ગુજરાતની બે સહિત છ રાજ્યસભાની બેઠક માટે ચૂંટણીપ્રક્રિયા મંગળવારથી

અમિત શાહ Image copyright Getty Images

ચૂંટણીપંચે ગુજરાતની બે સહિત દેશમાં છ રાજ્યસભા બેઠકોની ચૂંટણી આગામી 5 જુલાઈએ યોજવાની જાહેરાત કરી છે. આ માટેનું જાહેરનામું મંગળવારે બહાર પાડવામાં આવશે.

કુલ છ બેઠકોમાં બિહારની એક, ગુજરાતની બે અને ઓડિશાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે.

બિહારમાંથી રવિશંકર પ્રસાદ (2 એપ્રિલ, 2024) તેમજ ગુજરાતમાંથી અમિત શાહ (18 ઑગસ્ટ, 2023) અને સ્મૃતિ ઇરાની (18 ઑગસ્ટ, 2023) લોકસભામાં ચૂંટાતાં તેમની બેઠક ખાલી થશે. આ ઉપરાંત ઓડિશામાં અચ્યુતાનંદ સામનતા (3 એપ્રિલ, 2024) લોકસભામાં ચૂંટાતા અને પ્રતાપ કેસરી દેવ (1 જુલાઈ, 2022) વિધાનસભામાં જતા તેમજ સૌમ્ય રંજન પટનાયકે (3 એપ્રિલ, 2024) રાજીનામું આપતા એમની બેઠકો ખાલી થઈ છે.

ચૂંટણીપંચે જણાવ્યા મુજબ આ અંગેનું નોટિફિકેશન 18 જૂનના રોજ બહાર પડશે. ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 25 જૂન રહેશે અને 28 જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

5 જુલાઈના રોજ સવારે 9થી 4 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે અને એ જ દિવસે 5 વાગે મતગણતરી થશે.


ગુજરાતમાં શું થશે?

Image copyright Getty Images

ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં સભ્ય હતા. ભાજપ પ્રમુખ અમિત શાહ જંગી લીડથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા છે તો સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી લોકસભામાં પહોંચ્યાં છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સંખ્યાબળ ઘટતા રાજ્યસભાની બે પૈકી એક બેઠક તે ગુમાવે એવી શક્યતા છે.

અગાઉ એનડીવીના એક અહેવાલ મુજબ ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં ગરબડ કરી શકે છે તેવી આશંકા કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સંઘવીએ વ્યકત કરી હતી. તેમણે ચૂંટણીપંચ રાજ્યસભાની ચૂંટણી એક સાથે કરાવે તેવી માગ પણ કરી હતી.

એ અહેવાલ મુજબ નામજોગ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી બેઠકો પર એક સાથે ચૂંટણી યોજવાની માગ કરવામાં આવી હતી.

કૉંગ્રેસે અધિકૃત જાહેરાત હજી કરી નથી પરંતુ કેટલાક લોકો પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે તેવું માને છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો