આર્થિક સંકટ : મોદી દવા બદલશે કે ડોઝ વધારશે - દૃષ્ટિકોણ

નરેન્દ્ર મોદી Image copyright Reuters

પાંચમી જુલાઈએ બજેટ રજૂ થશે. આ પહેલાં ગત સપ્તાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના અર્થશાસ્ત્રીઓ તથા ઉદ્યોગજગતના નિષ્ણાતો સાથે બેઠક કરી હતી.

મોદીના ગત કાર્યકાળ દરમિયાન કદાચ જ આવી કોઈ બેઠક યોજાઈ હતી.

અત્યાર સુધી નરેન્દ્ર મોદી અને સરકાર આર્થિક સંકટ હોવાની વાતને નકારતા રહ્યા છે, પરંતુ હવે તેમના કપાળ ઉપર ચિંતાની રેખાઓ દેખાવા લાગી છે.

ભારે બહુમત સાથે જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકૉનૉમી બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ અર્થતંત્રની મજબૂતીનો અંદાજ આપતાં તમામ પરિમાણ આર્થિક સંકટ તરફ નિર્દેશ કરે છે.

સરકારી આંકડા પ્રમાણે, દેશમાં બેકારીનો દર 45 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે તથા આર્થિક વૃદ્ધિદરની બાબતમાં ચીન કરતાં ભારત પાછળ રહી ગયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન)ના આંકડા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

તેમના નિવેદનથી દેશની આર્થિક સ્થિતિ વિશેની ચર્ચા ફરી એક વખત કેન્દ્રમાં આવી ગઈ હતી.


ડોઝ વધારશે કે દવા બદલશે?

Image copyright @RAJIVKUMAR1

ભાજપને સમજાઈ ગયું છે કે તેનો વિજય આર્થિક મુદ્દાઓ ઉપર આધારિત ન હતો અને બહુમત મળવા પાછળ અન્ય કારણો જવાબદાર હતાં.

હવે મોદી સરકાર સામે કથળતી જતી અર્થવ્યવસ્થાનો પડકાર છે. આટલા મોટાપાયે બેઠક બોલાવી તેના આધારે એક વાતના સંકેત મળે છે કે તેઓ આ બાબતે ગંભીર બન્યા છે અને તેમણે આ મુદ્દે કંઈક કરવું પડશે.

મૅન્યુફૅક્ચરિંગ તથા કન્ઝ્યુમર સૅક્ટરમાં નરમાઈ તથા બેકારીના આંકડાને મોદી સરકારે નકારી કાઢ્યા છે, પરંતુ હજુ પણ આર્થિક વિકાસનો મુદ્દો તેમના માટે ચિંતાનું કારણ છે.

અત્યાર સુધી જે વાસ્તવિકતાને સરકાર નકારી રહી હતી, તેને હવે સ્વીકારવા લાગી છે, એમ તાજેતરના ચિંતન-મનન પરથી લાગી રહ્યું છે.

મોદી સરકારની સ્થિતિ એક તબીબ જેવી છે, જેની સામે મુખ્ય સવાલ એ છે કે દવાનો ડોઝ વધારવો કે દવા બદલવી, કારણ કે હાલ તો બીમારી ઠીક થઈ હોય તેવા કોઈ અણસાર નથી.

અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે મોદીએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ઉપર દબાણ નાખ્યું અને વ્યાજદરમાં ઘટાડો કરાવ્યો પરંતુ તેનાથી કોઈ ફેર પડ્યો હોય તેમ નથી લાગતું.

ગત પાંચ વર્ષ દરમિયાન મોદીએ જેમની સલાહ ઉપર અર્થતંત્ર ચલાવ્યું, તેઓ જ આજે પણ તેમના આર્થિક સલાહકારોની યાદીમાં સમાવિષ્ટ છે.

આ મોટી સમસ્યા છે. જ્યાં સુધી મોદી ખુદ આ ઘેરામાંથી બહાર આવીને વિચાર-વિમર્શ નથી કરતા, વારંવાર સલાહ લીધા બાદ પણ કશું નક્કર નીકળશે, તેવી શક્યતા નહિવત્ છે.

સૌથી મોટો ભય એ વાતનો છે કે જે નીતિ અને રીતને કારણે આજે અર્થતંત્રની હાલત કથળી છે, તેને જ મોદી સરકાર ફરીથી પૂરજોશમાં લાગુ કરશે.

કારણ કે, વાસ્તવિકતાનો સ્વીકાર તથા પરિસ્થિતિનું યથાતથ આકલન કરીને યોગ્ય પગલાં લેવાં અલગ-અલગ બાબત છે.


મોદી સરકાર ત્રણ કામ કરે

Image copyright Getty Images

જે દેખાય રહ્યું છે, તેને જોતાં એવું લાગે છે કે સરકાર આર્થિક સંકટ પાછળનાં કારણોને બરાબર રીતે સમજી નથી રહી. કારણ કે ચારેય તરફ માગ થઈ રહી છે કે આર્થિક સુધારાને વધુ વેગવંતા બનાવવામાં આવે.

આનો મતલબ એવો થયો કે જે આર્થિક સુધારાને લાગુ કરવાથી આપણી આવી સ્થિતિ થઈ, તેને જ આગળ વધારવામાં આવે. જોકે, મોદી સરકાર પાસે તક છે કે તેઓ મૂળભૂત પરિવર્તન લાવે.

જો અર્થતંત્રને ફરીથી પાટા ઉપર ચડાવવું હોય તો સરકારે ત્રણ કામ કરવાં પડશે.

સૌથી પહેલાં તો 'મુક્ત વ્યાપારનીતિ'ને ત્યજવાની જરૂર છે. ચીનમાંથી કોઈપણ જાતની જકાત વગર માલ આયાત થઈ રહ્યો છે અને તેને થવા દેવામાં આવે છે.

આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી શીખવાની જરૂર છે અને આ નીતિને તિલાંજલિ આપવાની જરૂર છે.

અમેરિકાએ ભારતથી આયાત થતાં સામાન ઉપર જકાત વધારી હતી, જેના જવાબમાં ભારત એક વર્ષ પછી જાગૃત થયું હતું અને ત્યારે પણ મનેકમને ડ્યૂટી વધારી અને સંતોષ માન્યો.

ભારત સરકાર હજુ પણ સમજી નથી શકી કે સમગ્ર દુનિયા સંરક્ષણવાદી નીતિ અપનાવી રહી છે, પરંતુ આપણે હજુ પણ જૂની ફૉર્મ્યુલા ઉપર જ અટકેલાં છીએ.

ભારત સરકારે આયાત જકાત વધારવી જોઈએ જેથી કરીને દેશના સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની સ્પર્ધા કરવાની ક્ષમતા વધે, તેનાથી રોજગાર પણ વધશે.


મહાકાય કારખાનાનો મોહ છોડો

Image copyright Getty Images

વધુ એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે સરકારે મોટા ઉદ્યોગોનો મોહ છોડવો પડશે.

કદાચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મગજમાં ચીન તથા અમેરિકાની જેમ મોટાં-મોટાં કારખાનાં નાખવાનો વિચાર હશે, પરંતુ ભારત જેવા દેશની પરિસ્થિતિ જોતાં તે વિચાર કેટલો સાર્થક છે, તેના ઉપર ચિંતન નથી થઈ રહ્યું.

કારણ કે દેશમાં સૌથી વધુ રોજગારનું નાના કારખાના મારફત ઉત્પન્ન થાય છે એટલે તેમને સંરક્ષણ આપવું જોઈએ.

ત્રીજી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે સરકારે નાણાખાધને ઘટાડવાના લક્ષ્યાંકને જ કેન્દ્રમાં રાખ્યું છે, જેનાં કારણએ રોકાણ ઘટી રહ્યું છે, આને બદલે ચાલુ ખાતાની ખાધને ઘટાડવા તથા રોકાણને વધારવા ઉપર ભાર દેવાની જરૂર છે.

જો સરકાર આ ત્રણ નીતિ અપનાવે તો એવી આશા કરી શકાય કે આગામી છ માસમાં અર્થતંત્રની ગાડી ફરી પાટા ઉપર ચડી જશે.

જો મોદી ઇચ્છે તો આગામી છ મહિનામાં દેશનાં અર્થતંત્રને માટે ઘણું કરી શકે તેમ છે, પરંતુ તેમણે કેટલાક મૂળભૂત ફેરફાર કરવાની જરૂર છે.

નોટ બંધી, જીએસટી તથા મહાકાય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે.

આ વાતનો સરકારે સ્વીકાર કરવો પડશે, તો જ તેઓ કોઈ નક્કર પગલાં લઈ શકશે.

સરકાર સામે અનેક પડકાર છે. ગત વખતે આર્થિક બાબતોમાં તેમના મજબૂત સાથી અરૂણ જેટલી આ વખતે તેમની સાથે નથી અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણને આ પ્રભાર સોંપવામાં આવ્યો છે.


નવા નાણા મંત્રી કેટલું કરી શકશે ?

Image copyright EPA

નવા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પૂર્ણ કદનું બજેટ રજૂ કરશે. તેમના માટે એક વાત પ્રચલિત છે કે તેઓ દરેક બાબતને ઊંડાણપૂર્વક સમજે છે, પરંતુ અર્થશાસ્ત્ર અલગ વિષય છે.

ઉપરાંત આટલા સમયમાં તેઓ અર્થતંત્રને કેટલું સમજી શકશે તથા કેટલું કરી શકશે તે બાબત પણ શંકાસ્પદ છે.

એવું માનવામાં આવે છે કે પૂર્ણકદનું બજેટ એ વાસ્તવમાં જૂની નીતિઓનું જ વિસ્તૃત સ્વરૂપ હશે.

કોઈ સામાન્ય ફેરફાર હોય શકે, પરંતુ મહદંશે તેમાં મૂળભૂત ફેરફાર નહીં આવે.

સરકાર જીએસટી માટે પાંચ સ્લૅબને ઘટાડીને ત્રણ કે એક જ કરી દે, તેવી શક્યતા છે. સરકારે સમજવું પડશે કે દર એ મુખ્ય સમસ્યા નથી.

જીએસટી લાગુ થવાને કારણે લઘુ તથા મધ્યમ ઉદ્યોગોનો વહીવટી ભાર વધી ગયો છે અને તેઓ આ ભાર હેઠળ દબાઈ ગયા છે.

મોટા ઉદ્યોગો માટે આંતરરાજ્ય વેપાર સરળ થઈ ગયો છે, જેનાં કારણે નાના ઉદ્યોગો ઉપરનું ભારણ બેવડાયું છે.

ઉપરાંત સૌથી મોટી બાબત એ છે કે નાના ઉદ્યોગોને મૂળભૂત રાહત આપવાની દિશામાં સરકાર હાલમાં કશું નથી કરી રહી.

જીએસટીના દુષ્પ્રભાવને સમજી નથી શકી એટલે તેને દૂર કરે તે દૂરની વાત છે.

(સંદીપ રાય સાથે વરિષ્ઠ અર્થશાસ્ત્રી ભરત ઝુનઝુનવાલાની વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ