બિરલા ખાનદાનના 'વિલ્ફુલ ડિફૉલ્ટર' અને કરોડોના આસામી યશ બિરલા કોણ છે?

યશોવર્ધન બિરલા Image copyright YASH INSTAGRAM PROFILE
ફોટો લાઈન યશોવર્ધન બિરલા

કોલકાતાથી સંચાલિત યુકો બૅન્કે ગયા અઠવાડિયે યશોવર્ધન બિરલાને 'વિલ્ફુલ ડિફૉલ્ટર' જાહેર કર્યા છે.

આવું પહેલી વખત થયું છે, જ્યારે બિરલા પરિવારની કોઈ વ્યક્તિને 'વિલ્ફુલ ડિફૉલ્ટર' અથવા તો જાણી જોઈને દેવું ન ચૂકવનાર વ્યક્તિ જાહેર કરવામાં આવી છે.

યશ બિરલા પર આરોપ છે કે તેમની કંપની બિરલા સૂર્યા લિમિટેડ પર 67.65 કરોડ રૂપિયાનું દેવું છે.

યુકો બૅન્કના રિકવરી ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું છે.

બૅન્ક તરફથી અખબારોમાં આપવામાં આવેલી નોટિસમાં યશ બિરલાની તસવીર પણ છપાઈ છે.

'વિલ્ફુલ ડિફૉલ્ટર' જાહેર કરવાનો મતલબ છે કે યશ બિરલા દેવું ચૂકવી શકે છે પણ તેઓ આવું કરતા નથી. એટલું જ નહીં, એમણે જે કામ માટે લૉન લીધી હતી, તેના માટે ઉપયોગ કર્યો નહીં.

'વિલ્ફુલ ડિફૉલ્ટર' ની જાહેરાત બાદ માત્ર કંપની માટે જ નહીં પણ જે કંપનીના તેઓ ડિરેક્ટર છે તેના માટે પણ લૉન લેવી મુશ્કેલ થઈ જાય છે.

રસપ્રદ વાત એ છે કે યુકો બૅન્કની સ્થાપના ઘનશ્યામદાસ બિરલાએ કરી હતી. ઘનશ્યામદાસ બિરલા યશોવર્ધન બિરલાના પરદાદા રામેશ્વરદાસ બિરલાના ભાઈ હતા.

બૅન્કોના રાષ્ટ્રીયકરણની નીતિને કારણે 19 જુલાઈ, 1969ના રોજ યુકો બૅન્ક પણ ભારત સરકારના તાબામાં આવી ગઈ.

યશ બિરલાની સરખામણી ઘણી વખત તેમના સંબંધી અને ભારતના સૌથી વધુ ધનિક લોકોમાંના એક અને આદિત્ય બિરલા ગ્રૂપના પ્રમુખ કુમાર મંગલમ બિરલા સાથે કરવામાં આવે છે.

ફૉર્બ્સ મૅગેઝિન અનુસાર આદિત્ય બિરલા પાસે 1.5 અબજ ડૉલરની સંપત્તિ છે અને તેમના આદિત્ય બિરલા ગ્રૂપની કુલ આવક 44.3 અબજ ડૉલર છે.

બીજી તરફ બૉડી બિલ્ડીંગના શોખીન યશ બિરલાનું ઇન્સ્ટાગ્રામ તેમના બાઇસેપ્સ, ટ્રાઇસેપ્સ અને એબ્ઝની તસવીરોથી છલકાય છે.


કોણ છે યશ બિરલા?

યશ બિરલાનો પરિવાર દેશના જાણીતા બિઝનેસ પરિવારોમાંનો એક છે.

યશ બિરલાની ઉંમર 23 વર્ષની હતી ત્યારે તેમનાં માતાપિતા અને બહેનનું હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું હતું.

યશનો પરિવાર મુંબઈથી બેંગલૂરુ જતી ફ્લાઇટ આઈસી 605માં હતો જે 14 ફેબ્રુઆરી 1990ના દિવસે ક્રૅશ થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 92 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

માર્યા ગયેલા લોકોમાં યશ બિરલાના પિતા અને જાણીતા ઉદ્યોગપતિ અશોક બિરલા, તેમનાં માતા સુનંદા અને તેમનાં બહેન સુજાતા પણ હતાં.

યશ એ વખતે અમેરિકાના નોર્થ કૅરોલિનામાં એમબીએનો અભ્યાસ કરતા હતા. આ રીતે 800 કરોડ રૂપિયાના બિઝનેસની જવાબદારી યશ ઉપર આવી ગઈ.

Image copyright Instagram/yash birla

થોડાં વર્ષો પહેલાં 'રૅંડેવુ વિથ સિમી ગરેવાલ' ટીવી શોમાં વાત કરતાં યશ બિરલાએ કહ્યું હતું, "સવારના સાત વાગ્યા હતા અને મારા આન્ટીનો કૉલ આવ્યો, તેમણે કહ્યું કે પ્લેન ક્રૅશ થયું છે, હું ઊંઘમાં હતો. મે પૂછ્યું શું? તેમણે કહ્યું તારાં માતાપિતા એ પ્લેનમાં હતાં. મેં કહ્યું મારી બહેન ક્યાં છે, તેને ફોન આપો. તેમણે કહ્યું, એ પણ એ જ પ્લેનમાં હતાં."

ફોન કૉલ બાદ યશની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી. એ વખતે હજુ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદી જાહેર થઈ નહોતી.

યશે પોતાના મિત્રોને બોલાવ્યા અને ન્યૂયૉર્ક, લંડનથી થઈને મુંબઈ માટે રવાના થઈ ગયા.

શોમાં તેમણે જણાવ્યું હતું, "આખા રસ્તે શું થયું, મને કંઈ જ યાદ નથી...તમે મારાં માતા વિશે વાત કરી તો મારાં રુંવાટાં ઊભા થઈ ગયાં. મને ખબર જ ન પડી કે એક જ સેકન્ડમાં મારો પરિવાર મને છોડીને ચાલ્યો ગયો."

યશના મતે તેઓ બાળપણથી જ ધર્મ અને દર્શનશાસ્ત્ર સંબંધી પુસ્તકો વાંચતા, જેના કારણે તેમને આઘાતમાંથી બહાર નીકળવામાં મદદ મળી.


બિઝનેસ ખરાબ તબક્કામાં

Image copyright YASH BIRLA/INSTAGRAM

1990 પછી એવું તો શું થયું કે 2013-14 આવતાં -આવતાં બિઝનેસ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો.

જૂન 2013માં મનીલાઇફ વેબસાઇટ પર એક લેખમાં સવાલ પૂછવામાં આવ્યો કે શું યશ બિરલા ગ્રૂપ કંપનીઓની હાલત ખરાબ છે?

લેખ મુજબ રોકાણકારો પત્રો લખી રહ્યા છે કે યશ બિરલા ગ્રૂપની બે કંપનીઓમાં, જેનિશ બિરલા અને બિરલા પાવર સૉલ્યુશન્સ, તેમનું રોકાણ છે જે તેમને પાછું મળતું નથી.

લેખ મુજબ એક માર્ચ 2013ના રોગ ગ્રૂપની આઠમાંથી સાત કંપનીઓના રિટર્ન્સ નૅગેટિવ છે.

આ આઠ કંપનીઓ હતી- બિરલા કૅપિટલ ઍન્ડ ફાયનાન્શિયલ સર્વિસીઝ, બિરલા કૉટસિન (ઇન્ડિયા), બિરલા પૅસિફિક મેડસ્પા, બિરલા પાવર સૉલ્યુશન, બિરલા પ્રિસીઝન ટૅક્નૉલૉજી, બિરલા શ્લોકા એજૂટેક, મેલ્સ્ટોર ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીઝ અને જેનિશ બિરલા(ઇન્ડિયા).

વર્ષ 2013માં બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબાર સાથે વાત કરતા યશ બિરલાએ કહ્યું હતું કે ધીમી ગતિનું કારણ એ હતું કે તેમના સલાહકારો આ કંપનીઓ ચલાવતા હતા. જેમને બિઝનેસમાં કોઈ ખાસ રસ નથી એવા બિરલા પરિવારના લોકો અને તેમનાં આન્ટી પ્રિયંવદા બિરલા આ સલાહકારોને મોકલતા.

Image copyright Instagram/yash birla

યશ કહે છે, "મને મારી ટીમ મળી ત્યાં સુધીમાં આઠ-નવ વર્ષ વીતી ચૂક્યાં હતાં."

એન્જિનિયરિંગ, ટેક્સ્ટાઇલ, કેમિકલ્સ, વેલનેસ, લાઇફસ્ટાઇલ, આઈટી વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલી તેમની 20 કંપનીઓનો વાર્ષિક બિઝનેસ 3,000 કરોડ રૂપિયા આસપાસ હતો અને ટૅક્સ કપાતા પહેલાં કંપનીઓનો નફો 1,000 કરોડ રૂપિયા જેટલો હતો.

અખબાર મુજબ આર્થિક મુશ્કેલીઓ છતાં યશ બિરલા કંપનીઓની મોટી-મોટી યોજનાઓ હતી.

જેમકે, પુણે નજીક સોલર સેલ્સ બનાવવા માટે 2,000 કરોડ રૂપિયાના પ્લાન્ટમાં રોકાણ કરવું, લગભગ 3,000 કરોડના ખર્ચથી મહારાષ્ટ્રના ધુલેમાં 600 મેગાવૉટનો કોલસાથી ચાલતો પ્લાન્ટ અને પોતાના વેલનેસ બિઝનેસને આગળ વધારવો. સાથે જ તેઓ આફ્રિકામાં પણ રોકાણ કરવા ઇચ્છતા હતા.

વર્ષ 2014માં સમાચાર આવ્યા કે કહેવાતી આર્થિક ગડબડ માટે યશ બિરલા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

તેમજ મુંબઈ પોલીસે બિરલા પાવર સૉલ્યુશન્સ વિરુદ્ધ તેમની ફિક્સ્ડ ડિપૉઝિટ સ્કીમમાં પૈસા પાછા નહીં આપવા બાબતે તપાસ શરૂ કરી દીધી છે.

અહેવાલો અનુસાર કંપની ઉપર 8,800 રોકાણકારોની 214 કરોડ રૂપિયા જેટલી રકમ લેવાની નીકળતી હતી.

પોલીસે બિરલા પાવરના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી અને યશ બિરલાને દેશ નહીં છોડવાનો આદેશ કર્યો.

અહેવાલો મુજબ વિવિધ સરકારી એજન્સીઓ કંપનીની તપાસ કરી રહી હતી. જે કામ માટે પૈસા લેવાયા તે કામ થયું કે નહીં તેના પર પણ નજર હતી.


સવાલ ઊઠ્યા કે શું આ પૈસાથી વિદેશમાં રોકાણ થયું?

Image copyright YASH INSTAGRAM PROFILE

અખબાર મિંટે એક વરિષ્ટ પોલીસ અધિકારીના હવાલાથી લખ્યું હતું કે રોકાણકારોના પૈસા ચૂકવવા માટે યશ બિરલાના સંબંધી અને ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ તેમને 30 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ આ પૈસાનો બીજા કોઈ કામમાં ઉપયોગ થવાનું કહેવાય છે.

વર્ષ 2016માં અખબાર એશિયન એજમાં સમાચાર આવ્યા કે યશ બિરલા તેમનું જાણીતું ઘર બિરલા હાઉસ ગુમાવી શકે છે અને રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે તેમની મિલકત જપ્ત કરી લીધી છે.

જોકે, અખબારમાં તેમના એ વખતના વકીલ રમાકાંત ગૌડે એવું કહ્યું કે જ્યારે 100 કરોડ રૂપિયાની મિલકત સીલ કરી દેવામાં આવી છે તો બાકીની મિલકત જપ્ત કરવાની શું જરૂર હતી.

વર્ષ 2017માં મિડ ડેમાં જ સમાચાર છપાયા હતા કે કંપની બિરલા પાવર સૉલ્યુશન્સ લિમિટેડના રોકાણકારો આ પૈસા પરત કરવાની તૈયારીમાં છે.

મિડ ડે સાથે થયેલી વાતચીતમાં યશ બિરલાએ કહ્યું હતું કે તેઓ 775 રોકાણકારોને 51 કરોડ રૂપિયા પરત કરી ચૂક્યા છે અને 400 રોકાણકારોના 3.56 કરોડ રૂપિયા આપવાના બાકી છે.

યશ બિરલા અને તેમની કંપનીઓ પર ચાલી રહેલ કેસની સ્થિતિ શું છે એ સ્પષ્ટ નથી.

અમે યશ બિરલાનો સંપર્ક કરવાની કોશિશ કરી, પણ ન થઈ શક્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો