અમેરિકા વિરુદ્ધ ભારતની જવાબી કાર્યવાહી, 28 ઉત્પાદનો પર કસ્ટમ-ડ્યૂટી વધારી

મોદી અને ટ્રમ્પ Image copyright Getty Images

ભારત સરકારે અમેરિકામાં ઉત્પાદન થતી અથવા ત્યાંથી ભારતમાં આયાત કરવામાં આવતી હોય તેવી 28 ચીજો પર કર વધારવાની શનિવારે જાહેરાત કરી છે. બદામ, અખરોટ અને દાળનો 28 ચીજોમાં સમાવેશ થાય છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ અમેરિકા વિરુદ્ધ જવાબી કાર્યવાહીને પગલે વધારેલા કર રવિવારથી જ લાગુ કરી દેવામાં આવશે.

આ કાર્યવાહીથી આ વસ્તુઓની નિકાસ કરતા અમેરિકાના વેપારીઓને અસર થશે અને કર વધારવાથી ભારતમાં આ ઉત્પાદનોની આયાત મોંઘી થશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે 30 જૂન 2017ના રોજ પોતાના એક પરિપત્ર સંદર્ભે આ જાહેરાત કરી છે.

આ પરિપત્ર મુજબ અમેરિકા સિવાય બાકીના દેશમાંથી આવતા આ જ ઉત્પાદનો પરના દર યથાવત્ રહેશે.

ભારતનાં આયાત અને ઍલ્યુમિનિયમ પર અમેરિકાએ કર વધાર્યા બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે, જેનાથી ભારતીય રાજકોષને 21.7 કરોડ રૂપિયાનો વધારાનો ફાયદો થશે.


શ્રીલંકા સામે ઑસ્ટ્રેલિયાની જીત

Image copyright Getty Images

ઇંગ્લૅન્ડમા રમાઇ રહેલા 12મી આઈસીસી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શનિવારે બે મૅચ રમાઈ. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની મૅચમાં ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 87 રને હરાવ્યું.

ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાને જીતવા માટે 325 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 46 ઓવરમાં 247 રન કરીને ઑલઆઉટ થઈ ગઈ.

શ્રીલંકા તરફથી દિમુત કરુણારત્ને 97 તેમજ કુણાલ પરેરાએ 52 રન કર્યા. જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 55 રન આપીને ચાર વિકેટ લીધી. રીચર્ડસને ત્રણ અને કમિન્સે બે અને જેસને એક વિકેટ લીધી.

જ્યારે ફ્રિંચે 132 બોલમાં 153 રન કરીને પૉન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો. તે ઉપરાંત સ્ટીવ સ્મિથે 73 અને મૅક્સવેલે 46 રન કર્યા.

દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટથી હરાવી દીધું. દક્ષિણ આફ્રિકા સામે ડકવર્થ લૂઈ નિયમ અનુસાર જીતવા માટે 48 ઓવરમાં 127 રનનું લક્ષ્ય હતું.

જે તેમણે 28.4 ઓવરમાં હાંસલ કરી લીધું. દક્ષિણ આફ્રિકાના ડી કૉકે 68 તેમજ હાશિમ આમલાએ 41 રન કર્યા. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 34.1 ઓવરમાં 125 રન જ કરી શકી.


બિહારના મુઝફ્ફરપુરમાં 71 બાળકોનાં મોત

Image copyright Getty Images

બિહારમાં ભયંકર ગરમી અને લૂના કારણે આશરે 70 લોકોનાં મૃત્યુ થયાં છે. ઔરંગાબાદ, ગયા અને નવાદા જિલ્લામાં બાળકોનાં મૃત્યુ થયાં છે.

ઔરંગાબાદ જિલ્લામાં 33, ગયામાં 25 અને નવાદામાં 13નાં મૃત્યુ લૂ લાગવાથી થયાં છે. આ બાળકોમાં મોટા ભાગના ભાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હતી.

બિહાર સરકારે આ આંકડાની પુષ્ટિ કરી નથી પણ જિલ્લા હૉસ્પિટલ્સ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.

મુખ્ય મંત્રી નીતિશ કુમારે આ બાળકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

આ મુદ્દે કેન્દ્રિય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાયે કહ્યું કે આ ઘટનાની તપાસ માટે નોર્વેથી એક ટીમ આવી રહી છે, તેમજ તપાસ માટેના નમૂના પુણેની એક લૅબોરેટરીમાં મોકલી અપાયા છે. જ્યારે નીતિશ કુમારે કહ્યું હતું કે પરિવારજનો કાળજી રાખે, પોતાનાં બાળકોને ભૂખ્યા પેટ ન સૂવા દે.


સાઉદી અરબે ઈરાનને ચેતાવણી આપી

Image copyright Getty Images

સાઉદી અરબે કહ્યું છે કે ઓમાનની ખાડીમાં તેલનાં ટૅંકરો પર હુમલા બાબતે ત્વરિત અને નિર્ણાયક પગલાં લેવાય એ જરૂરી છે.

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું છે કે તેમનો દેશ યુદ્ધ ઇચ્છતો નથી પણ તેઓ પોતાનાં હિતોની રક્ષા માટે તૈયાર છે.

મોહમ્મદ બિન સલમાને એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે.

અમેરિકા પણ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનું કહે છે, જ્યારે ઈરાન આ આરોપ નકારે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો