#ShyamaPrasadMukherjee : જ્યારે નહેરુએ સંસદમાં શ્યામાપ્રસાદ મુખરજીની માફી માગી હતી

નહેરુ અને શ્યામાપ્રસાદ મુખરજી Image copyright Getty Images

ભારતીય જનસંઘના સ્થાપક અને તેના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીની આજે 66મી પુણ્યતિથિ છે અને જવાહરલાલ નહેરુ સાથેનો એમનો રસપ્રદ ઇતિહાસ છે.

23 જૂન, 1953ને દિવસે રહસ્યમય સંજોગમાં એમનું મૃત્યુ થયું હતું. જેની યાદમાં ભારતીય જનતા પાર્ટી આ દિવસને બલિદાન દિવસ તરીકે મનાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખરજીને યાદ કરીને ટ્ટીટ કર્યું કે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી એ દેશભક્ત અને સ્વાભિમાની રાષ્ટ્રવાદી હતા. તેમણે ભારતની એકતા, અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

એમણે કહ્યું કે એક મજબૂત અને એકજૂથ ભારત માટેનું એમનું ઝનૂન અમને પ્રેરિત કરે છે અને અમને 130 કરોડ ભારતીયોની સેવા કરવાની તાકાત આપે છે.

ડૉક્ટર મુખરજી બંધારણની કલમ 370ના સ્પષ્ટ વિરોધી હતા અને તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીર સમગ્ર રીતે ભારતનો હિસ્સો બને અને ત્યાં અન્ય રાજ્યોની જેમ સમાન કાયદો લાગુ હોય.

કલમ 370ની સામે એમણે આઝાદ ભારતમાં અવાજ ઉઠાવ્યો હતો. એમનું કહેવું હતું કે એક દેશમાં બે બધારણ અને બે પ્રધાન નહીં ચાલે.


33 વર્ષે બન્યા કુલપતિ

Image copyright FACEBOOK/BJP

ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજીનો જન્મ 6 જુલાઈ, 1901ના રોજ કોલકાતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે જાણીતા હતા.

કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી 1926માં તેઓ સેનેટસભ્ય બન્યા. 1927માં એમણે વકીલાતની પરીક્ષા પાસ કરી હતી.

33 વર્ષની વયે તેઓ કોલકાતા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. ચાર વર્ષના કાર્યકાળ પછી તેઓ કોલકાતા વિધાનસભામાં પહોંચ્યા હતા.

કૉંગ્રેસ સાથે મતભેદ થતા એમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને પછી ફરી સ્વતંત્ર રીતે વિધાનસભામાં પહોંચ્યા.

તેમને પ્રખર રાષ્ટ્રવાદના આગેવાન માનવામાં આવે છે.

પંડિત જવાહરલાલ નહેરુએ એમને પોતાની વચગાળાની સરકારમાં મંત્રી બનાવ્યા હતા. મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ ટૂંકો હતો.

એમણે નહેરુ પર તૃષ્ટિકરણનો આરોપ મૂકીને મંત્રીપદથી રાજીનામું આપી દીધું. તેઓ 'એક દેશમાં બે બધારણ અને બે પ્રધાન નહીં ચાલે' એ વાત પર અડગ હતા.

તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીરમાં આવવા-જવા માટે કોઈની પરવાનગી ન લેવી પડવી જોઈએ. 1953માં 8 મેના રોજ વગર કોઈ પરવાનગીએ તેઓ દિલ્હીથી કાશ્મીર માટે નીકળી પડ્યા.

બે દિવસ પછી જલંધરમાં એમણે કહ્યું કે 'અમે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પરવાનગી વગર જઈ શકીએ એ અમારો મૂળભૂત અધિકાર હોવો જોઈએ.'

11 મેના રોજ શ્રીનગરમાં એમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં રાખવામાં આવ્યા. થોડા દિવસો બાદ એમને છોડી દેવામાં આવ્યા.

22 જૂનને દિવસે એમની તબિયત ખરાબ થઈ ગઈ અને 23 જૂનના દિવસે રહસ્યમય સ્થિતિમાં એમનું મૃત્યુ થયું.


જનસંઘની સ્થાપના

Image copyright Getty Images

એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને શ્યામાપ્રસાદ મુખરજી વચ્ચે અનેક મતભેદો રહ્યા.

જ્યારે વડા પ્રધાન નહેરુ અને પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી વચ્ચે સમજૂતી થઈ ત્યારે આ મતભેદો વધારે તીવ્ર બન્યા. આ સમજૂતી પછી 6 એપ્રિલ, 1950ના દિવસે એમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ગુરુ ગોલવેલકર સાથે પરામર્શ કરીને મુખરજીએ 21 ઑક્ટોબર, 1951માં રાષ્ટ્રીય જનસંઘની સ્થાપના કરી. આ જનસંઘનો પાછળથી જનતા પાર્ટીમાં વિલય થયો અને પાર્ટી વિખરાઈ જતા 1980માં ભારતીય જનતા પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું.

1951-52ની સામાન્ય ચૂંટણીઓમાં રાષ્ટ્રીય જનસંઘના 3 ઉમેદવારો સંસદસભ્ય તરીકે ચૂંટાયા, જેમાં એક શ્યામાપ્રસાદ મુખરજી પણ હતા.


જ્યારે નહેરુએ મુખરજીની માફી માગી

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પૂર્વ સંપાદક ઈન્દર મલ્હોત્રાએ કેટલાંક વર્ષો અગાઉ બીબીસીને એક રસપ્રદ કિસ્સો કહ્યો હતો.

એમણે કહ્યું, ''શ્યામાપ્રસાદ મુખરજી નહેરુની પ્રથમ સરકારમાં મંત્રી હતા. જ્યારે નહેરુ અને લિયાકલ અલી વચ્ચે સમજૂતી કરાર થયો તો એમણે અને બંગાળના એક અન્ય મંત્રીએ રાજીનામાં આપી દીધાં અને તે પછી જનસંઘનો પાયો નાખવામાં આવ્યો.''

''સામાન્ય ચૂંટણી પછી તરત દિલ્હી નગરપાલિકા ચૂંટણીમાં કૉંગ્રેસ અને જનસંઘ વચ્ચે મોટી ટક્કર થઈ રહી હતી. આ માહોલમાં સંસદમાં બોલતી વખતે મુખરજીએ કૉંગ્રેસ પાર્ટી પર ચૂંટણી જીતવા માટે વાઇન અને મનીનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો.''

આ આરોપનો જવાહરલાલ નહેરુએ ખૂબ વિરોધ કર્યો હતો.

આ વિશે ઇન્દર મલ્હોત્રાએ કહ્યું કે જવાહરલાલ નહેરુ મુખરજીએ વાઇન અને વુમન કહ્યું છે એવું સમજ્યા હતા અને એમણે ઊભા થઈને ખૂબ જોરથી એનો વિરોધ કર્યો હતો. મુખરજીએ આની સામે કહ્યું કે તમે અધિકૃત રેકર્ડ તપાસી લો કે મેં શું કહ્યું છે.

''જ્યારે નહેરુને ખ્યાલ આવ્યો કે એમણે ભૂલ કરી છે તો એમણે ગૃહની સામે ઊભા થઈને એમની માફી માગી હતી.''

''આની સામે મુખરજીએ કહ્યું હતું કે માફી માગવાની કોઈ જરૂર નથી. હું બસ એટલું કહેવા માગું છું કે હું ખોટી નિવેદનબાજી નહીં કરું.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો