આ ગામના લોકો રૅશનકાર્ડથી પાણી મેળવવા કેમ મજબૂર?

ટૅન્કરથી પાણી

એક સમયે અહીં ટૅન્કરમાંથી પાણી ભરવા માટે લડાઈ-ઝઘડા થતાં હતાં, જેમાં સામાન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચતી.

પરંતુ હવે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ચિંચોલી ગામમાં રૅશન કાર્ડથી દરેક પરિવારને 200 લીટર પાણી આપવાનું શરૂ કર્યું છે.

બુલઢાણા જિલ્લાના લગભગ દરેક ડૅમમાં પાણીની કમી છે. આ વિસ્તારના મોટાભાગનાં મોટા બંધ અને નદી-નાળામાંથી 70 ટકા પાણી ખતમ થઈ ચૂક્યું છે.

ચિંચોલી ગામમાં સવારે પાંચ વાગ્યે ટૅન્કર પહોંચે છે. ત્યારબાદ ત્યાં રહેતાં મીરા દબેરાઓ પોતાના માથે કેટલાક ઘડા અને હાથમાં ડોલ લઈને લાઇનમાં લાગે છે.

ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે તેમનો વારો આવે એ પહેલાં જ ટૅન્કરમાં પાણી ખલાસ થઈ જાય છે અને તેમને પાણી વિના જ ઘરે પાછા જવું પડે છે.

મીરા કહે છે, "દુષ્કાળના કારણે અમે અમારા કેટલાંક જાનવર પણ વેચી દીધાં. કેટલાંક જાનવરોને અમારા સંબંધીઓને ત્યાં મોકલી દીધાં છે."

"અમારા ગામના બધા જ કૂવા સાવ સુકાઈ ગયા છે, તેથી અમારા ગામમાં દરરોજ ટૅન્કર આવે છે અને અમે તેના પર જ આશ્રિત છીએ."

"ક્યારેક ક્યારેક રૅશનકાર્ડના આધારે અમારો વારો આવે એ પહેલાં જ પાણી પૂરું થઈ જાય છે."

મીરા જણાવે છે, "થોડા દિવસ પહેલાં અહીં કોઈ નેતા આવ્યા હતા, તેમણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી."

"તેમણે આશ્વાસન આપેલું કે તેઓ પાણીની સમસ્યાનો ઉકેલ લાવશે, પરંતુ આ વિસ્તારની પાણીની સમસ્યા હજુ પણ હલ થઈ નથી."

"અમે એ લોકોને મત આપીએ છીએ જે અમને પાણી આપવાનું આશ્વાસન આપે છે, પણ આ દરેક આશ્વાસન ખોટાં સાબિત થાય છે, ત્યારે અમને ખબર નથી પડતી કે અમે કોની પાસે જઈને પાણી માગીએ."


ટૅન્કરોની સંખ્યા પૂરતી નથી

ચિંચોલી ગામની વસતી 3650 છે. આટલા લોકો માટે બે ટૅન્ક પૂરતાં નથી. પાણીનું ટૅન્કર ગામમાં સવારે સાડા પાંચ વાગ્યે અને બીજું બાર વાગ્યે આવે છે.

ખેડૂતો બપોરે પોતાના કામમાં વ્યસ્ત હોય છે. પરંતુ તેમને પોતાનું કામ છોડીને ટૅન્કરની રાહ જોવી પડે છે.

ગામના લોકોને પણ કલાકો સુધી રાહ જોવી પડે છે, કારણ કે ટૅન્કર સમયસર આવતાં નથી.

રમેશ વાનખેડે પણ ટૅન્કરની રાહ જોતા લોકોમાંના જ એક છે.

વાનખેડે જણાવે છે, "પાંચ વર્ષથી ગામ પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. ટૅન્કરોથી જે પાણી મળે છે તે પૂરતું નથી."

"ગામને દરરોજ લગભગ ચારથી પાંચ ટૅન્કર પાણીની જરૂર છે, પણ અમને બે જ મળે છે. દરેક પરિવારને જેટલું પાણી મળે છે તે તેમની જરૂરિયાત કરતાં ઘણું ઓછું છે."

"જો પૂરતું પાણી નહીં મળે તો અમે અમારાં જાનવરોને કેવી રીતે જીવતાં રાખીશું?"

રમેશ વાનખેડેએ પણ પોતાનાં પાલતું પ્રાણીઓને પોતાના સંબંધીઓને ત્યાં મૂકી આવ્યાં છે.

પરંતુ વાનખેડેના ઘરમાં હજુ પણ કેટલાંક પશુઓ છે, જેને જીવતાં રાખવાં મુશ્કેલ છે.

વાનખેડે કહે છે, "પાણીની અછતને કારણે ઘણાં પ્રાણીઓનાં મોત થયાં છે અને અમારાં પણ કેટલાંક પ્રાણીઓ મરવાની હાલતમાં છે."

આજથી બે-ત્રણ મહિના પહેલાં ટૅન્કર આવતાં જ ગામમાં લોકો વચ્ચે ઝઘડા શરૂ થઈ જતા હતા. તેથી અમારા સરપંચે રૅશનકાર્ડના આધારે પાણી આપવાનું નક્કી કર્યું."

હવે ઝઘડા તો બંધ થઈ ગયા પણ ઘણા લોકોનો વારો આવે એ પહેલાં જ પાણી ખતમ થઈ જાય છે."


શું છે સમસ્યાનો હલ?

Image copyright BBC/ devendra fadanvis

ચિંચોલી ગામમાં રહેતી અન્ય એક વ્યક્તિ સખારામ ભંજવાઢે આ સમસ્યાના હલ તરફ ઇશારો કરે છે.

ભંજવાઢે કહે છે, "છેલ્લાં બે વર્ષથી અમારા ગામમાં ટૅન્કરથી પાણી આવે છે. ડૅમમાંથી પાણી લઈ જતી પાઇપલાઇન અમારા ગામથી ચાર કિમી. દૂર સુધી આવી ગઈ છે."

"જો આ લાઇન અમારા ગામ સુધી આવે તો પાણીની તકલીફ દૂર થઈ શકે છે."

બીબીસીએ આ ગામના સરપંચ સંજય ઇંગલે સાથે વાત કરીને સમજવાની કોશિશ કરી કે આ યોજનાનો કેટલો લાભ થયો છે.

ઇંગલે કહે છે, "અમારું ગામ ગંભીર રીતે દુષ્કાળગ્રસ્ત છે. સરકાર તરફથી ટૅન્કરથી પાણી લાવવાની મંજૂરી મળી ગઈ છે. પણ છેલ્લા કેટલાક દિવસોમાં એવું મળ્યું કે લોકો દોડીને ચાલતા ટૅન્કર પર ચઢી ગયા."

"અમે નથી ઇચ્છતા કે પાણીના કારણે કોઈનો અકસ્માત થાય. તેથી અમે રૅશનકાર્ડ દ્વારા દરેક પરિવારને 200 લીટર પાણી આપવાનું શરૂ કર્યું."

ઇંગલે જણાવે છે કે ચિંચોલીમાં હાલ 11 હૅન્ડપમ્પ અને પાંચ સરકારી કૂવા છે પણ તેમાં પાણી નથી.

આ ગામ પાસે જ વાન ધનોદી બંધ યોજના આવેલી છે. ગામના લોકોની માગ છે કે તેમને આ બંધમાંથી પાણી મળવું જોઈએ, તેઓ સરકાર પાસે આ માગ કરી રહ્યા છે.

ઇંગલેએ સંવાદ-સેતુ કાર્યક્રમ દરમિયાન પણ પોતાની માગ મુખ્ય મંત્રી સમક્ષ મૂકી હતી. પરંતુ આ ગામના લોકોનો પાણી માટેનો સંઘર્ષ ક્યારે પૂરો થશે એ તો સમય જ બતાવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ