ગાંધીજી અમદાવાદના એ તોફાનો બાદ જ્યારે ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા

મહાત્મા ગાંધી Image copyright Getty Images

ઓપરા વિન્ફ્રે નિર્મિત અને અકાદમી ઍવૉર્ડ વિજેતા ડેન્ઝલ વૉશિંગ્ટન દિગ્દર્શિત, 2007ની ખૂબ વખણાયેલી અમેરિકી ફિલ્મ 'ધ ગ્રેટ ડિબેટર્સ' યાદ આવે છે?

1930ના દાયકામાં અશ્વેતોની એક કૉલેજની ટીમે હાર્વર્ડ યુનિવર્સિટીની શ્વેત ડિબેટરોની ટીમને બૌદ્ધિક ચર્ચામાં હરાવી દીધી હતી. તે વિષય પર આ ફિલ્મ બની છે.

તમને થશે કે ગાંધી અને ટોળાંની હિંસાની બાબતમાં આ ફિલ્મને શું લાગેવળગે!

આ ફિલ્મને લાગેવળગે છે, કેમ કે તેમાં અમેરિકાના દક્ષિણનાં રાજ્યોમાં શ્વેત અમેરિકીઓનાં ટોળાં દ્વારા અશ્વેત અમેરિકી લોકોની હત્યા થતી હતી.

એટલે કે લિન્ચિંગ થતું હતું તે વાતને પણ માર્મિક રીતે વણી લેવામાં આવી છે.

હાર્વર્ડના (તેનું અસલી નામ દક્ષિણ કૅલિફોર્નિયા વિશ્વવિદ્યાલય છે) અહંકારથી ભરેલા શ્વેતવર્ણના વિદ્વાનો સામે ચર્ચાનો આ મામલો હતો.

આવા વિદ્વાનોને માનવતાનો બોધ મળે તે માટે અશ્વેત ડિબેટરોએ વારંવાર મહાત્મા ગાંધીના વિચારોને ટાંકીને તેમનું નામ લીધું હતું.

Image copyright Getty Images
ફોટો લાઈન ભીડના હાથે મરવાથી માંડ માંડ બચેલા ગાંધીએ તેને એક રાષ્ટ્રીય બીમારીનું લક્ષણ ગણાવ્યું હતું

ફિલ્મમાં નવ વાર લિન્ચિંગનો અને અગિયાર વાર ગાંધીજીના નામનો ઉલ્લેખ થાય છે.

એ યાદ રાખવું રહ્યું કે એ જ સમયગાળામાં મહાત્મા ગાંધી ભારતમાં પણ આવા જ માનવતાના પાઠ ભારતીયો અને બ્રિટિશરો બન્નેને ભણાવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 1931માં કોઈએ મહાત્મા ગાંધીને એક પત્ર લખી મોકલ્યો હતો.

અમેરિકાના એક અશ્વેતને ટોળાએ હણી નાખ્યો હતો તે ઘટના જેમાં છપાઈ હતી તે 'લિટરરી ડાઇજેસ્ટ'નું કટિંગ પણ પત્રમાં સાથે બીડવામાં આવ્યું હતું.

પત્રલેખકે ગાંધીજીને લખ્યું હતું કે કોઈ અમેરિકી મહેમાન આવે ત્યારે અથવા કોઈને મળવાનું થાય અને તેઓ પોતાના દેશ માટે કોઈ સંદેશ માગે, તો આપ તેમને એ સંદેશ આપજો કે તમારા દેશમાં ટોળાં અશ્વેતોની હત્યા કરી દે છે તે બંધ કરાવો.

14 મે, 1931ના રોજ મહાત્મા ગાંધીએ આ વાતના સંદર્ભમાં 'યંગ ઇન્ડિયા'માં લખ્યું હતું કે આવી ઘટનાઓ વિશે વાંચીને મન વિષાદથી ભરાઈ જાય છે. પણ મને એ બાબતમાં જરા પણ શંકા નથી કે અમેરિકી જનતા આ બૂરાઈની બાબતમાં સંપૂર્ણ જાગૃત છે અને આ કલંક દૂર કરવા માટે અમેરિકી સમાજ બહુ કોશિશ કરી રહ્યો છે.


લિંચ ન્યાય

Image copyright VIDEO GRAB

આજે અમેરિકાનો સમાજ ટોળાંની હિંસાથી ખરેખર ઘણા અંશે મુક્ત થઈ ગયો છે.

અમેરિકાના એક કૅપ્ટન વિલિયમ લિંચના નામથી આ બાબત સાથે લિંચ-ન્યાય એવો શબ્દ જોડાયો હતો.

એ વાતનાં 90 વર્ષ પછી આજે દુર્ભાગ્ય એ છે કે એવી જ ઘટનાઓ અને ટોળાંની હિંસાની ચર્ચા આપણે ભારતમાં કરવી પડે છે અને આપણને ફરી ગાંધીજી યાદ આવી રહ્યા છે.

સંયોગ પણ જુઓ કે 1931ના 34 વર્ષ પહેલાં 13 જાન્યુઆરી, 1897ના રોજ ગાંધીજીને પણ માંડમાંડ ટોળાંના હાથે મોતના મુખમાં જતા બચાવી શકાયા હતા.

દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં 6,000 જેટલા અંગ્રેજોના ઉશ્કેરાયેલાં ટોળાંએ મહાત્મા ગાંધીને ઘેરી લીધા હતા.

આ ટોળાંને તેના નેતાએ એટલું ઉશ્કેર્યું હતું કે ગાંધી પર હુમલો કરી, મારપીટ કરીને તેમની હત્યા કરી દેવા માગતું હતું.

મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથામાં તથા અન્ય પ્રસંગે આ ઘટનાનું વિસ્તૃત વર્ણન કરેલું છે.


'ગાંધી અમને સોંપી દો'

Image copyright FOX PHOTOS/GETTY IMAGES

પહેલાં તો ટોળાંએ ગાંધી પર પથ્થરો અને સડેલાં ઈંડાં ફેંક્યાં. પછી કોઈએ તેમની પાઘડીને ઉછાળી. તેમના પર પાટા અને મુક્કાનો વરસાદ વરસ્યો.

ગાંધીજી લગભગ બેહોશ થઈ ગયા હતા, ત્યારે કોઈ અંગ્રેજ મહિલાએ તેમની આડે પડીને માંડમાંડ તેમનો જીવ બચાવ્યો હતો.

બાદમાં પોલીસ રક્ષણ સાથે ગાંધીજી એક પારસી મિત્ર રુસ્તમજીના ઘરે પહોંચ્યા હતા. હજારોનું ટોળું તેમની પાછળ પડ્યું હતું અને રુસ્તમજીના ઘરને પણ ઘેરી લીધું.

તેઓ જોરશોરથી બૂમો પાડી રહ્યા હતા કે 'ગાંધી અમને સોંપી દો'. ટોળું ઘરને આગ લગાવી દેવા માગતું હતું.

મહિલા અને બાળકો સહિત ઘરમાં રહેલાં 20 જણને જીવને જોખમ હતું.

ડરબનના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઍલેક્ઝેન્ડર અંગ્રેજ હતા, પણ તેઓ ગાંધીજીના શુભચિંતક હતા. તેમણે ગાંધીજીનો જીવ બચાવવા માટે એક તરકીબ અજમાવી.

તેમણે ગાંધીજીને હિન્દુસ્તાની સિપાહીની વર્ધી પહેરાવી દીધી. એ રીતે તેમને ત્યાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશને લઈ જવાયા.

બીજું બાજુ તેમણે જાતે ટોળાંનું ધ્યાન બીજે ખેંચવા માટે હિંસક પ્રકારનું ગીત ગવરાવવાનું શરૂ કર્યું હતું.

તે ગીતના શબ્દો નીચે પ્રમાણેના હતા, જેનો અર્થ એવો થતો હતો કે બુઢ્ઢા ગાંધીને ફાંસી આપો, આમલીના ઝાડે લટકાવી દોઃ

'હેન્ગ ઓલ્ડ ગાંધી

ઑન ધ સૉર એપલ ટ્રી'


મૂર્ખાઓની ભીડને બુદ્ધિશાળીએ સંભાળી

Image copyright UMAR KHALID/TWITTER

ગાંધીજીને સિપાહીના વેશમાં ત્યાંથી કાઢ્યા પછી ઍલેક્ઝાન્ડરે ટોળાંને જણાવ્યું કે તમારો શિકાર તો અહીંથી છટકી ગયો છે. ટોળાંમાંથી કેટલાક વધારે રોષે ભરાયા હતા. કેટલાકના ગળે વાત ઊતરી નહીં એટલે ઘરની અંદર તપાસ કરી આવ્યા.

ટોળાના આગેવાન જેવા આ લોકોએ આખરે બહાર આવીને જણાવ્યું કે અંદર ગાંધી નથી ત્યારે ટોળું સમસમીને ધીમેધીમે વિખરાયું હતું.

ગાંધીજીના જીવનની આ ઘટનામાંથી બે બાબતનો બોધપાઠ લેવા જેવો છે. તેમને મારવા આવેલું ટોળું અંગ્રેજોનું જ હતું અને તેમને બચાવનારા પણ અંગ્રેજો જ હતા.

બીજી વાત એ કે ટોળાંની હિંસક માનસિકતાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીએ સ્વયં ગાંધીને લટકાવી દો એવું ગીત ગવરાવ્યું હતું.

આ રીતે તેમણે માનસશાસ્ત્રીય પદ્ધતિ અપનાવીને ટોળાંના મનમાં રહેલો આક્રોશ હિંસક ગીત મારફત વ્યક્ત કરાવ્યો.

તેમણે એવું દેખાડી આપ્યું કે મૂર્ખાઓની મોટી ભીડને બુદ્ધિથી સંભાળી શકાય છે અને કોઈનો જીવ બચાવી શકાય છે.


અમદાવાદમાં થયાં હુલ્લડ

Image copyright AFP

વક્રતા જુઓ કે આ ઘટનાનાં લગભગ 22 વર્ષ પછી 10 એપ્રિલ, 1919ના રોજ ગાંધીજીની ધરપકડ થઈ છે એવા સમાચાર ફેલાયા તે પછી અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

સમગ્ર શહેરમાં ટોળાં ધમાલ કરવા ઊતરી પડ્યાં હતાં. હિંસામાં એક અંગ્રેજ માર્યો ગયો હતો અને અન્ય કેટલાય અંગ્રેજોને ગંભીર ઈજા પણ થઈ હતી.

લોકો તોફાન કરવા નીકળી પડ્યા તેનું કારણ એ પણ હતું કે ગાંધીજી સાથે અનસૂયાબહેનને પણ પકડી લેવાયાં છે તેવી અફવા ફેલાઈ હતી. તોફાનો થયાંની જાણ થઈ ત્યારે ગાંધીજી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.

ડરબનમાં પોતાને મારી નાખવા આવેલાં ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ ના પાડનાર ગાંધીજીની ધરપકડની ખબરથી થયેલી હિંસામાં એક અંગ્રેજ માર્યા ગયા હતા.

આ ઘટનાને કારણે ગાંધીજીએ ટોળાંની માનસિકતાને વધારે તટસ્થ રીતે સમજવાની કોશિશ કરી હતી. જાહેર પ્રદર્શનો થાય ત્યારે સ્વયંસેવકો હુલ્લડ કરી બેસતા હોય છે તે પણ ગાંધીજીએ જોયું હતું.

તેમની સભામાં કાબૂ બહારની ભીડ એકઠી થઈ જાય ત્યારે ધમાલ મચી જતી હતી. આના કારણે જ તેમણે 8 સપ્ટેમ્બર, 1920ના રોજ 'યંગ ઇન્ડિયા'માં એક લેખ લખ્યો હતો, જેનું મથાળું હતું 'લોકશાહી વિરુદ્ધ ટોળાશાહી'.

લેખમાં તેમણે લખ્યું હતું, "આજે ભારતમાં બહુ ઝડપથી ટોળાશાહીની સ્થિતિ સર્જાવા લાગી છે. આપણી કમનસીબી એવી પણ હોઈ શકે કે આ સ્થિતિમાંથી આપણે બહુ ધીમેધીમે છૂટી શકીશું. પણ સમજદારી એમાં જ છે કે આપણે બધા પ્રકારના પ્રયાસો કરીને આ સ્થિતિમાંથી ઝડપથી છૂટીએ."


ભીડની મનમાની રાષ્ટ્રીય બીમારીનું લક્ષણ

Image copyright Getty Images

મહાત્મા ગાંધીએ સામૂહિક હિંસાનાં બે સ્વરૂપને ઓળખી બતાવ્યાં હતાં - એક સરકાર દ્વારા થતી હિંસા અને બીજી ટોળાં દ્વારા થતી હિંસા.

23 ફેબ્રુઆરી, 1921ના રોજ તેમણે 'યંગ ઇન્ડિયા'માં લખ્યું હતું, "સરકારી આતંકવાદની સરખામણીએ જનતાનો આતંકવાદ લોકતંત્રની ભાવનાના ફેલાવામાં વધારે બાધક બને છે. કેમ કે સરકારી આતંકવાદ (જેમ કે ડાયરવાદ)ને કારણે લોકતંત્રની ભાવનાને બળ મળે છે, જ્યારે જનતાનો આતંકવાદ લોકતંત્રને જ ખતમ કરે છે."

આ પહેલાં 28 જુલાઈ, 1920ના રોજ પણ તેમણે યંગ ઇન્ડિયામાં લખ્યું હતું કે, "હું પોતે પણ સરકારના ઉન્માદ અને નારાજગીની એટલી પરવા નથી કરતો જેટલી પરવા ટોળાના આક્રોશની કરું છું."

"ટોળું મનફાવે તેમ વર્તે તે રાષ્ટ્રીય બીમારીનું લક્ષણ છે. સરકાર આખરે એક નાનું તંત્ર છે. સરકાર પોતાને શાસન કરવા માટે અયોગ્ય સાબિત કરે ત્યારે તેને ઉખાડીને ફેંકી દેવી આસાન છે. પરંતુ ટોળાંમાં સામેલ થઈ ગયેલા અજાણ લોકોના પાગલપણાનો ઇલાજ કરવો વધારે મુશ્કેલ છે."

જોકે, બાદમાં સપ્ટેમ્બર 1920માં તેમણે આ જ વિષય પર લખ્યું ત્યારે નવેસરથી વિચારીને લખ્યું હતું.

તેમણે લખ્યું, "મને સંતોષ એટલા માટે છે કે ટોળાંને સમજાવાનું કામ કરવું આસાન છે. તેનું કારણ એટલું જ કે ટોળું પોતે વિચાર કરી શકવા સક્ષમ હોતું નથી. તે તો આવેશમાં આવીને કશું પણ કરી બેસે છે. તરત જ પશ્ચાતાપ પણ કરવા લાગે છે."

"પરંતુ અમારી સુવ્યવસ્થિત સરકાર પશ્ચાતાપ નથી કરતી - જલિયાંવાલા, લાહોર, કસૂર, અકાલગઢ, રામનગર વગેરે સ્થળે પોતે કરેલા ક્રૂરતાપૂર્ણ અપરાધો બદલ સરકારે ખેદ વ્યક્ત કર્યો નથી."

"પણ મેં ગુજરાંવાલામાં લોકોનાં ટોળાંમાં પશ્ચાતાપ કરીને આંસુ વહાવતાં લોકોને જોયા છે. આ ઉપરાંત હું બીજે જ્યાં પણ ગયો ત્યાં, એપ્રિલની ઘટના બદલ (અમૃતસર અને અમદાવાદનાં તોફાનોમાં અંગ્રેજોની હત્યા કરનારા) ટોળાંના લોકો પાસે મેં ખુલ્લેઆમ પશ્ચાતાપ કરાવ્યો છે."

એવી દલીલ કરી શકાય છે કે આજે આપણી વચ્ચે ગાંધીજી જેવા કોઈ નથી, જે પોતાની નૈતિક તાકાતના જોરે ટોળાંને કાબૂમાં કરી શકે.

આપણી પાસે નહેરુ જેવા નેતા નથી, જે તોફાન કરવા માગતા ટોળાંમાં વચ્ચે એકલા કૂદી પડે.

આપણી પાસે લોહિયા જેવા લોકો નથી, જે મુસ્લિમ યુવકને બચાવવા માટે દિલ્હીમાં એકલા હાથે ટોળાં સામે બાથ ભીડે. વિનોબા ભાવે જેવા સંતો નથી કે જેમની સામે ડાકુઓ પણ પોતાનાં હથિયારો હેઠે મૂકી દે.

Image copyright Getty Images

પરંતુ 22 સપ્ટેમ્બર, 1920 ગાંધીજીએ 'યંગ ઇન્ડિયા'માં લખ્યું હતું તે પ્રમાણેઃ

"થોડા બુદ્ધિશાળી કાર્યકરોની જરૂર છે. એવા કાર્યકરો મળી જાય તો સમગ્ર દેશને બુદ્ધિપૂર્વક કામ કરવા માટે સંગઠિત કરી શકાય છે. ટોળાંની અરાજકતાની જગ્યાએ સાચા પ્રજાતંત્રને વિકસિત કરી શકાય છે."

જોકે, તેના માટે જરૂરી એ છે કે સરકાર પોતે જ આવા કાર્યકરોને દેશદ્રોહી કહીને, તેમના પર જ ખોટા કેસો ઠોકીને, યેનકેન પ્રકારેણ તેમને ડરાવવા કે ધમકાવવા ના લાગે.

બીજી બાજુ આવા કાર્યકરોએ પોતાનાં વાણી અને વર્તનથી વ્યાપક સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કરવો પડશે.

'ધ ક્વિન્ટ'ના એક અહેવાલ અનુસાર 2015થી અત્યાર સુધીમાં ટોળાંની હિંસામાં 94 લોકોનો ભોગ લેવાયો છે.

મૃતકોમાં બધા જ ધર્મો અને જ્ઞાતિના લોકોનો સમાવેશ થાય છે, પણ કેટલીક બાબતોને ધ્યાનમાં લઈએ તો એવું લાગે છે કે અમુક ચોક્કસ સમુદાયને વધારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

અહીં એ ધ્યાનમાં લેવા જેવું છે કે અમેરિકામાં ટોળાંની હિંસા વધી ત્યારે શરૂઆતમાં માત્ર અશ્વેત આફ્રિકી લોકો જ ભોગ બનતા હતા, પણ આગળ જતા ટોળાશાહી એટલી વ્યાપક બની કે શ્વેત અમેરિકીઓ પણ તેનો ભોગ બનવા લાગ્યા હતા.

અમેરિકાની સંસ્થા 'નેશનલ ઍસોસિયેશન ફૉર ધ ઍડવાન્સમેન્ટ ઑફ કલર્ડ પિપલ'ના આંકડા અનુસાર 1882થી 1968 સુધીમાં અમેરિકામાં ટોળાંની હિંસામાં 4,743 લોકોની હત્યા થઈ હતી.

લિન્ચિંગમાં માર્યા ગયેલા આ લોકોમાં 3,446 અશ્વેત હતા, જ્યારે 1,297 શ્વેત લોકો પણ ભોગ બન્યા હતા.

કહેવાનો અર્થ એ છે કે એક વાર કોમવાદી કે જાતિવાદી ટોળાંની પ્રવૃત્તિને સામાજિક સ્વીકૃતિ મળી જાય, તો તે કોઈની પણ સામે શંકા કે દ્વેષ રાખીને હિંસા પર ઊતરી આવે છે.


ભીડનું શાસન

Image copyright RAVI PRAKASH

ટોળાશાહીને કારણે સૌથી મોટું નુકસાન કાનૂન અને શાસન વ્યવસ્થાને થાય છે. કોઈ પણ સમાજ સેંકડો વર્ષની રાજકીય અને સામાજિક તપશ્ચર્યા પછી કાયદાપાલન કરતો થાય છે.

પરંતુ ટોળાશાહીથી ન્યાયની વૃત્તિ ચેપી રોગની જેમ બહુ ઝડપથી ફેલાય છે અને કોઈ પણ તેનો ભોગ બની જાય છે. કાનૂની વ્યવસ્થાની જગ્યાએ ટોળાંની અરાજકતા ફેલાઈ જાય છે.

દિલને આઘાત લાગે તેવી ઘટનાથી વિચલિત થઈને તાત્કાલિક ન્યાય અને જાહેરમાં ફાંસી આપી દેવાની માનસિકતા જાગે છે, તેમાં હકીકતમાં ટોળાશાહીની માનસિકતા છુપાયેલી હોય છે.

આ વાત સમજવી પડશે. એ પણ સમજવું પડશે કે સમાજના લોકોમાં આવી માનસિકતા એટલા માટે ઊભી થાય છે કે પોલીસ અને અદાલતોની કાર્યવાહીમાંથી લોકોનો ભરોસો ઓછો થવા લાગ્યો છે.

તબરેજ કે મોહસીન અથવા બિક્કી શ્રીનિવાસ કે મનજી જેઠા સોલંકી જેવા કોઈને ટોળું મારી મારીને પતાવી દે ત્યારે ટોળાવાદી માનસિકતા ધરાવનારા એવું સમજે કે આમાં અમુક ધર્મ, જ્ઞાતિ કે વિચારધારાનો વિજય થયો છે કે અમુક ભગવાનની શ્રેષ્ઠતા સાબિત થઈ છે; તો તેઓ એ ભૂલી રહ્યા છે કે ખુદ માટે આવું જ મોત પસંદ કરી રહ્યા છે.

જાણ્યે અજાણ્યે પોતાનાં માસૂમ સંતાનોને પણ સંભવિત ટોળાશાહીના ન્યાયને હવાલે કરી રહ્યા છે.


આજનું 'ન્યૂ ઇન્ડિયા'

Image copyright DINODIA PHOTOS/GETTY IMAGES

મહાત્મા ગાંધીએ ચૌરી ચોરાની ઘટના બની (22 પોલીસને જીવતા સગળાવી દેવાયા) તે પછી અસહકાર આંદોલન અટકાવી દીધું હતું. ઼

સફળતાપૂર્વક ચાલી રહેલા આંદોલનને આ રીતે અટકાવી દેવાયું ત્યારે સારા પ્રબુદ્ધ લોકોએ પણ તેમની ટીકા કરી હતી.

જોકે, ગાંધીજી જાણતા હતા ગમે તે સ્થિતિમાં કે ગમે તેવા ઉદ્દેશ સાથે થનારી ટોળાંની હિંસાને વાજબી ઠરાવી શકાય નહીં.

તેને ચલાવી લેવામાં આવે તો સમાજમાં ટોળાંની હિંસાથી ન્યાયની વાતને વાજબીપણું મળી જાય.

તેની સામે આજે એવું 'ન્યૂ ઇન્ડિયા' બન્યું છે, જ્યાં ગૌરક્ષાના નામે કે સામાજિક, રાજકીય કે કોમવાદી દ્વેષને કારણે ટોળું હિંસા કરવા લાગ્યું છે.

દેશનો યુવાવર્ગ બેરોજગારી, અંસતોષ, નિરાશા, હતાશા, ભ્રામક પ્રચાર, સાંપ્રદાયિક મૂઢતા અને કોમવાદી માનસિકતાનો એ હદે શિકાર બની ગયો છે કે વૉટ્સઍપમાં ફેલાવાતી અફવાઓને સાચી માનીને ટોળાંની હિંસામાં સામેલ થવા લાગ્યો છે.

એક અહેવાલ અનુસાર 1 જાન્યુઆરી, 2017થી 5 જુલાઈ, 2018 સુધીમાં નોંધાયેલા 69 કેસોમાં માત્ર બાળકોને ઉપાડી જતી ગૅંગની અફવાને કારણે 33 લોકોને ટોળાંએ મારી નાખ્યા હતા.

99 લોકોને બહુ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. ગાંધીજીએ જે ચેતવણી આપી હતી તે રાષ્ટ્રીય બીમારી આ જ છે.

આ બીમારીનો લાંબા ગાળાનો ઇલાજ કરવાને બદલે સ્થાનિક શાસકોથી માંડીને દેશના વડા સુધીના બધા લોકો માત્ર મૌખિક નિવેદનો આપીને પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ લઈ રહ્યા છે.

(લેખ ગાંધીવિચારોના અધ્યેતા છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ