અંગ્રેજોએ ભારતમાં જાતિવ્યવસ્થાનાં બીજ કેવી રીતે રોપ્યાં હતાં?

પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

ભારતની જ્ઞાતિપ્રથાને જાણવા માટે તમે ગૂગલમાં સર્ચ કરશો તો તેમાં અનેક વેબસાઇટ્સ આવશે, જેમાં જુદાજુદા પ્રમાણમાં મુખ્ય ત્રણ પ્રચલિત બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હશે.

પ્રથમ, જ્ઞાતિપ્રથા હિન્દુ ધર્મ પ્રમાણે ચાર સ્તરમાં વહેંચાયેલી છે, જેમાં પ્રથમ બ્રાહ્મણ અને ત્યારબાદ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણ આવે છે અને પાંચમો અસ્પૃશ્ય વર્ગ (જે ચાતુર્વર્ણ્યની પણ બહાર ગણાય છે અને ગંદકી સાફ કરવાનું કામ જેમના માથે નંખાયું છે).

બીજું, વર્ણવ્યવસ્થા શાસ્ત્રોક્ત છે (ખાસ કરીને હિન્દુ પરંપરાનો આધાર જેના પરથી લેવાયો છે તે મનુસ્મૃતિ આધારિત છે), હજારો વર્ષ જૂની પરંપરા છે, અને લગ્ન, વ્યવસાય અને રહેણાંક જેવી જીવનની મૂળભૂત બધી બાબતોને તે સ્પર્શે છે.

ત્રીજું, હવે જ્ઞાતિ આધારિત ભેદભાવ ગેરકાયદે છે અને તેના બદલે હવે જ્ઞાતિલક્ષી સહાયકારક યોજનાઓ (હકારાત્મક પક્ષપાત) ચાલે છે.

આ પ્રકારની ચર્ચા એક સર્વસાધારણ સમજણ રજૂ કરે છે, પરંતુ સમસ્યા એ છે કે આવી સમજણને વિવેચનાત્મક અભ્યાસો સાથે નવેસરથી સમજવાના પ્રયાસો થતા નથી.

આ પ્રકારની ચર્ચા (જેનો ઉલ્લેખ બીબીસીના સમજૂતી આપતા આ અંગ્રેજી લેખમાં પણ કરવામાં આવેલો છે સર્વસાધારણ સમજણ રજૂ કરે છે.


જાતિને અધિકૃત બનાવવાની કહાણી

Image copyright Getty Images

પ્રથમ બે બાબતો કદાચ 200 વર્ષ પહેલાં 19મી સદીનો આરંભ થયો હતો તે વખતે પણ લખવામાં આવી હોય તેમ બને.

તે વખતે બ્રિટિશ સામ્રાજ્યના સત્તાધીશો ભારતીય સમાજ વિશેની આવી 'વાસ્તવિકતા'ને ઘડવામાં લાગ્યા હતા.

ધ ટ્રૂથ અબાઉટ અસઃ ધ પૉલિટિક્સ ઑફ ઇન્ફર્મૅશન ફ્રૉમ મનુ ટુ મોદી (The Truth About Us: The Politics of Information from Manu to Modi) એવા મારા નવા પુસ્તકમાં મેં બ્રિટિશરોની ભૂમિકા દર્શાવી છે.

આજે ભારતમાં જ્ઞાતિઓ અને ધાર્મિક આધારે ઊભા થયેલા સામાજિક વર્ગીકરણને આપણે જે રીતે સમજીએ તે સામ્રાજ્ય વખતે ઊભાં થયાં હતાં.

તે વખતે માહિતી મેળવવાના સ્રોતો સરળતાથી ઉપલબ્ધ નહોતા અને માહિતીની બાબતમાં સામ્રાજ્યવાદી શાસકોની પકડ સંપૂર્ણ હતી.

તેનો પ્રારંભ 19 સદીની શરૂઆતમાં થયો હતો, જ્યારે મનુસ્મૃતિ જેવા બ્રાહ્મણ-સંસ્કૃત શાસ્ત્રને ધર્મશાસ્ત્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

જ્ઞાતિપ્રથાનાં મૂળ ઋગ્વેદમાં છે તેવી વાત પણ કદાચ પાછળથી, તેનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યા પછી ઉમેરવામાં આવી હોય તેવી શક્યતા ઘણી વધારે છે.

19મી સદીના મધ્યમાં વસતીગણતરી દ્વારા જ્ઞાતિપ્રથાને બંધારણીય સ્થાન આપવામાં આવ્યું. સરળતા અને અનુકૂળતા ખાતર આવું કરવામાં આવ્યું હતું.

બ્રિટિશ સામ્રાજ્યે ભારતમાં સ્થાપિત ધર્મોની - હિન્દુ, શીખ, જૈન વગેરેની સ્વીકૃત યાદી તૈયાર કરી.

ભારતીય શાસ્ત્રોને પ્રમાણભૂત ગણીને તેના 'વાંચન' આધારે આ ધર્મોના રીતરિવાજો અને કાયદાઓ નિર્ધારિત કર્યા.


જાતિવ્યવસ્થાની શરૂઆત

Image copyright Getty Images

આજે જેને વ્યાપક રીતે હિન્દુત્વ તરીકે સ્વીકારવામાં આવે છે, તે હકીકતમાં એક વિચારધારા હતી (વધુ સ્પષ્ટપણે કહીએ તો એક થિયરી અથવા એક કલ્પના). તેને 'બ્રાહ્મણવાદ' કહેવો વધારે ઉચિત છે.

તે માત્ર શાસ્ત્રોમાં હતો (વાસ્તવમાં નહોતો) અને સંસ્કૃત જાણતા એક નાનકડા સામાજિક જૂથનાં હિતોની વાતો કરનારો હતો.

આ જ શાસ્ત્રો કે અન્ય શાસ્ત્રોના આધારે ભારતના ધાર્મિક વર્ગીકરણને અલગ રીતે વ્યાખ્યાઇત કરી શકાયું હોત એ બાબતમાં જરાય શંકા નથી.

આ કહેવાતી ચાતુર્વર્ણ્ય પ્રથા પણ આ જ બ્રાહ્મણ ગ્રંથો આધારિત હોવાનું જણાવાયું છે.

આવી રીતે વર્ગીકરણ કરવાની વાત પણ શાસ્ત્ર આધારિત અને સૈદ્ધાંતિક જ છે. તે માત્ર ગ્રંથોમાં વર્ણિત હતી અને વાસ્તવિકતા સાથે તેનો કશો સંબંધ નહોતો.

1860ના દાયકામાં પ્રથમ વાર વસતીગણતરી કરવામાં આવી ત્યારે જ વિચિત્ર રીતે આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. તે વખતે યોજના એવી હતી કે સમગ્ર 'હિન્દુ' વસતીને આ વર્ણોમાં બંધબેસતી કરી દેવી.

જોકે, પ્રજામાંથી જ્ઞાતિની ઓળખ વિશે એટલી બધી વૈવિધ્યતા સાથે પ્રતિસાદ મળ્યો કે તેને સામ્રાજ્ય કે બ્રાહ્મણ સિદ્ધાંત પ્રમાણે વર્ગીકૃત કરવાનું અશક્ય બની ગયું.

1871માં મદ્રાસ પ્રાંતમાં વસતીગણતરીનું કામ કરનારા અધિકારી ડબ્લ્યૂ. આર. કોર્નિશએ લખ્યું હતું :

"… જ્ઞાતિનાં મૂળ વિશે હિંદુ ગ્રંથોમાં લખાયેલી વાતો પર આપણે આધાર રાખી શકીએ નહીં. એવો કોઈ સમયગાળો હતો ખરો કે જ્યારે હિંદુઓ ચાર વર્ગમાં વિભાજિત હતા તે બાબત પણ શંકાસ્પદ લાગે છે."

એ જ રીતે 1871માં બિહારની વસતીગણતરીની આગેવાની લેનારા અને તેના વિશે અભ્યાસ લેખ લખનારા સી. એફ. મેગ્રાથે લખ્યું હતું :

"મનુએ પાડેલા કહેવાતા ચાર વર્ણોમાં વહેંચણી કરવાની વાત હવે અર્થહીન છે ત્યારે તેને પડતી મૂકવી જોઈએ."

નૃવંશશાસ્ત્રી સુસાન બેઇલી લખે છે કે "સામ્રાજ્યવાદને ઠીકઠીક સમય વીત્યો ત્યાં સુધી ઉપખંડમાં એવા જ લોકો વસતા હતા, જેમના માટે જ્ઞાતિની આગવી ઓળખનું બહુ ઓછું મહત્ત્વ હતું."

"હિન્દુ હાર્ટલૅન્ડ કહેવાતા ઘણા પ્રદેશોમાં પણ એવી જ સ્થિતિ હતી… પરંપરાગત જ્ઞાતિઓ તરીકે આજે જેની ઓળખ આપવામાં આવે છે તેવી માન્યતાઓ હજી 18મી સદીમાં જ આકાર લઈ રહી હતી."

બ્રિટિશરોએ ભારતના સામાજિક માળખા તરીકે તેને મહત્ત્વ આપ્યું તે પહેલાં જ્ઞાતિવ્યવસ્થા સમાજમાં મહત્ત્વની હતી ખરી કે તે આટલી હાનિકારક હતી ખરી એ બાબતમાં શંકા રહે છે.


આશ્ચર્યજનક વૈવિધ્ય

Image copyright AFP

બ્રિટિશ સામ્રાજ્ય પહેલાંના સમયના દરબારી અદાલતોના દસ્તાવેજોમાં અથવા પ્રવાસીઓના વર્ણનમાં જ્ઞાતિનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળતો હતો કે બિલકુલ જોવા મળતો નહોતો.

આ દસ્તાવેજો અને પ્રવાસવર્ણનોનો અભ્યાસ વ્યવસાયી ઇતિહાસકારો કે સાહિત્યના અભ્યાસુઓએ કરેલો છે, જેમાં નિકોલસ ડિર્ક્સ, જી. એસ. ગુર્યે, રિચાર્ડ ઇટોન, ડેવિડ શૂલમેન અને સિન્થિયા ટેલ્બોટનો સમાવેશ થાય છે.

સામાજિક ઓળખ સતત બદલાતી રહેતી હતી. 'ગુલામ', 'મજૂર' અને 'વેપારી' રાજા બન્યા હતા, ખેડૂતો સૈનિકો બન્યા હતા અને સૈનિકો ખેતી કરતા થયા હતા.

કોઈની સામાજિક ઓળખ સહેલાઈથી બદલી શકાતી હતી, એક ગામથી બીજે ગામ જવા જેટલી સહેલાઈથી.

પદ્ધતિસર અને વ્યાપક રીતે જ્ઞાતિના આધારે શોષણ થતું હોય અને તેવા શોષણને કારણે ઇસ્લામમાં સામૂહિક ધર્મપરિવર્તન થયું હોય તેવા બહુ ઓછા પુરાવા મળે છે.

ઉપલબ્ધ બધા જ પુરાવા એવું દર્શાવે કે બ્રિટિશ સામ્રાજ્ય પહેલાંના ભારતના સામાજિક માળખા વિશે મૂળભૂત રીતે નવેસરથી વિચારવું જોઈએ.

કોઈને પણ તેમાં જે ચિત્ર દેખાવું જોઈએ તે આશ્ચર્યજનક વૈવિધ્યનું દેખાવું જોઈએ. સામ્રાજ્યના સત્તાધીશોએ 'પવિત્ર' ગ્રંથોને પોતાની રીતે વાંચીને અને વસતીગણતરી કરીને એવી કોશિશ કરી કે આ વૈવિધ્યને વર્ગીકૃત કરી દેવામાં આવે.

ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કૂળની ઓળખને અસહજ એવી વર્ગીકરણ પદ્ધતિ લાગુ કરવાની કોશિશ થઈ હતી.

સામ્રાજ્યવાદીઓ વૈવિધ્યને સમજી શકે તેમ નહોતા. તેથી વસતીગણતરીનો ઉપયોગ વર્ગીકરણ અને વ્યાખ્યા કરીને સરળતા લાવવા માટે થયો.

તે માટે પોતાને ફાવે તેવી વિચારધારા અને વિચિત્ર પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરાયો.

19મી સદીના સમયગાળામાં બ્રિટિશરોએ પોતાને અનુકૂળ વર્ગીકરણોનો ઉપયોગ કરીને ભારતીયોની જુદીજુદી સામાજિક ઓળખો ઘડી કાઢી અથવા ઊપજાવી કાઢી.

બ્રિટિશરોની ભારત ખાતેની પોતાની સત્તાનાં હિતોની જાળવણી માટે આવું કરવામાં આવ્યું હતું. તેઓ એક સમાન સમાજ ઊભો કરવા માગતા હતા, જેના માટે સમાન કાયદો ઘડીને તેના પર સરળતાથી રાજ કરી શકાય.

વિશાળ, સંકુલ અને ધાર્મિક રીતે વૈવિધ્ય ધરાવતી શ્રદ્ધા અને સામાજિક ઓળખની પદ્ધતિને એટલી હદે સરળ કરવાની કોશિશ કરાઈ હતી, જેનો જોટો દુનિયામાં ઇતિહાસમાં ક્યાંય જોવા મળતો નથી.

તદ્દન નવાં વર્ગીકરણો અને દરજ્જા ઊભા કરી દેવાયાં, એકબીજા સાથે અસંબંધિત કે વિપરીત હિસ્સાઓને એકબીજા સાથે જોડી દેવાયા, નવી ભેદરેખાઓ આંકી દેવામાં આવી અને સ્થિતિસ્થાપકતા હતી ત્યાં જડતા લાવી દેવાની કોશિશ થઈ.

આ રીતે ઊભી થયેલી દરજ્જા આધારિત પદ્ધતિ આગલી સદીમાં વધારે ચુસ્ત બની, કેમ કે આ રીતે ઊભા કરી દેવાયેલા વર્ગો સાથે અમુક અધિકારો જોડાવા લાગ્યા.

બ્રિટિશ શાસન વખતે ધર્મના આધારે મતદાર વર્ગો બન્યા અને સ્વતંત્રતા પછી જ્ઞાતિ આધારે આવેલી અનામતના કારણે કાચું વર્ગીકરણ હતું તે પાકું થઈ ગયું.

એકના બદલે અન્ય કોઈ વર્ગ (જેમ કે જૈન કે અનુસૂચિત જાતિ) સાથે સંકળાયેલા હોવાના કારણે ભૌતિક અને અસલી ફાયદા પણ દેખાવા લાગ્યા. ભારતના નસીબમાં વર્ગીકરણ જાણે લખાયેલું જ હતું તેવું આખરે થયું.

છેલ્લા કેટલાક દાયકાઓમાં ઊભી થયેલી વિદ્વતાને કારણે આપણે હવે એવો મજબૂત કેસ ઊભો કરી શકીએ છીએ કે બ્રિટિશ સામ્રાજ્યવાદીઓએ ભારતીય ઇતિહાસનો પ્રથમ અને નિર્ણાયક મુસદ્દો તૈયાર કર્યો હતો.

આ મુસદ્દો જાહેર જનતાના માનસમાં એટલો ઊંડો ઊતરી ગયો છે કે આજે તેને તથ્ય તરીકે સ્વીકારી લેવામાં આવે છે. આ કલ્પિત તથ્યો સામે આપણે સવાલો કરવા લાગીએ તે જરૂરી બન્યું છે.

(સંજોય ચક્રવર્તી ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટીની કૉલેજ ઑફ લિબરલ આર્ટ્સમાં પ્રોફેસર છે.)


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

આ વિશે વધુ