આખું શહેર પાણી માટે તરસે છે, પરંતુ આ ઇંદ્રને નથી કોઈ ચિંતા, પણ કેમ?

ઇંદ્ર કુમાર Image copyright BBC/PIYUSH NAGPAL

જળસંકટગ્રસ્ત ચેન્નાઈમાં દરેક વ્યક્તિ પોતાની તરસ છિપાવવા માટે સમય અને પૈસા ખર્ચ કરી રહી છે. શહેરના દક્ષિણ વિસ્તારની સ્થિતિ ખરાબ છે.

આ શહેરમાં એક વ્યક્તિ એવી પણ છે જેને આ પાણીના સંકટથી કોઈ ફરક પડતો નથી. એટલું જ નહીં તે ચેન્નાઈમાં પાણીના નળનું કનેક્શન લેવાની પણ ના પાડી રહી છે.

69 વર્ષના એસ. ઇંદ્રકુમાર ગર્વથી કહે છે કે તેમને પાણી બોર્ડ તરફથી કનેક્શન લેવા માટે અનેક વખત અપીલ કરવામાં આવી છે.

ઉત્તર-પૂર્વના વરસાદમાં વિલંબને લીધે શહેરના દક્ષિણ વિસ્તારનાં તમામ જળાશયો સુકાઈ ગયાં છે.

હાલમાં લોકો ચેન્નાઈ મેટ્રોવૉટર બોર્ડનાં પાણીનાં ટૅન્કરો પર નિર્ભર છે, જેનું ત્રણ અઠવાડિયાં પહેલાં બુકિંગ કરાવવું પડે છે.

40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ખાનગી ટૅન્કર ધારકો ફાયદો ઉઠાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે.

આ સ્થિતિમાં ઇંદ્ર કુમાર પાસે પાણીનો ભંડાર છે. સાત મહિના પછી થયેલા વરસાદમાં ઇંદ્ર કુમારે એટલું પાણી એકઠું કર્યું છે કે લોકોને નવાઈ લાગે.


ઇકો વૉરિયર

Image copyright BBC/PIYUSH NAGPAL

ઇંદ્ર કુમાર કહે છે, "છેલ્લા બે દિવસમાં ત્રણ સેન્ટિમિટર જેટલો વરસાદ થયો છે. ચેન્નાઈ જળસંકટનો સામનો કરી રહ્યું છે પણ હું નહીં."

તેઓ કહે છે, "વરસાદનું પાણી વહી જતું હોય છે. જોકે, મારા ઘરમાં આવું થતું નથી. અહીં અમે વરસાદનું એકેએક ટીપું એકઠું કરીએ છીએ."

ક્રોમપેટ સ્થિત જૂની ફૅશનના બે માળના મકાનને તેઓ પર્યાવરણ સુલભ ઘર ગણાવે છે.

વૉટર હાર્વેસ્ટિંગના તેમના અનોખા પ્રયાસ માટે લોકો તેમને 'ઇકો વૉરિયર'ના નામથી ઓળખે છે.

વર્ષ 1986માં તેમણે પોતાનું ઘર બનાવ્યું હતું, એનાં 12 વર્ષ બાદ તેમણે પહેલી વખત પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

કૂવાનું જે પાણી મીઠું હતું તેનો સ્વાદ બદલાઈ ગયો.

તેઓ કહે છે, "મેં તુરંત જ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું અને છ મહિનામાં જ પાણીની ગુણવત્તામાં સુધારો દેખાવા લાગ્યો."

તેમણે પોતાનાં બાળકોને કહ્યું કે તેઓ પોતાના આચાર્યને કહે કે તેઓ સવારની પ્રાર્થનાસભામાં પોતાના અનુભવ અંગે વાત કરવા માગે છે.

Image copyright BBC/PIYUSH NAGPAL

એ દિવસે તેઓ સ્કૂલ ગયા અને પોતાના અનુભવો વિશે વાત કરીને કામે ચાલ્યા ગયા.

ઇંદ્ર કુમાર કહે છે, "જ્યારે હું સાંજે ઘરે આવ્યો ત્યારે બે અધ્યાપકો ઘરે મારી રાહ જોતા હતા. તેઓ ઇચ્છે છે કે હું તેમના ઘરે જાઉં અને તેમના કૂવાના પાણીની ચકાસણી કરું."

"હું પહોંચ્યો ત્યારે મેં સપાટી પર સફેદ તરતો પદાર્થ જોયો. તેમણે જણાવ્યું કે આ જ પદાર્થ ટાંકીમાં પણ છે."

તેઓ કહે છે, "હકીકતમાં પુમાલ, પલ્લવરમ, ક્રોમપીટ વિસ્તારમાં ટેરનરી બહુ છે અને આ પદાર્થ એનું જ પ્રદૂષણ છે. એ દિવસે આ કામને મારો વ્યવસાય બનાવવાનું મેં નક્કી કરી લીધું."

"મેં નક્કી કર્યું કે હવે હું હવે દરરોજ આનો પ્રચાર કરીશ અને બે લોકોને આ માટે મનાવવાનો પ્રયાસ કરીશ."


વરસાદી પાણીનો સંગ્રહ

Image copyright BBC/PIYUSH NAGPAL

ઇંદ્રના ઘરમાં પાણીનો સંગ્રહ કરવાના આ પ્રોજેક્ટમાં ઘરની પાસેના ઢાળનું પણ મહત્ત્વ છે, આ ઢાળ તેમના ઘરથી માંડી 50 મીટર દૂરથી શરૂ થાય છે.

પાણી વહીને તેમના ઘર સામેના એક નાળામાં જાય છે. તેઓ કહે છે, "નાળામાંથી આ પાણી સમુદ્ર સુધી પહોંચી જાય છે. આ પાણીને રોકવા માટે મેં ઘરની સામે એક ખાડો ખોદ્યો છે."

ઇંદ્ર કુમાર કહે છે, "અહીં અમે ખોદકામ કર્યું અને એમાં રેતી નાંખી દીધી, જેનાથી જમીનની અંદર પાણીના સ્તરને વધવામાં મદદ મળી."

એ સિવાય તેમણે પોતાના ઘરની છત પર એક નાની ટૅન્ક બનાવી છે, જે ચોમાસામાં ભરાઈ જાય છે.

એકઠું થયેલું પાણી પણ રેતીમાંથી ગળાઈને નીકળે છે. પાણીમાં એક દેશી છોડ સારસાપરિલ્લા તરતો દેખાય છે. તેઓ કહે છે, "આ છોડ પાણીને શુદ્ધ કરે છે."

આ પાણી કૂવામાં પડે એ પહેલાં એક ફિલ્ટરમાંથી પસાર થાય છે.

ઇંદ્ર કુમાર કહે છે, "હું આ કૂવાનું પાણી પીવું છું. આમાં તમામ મિનરલ્સ હોય છે અને આ જ પાણીનો હું પીવા માટે ઉપયોગ કરું છું."

Image copyright BBC/PIYUSH NAGPAL

'ઇકો વૉરિયર'ના આ ઘરમાં પર્યાવરણને અનુકૂળ અન્ય ચીજો પણ છે. તેમના ઘરની અગાસી પર લેમન ગ્રાસ, તુસલી જેવી દવાના ગુણ ધરાવતી વનસ્પતિઓ ઉગાડેલી છે.

તેઓ કહે છે, "જો તમે તેનું સેવન કરો તો તમારે ડૉક્ટર પાસે નહીં જવું પડે. આ છોડમાંથી ઑક્સિજન પણ મળે છે, જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે."

બેકાર વહી જતું પાણી, પાણીનો સ્રોત ન હોઈ શકે એવું માનતા લોકો સાથે ઇંદ્ર કુમાર સંમત નથી.

તેઓ કહે છે, "તમે પૂછશો કે પાણીના સ્રોત શું છે, તો તેઓ કહેશે કે વાદળ, વરસાદ વગેરે. તેઓ ક્યારેય 'વહી જતું પાણી' એવું નહીં કહે. હું આ પાણીને રિસાઇકલ કરું છું અને કિચનના પાણીનો છોડમાં છાંટવા ઉપયોગ કરું છું"


બાલ્કનીમાં 1700 છોડ

Image copyright BBC/PIYUSH NAGPAL

તેઓ કહે છે, "હું ટૉયલેટ માટે કેમિકલનો ઉપયોગ કરતો નથી. હું બૅક્ટેરિયાનો પણ ઉપયોગ કરું છું. મારું ટૉયલેટ એટલું સુંદર નથી પણ ચોખ્ખું છે."

"માત્ર ટૉયલેટના ફ્લશ પાછળ જ લોકો 50 લીટર પાણીનો વપરાશ કરી દે છે, આ પાણીથી નારિયેળીને બચાવી શકાય છે."

ઇંદ્ર કુમાર ઘરની પાછળના બગીચાનાં પર્ણોનો ઉપયોગ ખાતર બનાવવામાં કરે છે. તેનાથી તેઓ 200 કિલો જેટલું ઑર્ગેનિક ખાતર બનાવે છે, જેને તેઓ સસ્તી કિંમતે વેચે છે.

જ્યાં એક તરફ ઇંદ્ર કુમાર ઘરમાં વૉટર હાર્વેસ્ટિંગ અને વેસ્ટ મૅનેજમેન્ટનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, ત્યાં બીજી તરફ બહુમાળી ઇમારતોમાં રહેતા એમબી નિર્મલે પણ લોકો સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે.

Image copyright BBC/PIYUSH NAGPAL

નિર્મલ ઇમારતના 12માં માળ પર રહે છે અને તેમની બન્ને બાલ્કની અને બેઠકરૂમમાં 1700 છોડ છે.

નિર્મલ એક એનજીઓ એક્નોરા ઇન્ટરનેશનલના પ્રેસિડન્ટ છે.

તેઓ કહે છે, "કોયમ્બેડુ બસ સ્ટૅન્ડ પાસેનો ચેન્નાઈનો આ ભાગ સૌથી પ્રદૂષિત છે. પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ મારે ત્યાં પ્રદૂષણનું સ્તર માપવા આવ્યા હતા."

"તેમને અહીં પ્રદૂષણ જોવા ન મળ્યું, જેનું કારણ આ છોડ છે."

રેન વૉટર હાર્વેસ્ટિંગ અને સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટનો ખર્ચ કેટલો હોય છે?

આના જવાબમાં ઇંદ્ર કુમાર કહે છે, "આ ખર્ચની વાત નથી. આ ભવિષ્ય માટેનું રોકાણ છે. એ જ રીતે જે રીતે તમે પોતાના પેન્શન ફંડ, જીવન વીમા વગેરેમાં રોકાણ કરો છો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ