વર્લ્ડ મ્યુઝિક ડે : ઐશ્વર્યા, ઈશાની, ભૂમિ, કિંજલ, ગીતા અને રાજલે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાના રેકર્ડ બ્રેક કર્યા

રાજલ બારોટ, કિંજલ દવે, ગીતા રબારી Image copyright dharmesh gor
ફોટો લાઈન રાજલ બારોટ, કિંજલ દવે, ગીતા રબારી

ગુજરાતી લોકસંગીત અને ફિલ્મી સંગીતમાં મહિલા કલાકારોની હંમેશાં ઓછી સંખ્યા રહી છે. ગુજરાતી સંગીતમાં દિવાળીબહેન ભીલને સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર મળ્યો, તેમજ દમયંતી બરડાઈને 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ફિલ્મમાં ગીત ગાવાની તક મળી.

ઉપરાંત મીના પટેલ, ભારતી કુંચાલા અને ભાવના લાબડિયા જેવાં જૂજ નામો હતાં, જેઓ પુરુષોનું પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં પોતાની ઓળખ ઊભી કરી શક્યાં.

તે પહેલાં તો એવી સ્થિતિ હતી કે ગુજરાતી ફિલ્મોમાં મહેશ-નરેશનું સંગીત હોય અને મહેશ કનોડિયા જ મહિલાઓના અવાજમાં ગીતો ગાતાં હોય.

સ્નેહલતાનાં અનેક ગીતોમાં મહેશ કનોડિયાએ જ અવાજ આપ્યો હતો.

ત્યારબાદ ઉષા મંગેશકર, લતા મંગેશકર અને આશા ભોંસલેએ પણ ઘણાં ગુજરાતી ગીતો ગાયાં હતાં.

Image copyright Getty Images

ત્યારબાદ ગુજરાતી ગાયિકાઓનો એક શૂન્યાવકાશ સર્જાયો હતો. વચ્ચે લોકસંગીત ક્ષેત્રે કેટલાંક મહિલા કલાકારો આવ્યાં, પણ તેઓ આટલાં લોકપ્રિય થઈ શક્યાં નહીં.

હવે ફરી એવો સમય આવ્યો છે કે ગુજરાતી ગાયિકાઓની બોલબાલા વધી છે.

પછી તે કિંજલ દવે, ગીતા રબારી, ઈશાની દવે કે રાજલ બારોટ જેવા લોકસંગીતનાં કલાકાર હોય કે પછી બોલીવૂડ સુધી ગુજરાતનું નામ રોશન કરનાર ઐશ્વર્યા મજમુદાર અને ભૂમિ ત્રિવેદી જેવાં કલાકારો હોય.

આ સાથે જ છેક 90ના દાયકાથી અત્યાર સુધી લોકપ્રિય નામોની યાદીમાં યથાવત્ રહેલું નામ હોય તો એ ફાલ્ગુની પાઠકનું છે. જેમણે પોતાનો અલગ વર્ગ ઊભો કર્યો છે.

યૂટ્યૂબ પર ફાલ્ગુની પાઠકની ચેનલને 10 લાખ કરતાં વધુ લોકોએ સબ્સક્રાઇબ કરી છે.

યૂટ્યૂબ પર ફાલ્ગુનીનાં ગીતોને કરોડો લોકો માણી ચૂક્યાં છે. જો એમની ઑફિશિયલ ચેનલના હિસાબે એમનાં ટૉપ 10 ગીતો લાખો-કરોડો લોકો જોઈ ચૂક્યા છે.

 • 'મેને પાયલ હૈ છનકાઈ...' એ યૂટ્યૂબ પર ફાલ્ગુની પાઠકનું સર્વાધિક વખત જોવાયેલું ગીત છે. આ ગીત 16 કરોડ કરતાં વધુ વખત જોવાઈ ચૂક્યું છે.
 • 'સાવન મેં...' ગીત ચાર કરોડ 70 લાખ કરતાં વધુ વખત યૂઝર્સ જોઈ ચૂક્યા છે.
 • 'ઐયો રામા...' ગીતની વાત કરવામાં આવે તો ફાલ્ગુની પાઠકની યૂટ્યૂબ ચેનલ પર આ ગીતને ચાર કરોડ 40 લાખ કરતાં વધુ વખત યૂઝર્સ જોઈ ચૂક્યા છે.
 • ફાલ્ગુની પાઠકનું 'ઓ પીયા...' ગીત ત્રણ કરોડ કરતાં વધુ વખત લોકોએ યૂટ્યૂબ પર માણ્યું છે.
 • ફાલ્ગુની પાઠકનું ગીત 'મેરી ચૂનર ઊડ ઊડ જાયે...' પણ આટલું જ લોકપ્રિય થયું છે. યૂટ્યૂબ પર આ ગીતને ફાલ્ગુનીની ઑફિશિયલ ચેનલ હેઠળ ત્રણ કરોડ કરતાં વધુ વખત યૂઝર્સ માણી ચૂક્યા છે.

'ગાયકી સાથે દેખાવનું પણ એટલું જ મહત્ત્વ'

Image copyright Connecting Dots entertainment

ઐશ્વર્યા મજમુદાર એક બાળકલાકાર તરીકે ટીવી રિયાલિટી શોમાં આવેલાં પછી તો અનેક કાર્યક્રમોમાં તેઓ દેખાયાં. કેટલીક બોલીવૂડ ફિલ્મોમાં પણ તેમણે ગીતો ગાયાં છે.

ગુજરાતીઓ માટે તો તેમનું નામ બિલકુલ અજાણ્યું નથી. તેમનાં યૂટ્યૂબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફૉલોઅર્સ છે.

ત્યારે ઐશ્વર્યા કહે છે, "મને નિષ્ફળતાનો ક્યારેય ડર લાગ્યો નથી. મેં હંમેશાં એવું જ વિચાર્યું છે કે મારો એક ચોક્કસ વર્ગ તો હંમેશાં રહેવાનો છે, સંગીત ક્યારેય જૂનું થતું નથી."

"લતા મંગેશકરને લોકો આજે પણ સાંભળે છે અને માન આપે છે."

ઐશ્વર્યાની ગાયકીની જેટલી પ્રશંસા થાય છે તેટલો જ તેમને વિવિધ માધ્યમો પર તેમના હાવભાવને લઈને લોકોની ટીકાનો પણ સામનો કરવો પડે છે.

તેઓ કહે છે, "તમે દુનિયાના અન્ય દેશોમાં જુઓ તો જે ગાય છે, એ જ તમને સ્ક્રીન પર દેખાય પણ છે, આપણે ત્યાં જ માત્ર એવું ચલણ હતું કે અવાજ કોઈનો હોય અને સ્ક્રીન પર બીજું કોઈ હોય."

"સ્ક્રીન પર તમારા દેખાવ અને હાવભાવ હવે મહત્ત્વના છે અને તેમા હું કશું જ વિશેષ કરતી નથી. તમે કદાચ મને રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં મને જુઓ તો ત્યારે પણ મારા ચહેરા પર આવા જ હાવભાવ હશે."

ઐશ્વર્યા મજમુદારની યૂટ્યૂબ ચેનલને 3 લાખ કરતાં વધુ લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે.

આ ઉપરાંત અનેક ગીતો માટે ઐશ્વર્યા ચર્ચામાં રહ્યાં છે.


ફૉલોઅર્સનો આંકડો મહત્ત્વનો નથી

Image copyright Avinash gadhvi
ફોટો લાઈન ઈશાની દવે

ઈશાની દવેએ જે સ્ટેજ પર ગાવાની શરૂઆત કરી હતી તે મંચ દરેક કલાકાર માટે એક સપનું હોય છે. ઈશાની કહે છે:

"મેં મારા જીવનનું સૌથી પહેલું પર્ફૉર્મન્સ મારા પપ્પા (પ્રફુલ્લ દવે) સાથે લંડનના રૉયલ આલ્બર્ટ હૉલમાં કરેલું."

"ત્યારે મારી ઉંમર 12 વર્ષની હશે. મેં 'કોણ હલાવે લીમડી, કોણ ઝૂલાવે પીપળી..' ગાયેલું. મારું સપનું છે કે હવે ભવિષ્યમાં મારો વ્યક્તિગત કાર્યક્રમ ત્યાં યોજાય."

માતા-પિતા અને ભાઈ બધા જ સંગીતના ક્ષેત્રે સક્રિય હોય ત્યારે પોતાની અલગ ઓળખ બનાવવાના પડકાર અંગે ઇશાની કહે છે:

"અમારી ચારેયની ગાવાની શૈલી અલગ છે. તેથી હું તેને પડકાર તરીકે નથી લેતી, પરંતુ ઑડિયન્સ મને મારા પેરેન્ટ્સ સાથે સરખાવવાનું જ છે."

જ્યારે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવા મીડિયા પર ફૉલોઅર્સની સંખ્યા આજે એક હરીફાઈ બની ગઈ છે, તે અંગે ઇશાની કહે છે:

"મારા માટે આંકડા નથી મહત્ત્વના, હું એ હરીફાઈનો ભાગ નથી. મારા માટે મારું ડેડિકેટેડ ઑડિયન્સ જ મહત્ત્વનું છે, પછી ભલે તે દસ લોકો જ હોય."


પહેલો સ્ટેજ પ્રોગ્રામ અને એ પણ મારા પિતાની શ્રદ્ધાંજલિનો

Image copyright dinesh desai
ફોટો લાઈન રાજલ બારોટ

જાણીતાં લોકગાયિકા મણિરાજ બારોટનાં પુત્રી અને ગાયિકા રાજલ બારોટમાં લોકો તેમના પિતાની છબિ શોધે છે. રાજલ જણાવે છે :

"આજે દરેક સમાજ અને દરેક ક્ષેત્રમાં છોકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે રીતે સમાજની વિચારધારામાં ફરક આવ્યો છે."

"હવે માત્ર ગાવાથી નથી થતું, તમે એક પર્ફૉર્મર છો, માત્ર ગાયક નહીં. એ એક પડકાર છે. ઑડિયન્સને અમુક જ કલાકાર કેમ ગમે છે, તો એમને શું ગમે છે એ પણ એક પડકાર છે."

પોતાના સૌ પહેલા કાર્યક્રમની ભાવુક પળો યાદ કરતાં રાજલ કહે છે, "હું 13 વર્ષની હતી ત્યારે હું સૌથી પહેલી વખત સ્ટેજ પર ગઈ."

"કપડવંજમાં એક તો પ્રથમ પ્રોગ્રામની નર્વસનેસ અને ઉપરથી મારા પપ્પાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. લોકોની મણિરાજ બારોટની દીકરી તરીકેની અપેક્ષા અને ભાવુક કાર્યક્રમ."

એવું ઘણી વખત બન્યું છે, જ્યારે રાજલ માટે પણ 'ફેમ મોમૅન્ટ' હોય. તેઓ આવી જ એક સ્મૃતિ તાજી કરતાં કહે છે :

"એક વખત તારક મહેતાની ટીમ મારા કાર્યક્રમમાં આવેલી અને મેં તલવાર સાથે પર્ફૉર્મ કરેલું. એ જોઈને દિશા વાકાણી ખૂબ ખુશ થઈ ગયેલાં અને સ્ટેજ પર આવીને મારા માટે તાળી પાડેલી."

 • રાજલ બારોટનું ગીત 'ગુજરાતીનો ક્રેઝ...' ભારે લોકપ્રિય થયું છે. આ ગીતને એક કરોડ 20 લાખ કરતાં વધુ વખત જોવાઈ ચૂક્યું છે.
 • રાજલનું 'ફૅશન...' ગીત એક કરોડ કરતાં વધુ લોકો જોઈ શક્યા છે.
 • રાજલનું 'દ્વારિકાનો નાથ...' લગભગ 80 લાખ વખત જોવાયું છે.
 • રાજલ બારોટનું ગુજરાતી ગરબાનું કલેક્શન 'અચકો-મચકોટ' -1...ને 40 લાખ કરતાં વધુ જોઈ ચૂક્યા છે.

કિંજલ ગાઈ શકશે 'ચાર બંગડી' ગીત, હાઈકોર્ટની મંજૂરી


'ચાર બંગડીવાળી ગાડી'ને નવી ઓળખ આપનાર કિંજલ દવે

Image copyright Manthan modi
ફોટો લાઈન કિંજલ દવે

'ચાર ચાર બંગડીવાળી...' ગીતથી દુનિયાભરમાં છવાઈ ગયાં તે પહેલાં કિંજલ દવેએ ઉત્તર ગુજરાતનાં લોકગીતો અને લગ્નગીતોનાં લગભગ ચાર આલબમ કર્યાં હતાં.

માત્ર આ એક ગીતે તેમને રાતોરાત સફળતાના નવા શિખરે પહોંચાડી દીધાં.

એક ઇન્ટરવ્યૂમાં કિંજલ દવેએ કહ્યું હતું કે, આ ગીત માત્ર બે દિવસમાં તૈયાર થયું હતું.

એક દિવસ તેને કમ્પોઝ અને રેકર્ડ કરવામાં લાગ્યો. પછીના દિવસે શૂટિંગ થયું અને બે દિવસમાં ગીત એડિટ થઈને લૉંચ પણ થઈ ગયું હતું, જેને યૂટ્યૂબ પર એક જ રાતમાં ત્રણ લાખ વ્યૂઝ મળ્યા હતા.

કિંજલની કારકિર્દીની સફળતા પહેલાં તેમના પિતા હીરા ઘસતા હતા અને માતા ઘરમાં વીશી ચલાવતાં હતાં.

એક ઇન્ટરવ્યૂમાં કિંજલે જણાવ્યું હતું કે, તેમના પિતા નાના કાર્યક્રમોમાં ભજન અને નવરાત્રિમાં ગરબા ગાતાં. ત્યારે કિંજલ રડીને પિતા પાસે એક ગરબો કે એક ભજન ગાવા દેવાની જીદ કરતાં. આ રીતે તેમણે જીવનમાં ગાવાની શરૂઆત કરેલી.

તેમણે કહેલું, એક વખત હીરાઉદ્યોગમાં મંદી આવી અને એવી સ્થિતિ આવી ગયેલી કે તેમના વિસ્તારમાં કોઈ પટેલ દાતા ઘઉં વહેંચતા હતા. ત્યાં દસ કિલો ઘઉં લેવા માટે તેમનાં માતાને ઉનાળાની બપોરે પાંચ કલાક ઊભાં રહેવું પડેલું.

હવે જેમનાં અવાજના કરોડો લોકો દીવાના છે અને જેમના કાર્યક્રમમાં લાખથી દોઢ લાખ લોકોની ભીડ એકઠી થાય છે તે કિંજલ દવે બુલેટ ચલાવવાનો શોખ ધરાવે છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે જે કિંજલને મોબાઈલમાં યૂટ્યૂબ પર લાખો લોકો સાંભળે છે તે કિંજલ દવે પાસે સગાઈ પછી પોતાનો મોબાઈલ આવ્યો. તેમજ તેમણે અત્યાર સુધીમાં માત્ર ત્રણ કે ચાર ફિલ્મ જ થિયેટરમાં જોઈ છે.

 • કિંજલ દેવુંનું બહુ પ્રખ્યાત થયેલું 'ચાર-ચાર બંગડી...' ગીત કેટલીય યૂટ્યૂબ ચેનલ પર અપલોડ થયેલું જોઈ શકાય છે અને દરેક જગ્યાએ આ ગીત લાખો લોકો જોઈ ચૂક્યા છે.
 • 'અમે ગુજરાતી લેરી લાલા...' નામનું કિંજલ દવેનું ગીત યૂઝર્સ લગભગ 87 લાખ વખત યૂટ્યૂબ પર માણી ચૂક્યા છે.
 • કિંજલ દવેનું ગીતોનું 'કિંજલ કનેક્શન...' 65 લાખ કરતાં વધુ લોકો યૂટ્યૂબ પર માણી ચૂક્યા છે.
 • કિંજલ દવેનું 'ધન છે ગુજરાત...' હજુ હાલમાં જ રિલીઝ થયું છે અને યૂટ્યૂબ પર આ ગીતને 50 લાખ કરતાં વધુ વખત જોવાઈ ચૂક્યું છે.
 • કિંજલ દવેનું 'મોજ...'માં ગીતને યૂઝર્સ યૂટ્યૂબ પર 50 લાખ કરતાં વધુ વખત જોવાઈ ચૂક્યું છે.
 • મોહમ્મદ રફીનો અવાજ આ ગીત બાદ તૂટી ગયો હતો?

છ મહિનાની ઉંમરથી ગીતો ગણગણવાનું શરૂકર્યું

Image copyright Blog/bhoomi trivedi
ફોટો લાઈન ભૂમિ ત્રિવેદી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એક છોકરીએ સફળ ગાયિકા થવા માટે પાતળો અવાજ હોવો જરૂરી છે.

આ માન્યતાને બિલકુલ ખોટી સાબિત કરીને બેઝ વોઈસ સાથે પણ બોલીવૂડમાં ગુજરાતનું નામ ગૂંજતું કરતાં ગાયિકા એટલે ભૂમિ ત્રિવેદી.

વિવિધ રિયાલિટી શો દ્વારા ટીવી ક્ષેત્રે અને બોલીવૂડમાં નામ મેળવનાર ભૂમિનાં માતા શિક્ષિકા અને પિતા રેલવે કર્મચારી છે. બંને સંગીતનાં શોખીન અને જાણકાર છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાના ટાઇટસ સોંગ બાદ તેમણે શાહરુખ ખાનની ફિલ્મ 'રઈસ'માં 'ઊડી ઊડી' ગીત ગાયું અને ત્યારબાદ ફિલ્મ 'ઝીરો'માં 'હુશ્ન પરચમ...' ગીત ગાયું.

સાથેસાથે તેઓ નવરાત્રિ દરમિયાન ગુજરાતીઓને ગરબે પણ રમાડતાં રહ્યાં છે.

તાજેતરમાં જ ભૂમિએ પોતાનો બ્લૉગ શરૂ કર્યો છે, જેમાં તેમની સંગીતની શરૂઆત વિશે લખ્યું છે, "હું સંગીત શું છે તે સમજતી પણ નહોતી ત્યારે મારાં માતા-પિતા સંગીત શીખવા જતાં. તેઓ રિયાજ કરતાં ત્યારે હું બિલકુલ શાંત થઈ જતી."

તેમણે લખ્યું છે, "હું માત્ર છ વર્ષની હતી ત્યારે મારાં માતા-પિતાએ મને પહેલી વખત કશુંક ગણગણતાં સાંભળી હતી અને એ મારું સંગીતની દુનિયામાં પ્રથમ પગલું હતું."

 • થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ 'ઝીરો'માં ભૂમિ ત્રિવેદીએ ગાયેલું ગીત 'હુશ્ન પરમચ...' છ કરોડ 60 લાખ કરતાં વધુ લોકો જોઈ ચૂક્યા છે.
 • 'રઈસ' ફિલ્મનું 'ઊડી ઊડી જાય...' ગીતને 14 કરોડ કરતાં વધુ લોકો યૂટ્યૂબ પર જોઈ ચૂક્યા છે
 • 'મીત બ્રોઝ્' સાથે મળીને ભૂમિ ત્રિવેદીએ ગાયેલું ગીત 'ડાન્સ કે લિજ‌ૅન્ડ...' ગીતને એક કરોડ કરતાં વધુ લોકો જોઈ ચૂક્યા છે.
 • ભૂમિ ત્રિવેદીએ ગાયેલું 'બિને તેરે સનમ...' ગીત 50 લાખ કરતાં વધુ લોકો યૂટ્યૂબ પર જોઈ ચૂક્યા છે.

એક શિક્ષકે બતાવી સંગીતની દુનિયા

Image copyright facebook/geetarabari
ફોટો લાઈન ગીતા રબારી

એક ગુજરાતી ગીત આવ્યું, જેમાં દૃશ્યો તો શહેરી છે, પણ ગાયિકા સંપૂર્ણ કચ્છી પ્રાદેશિક પોશાક અને ઘરેણાંથી સજ્જ છે.

આ ગાયિકાએ લોકોમાં એવું આકર્ષણ જમાવ્યું કે તેઓ ટૂંક સમયમાં એક સ્ટાર બની ગયાં.

આ ગીત એટલે 'રોણા શેરમાં...' અને ગાયિકા એટલે ગીતા રબારી, પરંતુ આ ગીત આવ્યું અને લોકપ્રિયતા મળી એ પહેલાં ગીતાએ ઘણો સંઘર્ષ કરવો પડેલો.

તેઓ મૂળ કચ્છનાં. તેમનાં માતા-પિતાનાં એકમાત્ર દીકરી છે. તેમણે અમુક ઇન્ટરવ્યૂમાં જણાવ્યા અનુસાર તેમના બે ભાઈ પણ હતા, જે અવસાન પામ્યા છે.

તેમના પિતા માલ-સામાનની હેરફેરનું કામ કરતાં, પરંતુ થોડા વખત પહેલાં તેમને પૅરાલિસિસનો હુમલો આવતા તેઓ હાલ ઘરે જ છે.

છેલ્લા ઘણા વખતથી પરિવારની જવાબદારી ગીતા રબારી એકલા હાથે ઉપાડી રહ્યાં છે.

તેમણે જણાવ્યા અનુસાર તેઓ દસ ધોરણ સુધી જ શિક્ષણ લઈ શક્યાં.

તેઓ પાંચમા ધોરણમાં હતાં ત્યારે શાળામાં પ્રાર્થના અને ગીતો ગાતાં.

તેમને શાળાના એક શિક્ષકે પ્રોત્સાહન આપ્યું. એ શિક્ષક પોતે ગાયક હતા. તેથી તેઓ ક્યારેક આસપાસનાં ગામડાંમાં કાર્યક્રમ આપવા જાય ત્યારે ગીતાને પણ બોલાવતાં. ત્યારબાદ તેઓ નવરાત્રિમાં પણ ગીતાને સાથે લઈ જતાં.

એક વખત ગીતા રબારીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે અમારા સમાજનો એક કાર્યક્રમ હતો, ત્યારે મહિલા કલાકાર નહોતા આવ્યાં. તેથી કોઈએ કહ્યું કે એક છોકરી ગાય છે એટલે મને સ્ટેજ પર બોલાવવામાં આવી. આ રીતે મારી શરૂઆત થઈ.

આજે ગીતા રબારી ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર લાખો ફૉલોઅર્સ ધરાવે છે. તેઓ દેશ-વિદેશમાં કાર્યક્રમો કરી ચૂક્યાં છે. તેમજ પોતાનાં માતા-પિતાની દરેક ઇચ્છા પૂરી કરી રહ્યાં છે.

 • ગીતા રબારીનું ગીત 'રોણા શેરમાં રે...' ગીત લગભગ 25 કરોડ વાર જોવાઈ ચૂક્યું છે.
 • ગીતા રબારીનું ગીત 'કોની પડે ઍન્ટ્રી'ને બે કરોડ 10 લાખ કરતાં વધુ વખત યૂટ્યૂબ ઉપર જોવાઈ ચૂક્યો છે.
 • ગીતા રબારીનું હાલમાં જ રજૂ થયેલું 'ઢોલ નગાડા...' લગભગ દોઢ કરોડ જેટલા લોકો યૂટ્યૂબ પર માણી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો