નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર દેશના પ્રથમ પીએમ હોત તો કાશ્મીરની સમસ્યા ના હોત

નરેન્દ્ર મોદી Image copyright RajyaSabha TV

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણમાં સંસદના બન્ને ગૃહોમાં ચર્ચા થઈ હતી, જે અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જવાબ આપ્યો હતો.

લોકસભામાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિભાષણનો જવાબ આપ્યો હતો. તેમણે ભાષણ આપતી વખતે વિપક્ષ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ હારને પચાવી શકી નથી અને હારનું ઠીકરું ઈવીએમના માથે ફોડે છે.

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' મુદ્દે પણ નરેન્દ્ર મોદીએ વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે કેટલાક પક્ષો આ મામલે માત્ર વિરોધ કરી રહ્યા છે, ચર્ચા સુદ્ધાં કરવા માગતા નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બિહારમાં બાળકોનાં મૃત્યુની ઘટના આપણા માટે શરમજનક બાબત છે. આપણે આ ઘટનાને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે.

તેમણે કહ્યું, 'હું રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છું.'


'સરદાર વડા પ્રધાન હોત તો...'

મોદીએ કહ્યું કે સરદાર પટેલને અમે સન્માન આપ્યું છે. રાજીવ ગાંધીએ આસામ સમજૂતીમાં એનઆરસીનો સ્વીકાર કર્યો હતો.

તેમણે કહ્યું કે એ મામલે તમે ક્રૅડિટ લઈ શકો. અડધું લેવું અને અડધું છોડવું એ નહીં ચાલે. સુપ્રીમ કોર્ટના આદેશ પર અમે એનઆરસી લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

તેમણે કહ્યું કે સરદાર પટેલ જો દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત તો આજે કાશ્મીરની સમસ્યા જ ના હોત. તેમણે 500 રજવાડાંને એક કર્યાં તેમાં બેમત નથી.

મોદીએ કહ્યું કે સરદાર સાહેબ કૉંગ્રેસી હતા અને એ જ પક્ષ માટે જીવ્યા. દેશની ચૂંટણીઓમાં સરદાર સાહેબ નજર નથી આવતા પરંતુ ગુજરાતની ચૂંટણીઓમાં જરૂર દેખાય છે.

તેમણે કહ્યું કે અમે તમારા પક્ષના નેતાની સૌથી મોટી પ્રતિમા ગુજરાતમાં બનાવી છે અને નેતાઓએ એ જોવા જવી જોઈએ. ગુલામ નબીજી કુછ દિન તો ગુજારિએ ગુજરાત મેં.


'હિંસા પર રાજકારણ ના કરવામાં આવે'

મોદીએ કહ્યું કે ઝારખંડને મૉબ લિંચિંગને લઈને હિંસાનો અડ્ડો કહેવામાં આવ્યું, યુવકની હત્યાનું મને પણ દુખ છે અને બધાને હોવું જોઈએ.

દોષીઓને સજા થવી જોઈએ, પરંતુ એક ઘટના પર આખા રાજ્યને દોષી દર્શાવવું આપણે શોભા નથી દેતું.

બધા પર શંકા કરીને રાજકારણ તો કરી લેશો પરંતુ તેનાથી સ્થિતિને સુધારી નહીં શકીએ.

હિંસા પર રાજનીતિ ના કરવી જોઈએ બીજી જગ્યાએ આપણે રાજકારણમાં સ્કોર કરી શકીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અભાવ અને દબાવ વચ્ચે સામાન્ય લોકોને દબાવા નહીં દઈએ.

તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલાં કરોડો ઘરમાં વીજળી, ગૅસ અને શૌચાલય ન હતાં, પરંતુ અમે નાની બાબતોથી દેશને બદલ્યો છે.

કારણ કે અમે મોટા નથી થઈ ગયા અને અમે નાના લોકોની નાની સમસ્યાઓનું સમાધાન કર્યું છે, જેનું મોટું પરિણામ મળ્યું છે.

જનતાએ જે ચુકાદો આપ્યો તેનું ગળું દબાવવાનો પ્રયાસ ના થવો જોઈએ, દેશનું પાંચ વર્ષનું નુકસાન થયું એનું અમને પણ દુખ છે, રાજ્યસભામાં અમારી બહુમતી નથી. અહીંથી પણ અમને સહાયતા મળવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો