કૉંગ્રેસમાં પડેલાં 100થી વધુ રાજીનામાંનું કારણ શું છે?

રાહુલ ગાંધી Image copyright Getty Images

દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસમાં હાલમાં રાજીનામાનો સમય ચાલી રહ્યો છે. પરંતુ જોવા જેવી વાત એ છે કે આ રાજીનામાની યાદીમાં મોટા ભાગના અજાણ્યા લોકો છે.

દેશનાં અલગ-અલગ રાજ્યોમાં કૉંગ્રેસના 100થી વધુ પદાધિકારીઓએ રાજીનામું ધરી દીધું છે. આ બધામાં સૌથી મોટું નામ રાજ્યસભા સાંસદ વિવેક તનખાનું છે જેઓ પાર્ટીના કાયદા અને માનવાધિકાર સેલના ચૅરમૅન પણ છે.

વિવેક તનખાએ ટ્વિટર પર અભિપ્રાય આપતા લખ્યું કે દરેકે પાર્ટીના પદ પરથી રાજીનામું ધરી દેવું જોઈએ, જેથી રાહુલ ગાંધી સ્વતંત્રતાથી તેમની ટીમ પસંદ કરી શકે.

અગાઉ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથે પણ રાજીનામું આપવાની વાત કહી હતી.

આ સિવાય રાજીનામું આપવામાં દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ રાજેશ લિલૌઠિયા અને તેલંગણા પ્રદેશ કૉંગ્રેસ કમિટીનાં કાર્યકારી અધ્યક્ષ પૂનમ પ્રભાકર પણ સામેલ હતાં.

ઉલ્લેખનીય છે કે શનિવારે ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના 35 પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે પોતાને જ રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં થયેલી હારના જવાબદાર ઠેરવ્યા હતા.


રાજીનામાંની લાઇન

Image copyright AFP/GETTY IMAGES

લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલી હાર બાદ કૉંગ્રસ કાર્યસમિતિની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની વાત કરી હતી. પરંતુ તેને નકારી દેવામાં આવી હતી.

ત્યારબાદ કથિત રીતે ગુરુવારના રોજ હરિયાણાના કૉંગ્રેસ નેતા સાથે થયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે હારની જવાબદારી સ્વીકારી, પરંતુ રાજ્યોની અંદર સ્થાનિક નેતાઓએ હારની જવાબદારી સ્વીકારી નહીં. આ બાદ રાજીનામાનો ઘટનાક્રમ શરૂ થયો.

જોકે, કૉંગ્રેસનો બારીકાઈથી અભ્યાસ કર્યો હોય તેવા વિશ્લેષકોનું માનવું છે કે રાહુલ ગાંધીએ આવી કોઈ વાત નથી કરી પરંતુ મીડિયા દ્વારા ફેલાવેલી 'અફવા' છે.


કૉંગ્રેસની રણનીતિ શું છે?

Image copyright REUTERS

રાજીનામાના આ ઘટનાક્રમને કેવી રીતે જોવો જોઈએ? આ અંગે વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે કે આ ઘટનાક્રમમાં સ્પષ્ટ રીતે નેતાઓની નૌટંકી નજરે પડે છે.

તેઓ કહે છે, "આટલી જૂની કૉંગ્રેસ પાર્ટીમાં હારના એક મહિના બાદ આ હંગામો થઈ રહ્યો છે. તેમને કોઈ દિશા નથી દેખાઈ રહી. રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી હતી પરંતુ તેમનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું."

"કૉંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ નથી દેખાઈ રહી."

એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવાનું મન બનાવી ચૂક્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ રાજીનામાનો ઘટનાક્રમ તેમને પોતાના નિર્ણય પર વિચારવા મજબૂર કરવા માટે છે?

કૉંગ્રેસ પર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે કે રાહુલ ગાંધી પદ નહીં લે તે નક્કી છે.

તેઓ કહે છે, "થોડા દિવસો પહેલાં કૉંગ્રેસ સંસદીય સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ અધ્યક્ષ નહીં રહે, પરંતુ તેઓ રાજનીતિમાં સક્રિય રહેશે."


કૉંગ્રેસ પાસે શું રસ્તો છે?

Image copyright REUTERS

2014માં પાર્ટીની હાર બાદ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ પાર્ટીના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી પરંતુ કમિટીએ રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો.

અગાઉ શરદ પવારના પાર્ટી છોડવા પર સોનિયા ગાંધીએ રાજીનામું આપવાની વાત કહી હતી પરંતુ તે પણ સ્વીકારાયું નહોતું.

તો શું રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદે ટકી રહેવું જોઈએ?

આ અંગે વિનોદ શર્મા કહે છે કે કૉંગ્રેસે વચગાળાના અધ્યક્ષ પસંદ કરવા જોઈએ, જે એક વર્ષ સુધી કામકાજ ચલાવે ત્યારબાદ કોઈ અધ્યક્ષ બનાવવામાં આવે.

વિનોદ શર્મા કહે છે, "જો નવા નેતા પસંદ કરવા માટે સમયની જરૂરિયાત હોય તો, કૉંગ્રેસ પાર્ટી એક અસ્થાયી અધ્યક્ષ પસંદ કરે જેથી કરીને પાર્ટીનું કામકાજ ચાલતું રહે અને પાર્ટી મહાસચિવનું પદ પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવે જેથી મુશ્કેલીઓ ઉકેલાઈ જાય."

પ્રિયંકા ગાંધીનું સંગઠનના મહત્ત્વના પદ પર રહેવાથી કૉંગ્રેસની મુશ્કેલીઓ કેવી રીતે હલ થશે?

આ અંગે વિનોદ શર્મા કહે છે, "કૉંગ્રેસ સામે મોટી મુશ્કેલી એ છે કે તેના નેતાઓ વિચારે છે કે ગાંધી પરિવાર વિના પાર્ટી એકસાથે નહીં રહે. આ વાત મહદ્અંશે સાચી પણ છે."

"આ વાતને લીધે તેમના પર વંશવાદનો આરોપ પણ લાગે છે. નવા અધ્યક્ષ તરીકે પ્રિયંકાને પસંદ કરવામાં આવે, તો સંગઠનને મજબૂતી મળશે."

બીજી તરફ નીરજા ચૌધરીનું માનવું છે કે જો કૉંગ્રેસે ફરીથી ઊભું થવું હોય, તો તેમણે અધ્યક્ષ સિવાય અન્ય ઘણા ફેરફારો કરવા પડશે.

તેઓ કહે છે, "ગાંધી-નહેરુ પરિવારના કોઈ પણ સભ્યનું અધ્યક્ષ પદ પર ન રહેવું પણ કૉંગ્રેસ માટે સારું છે. પરંતુ તેમાં આ લોકોનું સમર્થન જરૂરી છે."

"જો પાર્ટીમાં નવી ઊર્જા જગાવવી હોય તો તેવા લોકોને આગળ લાવવા પડશે જેમને લોકોનું સમર્થન પ્રાપ્ત છે. મતલબ કે જમીની સ્તરના નેતાઓને આગળ લાવવા પડશે."

કૉંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા માટે કૅડર મહત્ત્વપૂર્ણ છે તેવું વિનોદ શર્મા માને છે.

તેઓ કહે છે, "જો આ પાર્ટીમાં નવા લોહીનો સંચાર કરવો હોય તો તેમણે મોટા પાયે સભ્યપદ અભિયાન ચલાવવું પડશે. આ માટે માત્ર કેન્દ્ર અને રાજ્યોમાં નેતાઓને બદલવાથી કામ નહીં ચાલે."

"પાર્ટીએ લોકોના મુદ્દાઓને ઉઠાવવા પડશે અને રસ્તાઓ પર ઊતરવું પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો