વર્લ્ડ કપ 2019 : જ્યારે ડેનિસ લિલીના એક બૅટથી બદલાઈ ગયો ક્રિકેટનો નિયમ

ડેનિસ લિલી Image copyright Getty Images
ફોટો લાઈન બૉબ મેસી અને ડૉગ વૉલ્ટર્સની સાથે ડેનિસ લિલી

આ વાતને 40 જેટલાં વર્ષ વીતી ગયા છે. વાત છે 15 ડિસેમ્બર, 1979ની છે જ્યારે એશિઝ સિરીઝની એક મૅચ ચાલી રહી હતી.

પર્થના ડબ્લ્યૂએસીએ મેદાનમાં યોજાયેલી આ મૅચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે હતી.

ઑસ્ટ્રેલિયાનો સ્કોર આઠ વિકેટે 219 રનનો હતો અને મેદાનમાં રમતાં ડેનિસ લિલી ઇયાન બોથમના એક બૉલને એકસ્ટ્રા કવર તરફ રમ્યા.

તરત તેમણે ત્રણ રન લેવાં માટે દોડ્યા પરંતુ આ વચ્ચે તમામનું ધ્યાન ગયું એક અલગ અવાજ તરફ. તે અવાજ તેમના બૅટમાંથી નીકળ્યો હતો.

આ એજ વિવાદિત બૅટ હતું જેના કારણે ક્રિકેટની રમતના નિયમ બદલાઈ ગયા.


શું હતો વિવાદ ?

ડેનિસ લિલીના હાથમાં જે બૅટ હતુ તે બીજા ખેલાડીઓની જેમ લાકડાંનું નહોતું, પરંતુ ઍલ્યુમિનિયમનું હતુ.

આ એજ કારણ છે કે બૉલ અને બૅટ અથડાવાને કારણે મેદાનમાં એક અવાજ આવ્યો હતો.

આ મૅચના બાર દિવસ અગાઉ લિલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની એક મૅચમાં આ બૅટનો ઉપયોગ કર્યો હતો.


અમ્પાયરે ઉઠાવ્યા સવાલ

Image copyright Getty Images
ફોટો લાઈન ડિસેમ્બર 1979માં લેવામાં આવેલા ફોટો પોતાના બૅટની સાથે ડેનિસ લિલી

વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં કોઈએ પણ ડેનિસ લિલીના ઍલ્યુમિનિયમના બૅટ સામે કોઈએ વિરોધ દર્શાવ્યો ન હતો. પરંતુ ઇંગ્લૅન્ડની સાથે રમાઈ રહેલી મૅચમાં ટીમના કૅપ્ટન માઇક બ્રિયરલીએ વિરોધ નોંધાવ્યો.

તેમણે ફરિયાદ કરી હતી કે ઍલ્યુમિનિયમના બૅટનો ઉપયોગ કરવાથી બૉલના આકાર પર અસર પડવાનો ડર રહે છે.

આ પછી મૅચમાં અમ્પાયર મેક્સ ઓ'કૉનેલ અને ડૉન વેજરે લિલીને કહ્યું કે તે મૅચમાં પોતાના બૅટનો ઉપયોગ નહીં કરી શકે.

લિલીએ આના પર વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે ક્રિકેટની રૂલ બુક(રમતના નિયમનું પુસ્તક)માં ક્યાંય પણ આ લખ્યું નથી કે માત્ર લાકડાના બૅટનો જ ઉપયોગ કરવાનો છે અને ઍલ્યુમિનિયમના બૅટનો ઉપયોગ કરી શકાશે નહીં.

આ દરમિયાન તે પોતાના ગુસ્સા પર કાબૂ કરી શક્યા નહીં અને તેમણે પોતાનું બૅટ ફેંકી દીધું.

છેવટે ઑસ્ટ્રેલિયાની ટીમના કૅપ્ટન ગ્રેગ ચેપલે મેદાનમાં આવીને ડેનિસને સમજાવવું પડ્યું કે તે લાકડાના બૅટનો ઉપયોગ કરે.

આ પછી લિલીએ લાકડાના બૅટથી રમવાનું શરૂ કર્યું અને બીજા ત્રણ રન લીધા પછી તે આઉટ થઈ ગયા.


કેવી રીતે બન્યું આ બૅટ ?

Image copyright Getty Images

અગાઉના વર્ષોમાં બૅસબૉલનું બૅટ લાકડાંથી બનાવવામાં આવતું હતું. પરંતુ સમયની સાથે-સાથે તેમાં લાકડાંના સ્થાને ઍલ્યુમિનિયમના બૅટનો ઉપયોગ થવા લાગ્યો.

આનાથી પ્રેરણા મેળવીને ક્રિકેટ ક્લબમાં રમનાર એક ખેલાડી ગ્રાઍમ મોનધને એક ખાસ બૅટ બનાવ્યુ જે એલ્યુમિનિયમનું હતું.

ક્રિકેટ ક્લબમાં ગ્રાએમ અને ડેનિસ લિલી સારા મિત્રો હતા. આ બંને વેપારમાં ભાગીદાર પણ હતા.

આ જ કારણ હતુ કે લિલી પણ આ એલ્યુમિનિયમના બૅટ સાથે રમવા માટે મેદાનમાં ઊતર્યા હતા.

જોકે, અમ્પાયરે વિરોધ દર્શાવતાં આના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.


બૅટ માટે બદલવામાં આવ્યા નિયમ

Image copyright Getty Images
ફોટો લાઈન 1981માં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં ડેનિસ લિલીએ આયન બૉથમની વિકેટ લીધી હતી

ઍલ્યુમિનિયમ બૅટ પર થયેલાં વિવાદ પછી ઑસ્ટ્રેલિયામાં આ પ્રકારના બૅટનું વેચાણ ઘણું વધી ગયું.

આ ઘટનાના કેટલાક દિવસો પછી ક્રિકેટની રૂલ બુકમાં કેટલાક નવા નિયમ ઉમેરવામાં આવ્યા.

આ નિયમોમાં એક હતો કે ક્રિકેટની રમતમાં માત્ર લાકડાના બૅટનો જ ઉપયોગ થશે.

આ પહેલાં બૅટને લઈને ક્રિકેટની રૂલ બુકમાં કોઈ પણ પ્રકારનો કોઈ નિયમ લખેલો ન હતો.

નવા નિયમ બન્યા પછી ઍલ્યુમિનિયમના બૅટના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો. પરંતુ ક્રિકેટના ઇતિહાસમાં આ ઘટના જરૂર નોંધાઈ છે.

1981માં ઇંગ્લૅન્ડની સામે રમાયેલી મેચમાં ડેનિસ લિલીએ પોતે બૉલિંગ વડે કમાલ કરી હતી. તેમણે ચાર વિકેટ લીધી અન ઇંગ્લૅન્ડના બૅટિંગ ઑર્ડરને પણ ધ્વસ્ત કરી દીધો.

આ સિરીઝ ઑસ્ટ્રેલિયાએ 3-0થી જીતી. પરંતુ આ સિરીઝને ક્રિકેટ પ્રેમી 'ઍલ્યુમિનિયમના બૅટની સાથે જોડાયેલા વિવાદ'થી જોડીને જુવે છે.


'તે માર્કેટિંગની એક તરકીબ હતી'

Image copyright Getty Images
ફોટો લાઈન પોતાની મૂર્તિની સામે ડેનિસ લિલી

ડેનિસ લિલીએ પોતાની આત્મકથામાં આ વિવાદ વિશે વિસ્તારથી લખ્યું છે. તેમાં તેણે કહ્યું કે "આ એક માર્કેટિંગની કરામત હતી જે અમે અમારા બૅટને વેચવા માટે કરી હતી."

ઇયાન બોથમે પોતાના પુસ્તક 'બોથમ્સ બુક ઑફ ધ એશિઝ - અ લાઈફ ટાઈમ લવ અફેર વિથ ક્રિકેટ્સ ગ્રેટેસ્ટ રાઇવલરી'માં પણ આ વિવાદ વિશે લખ્યું છે.

ડેનિસ લિલી વિશે તેમણે લખ્યું, 'લિલી એક સારા બૉલર છે પરંતુ એક બૅટ્સમૅન તરીકે તે એટલાં સારા ન હતા. તેમણે માત્ર રમતમાં પોતાને આગળ વધારવા માટે ઍલ્યુમિનિયમના બૅટથી રમવાનો નિર્ણય કર્યો હતો.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો