જ્યારે ડૉક્ટરે શાહરૂખને કહ્યું કે તમારાં માતાના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે

શાહરુખ Image copyright Getty Images

આજે કિંગ ખાન શાહરુખ ખાનના બોલીવૂડમાં 27 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ત્યારે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર તેમના પ્રશંસકો બાદશાહને શુભેચ્છા આપી રહ્યા છે.

આજે બોલીવૂડના બાદશાહ બની ગયેલા શાહરુખ ખાને આજથી 27 વર્ષ પહેલાં 'દિવાના' ફિલ્મ કરી હતી. ઋષિ કપૂર અને દિવ્યા ભારતી સાથેની આ તેની પ્રથમ હિંદી ફિલ્મ હતી.

શાહરુખને હંમેશાં એક અફસોસ રહી ગયો કે તેમનાં માતા લતીફ ફાતિમા ખાન તેમની પહેલી ફિલ્મ અને પોતાના દીકરાની સફળતા જોઈ શક્યાં નહીં.

શાહરુખ ખાને મુશ્તાક ખાન દ્વારા લખાયેલી પોતાની બાયૉગ્રાફી 'શાહરુખ ખાન - સ્ટીલ રીડિંગ'માં પોતાનાં માતા સાથેના સંબંધ અંગે વિગતે વાત કરી છે.


'ડૉક્ટરે આવીને મને કહ્યું તેમના છેલ્લા શ્વાસ છે....'

Image copyright Getty Images

તેમણે આ બાયૉગ્રાફી ઉપરાંત કેટલાંક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું છે કે એક મુસ્લિમ પરિવારમાં જન્મ થયો હતો પણ ક્યારેય કોઈ ધાર્મિક વિધિ-વિધાન માટે દબાણ કરવામાં નહોતું આવ્યું.

માતા વિશે શાહરુખે લખ્યું છે, "તેમને ડાયાબિટીસની બીમારી હતી અને એક નાની ઇજામાં રાહત ન થતાં લોહીમાં ઇન્ફેક્શન થઈ ગયેલું."

"તેઓ હૉસ્પિટલમાં હતાં, ત્યારે મેં પહેલી વખત પ્રાર્થના કરી તેમ છતાં મારા હાથમાં જ મારા માતાએ છેલ્લા શ્વાસ લીધા. તેનાથી વધારે બીજી પીડા મારા માટે કંઈ નથી."

આ અંગે ભાવુક થઈને વાત કરતાં 'રેન્ડેવુઝ વિથ સિમી ગરેવાલ'માં શાહરુખ ખાને કહ્યું હતું, "મને કોઈએ કહ્યું કે, તમે છ હજાર વખત ઇશ્વરનું નામ લો તો તેમને પીડા નહીં થાય."

"હું બત્રા હૉસ્પિટલના પાર્કિંગમાં ગયો અને મેં જીવનમાં પહેલી વખત ઇશ્વરનું નામ લીધું, અને ડૉક્ટરે આવીને મને કહ્યું, તમારાં માતાના છેલ્લા શ્વાસ છે."

આગળ શાહરુખ કહે છે, "મેં અંદર જઈને એવી વાતો શરૂ કરી, જેથી એમને ચિંતા થાય."

"જેમકે, હું તમારી દીકરીને હેરાન કરીશ, તમારા વિના અમારું શું થશે, અમને તમારી જરૂર છે. પણ એમણે એમના એ સ્મિત સાથે બસ મારી સામે જોયું, જાણે એટલું જ કહેવા માગતાં હતાં કે બસ હવે મને જવા દે અને મારા હાથમાં જ એમણે છેલ્લા શ્વાસ લીધા."


માતાના કારણે ફિલ્મોમાં રસ કેળવાયો

Image copyright Getty Images

શાહરુખના માતાના અવસાનનાં દસ વર્ષ પહેલાં તેમના પિતાનું અવસાન થયેલું, ત્યારે તેમના માતાએ જ એકલા હાથે શાહરુખ અને તેમનાં બહેન શહેનાઝનો કાળજીપૂર્વક ઉછેર કરેલો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ઑક્સફોર્ડ ગ્રૅજ્યુએટ એન્જિનીયર પિતાનાં પુત્રી લતીફ ફાતિમા એક ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ હતાં અને જુવેનાઇલ કેસ સાથે કાર્યરત હોવાની સાથે સમાજ સેવા પણ કરતાં હતાં.

શાહરુખ બાયૉગ્રાફીમાં જણાવે છે, "મારી હિંદી બહુ જ ખરાબ હતી, દસમાંથી ઝીરો માર્ક્સ આવે એવી."

"ત્યારે મારાં માતા કહેતાં જો તું દસમાંથી દસ માર્ક્સ લાવીશ તો હું તને ફિલ્મ જોવા લઈ જઈશ. આ રીતે મારો ફિલ્મોમાં રસ વધ્યો."

"મને એ સૌથી પહેલી વખત દેવ આનંદની 'જોશીલા' ફિલ્મ જોવા લઈ ગયેલાં... વિશ્વજીત અને જોય મુખરજી તેમનાં ગમતાં કલાકારો હતાં."

પોતાનાં માતાના અવસાન પછીની સ્થિતિ અંગે વાત કરતાં શાહરુખે સિમી ગરેવાલ સાથેના ઇન્ટરવ્યૂમાં કહેલું, "મારા પિતાનું કૅન્સરના કારણે અવસાન થયેલું, તેમણે અમને પહેલાંથી જ માનસિક રીતે તૈયાર કરી દીધેલાં."

બાયૉગ્રાફીમાં શાહરુખ લખે છે, "મારા પિતાના અવસાન વખતે હું રડ્યો નહોતો, મને એવું થયેલું કે હું હવે મોટો થઈ ગયો છું. પણ મારા માતાના અવસાને મને સમજાવ્યું કે કશું જ કાયમી નથી, મેં કોઈ પણ બાબતની અપેક્ષા રાખવાની છોડી દીધી."

"હું ખૂબ રડ્યો. હવે મને કોઈ વસ્તુથી આઘાત લાગતો નથી. જો મારી પાસેથી મારા મા છીનવાઈ જાય તો મને બીજી કોઈ જ વસ્તુ ગુમાવવાનો ડર નથી."


તમારા ખર્ચમાં કાપ ન મૂકો, આવક વધારો

Image copyright Getty Images

શાહરુખ બાયૉગ્રાફીમાં લખે છે, "હું જીવનનાં પ્રાથમિક મૂલ્યો મારાં માતા પાસેથી શીખ્યો છું. જેમકે, તેઓ હંમેશાં કહેતાં કે ક્યારેય તમારા ખર્ચ પર કાપ ન મૂકો, તમારી આવક વધારો."

ફિલ્મ 'રઇસ' વખતની એક પ્રેસ કૉન્ફરન્સમાં શાહરુખે આ જ વાત કરેલી, "મારાં માતા કહેતાં કે તમારા પગ તો જેટલા છે એટલા જ રહેવાના છે, તેથી તમારી ચાદર મોટી કરો."

શાહરુખ પોતાની બાયૉગ્રાફીમાં લખે છે, "મને જીવનમાં એક જ વાતનો સૌથી વધુ અફસોસ છે, મારાં માતા મારી સફળતા ન જોઈ શક્યાં."

"તેઓ મને એક કલાકાર તરીકે ફિલ્મમાં કામ કરતા કે ઍવૉર્ડ લેતા જોઈ શક્યાં નહીં. હું તેમને ખૂબ યાદ કરું છું."

"હું હંમેશાં વિચારું છું કે તે એક તારો બની ગયાં છે. તેથી હું જ્યારે પણ દુઃખી થઈ જાવ ત્યારે અગાશી પર જઈને ખૂબ રડું છું. કારણ કે, મને લાગે છે એ મને જુએ છે અને તેમના આશીર્વાદ ન હોત તો હું કંઈ જ ન હોત."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો