શું શાહરુખ ખાનની 'કિંગ ઑફ રોમાન્સ'ની છાપ તેમની કૅરિયર માટે ભારરૂપ બની જશે?

શાહરુખ ખાનની ફિલ્મ Image copyright YRF FILMS

શાહરુખ ખાનનું નામ સાંભળતા જ નજર સામે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 'રોમાન્સ કિંગ'ની છબિ આવી જાય, જે છાપે તેમને 'કિંગ ખાન'નું બિરુદ્દ અપાવ્યું, તેણે જ તેમની કૅરિયરના પાછળના ભાગમાં તેમના માટે પડકાર ઊભો કર્યો છે.

સમય સાથે 'ખાન ત્રિપુટી'ના સલમાન તથા આમીરે અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવી, પરંતુ શાહરુખ રોમાન્સને જ વળગી રહ્યા હતા.

'ફોજી' તથા 'સરકસ' જેવી ધારાવાહિકો દ્વારા ઍક્ટિંગની કૅરિયર શરૂ કરનારા શાહરુખે આજથી 27 વર્ષ અગાઉ 'દીવાના' દ્વારા ફિલ્મ કૅરિયરની શરૂઆત કરી હતી.

હાલમાં શાહરુખ પાસે કોઈ ફિલ્મ નથી અને તેમનું કહેવું છે કે 'પરિવારને સમય આપી શકું તે માટે હાલમાં હું કોઈ ફિલ્મ નથી કરી રહ્યો.'

અનેક 'ક્લાસિક રોમૅન્ટિક ફિલ્મ આપનારા શાહરુખે તેમની કૅરિયરની શરૂઆત નકારાત્મક ભૂમિકાથી કરી હતી.


રોમૅન્ટિક નહીં ઍન્ટિ-હીરો

Image copyright Dil to pagal hai movie

ફિલ્મ સમીક્ષક અજય બ્રહ્માત્મજે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "શાહરુખ ખાન 'બહારથી' ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા."

"તેમની પાસે ફિલ્મ પસંદ કરવાનો વિકલ્પ ન હતો, એટલે જે ફિલ્મો મળતી ગઈ, તે ફિલ્મ કરતા ગયા."

શાહરુખ ખાને અબ્બાસ-મસ્તાનની 'બાજીગર' તથા યશ ચોપરાની 'ડર' ફિલ્મમાં ઍન્ટિ-હીરોની ભૂમિકા ભજવી. એ પછી અમુક રોમૅન્ટિક ફિલ્મોમાં ભૂમિકા ભજવી, પરંતુ તે ચાલી નહીં.

શાહરુખ ખાનનું કહેવું છે, "મેં મારી કૅરિયરમાં રોમૅન્ટિક કરતાં ગ્રે કૅરેક્ટર વધુ ભજવ્યાં છે. ચાર-પાંચ જ એવી ફિલ્મો કરી, જે સૌથી સફળ રહી."

"આ ફિલ્મોએ ક્લાસિકનો દરજ્જો હાંસલ કર્યો. એ છાપ લોકોના દિલ અને દિમાગ ઉપર છવાઈ ગઈ, જે બાદમાં મારી પણ છાપ બની ગઈ."

જોકે, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ટ્રૅન્ડસેટર બની રહી અને તેઓ બોલિવૂડના 'બાદશાહ' બની ગયા. આ પછી રોમાન્સ કેન્દ્રમાં હોય તેવી કેટલીક સુંદર ફિલ્મો આવી.

યશ ચોપરા, આદિત્ય ચોપરા તથા કરણ જોહર જેવા દિગ્દર્શકો સાથે કામ કર્યું, જેણે શાહરુખની 'લાર્જર ધૅન લાઇફ' હીરોની છાપ ઊભી કરી.


...અને બની ગયા રોમૅન્ટિક હીરો

Image copyright YRF Films
ફોટો લાઈન 'દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે' એ ટ્રૅન્ડસેટર ફિલ્મ બની રહી

શાહરુખે તેમની કૅરિયરમાં 20થી વધુ ફિલ્મોમાં રોમૅન્ટિક હીરોના રોલ કર્યા છે, જેમાંથી 'DDLJ', 'દિલ તો પાગલ હૈ', 'પરદેશ', 'કુછ કુછ હોતા હૈ', 'મોહબ્બતે', 'વીરઝારા' તથા 'કલ હો ના હો' જેવી ફિલ્મો ક્લાસિક બની રહી.

બ્રહ્માત્મજ કહે છે, "શાહરુખની 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે' માત્ર શાહરુખ જ નહીં, સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી મુકામ હતો."

"શાહરુખે મોટાભાગે ઉચ્ચ-મધ્યમ વર્ગના યુવકની ભૂમિકા ભજવી, જે સુખી અને સંપન્ન છે. તેને રોજીરોટીની ચિંતા નથી અને કોઈપણ પ્રકારની અસલામતીની ભાવના નથી."

"હીરોએ માત્ર પ્રેમ કરવાનો છે. છોકરીઓને આવાં રોમેન્ટિક હીરો ખૂબ પસંદ પડે છે."

બ્રહ્માત્મજ માને છે કે શાહરુખને અનેક સુંદર ગીત મળ્યાં, જેમાં હાથ ફેલાવવાની તેમની અદાએ તેમની છાપને વધુ મજબૂત કરી.

શાહરુખ ખાન સાથે કામ કરનારી મોટાભાગની અભિનેત્રીઓનું કહેવું છે કે 'શાહરુખ ખાન કોઈની પણ સાથે રોમાન્સ કરી શકે છે. ચાહે તે નિર્જીવ ચીજ જ કેમ ન હોય.'


Image copyright RED CHILLIES ENTERTAINMENT
ફોટો લાઈન 'ઝીરો' પછી શાહરુખે કોઈ ફિલ્મ નથી કરી

વરિષ્ઠ પત્રકાર જયપ્રકાશ ચૌકસેના કહેવા પ્રમાણે, 'કિંગ ઑફ રોમાન્સ'ની ઉપાધિ મીડિયાએ આપી છે, જેને કારણે અભિનેતાઓને લાભ પણ થાય છે.

ચૌકસે કહે છે, "દિલીપ કુમાર તથા રાજેશ ખન્નાના સુવર્ણકાળ દરમિયાન મીડિયાનો ખાસ વ્યાપ ન હતો. બહુ થોડી મૅગેઝિન છપાતી."

"આજના સમયમાં બહુ મોટી સંખ્યામાં મીડિયાગૃહો છે. તેમણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પ્રકારની સામગ્રીની જરૂર પડે છે."

"આ માટે તેઓ આ પ્રકારની ચીજોને ખૂબ ઉછાળે છે."

જે સમયમાં સુપરસ્ટાર તેમના ફેન્સ અને મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા એ સમયમાં શાહરુખ ખાન ઉત્સાહભેર તેમને મળતા. શાહરુખની આ વર્તણૂકે તેમની લોકપ્રિયતા વધારવામાં મદદ કરી.


આમીર-સલમાન-શાહરુખની ત્રિપુટી

Image copyright RED CHILLIES PR

સલમાન ખાને તેમની કૅરિયરની શરૂઆત 'મેને પ્યાર કિયા' જેવી રોમૅન્ટિક ફિલ્મોથી શરૂ કરી. આગળ જતા તેમણે 'સાજન' અને 'હમ આપકે હૈ કૌન' જેવી રોમૅન્ટિક તથા પારિવારિક ફિલ્મો પણ કરી.

આવી જ રીતે આમીર ખાને પણ તેમની કારકિર્દીની શરૂઆતમાં 'કયામત સે કયામત તક', 'દિલ', 'દિલ હૈ કી માનતા નહીં' અને 'જો જીતા વહી સિકંદર' જેવી રોમૅન્ટિક ફિલ્મોથી કરી હતી.

શાહરુખની ફિલ્મ કૅરિયરની શરૂઆત 'નૅગેટિવ કે ગ્રે' શેડના કૅરેક્ટર્સથી કરી હતી, સલમાન કે આમિર 'કિંગ ઑફ રોમાન્સ' ન બની શક્યા, પરંતુ શાહરુખે આ ઉપમા મેળવી.

આમીરે આગળ જતા 'લગાન', 'પીપલી લાઇવ', 'તારેં ઝમી પર' 'ગજની', 'તલાશ', 'પીકે' અને 'ધૂમ-3' જેવી વૈવિધ્યસભર અને પ્રયોગાત્મક ફિલ્મો કરી.

સલમાન ખાને કૅરિયરના મધ્યભાગમાં તમામ પ્રકારની ફિલ્મો કરી. જોકે, 'વૉન્ટેડ' બાદની તેમની મોટાભાગની ફિલ્મો ('દબંગ', 'એક થા ટાઇગર'', 'દબંગ-2', 'કિક' અને 'ભારત') જેવી કૉમેડી અને ઍક્શનના કૉકટેલવાળી ફિલ્મો રહી.


Image copyright RED CHILLIES PR
ફોટો લાઈન ફિલ્મ 'રઇસ' ગુજરાતની પૃષ્ઠભૂમિ ઉપર હતી

ફિલ્મ સમીક્ષક અજય બ્રહ્યાત્મજના કહેવા પ્રમાણે, "સલમાન ખાન તથા આમીર ખાને ગત 10 વર્ષ દરમિયાન ખુદમાં ઘણું પરિવર્તન લાવ્યાં છે."

"બંને ખૂબ જ અલગ પ્રકારની ફિલ્મો કરીને તેમનાં અભિનયને નવો ઘાટ આપી રહ્યાં છે."

"શાહરુખે અલગ પ્રકારની ફિલ્મોમાં પણ તેમની રોમેન્ટિક હીરોની છાપ યથાવત્ રાખી છે. ચાહે તે 'દિલવાલે' હોય કે 'દિલવાલે' જેવી ફિલ્મો."

બ્રહ્યાત્મજ કહે છે કે શાહરુખ ખાનની 'રોમૅન્ટિક હીરો'ની છાપ હવે તેમના માટે ભારરૂપ બની રહી છે. તેઓ 52 વર્ષના થઈ ગયા છે, છતાં તેઓ 25 વર્ષની ઉંમરના હોય તે રીતે પ્રેમ કરે છે.

શાહરુખ ખાનની રોમૅન્ટિક ઇમેજની જે મર્યાદા છે, જે આવનારા દિવસોમાં તેમના માટે અવરોધરૂપ બની શકે છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા