ઓમ બિરલા : સ્કૂલની સંસદથી ભારતની સંસદના સ્પીકર સુધી

ઓમ બિરલા Image copyright OM BIRLA
ફોટો લાઈન જે. પી. નડ્ડાની સાથે ઓમ બિરલા

આ એક નાની શરૂઆતનું બહુ મોટું પરિણામ છે. ઓમ બિરલાએ ક્યારેક રાજસ્થાનના કોટામાં સ્કૂલની સંસદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો અને પછી આ યાત્રા તેમને ભારતની સંસદના સ્પીકરપદ સુધી લઈ ગઈ.

કેટલાંક લોકો તેમની આ સફળતાથી આનંદમાં તરબોળ છે તો કેટલાંક પરેશાન છે.

કોટા એક સમયે ઔદ્યોગિક શહેર હતું અને મજૂર આંદોલનના નારા ત્યાં ગૂંજતાં હતાં, પરંતુ આ ઘોંઘાટમાં સ્કૂલ લેવલથી જ કેટલાંક વિદ્યાર્થી નેતાઓનો અવાજ સંભળાવવા લાગ્યો.

તેમાં ઓમ બિરલાના નામનો પણ સમાવેશ થતો હતો. તેઓ આ સમયે કોટામાં ગુમાનપુરા સિનિયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થી સંસદના પ્રમુખ બન્યા હતા.

પછી બિરલાએ પોતાની સક્રિયતા ચાલુ રાખી અને એક સ્થાનિક કૉલેજમાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડ્યા પરંતુ એક વોટથી હારી ગયા.

બિરલા આ હારને ભુલાવીને પોતાના કામમાં લાગી ગયા. તે કોટામાં સહકારી ઉપભોક્તા ભંડાર સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયાં અને આ સાર્વજનિક જીવનમાં તેમની પહેલું પદ હતું.

તેમને જાણનાર કહે છે, 'તે તકને મેળવવામાં અને મળેલી તકને પોતાના તરફેણમાં ફેરવવાની આવડત ધરાવે છે.'

'બિરલાએ કૉમર્સ વિષયમાં સ્નાતક સુધીનું શિક્ષણ મેળવ્યું છે. તેઓ એવા નેતા છે જે બીજેપીમાં જિલ્લાસ્તરે સક્રિય રહીને વિધાનસભામાં થઈને લોકસભામાં પહોંચ્યા છે.'

તે ત્રણ વખત કોટાથી ધારાસભ્ય બન્યા છે. તેમની સામે ચૂંટણી લડેલાં નેતાએ કહ્યું, 'તેઓ વ્યવસ્થાપનમાં માહેર છે. આ તેમની મોટી તાકાત છે.'

16મી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને આગામી ઓમ બિરલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું:

"ઓમ બિરાલજી મારા જૂના મિત્ર છે. તેઓ ભારતીય સંસદીય જૂથના ખજાનચી પણ રહી ચૂક્યા છે. મને વિશ્વાસ છે કે તેઓ લોકસભામાં પોતાની ફરજ સુપેરે બજાવશે."

આ પહેલાં બિરલાએ પૂર્વ સ્પીકર મહાજનની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

એનડીએ ઉપરાંત વાય.એસ. આર. કૉંગ્રેસ તથા બીજુ જનતા દળના સમર્થનને પગલે તેમના વિજયને નિશ્ચિત માનવામાં આવે છે.


Image copyright OM BIRLA

પાર્ટીની અંદર ચૂંટણી વ્યવસ્થાપન અને બૂથ લેવલ સુધી કુશળ તાલમેલ જાળવનારી વ્યક્તિ તરીકે ઓમ બિરલાનું ઉદાહરણ આપવામાં આવે છે.

તે ભાજપ યુવા મોરચાના રાજસ્થાનના પ્રમુખ અને પછી રાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ રહ્યા હતા.

કોટાથી ભાજપના ધારાસભ્ય સંદીપ શર્મા પોતાના આ સંસદ સભ્ય નેતાથી ઘણાં પ્રભાવિત છે.

શર્મા કહે છે, 'બિરલાજી હંમેશાં પોતાના લોકો માટે હાજર રહે છે. અડધી રાત્રે જો કોઈ ફોન કરશે તો જવાબ માટે તૈયાર હશે.'

શર્મા કહે છે, 'તે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. કોઈનું પણ દુઃખ તેમને વિચલિત કરી દે છે. જો કોઈ કડવી વાત કરશે તો શાંતિથી સાંભળશે અને સામે ક્યારેય સીધો જવાબ નહીં આપે.'

'તે પોતાના કાર્યકર્તાઓને હંમેશાં માન આપે છે. બિરલાએ રાજકારણ સિવાય સહકારી સંસ્થાઓમાં પણ પોતાની સક્રિયતા યથાવત્ રાખી અને ઘણી સંસ્થાઓમાં ઊંચા પદ પર પહોંચ્યા.'

પાર્ટીની અંદર અને બહાર તેમના સમર્થકોની કોઈ ઊણપ નથી અને ટીકાકારો પણ વાચાળ છે.

તે કહે છે, 'બિરલા ઘણી કુશળતાથી પોતાના વિરોધીઓની ઉપર ચાબખાં મારે, ત્યારે તેમનો ચહેરો ભાવ વિહીન રહે છે.'

ટીકાકારો કહે છે કે, 'જ્યારે પણ તેમના વિસ્તારમાં તેમની પસંદગીનો ઉમેદવાર ન મળે તો તેમણે સમાંતર લોકોને મેદાનમાં ઉતાર્યા.

તે મોટા લોકોની સાથે સંબંધો સ્થાપિત કરવામાં અને તે સંબંધોના સહારે ઊંચાઈએ પહોંચવામાં કાર્યક્ષમ છે.


Image copyright OM BIRLA

કોટામાં પાર્ટી સંગઠનમાં તેમની સાથે કામ કરી ચૂકેલાં પ્રેમ કુમાર સિંહ કહે છે, 'એવું ઘણું બધું છે જે ઓમ બિરલાને ભીડથી અલગ કરે છે.'

'તેમનામાં ટીકા સાંભળવાની ક્ષમતા છે, તે સહિષ્ણુ છે. એ કેટલી મોટી વાત છે કે કોઈ વ્યક્તિ સ્કૂલની વિદ્યાર્થી સંસદથી સંસદના સ્પીકર સુધી પહોંચી જાય અને આપણાં લોકતંત્રની સફળતાની ગાથાનું વર્ણન કરે.'

બીજેપીમાં તેમના સમર્થક કહે છે, 'બિરલા એક એવા નેતા છે જે લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. સમર્થકોની સામે તે વસ્તુઓ અને ઘટનાઓનું સારી રીતે વિશ્લેષણ કરે છે અને પછી તે મુજબ જ નિર્ણય લે છે.'

પરંતુ ટીકાકાર કહે છે, 'તે તકની રાહ જોઈને બેસે છે અને મળેલી તકને તેઓ વટાવી જાણે છે.'

'આમાં તેઓ પોતાના સાથીઓને પાછળ છોડીને ચાલી નીકળ્યા. પાર્ટીમાં તે ક્યારેય ઉમા ભારતીની નજીક રહ્યા છે તો ક્યારેક બીજા કેટલાંક નેતાઓની.'

વધુમાં તે કહે છે કે ગત કેટલાંય વર્ષોથી તેમનાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રુડી સાથે નજીકના સંબંધ રહ્યા છે.

બીજેપીમાં તેમના એક સમર્થક આ ટીકાઓના જવાબમાં કહે છે, 'બિરલા એવાં નેતાઓમાં છે જે સંબંધોને નિભાવે છે અને સંકટમાં પણ પોતાના મિત્રોને એકલાં છોડતાં નથી.'


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ