TOP NEWS : ભારત-મ્યાનમારનાં સૈન્યે સાથે મળીને ઉગ્રવાદી કૅમ્પો પર હુમલા કર્યા

ઇન્ડિયન આર્મી Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ભારત અને મ્યાનમારનાં સૈન્યે ત્રણ અઠવાડિયાં સુધી ચાલેલા એક અભિયાન અંતર્ગત પૂર્વોત્તરમાં સક્રીય ઉગ્રવાદી કૅમ્પોને નિશાન બનાવ્યા હોવાના અખબારી અહેવાલો છે.

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ત્રણ મહિના અગાઉ 'ઑપરેશન સનરાઇઝ'ના નામે પ્રથમ તબક્કાની સૈન્યકાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં મણિપુર, નાગાલૅન્ડ અને આસામમાં સક્રીય કેટલાય ઉગ્રવાદી કૅમ્પો ખાતમો બોલાવાયો હતો.

સુત્રોને ટાંકીને 'એનડીટીવી' જણાવે છે કે 'ઑપરેશન સનરાઇઝ 2' અંતર્ગત બન્ને દેશનાં સૈન્યે કેએલઓ, ધ એનએસસીએન(ખપલાંગ), યૂનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ(આઈ) તેમજ નેશનલ ડેમૉક્રેટિક ફ્રન્ટ ઑફ બોરોલૅન્ડ(એનડીએફબી) જેવાં ઉગ્રવાદી સંગઠનોનો ખાતમો બોલાવાયો છે.

આ ઉપરાંત '6 ડઝન ઉગ્રવાદીઓને પકડવામાં આવ્યા હોવાના' પણ અખબારી અહેવાલો છે.

'ઑપરેશન સનરાઇઝ'ના પ્રથમ તબક્કામાં 'અરાકાન આર્મી'ના સભ્યોને નિશાન બનાવાયા હતા. 'અરાકાન આર્મી' મ્યાનમારનું વિદ્રોહી સંગઠન છે.


વડા પ્રધાન મોદીનું 'એક દેશ, એક ચૂંટણી' માટે તમામ પક્ષોને આહ્વાન

Image copyright Getty Images

'એક દેશ, એક ચૂંટણી'ના વિચાર પર ચર્ચા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂને તમામ રાજકીય પક્ષોના વડાની બેઠક બોલાવી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોશીને ટાંકીને જણાવાયું છે કે 17 લોકસભાના પ્રથમ સત્રના ઉપક્રમે બન્ને ગૃહોમાં ચૂંટાયેલા પક્ષો સાથેની બેઠકમાં મોદીએ સંબંધિત પહેલ કરી હતી.

બાદમાં વડા પ્રધાન મોદીએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું, "ચૂંટણીનાં પરિણામો બાદ ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલાં આજે ઓલ-પાર્ટી મિટિંગ યોજાઈ. તમામ નેતાઓનાં મૂલ્યવાન સૂચન બદલ આભાર વ્યક્ત કરું છું. લોકોની આશાઓ પૂર્ણ કરવા માટે સરળતાથી સંસદને ચલાવવા અમે સહમત થયા છે."

લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો વચ્ચે 'વિચારોના મુક્ત આદાનપ્રદાન' માટે સરકારે 20 જૂને સમૂહભોજનું પણ આયોજન કર્યું હોવાનું જોશીએ જણાવ્યું છે.


દેશભરમાં તબીબોની હડતાળ, ઍઇમ્સ નહીં જોડાય

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

કોલકાતામાં તબીબો પર કરાયેલા હુમલાના વિરોધમાં સોમવારે ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશને એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. જોકે, આ હડતાળમાં એઇમ્સના તબીબો સામેલ નહીં થાય.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર એઇમ્સના તબીબો 8-9 માર્ચે પોતાના માર્ચ યોજીને પોતાનો વિરોધ નોંધાવશે.

એઇમ્સના તબીબોનું કહેવું છે કે કોલકાતાની સ્થિતિ પર તેમની નજર છે અને તેઓ આશા સેવી રહ્યા છે કે મમતા સરકાર તબીબોની માગ સ્વીકારશે.

સોમવાર બપોરે ત્રણ વાગ્યે મમતા બેનરજી અને હડતાળ પર ઊતરેલા તબીબો વચ્ચે બેઠક યોજાશે.

નોંધનીય છે કે દર્દીના મૃત્યુ બાદ પરિવારજનોએ તબીબો પર કરેલા હુમલાને પગલે પશ્ચિમ બંગાળના તબીબો હડતાળ પર ઊતર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો