Top News : કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય દીકરાને જેલની સજા

આકાશ વિજયવર્ગીય Image copyright Akash Vijayvargiya/Facebook

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય દીકરા આકાશ વિજયવર્ગીયની ધરપકડ બાદ કોર્ટમાંથી જામીન મળ્યા નથી.

નગર નિગમના આધિકારી સાથે મારપીટ બાદ આકાશની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આકાશને 11 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

ઇન્દૌરમાં નગર નિગમના અધિકારીઓ એક મકાન તોડવા આવ્યા હતા. સ્થળ પર પહોંચેલા ભાજપના ધારાસભ્ય આકાશે અધિકારીઓને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. પરંતુ તેઓ ન ગયા તેથી આકાશ હાથમાં બૅટ લઇને આવ્યા અને તેમને માર મારવાનું શરૂ કરી દીધું.


તબરેજના પિતાનું પણ મૉબ લિન્ચિંગ થયું હતું

Image copyright Sartaj Alam
ફોટો લાઈન તબરેજનાં માતા (ડાબે) તથા પત્ની શાઇસ્તા પરવીન

ટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, સરાયકેલા ખાસવાન ખાતે મૉબ લિન્ચિંગમાં મૃત્યુ પામનારા તબરેજ અંસારીના પિતા મકસૂરની પણ 15 વર્ષ અગાઉ આ રીતે જ હત્યા કરી દેવામાં આવી હતી.

સ્થાનિકોને ટાંકતા અખબાર જણાવે છે કે વર્ષ-2004માં જમશેદપુરના બાગબેરા વિસ્તારમાં કથિત રીતે ચોરી કરતી વેળાએ મકસૂર ઝડપાય ગયા હતા, ત્યારે ટોળાના મારને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસે આ તથ્યોને આધારે વધુ વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અખબાર ઇંડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અંસારીને માર મારીને 'જય શ્રી રામ' તથા 'જય હનુમાન' બોલવીને હત્યા કરવાના આરોપમાં 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગનના ધો. 10 પણ પાસ નથી.

આ લોકો રોજમદાર છે, બેકાર છે અથવા તો નોકરીની શોધમાં છે.


'ભારત માટે રાષ્ટ્રહિત સર્વોપરી'

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર તથા અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો વચ્ચે દિલ્હીમાં મુલાકાત થઈ હતી, જેમાં અનેક મુદ્દે ચર્ચા થઈ તથા ઉકેલ મેળવવા માટે સહમતિ સધાઈ.

ખબર એનડીટીવીના અહેવાલ પ્રમાણે, પોમ્પિયોએ કહ્યું કે 'ભારતમાં ચાર ધર્મનો જન્મ થયો છે. તમામ ધર્મની આઝાદી માટે એક થવું રહ્યું, કારણ કે આ અંગે કૂણું વલણ અપનાવીશું તો દુનિયાને જ નુકશાન થશે.'

આ પહેલાં ભારતના વિદેશ પ્રધાને પોમ્પિયો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે 'એસ-400 મિસાઇલ સિસ્ટમ હોય કે અન્ય કોઈ બાબત. ભારત રશિયા સહિતના દેશો સાથે સંબંધની બાબતમાં પ્રતિબંધો કરતાં પોતાના (ભારતના) રાષ્ટ્રહતિને ટોચ ઉપર રાખશે.'

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલા ધાર્મિક સ્વાતંત્ર્ય અહેવાલમાં ભારતમાં થઈ રહેલી મૉબ લિન્ચિંગ અંગે ચિંતા પ્રગટ કરવામાં આવી હતી.

ભારતે આ અહેવાલને 'બંધારણ દ્વારા રક્ષિત નાગરિકોનાં અધિકારો અંગે વિદેશી સંસ્થાને ટિપ્પણી કરવાનો અધિકાર નથી' એમ કહીને નકારી કાઢ્યો હતો.


'ચેન્નઈમાં પાણી કરતાં સોનું મોંઘું'

Image copyright Getty Images

ધ હિન્દુના અહેવાલ મુજબ, રાજ્યસભાના ઉપલા ગૃહમાં બુધવારે દેશભરની પાણીની સ્થિતિ અંગે થયેલી ટૂંકી ચર્ચામાં સીપીએમના સભ્ય ટી.કે. રંજરાજને કહ્યું હતું કે ચેન્નઈ દેશનું પ્રથમ શહેર છે, જેમાં બિલકુલ પાણી નથી વધ્યું.

હાલ જ્યારે ચેન્નઈ જલ સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે તેમણે કહ્યું કે હાલ ચેન્નઈમાં સોનાં કરતાં પાણી મોંઘું થઈ ગયું છે.

કેન્દ્રીય જળ આયોગે ચેન્નઈમાં 13 જૂન સુધીમાં પાણીની તંગી 41 ટકાએ પહોંચી હોવાનું નોંધ્યું હતું.

રંગરાજને કહ્યું, "આજે ચેન્નઈની મોટા ભાગની વસતી મ્યુનિસિપાલિટી અને ખાનગી પાણીના ટૅન્કર પર આધારિત છે."

"એક ખાનગી પાણીનું ટૅન્કર એક ગ્રામ સોના કરતાં પણ મોંઘું પડે છે. હાલ ચેન્નઈમાં પાણી કરતાં સોનું સસ્તું છે એ જ હકીકત છે."

રંગરાજને દાવો કર્યો છે કે જળસંકટના કારણે આઈટી ક્ષેત્રના કેટલાક કર્મચારીઓને ઘેરથી કામ કરવા કહેવાયું છે અને કેટલીક રેસ્ટોરાં પણ બંધ થઈ ગઈ છે.


ભાજપની એક ચૂંટણી, એક ચહેરો, એક વિચારધારા ભારતમાં સ્વીકાર્ય નથી - કૉંગ્રેસ

Image copyright Getty Images
ફોટો લાઈન આનંદ શર્મા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના વિચારને કૉંગ્રેસે ફગાવી દીધો છે.

બુધવારે આનંદ શર્માએ ભાજપને કહ્યું હતું કે, પહેલાંની સરકારો દ્વારા સ્વાતંત્ર્ય સમયથી જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, તેને ધ્યાનમાં લેવામાં આવે અને તેનું અપમાન કરવામાં આવે નહીં.

તેમણે કહ્યું, "ભાજપનો એક ચૂંટણી, એક ચહેરો, એક વિચારધારા"નો પ્રસ્તાવ ભારતમાં સ્વીકાર્ય નથી. તેમણે એમ પણ કહ્યું, "મત માટે દેશના ભાગલા" કરવાનું છોડી દો.

રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપતાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું:

"એવું ન માનો કે દેશ 2014 પછી બન્યો, 1947ની આઝાદી પછી નહીં. ભારતના વૈવિધ્યને સ્વીકારો અને માન આપો."

"દેશના વૈજ્ઞાનિકોએ તેને સિદ્ધિ અપાવી છે, તે ધ્યાનમાં રાખો."

શર્માએ પ્રશ્ન ઊઠાવ્યો કે, રાષ્ટ્રપતિ કહે છે, 2014માં વિકસિત ભારતનો પાયો નંખાયો, તો "15 ઑગસ્ટ 1947ના રોજ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ જીવતા હતા, ત્યારે શેનો પાયો નંખાયો હતો?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો