેમ છે, બીજુ તો શું કહી શકું?

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)