જીવસટોસટનો જાદુનો ખેલ કરવા જતાં ભારતીય જાદુગરનું મૃત્યુ

જાદુગર Image copyright EI SAMAY

અમેરિકન જાદુગર હૅરી હૂડિનીની વિશ્વપ્રસિદ્ધ ટ્રિકની નકલ કરવા જતાં એક ભારતીય જાદુગરનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે, જેને પોલીસે અનુમોદન આપ્યું છે.

સાંકળથી બંધાયેલા પશ્ચિમ બંગાળના જાદુગર ચંચલ લહિરી હુગલી નદીમાં ડૂબકી લગાવ્યા બાદ સુરક્ષિત રીતે તરીને બહાર નીકળવાના હતા.

જોકે, એક વાર નદીમાં ડૂબ્યા બાદ તેઓ બહાર નીકળી શક્યા નહીં.

જાદુની આ તરકીબ જોવા માટે હાજર લોકોએ એમને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું, પણ નિષ્ફળતા મળતા પોલીસને જાણ કરાઈ હતી, જે બાદ પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

જે જગ્યાએ આ ઘટના બની એના એક કિલોમિટર દૂર જાદુગરનો મૃતદેહ મળી આવ્યો હતો.


કેમ જીવ જોખમમાં મૂક્યો?

Image copyright video grab

બંગાળના જાદુગર લહિરી મંદ્રાકે તરીકે પણ ઓળખાતા હતા. ઉપરોક્ત દર્શાવેલી જાદુની તરકીબ કરવા માટે તેઓ શરીરે સાંકળ બાંધીને હોડીમાંથી પાણીમાં ઊતર્યા હતા.

જાદુગરના શરીરે છ તાળાં સાથે સાંકળ બાંધવામાં આવી હતી અને તેઓ જ્યારે જાદુની આ તરકીબ કરી રહ્યા હતા, ત્યારે બે હોડીઓમાં સવાર લોકો તેમને જોઈ રહ્યા હતા.

નદીકિનારે પણ કેટલાય લોકો જાદુનો આ ખેલ જોવા માટે એકઠા થયા હતા. કેટલાક જાણીતાં હાવડા બ્રિજ પર ચડીને પણ જાદુનો આ ખેલ નિહાળી રહ્યા હતા.

'પ્રેસ ટ્રસ્ટ્ર ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર, લહિરી દસ મિનિટ સુધી પાણીમાંથી બહાર ન નીકળતા લોકોમાં ભય ફેલાયો હતો.

આ ઘટનાના સાક્ષી જયંતા શૉ નામના ફોટોગ્રાફરે બીબીસીને જણાવ્યું કે જાદુના ખેલ પહેલાં તેમણે લહિરી સાથે વાત કરી હતી.

"મેં જ્યારે એમને પૂછ્યું કે તમે કેમ જાદુ માટે પોતાનો જીવ જોખમમાં મૂકો છો? તો તેમણે મને કહ્યું 'જો હું એને સાચી રીતે કરીશ તો એ જાદુ હશે અને જો હું ભૂલ કરીશ તો એ કરુણાંતિકા સર્જાશે.'

જાદુગરે એમને એવું પણ કહ્યું કે તેઓ 'જાદુમાં ફરીથી લોકોનો રસ કેળવાય' એ માટે આ ખેલ કરવા માગતા હતા.


મૂળ વાત છુપાવી

જોકે, પાણીમાં જાદુના ખેલ બતાવવાની આ કોઈ પ્રથમ તરકીબ નહોતી કે જેમાં તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોય.

20 વર્ષ પહેલાં તેઓ આ જ નદીમાં એક ખોખામાં પૂરાઈને સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થયા હતા.

ફોટોગ્રાફર શૉ એ વખતે પણ ત્યાં હાજર હતા.

શૉએ જણાવ્યું "મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ વખતે તેઓ પાણીની બહાર નહીં આવી શકે."

'પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા' અંતર્ગત લહિરીએ આ તરકીબ કરવા માટે કોલકતા પોલીસ અને કોલકતા પૉર્ટ ટ્રસ્ટ પાસેથી મંજૂરી મેળવી હતી.

જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, જાદુગરે તેમને એવું નહોતું જણાવ્યું કે એ 'તરકીબનો સંબંધ પાણી' સાથે છે.

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે "તેમણે (લહિરીએ) એવું જણાવ્યું હતું કે જાદુનો ખેલ હોડી કે વહાણમાં થશે... એટલે અમે તેમને મંજૂરી આપી હતી."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા