પ્રાચીન સમયમાં લોકો ખોપરીમાં કાણાં કેમ પડાવતાં હતાં?

ખોપડીની પ્રતીકાત્મક તસવીર Image copyright National Museum Denmark/Munoz-Yague/Science Photo

માનવ ઇતિહાસના બહુ લાંબા ગાળા દરમિયાન દુનિયાભરમાં પ્રજાએ ટ્રેપેનેશન નામની વિધિ અપનાવી હતી.

એક એવી વિધિ જેમાં જીવતા મનુષ્યની ખોપરીમાં કાણું પાડવામાં આવતું હતું. તીક્ષ્ણ હથિયારથી ડ્રિલિંગ કરીને, કાપીને કે પછી હાડકાંનો છોલ ઉતારીને માથામાં કાપો મૂકવામાં આવતો હતો.

દુનિયાભરમાં પુરાતત્ત્વ ખાતા દ્વારા થયેલાં ખોદકામમાં એવી હજારો ખોપરીઓ મળી છે, જેમાં કાણાં કરેલાં હોય.

જોકે, વૈજ્ઞાનિકો હજી સુધી એ નથી સમજી શક્યા કે આપણા વડવાઓ શા માટે ખોપરીમાં કાણાં પાડતાં હતાં.

નૃવંશશાસ્ત્રના અહેવાલો અનુસાર, વીસમી સદીમાં આફ્રિકા અને પોલિનેશિયામાં પણ ટ્રેપેનેશન જોવા મળતું હતું.

આ કિસ્સાઓમાં એક કારણ પીડાનું નિવારણ પણ હતું. માથામાં દુખાવો કે પછી ન્યૂરોલૉજિકલ બીમારીને કારણે થતી વેદનાના નિવારણ માટે આવું થતું હતું.

પ્રાગૈતિહાસિક કાળમાં પણ કદાચ આ જ કારણસર ટ્રેપેનેશન થતું હતું. કાણાં સાથેની ઘણી ખોપરીઓમાં માથામાં ઈજા થયાની કે ન્યુરોલૉજિકલ બીમારીના ચિહ્નો પણ જોવાં મળ્યાં હતાં.

ખોપરીના જે હિસ્સામાં કાણું કરવામાં આવ્યું હોય તેની આસપાસ જ આવા ચિહ્ન જોવાં મળ્યાં હતાં.

જોકે માત્ર પીડાના નિવારણ ઉપરાંત અન્ય એક કારણસર પણ ખોપરી વીંધવાનું ચલણ હતું એવી શંકા સંશોધકો લાંબા સમયથી વ્યક્ત કરતા રહ્યા છે.

કદાચ પરંપરા અને વિધિ ખાતર ખોપરી વીંધાતી હશે તેવી શંકા છે.

Image copyright Sheila Terry/Science Photo Library

ખોપરી વીંધવાનો સૌથી પ્રાચીન નમૂનો લગભગ 7000 વર્ષ જૂનો છે.

પ્રાચીન ગ્રીસ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, પોલિનેશિયા અને દૂર પૂર્વ એમ પૃથ્વીના જુદાજુદા પ્રદેશોમાં તે રીત પ્રચલિત હતી તેવા પુરાવાઓ મળ્યા છે.

જુદાજુદા વિસ્તારોમાં આ રીત સ્વતંત્ર રીતે વિકસી હશે તેમ લાગે છે. મધ્ય યુગ સુધીમાં મોટા ભાગની સંસ્કૃતિમાં ખોપરી વીંધવાનું બંધ થઈ ગયું હતું.

જોકે, આફ્રિકા અને પોલિનેશિયાના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં 1900ના પ્રાંરભિક દાયકાઓ સુધી તેનું ચલણ રહ્યું હતું.

ટ્રેપેનેશન વિશેનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન 19મી સદીમાં પ્રગટ થયું હતું.

તે વખતથી વિદ્વાનો એવી દલીલ કરતા આવ્યા છે કે પ્રાચીન મનુષ્યો અમુક કિસ્સામાં બહારની આત્માઓને પોતાના શરીરમાં પ્રવેશવા દેવા માટે પણ ખોપરી વીંધાવતા હશે.

અમુક પંથની દીક્ષા લેવાની વિધિ તરીકે પણ આમ થતું હશે તેમ માનવામાં આવે છે.

જોકે, તે માટેના કોઈ નક્કર પુરાવા મળતા નથી. તબીબી કારણસર ખોપરીમાં કાણું પડાતું હતું તે વાતને તદ્દન નકારી દેવાનું પણ સંભવ નથી.

જોકે, રશિયાના આર્કિયોલૉજિસ્ટ્સને એક ખૂણામાંથી એવા ઉત્તમ પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે વિધિ અને રૂઢિ ખાતર ટ્રેપેનેશન થતું હશે.


Image copyright The German Archaeological Institute (DAI), Julia G

વાતની શરૂઆત થાય છે 1997માં. દૂર દક્ષિણ રશિયાના શહેર રોસ્તોવ-ઓન-દોનની નજીક એક પ્રાગૈતિહાસિક કાળનું કબ્રસ્તાન મળ્યું હતું.

કાળા સમુદ્રની નજીકના વિસ્તારના કબ્રસ્તાનમાં ખોદકામ શરૂ શરૂ કરાયું હતું.

ખોદકામમાં 35 માનવકંકાલ મળ્યાં હતાં. જુદી જુદી 20 કબરોમાં તેમને દફનાવાયેલાં હતાં.

દફનવિધિ પરથી અંદાજ લગાવીને નિષ્ણાતોને કાળખંડ નક્કી કર્યો તે લગભગ ઇસવી પૂર્વે 5,000થી 3,000 વર્ષનો હતો. તે સમયગાળાને 'તામ્રયુગ' તરીકે ઓળખવામાં આવે છે.

એક કબરમાં પાંચ પુખ્તોના કંકાલ હતા - બે સ્ત્રીઓ અને ત્રણ પુરુષો. તેમની સાથે એક શિશુ કંકાલ હતું, જેની ઉંમર એક કે બે વર્ષની જ હશે અને એક કિશોરીનું કંકાલ પણ હતું.

એક જ કબરમાં એકથી વધુ કંકાલ મળે તે નવી વાત નહોતી. પરંતુ તેમની ખોપરીઓમાં જે જોવા મળ્યું હતું તે નવાઈ પમાડે તેવું હતું. બે સ્ત્રીઓ, બે પુરુષો અને કિશોરી એ બધાની ખોપરીઓ વીંધાયેલી હતી.

આ દરેક ખોપરીમાં એક નાનકડું કાણું હતું. થોડા સૅન્ટિમિટર પહોળા આ કાણાં લંબગોળાકાર પ્રકારનાં હતાં. ખૂણા ઘસેલા દેખાતા હતા. ત્રીજા પુરુષની ખોપરીમાં પણ થોડો ભાગ બેસેલો હતો.

તેમાં કાણું થયું નહોતું, પણ આ નિશાની એવું દર્શાવતી હતી કે તેમાં પણ કોતરણી કરવાનો પ્રયાસ થયો હતો. માત્ર શિશુની ખોપરી અકબંધ હતી.

કબરમાંથી મળેલા અવશેષોનું વિશ્લેષણ કરવાની જવાબદારી નૃવંશશાસ્ત્રી એલિના બેતિએવાને મળી હતી.

એલિના હાલમાં રોસ્તોવ-ઓન-દોનની સધર્ન ફૅડરલ યુનિવર્સિટીમાં કામ કરે છે.

આ કાણાં ટ્રેપેનેશનના છે એવું તરત તેમણે પારખી લીધું હતું. સાથે તેમને એ પણ ખ્યાલ આવ્યો કે આ કાણાં અનોખી રીતે કરાયેલાં છે.


Image copyright Science Photo Library

બધાં જ કાણાં ખોપરીમાં બરાબર એક જ સ્થાને કરાયેલાં હતાં. ખોપરીમાં 'ઑબેલિઓન' તરીકે ઓળખાતા હિસ્સામાં જ કાણાં કરવામાં આવેલાં હતાં.

આ હિસ્સો તાળવા પાસે થોડે પાછળની તરફ આવેલો છે. ખોપરીનો એ ભાગ જ્યાંથી ઉપલી ચોટલી બનતી હોય છે.

જોકે નોંધાયેલા ટ્રેપેનેશન્સમાંથી 1% કરતાંય ઓછા કાણાં તાળવાની નજીક થયેલાં છે.

બીજું રશિયામાં તાળવામાં કાણાં પાડવાની રીત સૌથી ઓછી પ્રચલિત હતી, તે પણ બેતિએવા જાણતા હતા. તેમની જાણ પ્રમાણે રશિયામાં બીજી એક જગ્યાએ જ તાળવામાં કાણું પાડેલું જોવા મળ્યું હતું.

તેઓ જે જગ્યાએ ઉત્ખનન કરી રહ્યા હતા તેની નજીકની એક સાઇટ પર 1974માં આવી એક ખોપરી મળી હતી.

દેખીતી રીતે જ તાળવા નજીક કાણાં સાથેની વધારે ખોપરીઓ મળી તે નોંધપાત્ર હતું, પણ આ વખતે એક નહીં પાંચ-પાંચ ખોપરીઓ મળી હતી અને તે પણ એક જ કબરમાંથી.

આ એક અનોખી બાબત હતી અને આજે પણ છે.

ખોપરીમાં કાણાં પાડવાની રીત શા માટે અસામાન્ય હતી તે સમજી શકાય તેવું છેઃ તે બહુ ખતરનાક રીત હતી.


Image copyright Science Photo Library/Alamy

તાળવા નજીક કાણાં પડાયાં હતાં તે ખોપરીની એવી જગ્યા છે, જ્યાં મગજમાં વહેતું લોહી એકઠું થાય છે અને પછી નસમાંથી શરીરના અન્ય ભાગ તરફ જાય છે.

અહીં ખોપરીમાં કાણું પાડો તો લોહીનું હૅમરેજ થઈ જાય અને મોત આવે.

તેનો અર્થ એ થયો કે 'તામ્રયુગ'માં રશિયાના રહેવાસીઓએ તાળવામાં કાણાં પાડ્યાં તેની પાછળ કોઈ મહત્ત્વનું કારણ હોવું જોઈએ.

તાળવા નજીક કાણું કર્યાં છતાં કોઈને કશી ઈજા થઈ હોય કે કોઈ બીમારી હોય તેવાં લક્ષણો મળ્યાં નહોતાં.

બીજા શબ્દોમાં કહીએ તો આ લોકો તંદુરસ્ત હતા, ત્યારે જ ખોપરી વીંધવામાં આવી હતી. તો શું આ કોઈ વિધિ ખાતર કરવામાં આવ્યું હતું?

બહુ નવાઈ પમાડે તેવી એ શક્યતા હતા. જોકે બેતિએવા તેના પર વધુ તપાસ કરી શકે તેમ નહોતા.

દક્ષિણ રશિયામાંથી મળેલા બીજા ઘણા માનવકંકાલની પણ તેમણે તપાસ કરવાની હતી. ભલે રહસ્યમય લાગતી હોય, પણ થોડી ખોપરીઓ પાછળ તેઓ વધારે સમય આપી શકે તેમ નહોતા.

જોકે, આ દિશામાં તપાસ પડતી મૂકતા પહેલાં રશિયાના પ્રકાશિત ના થયેલા પુરાતત્ત્વીય દસ્તાવેજોને ચકાવી જવાનું બેતિએવાએ નક્કી કર્યું.

તેઓ ચકાસણી કરવા માગતા હતા કે તાળવા પાસે વીંધાયેલી બીજી ખોપરીઓ રશિયામાં મળી હતી ખરી કે જેની બહુ જાહેરાત ના થઈ હોય.

આશ્ચર્યજનક રીતે તેમને બે જગ્યાએથી માહિતી મળી. ઘણાં વર્ષો પહેલાં આવી જ રીતે બે યુવતીઓની ખોપરી મળી હતી, જેના તાળવા પાસે કાણાં પાડેલાં હતાં.

એક ખોપરી 1980માં મળી હતી અને બીજી 1992માં. આ બંને ખોપરીઓ પણ રોસ્તોવ-ઓન-દોન શહેરના 50 કિમીના પરિઘની અંદર જ મળી આવી હતી.

તે બંને કિસ્સામાં પણ તબીબી કારણસર ખોપરી વીંધવામાં આવી હતી તેવું લાગતું નહોતું.

આ શોધ સાથે બેતિએવા પાસે હવે કુલ આઠ એવી ખોપરીઓ થઈ. તે બધી જ દક્ષિણ રશિયાના નાનકડા વિસ્તારમાંથી જ મળી હતી અને લગભગ એક જ 'તામ્રયુગ'ની હતી.

એક દાયકા પછી આવી વધુ ખોપરીઓ મળી આવી હતી.


Image copyright Mihajlo Maricic/Alamy

2011માં આર્કિયોલૉજિસ્ટ્સની આંતરરાષ્ટ્રીય ટીમે 137 માનવકંકાલોનું વિશ્લેષણ કર્યું હતું. તામ્રયુગનાં જ ત્રણ જુદાંજુદાં કબ્રસ્તાનના ઉત્ખનનમાંથી જ તે મળી આવી હતી.

રોસ્તોવ-ઓન-દોન શહેરથી અગ્નિ દિશામાં 500 કિમી દૂર આ કબ્રસ્તાન મળ્યાં હતાં.

હાલના જ્યોર્જિયાની સરહદ નજીકના સ્ટાવરોપોલ ક્રાઇ વિસ્તારમાંથી આ ખોપરીઓ મળી હતી.

આર્કિયોલૉજિસ્ટ્સની ટીમ કંઈ વીંધાયેલી ખોપરીઓની તપાસમાં નહોતી નીકળી.

તેઓ આ વિસ્તારના પ્રાગૈતિહાસિક કાળના મનુષ્યની તંદુરસ્તી કેવી હતી તેની તપાસ માટે નીકળી હતી. પરંતુ આ 137 ખોપરીમાંથી નવ ખોપરીઓમાં તેમનું ધ્યાન ખેંચે તેવાં કાણાં જોવાં મળ્યાં હતાં.

તેમાંથી પાંચ નમૂના સામાન્ય પદ્ધતિએ થયેલા ટ્રેપેનેશનના હતા. ખોપરીના આગળના અને બંને બાજુના જુદાજુદા ભાગોમાં કાણાં પાડવામાં આવ્યાં હતાં.

દરેકમાં ખોપરીને નુકસાન થયાનાં ચિહ્નો પણ મળ્યાં હતાં. તેનો અર્થ એ થયો કે ઈજાની સારવાર માટે આ કાણાં કરવામાં આવ્યાં હતાં.

જોકે બાકીની ચાર ખોપરીમાં કોઈ ઈજાના કે બીમારીનાં ચિહ્નો જોવાં મળ્યાં નહોતાં. મજાની વાત એ હતી કે ચારેય ખોપરીમાં બરાબર તાળવાની નજીક જ કાણાં પાડવામાં આવેલાં હતાં.

સંજોગવશાત્ આ સંશોધકોમાંથી એક જર્મન આર્કિયોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના નૃવંશશાસ્ત્રી જુલિયા ગ્રેસ્કીએ બેતિએવાનો અભ્યાસ લેખ વાંચ્યો હતો.

રોસ્તોવ-ઓન-દોન વિસ્તારમાં મળેલી ખોપરીના તાળવામાં કાણાં વિશેનો તેમનો આ લેખ હતો.

હવે ગ્રેસ્કી, બેતિએવા અને અન્ય આર્કિયોલૉજિસ્ટ્સે ભેગા મળીને દક્ષિણ રશિયામાંથી મળેલી 12 ખોપરીનો વિગતે અભ્યાસ કરીને શોધનિબંધ તૈયાર કર્યો.

તેમનો શોધનિબંધ એપ્રિલ 2016માં અમેરિકન જર્નલ ઑફ ફિઝિકલ એન્થ્રૉપૉલૉજીમાં પ્રગટ થયો હતો.

12 ખોપરી કોઈ પણ જગ્યાએ મળી હોત તેણે ધ્યાન ખેંચ્યું હોત, પરંતુ આ બધી જ ખોપરીઓ દક્ષિણ રશિયામાં એક ખૂણામાંથી જ મળી તે વધારે નોંધપાત્ર હતું.

તે બધા વચ્ચે કશોક સંબંધ હોવો જોઈએ, કેમ કે નહીં તો એક જ વિસ્તારમાંથી બધી મળી ના હોત.

ગ્રેસ્કી, બેતિએવા અને તેમના સાથીઓનું કહેવું છે કે આ વાત સાબિત કરવી મુશ્કેલ છે, પણ એક જ પ્રદેશમાંથી ખોપરીઓ મળી તેનો અર્થ એ થયો કે દક્ષિણ રશિયામાં કોઈ વિધિ ખાતર તાળવામાં કાણું પાડવામાં આવતું હતું.

મોસ્કોની રશિયન એકેડમી ઑફ સાયન્સિઝના મારિયા મેડનિકોવા રશિયન ટ્રેપેનેશનના નિષ્ણાત છે તેઓ માને છે કે ચોક્કસ જોખમી જગ્યાએ ખોપરી વીંધવામાં આવી તેનો અર્થ એ થયો કે કોઈ પ્રકારના 'પરિવર્તન' માટે તે કરવામાં આવતું હશે.

તાળવામાં વીંધણું કરીને સામાન્ય પ્રકારના લોકો કરતાં પોતે અલગ પ્રકારની સિદ્ધિઓ મેળવી લેશે તેમ આ લોકો માનતા હોવા જોઈએ એમ તેઓ કહે છે.


Image copyright Photo Researchers Inc/Alamy

આપણે જોકે માત્ર શક્યતાઓ જ વિચારી શકીએ કે 12 તંદુરસ્ત વ્યક્તિઓએ શા માટે તાળવામાં જોખમી રીતે કાણાં પાડ્યાં હતાં.

જોકે, આ કાણાંને કારણે આ લોકોનું શું થયું હશે તે આપણે ધારી શકીએ તેમ છીએ.

આ 12માંથી એક ખોપરી 25 વર્ષથી ઓછી ઉંમરની એક યુવતીની હતી. રોસ્તોવ-ઓન-દોનની નજીકની એક કબરમાંથી તે મળી હતી.

ખોપરીનો તે ઘાવ સારો થયો નહોતો તેમ લાગે છે. તાળવામાં કાણું પાડ્યા પછી થોડા વખતમાં જ તેનું મોત થયું હશે તેમ લાગે છે.

જોકે, કાણાં સાથેની બીજી ખોપરીઓના માલિકો આ ઑપરેશન પછી પણ બચી ગયા હશે તેમ લાગે છે.

ખોપરીનાં હાડકાંના છેડા પરથી એવાં ચિહ્નો મળે છે કે ઘા ધીમેધીમે રુઝાઈ ગયો હશે. જોકે હાડકું જેટલું કાપી નખાયું હતું તેટલું ફરી વિકસ્યું નહોતું.

12માંથી 3 ખોપરીમાં કાણું કરેલું હતું ત્યાં ઘા થોડો રુઝાયો હોવાની નિશાનીઓ મળી છે. તેનો મતબલ એ થયો કે આ વ્યક્તિઓ ખોપરી વિંધાવ્યા પછી બેથી આઠ અઠવાડિયાં સુધી જીવ્યા હશે.

આમાંની બે મહિલાઓ હતી, જેની ઉંમર 20થી અને 35 વર્ષની હતી. ત્રીજી વ્યક્તિની ઉંમર 50થી 70 વર્ષની હતી, પણ તે પુરુષ હતી કે સ્ત્રી તે નક્કી થઈ શક્યું નહોતું.

Image copyright The German Archaeological Institute (DAI), Julia G

બાકીની 8 ખોપરીમાં ઘા વધારે રુઝાયો હતો તેવું દેખાતું હતું. આજે આપણે હાડકાને સંધાતા જે રીતે જોઈએ છીએ, તે પ્રમાણે આ લોકો કદાચ ખોપરી વીંધાવ્યા પછી ચારેક વર્ષ જીવ્યા હતા.

આ આઠમાંથી પાંચ પેલી ખોપરીઓ હતી, જે રોસ્તોવ-ઓન-દોન શહેર નજીકના સામૂહિક કબ્રસ્તાનમાંથી મળી હતી.

20 વર્ષ પહેલાં આ ખોપડીઓ મળી ત્યારે તેના પરની આ વિચિત્ર નિશાનીઓથી જ બેતિએવાનું ધ્યાન ખેંચાયું હતું.

બે પુરુષો, બે મહિલાઓ અને એક કિશોરી પાંચેય ખોપરીમાં કાણાં પછી ઘણાં વર્ષો જીવ્યા હતા તેમ લાગે છે. કિશોરના કંકાલ પરથી તેની ઉંમર 14થી 16 વર્ષની હશે તેમ માની શકાય.

તે 12 વર્ષની હશે ત્યારે તેની ખોપરીમાં કાણું કરાયું હશે.

એવી પણ શક્યતા છે કે આ 12 લોકોને કોઈ રોગ થયો હશે અથવા માથામાં ઈજા થઈ હતી. તે સંજોગમાં આઠ જણને કાણું પાડવાની સારવાર કદાચ કામ આવી હશે.

જોકે, એ વાત પણ સાચી હોય શકે છે કે બેતિએવા અને તેમના સાથીઓ માને છે તે પ્રમાણે કદાચ કોઈ વિધિ માટે જ આ લોકોએ ખોપરી વીંધાવી હતી.

તે વાત સાચી હોય તો આપણે માત્ર અનુમાનો જ કરવાનાં રહ્યા કે કેવા ફાયદા માટે તેમણે આવો વિધિ કરાવ્યો હશે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો