ન મમતા બેનરજી ઝૂકવાં તૈયાર ન ડૉક્ટર, હવે આગળ શું?

મમતા બેનરજી Image copyright Sanjay Das/BBC
ફોટો લાઈન મમતાની કેટલીક ટિપ્પણીઓએ આંદોલનની આગામાં ઘી હોમવાનું કામ કર્યું છે

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટરોની હડતાળ છ દિવસ ચાલી હોવા છતાં અત્યાર સુધી ગતિરોધ તૂટવાનો કોઈ રસ્તો જોવા મળી રહ્યો નથી.

આ દરમિયાન એઇમ્સના ડૉક્ટરોએ પણ સોમવાર બપોરે 12 વાગ્યાથી લઈને મંગળવારની સવારે 6 વાગ્યા સુધી હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલાં એઇમ્સના ડૉક્ટરો હડતાળથી વેગળા રહ્યા હતા. જોકે, રવિવાર મોડી રાતે એઇમ્સના ટ્રૉમા સેન્ટરમાં ડૉક્ટર સાથે કથિત ગેરવર્તણ કરાતાં તેમણે હડતાળમાં જોવાનો નિર્ણય લીધો છે. હતાળના મૂળમાં બંગાળમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરો અને મુખ્યમંત્રી મમતા બેનરજી છે. બન્ને વચ્ચે કદાચ અકડ અને અહંકારની લડાઈએ આ સમસ્યાના સમાધાન માટે કોઈ રસ્તો છોડ્યો નથી.

મમતાની કેટલીક ટિપ્પણીઓએ આંદોલનની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

જોકે, શનિવારની સાંજે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં મમતાનાં સૂરમાં થોડી નરમાઈ જોવા મળી પરંતુ જુનિયર ડૉક્ટરોની બે મુખ્ય માગો પર તેમનું વલણ જેમનું તેમ રહ્યું.

આ દરમિયાન બંગાળમાં રહેતા લોકોને બાંગ્લા શીખવું અને બોલવું હશે તેવા નિવેદનોએ પણ મમતાની છબીને નુકસાન પહોંચાડ્યું છે.

આ ડૉક્ટરોની હડતાળ અને તેમાં ભાજપની કથિત ભૂમિકાના સંદર્ભમાં જોડીને જોવામાં આવી રહી છે.

રાજકીય પર્યવેક્ષકોનું કહેવું છે કે મમતા બેનરજીએ ડૉક્ટરોની માગની સમક્ષ ઝૂંકવાને કદાચ પોતાની આન-બાન-શાનની લડાઈ બનાવી લીધી છે.

Image copyright Sanjay Das/BBC
ફોટો લાઈન મમતાએ કામ પર પરત ન ફરનારા ડૉક્ટરોને હૉસ્ટેલ ખાલી કરાવવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહીની ધમકી પણ આપી હતી

હડતાળ પર ઊતરેલા ડૉક્ટર પહેલા દિવસથી બે માગ પર જ ભાર આપી રહ્યા છે.

પહેલી એ કે મુખ્ય મંત્રીને એ નીલ રતન સરકાર મેડિકલ કૉલેજમાં આવીને આંદોલનકારીઓ સાથે વાત-મુલાકાત કરવી પડશે જ્યાં ગત સોમવારની રાત્રે બે જુનિયર ડૉક્ટરો સાથે મારપીટ બાદ સમસ્યા શરૂ થઈ હતી.

આ સાથે જ ડૉક્ટર મુખ્ય મંત્રી કાર્યાલયથી ડૉક્ટરો પર થયેલા હુમલાની નિંદા કરતું નિવેદન જાહેર કરવાની માગ પણ કરી રહ્યા છે. પરંતુ મમતાએ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી.

જોકે, તેમણે એ વાતનો પર્યાપ્ત સંકેત આપ્યો છે કે તેમનો આ માગોને માનવાનો કોઈ ઇરાદો નથી.

શનિવારની સાંજે પોતાની પ્રેસ કૉનફરન્સમાં તેમનું કહેવું હતું કે હડતાળ પર ઊતરેલા ડૉક્ટરો સાથે વાતચીત માટે રાજ્ય સચિવાલય કરતાં વધારે સારી અને સન્માનજનક બીજી કોઈ જગ્યા હોઈ શકતી નથી.

તેમણે સીધેસીધું એ કહ્યું નથી કે તેઓ એનઆરએસ મેડિકલ કૉલેજ નહીં જાય.

આ જ રીતે મુખ્ય મંત્રી અત્યાર સુધી હુમલામાં ઘાયલ બન્ને જુનિયર ડૉક્ટરોને જોવા પણ ગયાં નથી.

સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને સ્વાસ્થ્ય વિભાગના તમામ અધિકારી એ બન્નેને જ ઘાયલોને જોવાં ગયાં હતાં.

મમતા ગુરુવારના રોજ એનઆરએસના બદલે એસએસકેએમ હૉસ્પિટલ ગયાં હતાં પરંતુ ત્યાં આંદોલનકારીઓમાં બહારના લોકો સામેલ હોવાનો આરોપ લગાવીને હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોને વધારે ભડકાવી દીધા.

તેમણે એ દિવસે જુનિયર ડૉક્ટરોને પહેલાં તેમના કામ પર પરત ફરવા માટે ચાર કલાકનો સમય આપ્યો હતો અને પછી આ સમય મર્યાદા ઘટાડીને બે કલાકની કરી નાખી.

મમતાએ કામ પર પરત ન ફરનારા ડૉક્ટરોને હૉસ્ટેલ ખાલી કરાવવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહીની ધમકી પણ આપી હતી.

મમતા બેનરજીએ જુનિયર ડૉક્ટરો દ્વારા થતા સૂત્રોચ્ચારનો સામનો પણ કરવો પડ્યો.

મમતાએ કહ્યું, "એસએસકેએમમાં મને ધક્કો મારવામાં આવ્યો અને મારાં વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી પરંતુ આ અપમાન છતાં મેં કોઈની ધરપકડ કરવાની પોલીસને ના પાડી દીધી હતી."

તેઓ કહે છે કે સરકાર જબરદસ્તી કરવા કે એસ્મા લગાવવાના પક્ષમાં નથી.

મમતાનાં બે-બે વખત નિમંત્રણ છતાં હડતાળ પર ઊતરેલા વિદ્યાર્થીઓ શુક્રવાર અને શનિવારના રોજ તેમને મળવા રાજ્ય સચિવાલય ન પહોંચ્યા.

મમતાએ ભલે મોઢેથી કંઈ કહ્યું ન હોય, જુનિયર ડૉક્ટરોના વલણે તેમની નારાજગી વધારી દીધી છે.


ન ડૉક્ટર માનવા તૈયાર, ન મમતા

Image copyright Sanjay Das/BBC
ફોટો લાઈન મમતાએ ભલે મોઢેથી કંઈ કહ્યું ન હોય, જુનિયર ડૉક્ટરોના વલણે તેમની નારાજગી વધારી દીધી છે

જોકે, રાજ્યમાં વધતા દર્દીઓનાં મૃત્યુ અને ચારે તરફ ટીકાના કારણે મમતા વારંવાર આ સમસ્યાના તુરંત સમાધાન અંગે વાત કરતાં આંદોલનકારીઓને તુરંત કામ પર પરત ફરવાની અપીલ કરી રહ્યાં છે.

મમતાએ આ પહેલા પણ એનઆરએસ મેડિકલ કૉલેજના ડૉક્ટરો સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આંદોલનકારી તેના માટે રાજી ન થયા.

આ વચ્ચે કેન્દ્ર સરકારે જ્યાં રાજ્ય સરકાર પાસે આ મામલે રિપોર્ટ માગ્યો છે ત્યાં કોલકાતા હાઈકોર્ટે પણ એક જનહિત અરજી પર સુનાવણી બાદ સરકારને આ ગતિરોધ દૂર કરવા અને ડૉક્ટરો પર હુમલા મામલે કરવામાં આવેલી કાર્યવાહીથી કોર્ટને અવગત કરવા કહ્યું છે.

રાજ્યપાલ કેસરી નાથ ત્રિપાઠીએ શુક્રવારના રોજ કહ્યું હતું કે આ મુદ્દા પર વાતચીત માટે તેમણે મમતાને ફોન કર્યો હતો. પરંતુ તેમનો ફોન ન આવ્યો.

એ જ મમતાએ શનિવારના રોજ રાજ્યપાલ સાથે ફોન પર વાત કરી અને દાવો કર્યો કે સરકાર દ્વારા આ મામલે ઉઠાવવામાં આવેલા પગલાંથી તેઓ (રાજ્યપાલ) સંતુષ્ટ છે.

એક વરિષ્ઠ ચિકિત્સક નામ ન છાપવાની શરત પર કહે છે, "આ મામલે ડૉક્ટરો પર ભાજપ સમર્થક અને બહારની વ્યક્તિ હોવાનો આરોપ લગાવી મધપુડામાં હાથ નાખી દીધો છે"

"સામાન્યપણે દરેક નાની મોટી ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચનારાં મમતા જો પાંચ દિવસ બાદ પણ એનઆરએસ મેડિકલ કૉલેજ પહોંચ્યાં નથી, તો સ્પષ્ટ છે કે તેઓ આ ઘટનાને રાજકીય ચશ્માથી જોઈ રહ્યાં છે."


પક્ષ-વિપક્ષનું રાજકારણ અને ડૉક્ટર

Image copyright Sanjay Das/BBC
ફોટો લાઈન મમતાએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં જુનિયર ડૉક્ટરોની તમામ યોગ્ય માગ માની લેવાનો દાવો કર્યો છે

મમતાએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં જુનિયર ડૉક્ટરોની તમામ યોગ્ય માગ માની લેવાનો દાવો કર્યો છે.

પરંતુ 'જૉઇન્ટ ફોરમ ઑફ જુનિયર ડૉક્ટર્સ'ના પ્રવક્તા અરિંદમ દત્ત કહે છે, "સરકાર તરફથી ગતિરોધ દૂર કરવા માટે ઇમાનદાર પગલું જોવા મળી રહ્યું નથી.

હડતાળ પર ઊતરેલા ડૉક્ટરો સાથે વાત કરવા માટે મુખ્ય મંત્રીએ એનઆરએસ મેડિકલ કૉલેજ આવવું પડશે. પરંતુ તેમાં કદાચ મમતાનો અહંકાર વચ્ચે આવી રહ્યો છે."

કદાચ એ જ કારણ છે કે સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અને વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલ્યા છતાં તેઓ અત્યાર સુધી એ તરફ ગયાં નથી.

તેમણે બે દિવસ પહેલાં જ ભાજપ અને સીપીએમની સહાયતાથી આ આંદોલનને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ તરફ મમતા બેનરજીનો આરોપ છે કે કેટલાક રાજકીય પક્ષ સોશિયલ મીડિયા પર ગુમરાહ કરતા ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હા કહે છે, "મમતાએ હવે આ મામલાને પોતાની નાક અને અહંકારનો સવાલ બનાવી દીધો છે."

"તેમને લાગે છે કે હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોની માગ સામે ઝૂકવાથી તેમની છબી ખરાબ થઈ જશે. મમતાના આ વલણની બંગાળે મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. દરરોજ લોકો ઇલાજના અભાવમાં મૃત્યુ પામી રહ્યા છે."

ભાજપે બંગાળમાં રહેવા પર બાંગ્લા શીખવા અને બોલવાવાળા નિવેદન માટે મમતાની ટીકા કરતાં કહ્યું કે તેઓ ડૉક્ટરોની હડતાળ મુદ્દે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના નિવેદન આપી રહ્યાં છે.


બે વર્ષમાં 175 હુમલા

Image copyright Sanjay Das/BBC
ફોટો લાઈન ડૉક્ટરોની હડતાળના કારણે દર્દીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

સીપીએમ ધારાસભ્ય સુજન દત્ત કહે છે, "મમતા આટલા ગંભીર મામલાને સુલજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યાં છે. તેઓ ગતિરોધ દૂર કરવાના બદલે રાજકીય રમત રમી રહ્યાં છે. પોતાની ટિપ્પણીઓથી તેમણે ગતિરોધ વધારી દીધો છે."

ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશન એટલે કે આઈએમએ પણ મમતા પર સમસ્યાનું સમાધાન લાવવાના બદલે તેને વધારે વેગ આપવાનો આરોપ લગાવી ચૂક્યું છે.

જાણીતા ચિકિત્સક વિનાયક સિન્હાએ એક સ્થાનિક સમાચારપત્રમાં પોતાનાં લેખમાં કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં બંગાળમાં ડૉક્ટરો સાથે મારપીટની આશરે 175 ઘટનાઓ ઘટી છે.

પરંતુ સોમવારની ઘટનાએ તો બધી હદ પાર કરી દીધી છે.

તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ડૉક્ટરો માટે કામ કરવાનો માહોલ કેટલો અસુરક્ષિત છે અને સરકારને તેની કેટલી ચિંતા છે.

રાજકીય પર્યવેક્ષકોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ બાદથી પરિસ્થિતિ મમતાની અનુકૂળ નથી.

ત્યારબાદ તેઓ ઘણાં વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યાં છે. તે પછી જય શ્રીરામ બોલવા પર લોકોને ધમકાવવા અને ધરપકડ કરાવવાનો મુદ્દો હોય કે પછી બંગાળમાં રહીને બાંગ્લા ભાષા શીખવી અથવા તો ડૉક્ટરોની હડતાળ મામલે તેમનું વલણ હોય.

રાજકીય વિશ્લેષક પ્રોફેસર સોમનાથ સમાદ્દાર કહે છે, "લોકસભા ચૂંટણી બાદ મમતાને દરેક વસ્તુમાં ભાજપનું ષડયંત્ર જોવા મળી રહ્યું છે. એ જ કારણ છે કે તેઓ રાજ્યમાં સરકારી સ્વાસ્થ્ય સેવાઓ ઠપ્પ થવાં છતાં આ મામલે જરા પણ ઝૂંકવા તૈયાર નથી."

કોલકાતાના એક વરિષ્ઠ ચિકિત્સક નામ ન જણાવવાની શરતે કહે છે, "મમતાની અકડ અને તેમનો અહંકાર આ ગતિરોધને દૂર કરવામાં બાધાસ્વરૂપ છે. ન તો તેઓ ઝૂંકવા તૈયાર છે અને ન તો હડતાળ પર ઊતરેલા ડૉક્ટર. તેવામાં ગતિરોધને દૂર કરવાની ચાવી કદાચ જ મળે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો