BSNL: એક સમયની નંબર વન કંપની બંધ થવાને આરે કેવી રીતે આવી ગઈ?

બીએસએનએલ Image copyright Bsnl

ફેબ્રુઆરી 2019

બીએસએનએલ (ભારતીય સંચાર નિગમ લિમિટેડ)ના તત્કાલીન સીએમડી અનુપમ શ્રીવાસ્તવ બહુ ચિંતિત હતા.

લાખો-કરોડો રૂપિયાનાં દેવાંના બોજ નીચે દબાયેલું બૅંકિંગ ક્ષેત્ર, "બહારના અને અંદરના પડકારો"ના કારણે રોકડની મુશ્કેલીનો સામનો કરી કરેલી બીએસએનએલ પોતાના 1.7 લાખ કર્મચારીઓના પગાર માટે નાણાં એકઠાં કરવાની કોશિશ કરી રહી હતી.

ફેબ્રુઆરીમાં કર્મચારીઓના પગારમાં 15 દિવસ મોડું થતાં મીડિયામાં મોટા સમાચાર છપાયા હતા.

અનુપમ શ્રીવાસ્તવને ખબર હતી કે જો આ સમાચાર લાંબા સમય સુધી ચાલશે તો બૅંકો પાસેથી લોન લેવામાં મુશ્કેલ થશે.

જૂનમાં નિવૃત્ત થયેલા અનુપમ શ્રીવાસ્તવ જણાવે છે, "પૈસા ભેગા કેમ કરવા એ એક પડકાર હતો, આ અસ્થાયી કૅશફ્લોની સ્થિતિમાંથી બહાર કઈ રીતે આવવું."

પૈસાની વ્યવસ્થા કર્યા બાદ માર્ચમાં કંપનીએ કર્મચારીઓનો પગાર કરી નાખ્યો.

ઑક્ટોબર 2002માં બીએસએનએલે મોબાઇલ સેવા શરૂ કરી હતી અને માત્ર દોઢ-બે વર્ષમાં તે ભારતની નંબર વન મોબાઈલ સેવા બની ગઈ હતી. જોકે, હાલ બીએસએનએલ પર લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

અધિકરીઓ યાદ અપાવે છે કે બીએસએનએલના કારણે જ ફ્રી ઇનકમિંગ કૉલ્સ, ફ્રી રૉમિંગ જેવી સુવિધાઓ મળી હતી.

જોકે, બીએસએનએલના અધિકારીઓ એ દાવો કરતા થાકતા નથી કે પ્રાઇવેટ ટેલિકૉમ ઑપરેટર્સની સરખામણીએ બીએસએનએલ પરનું દેવું "પરચૂરણ જેવું" છે.

કેટલાક લોકો કહે છે કે બીએએનએલ બંધ થઈ જશે. તો કોઈ વળી તેના ખાનગીકરણ પર ભાર આપી રહ્યા છે.

બીએસએનએલના પૂર્વ અધિકારીઓ સાથે વાતચીતમાં જે દૃષ્ય ખડું થાય છે કે આંતરિક પડકારો અને કડક સરકારી નિયંત્રણ અને કામમાં કહેવાતી સરકારી દખલગીરીના કારણે બીએસએનએલ કંપની આજે આ સ્થિતિમાં છે.

કંપનીના લગભગ 1.7 લાખ કર્મચારીઓની સરેરાશ ઉંમર 55 વર્ષ છે.

એક વરિષ્ઠ અધિકારીના મતે "તેમાંથી 80 ટકા બીએસએનએલ પર ભારરૂપ છે, કારણ કે ટૅક્નૉલૉજીની દૃષ્ટિએ તેઓ અભણ છે અને નવી ટેકનિક શીખવા માગતા નથી અને તેની અસર યુવાન કર્મચારીઓના મનોબળ પર પણ પડે છે."

જોકે, બીએસએનએલનું કર્મચારી યુનિયન આ આરોપ નકારે છે.

બીએસએનએલ પોતાની આવકનો 70 ટકા ખર્ચ પગાર પર કરે છે. ખાનગી ઑપરેટરમાં આ આંકડો 3થી 5 ટકા હોય છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી ઑપરેટર્સની દરેક ગ્રાહકમાંથી થતી સરેરાશ આવક લગભગ 60 રૂપિયા છે. જ્યારે બીએસએનએલમાં 30 રૂપિયા છે, કારણ કે બીએસએનએલના મોટા ભાગના ગ્રાહકો ઓછી આવકવાળા છે.

સૂચના અને પ્રસારણમંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં બીએસએનએલ માટે આર્થિક પૅકેજની વાત તો કરી છે, પણ કંપનીના ભવિષ્યને લઈને અટકળો યથાવત્ છે.

હવે મોટો સવાલ એ છે કે એક જમાનાની નંબર વન કંપની બીએસએનએલ આ સ્થિતિમાં કઈ રીતે પહોંચી?


બીએસએનએલની શરૂઆત

19 ઑક્ટોબર, 2002ના રોજ તે વખતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ લખનૌથી બીએસએનએલ મોબાઇલ સેવા શરૂ કરી.

પછીના દિવસે બીએસએનએલે જોધપુરમાં સેવાની શરૂઆત કરી, જ્યાં અનુપમ શ્રીવસ્તવ બીએસએનએલના જનરલ મૅનેજર હતા.

અનુપમ શ્રીવાસ્તવ કહે છે, "જ્યારે અમને બીએસએનએલનાં સિમ મળતાં તો અમારે પોલીસ, વહીવટી અધિકારીઓને સુરક્ષાના કારણસર જાણ કરવી પડતી, કારણ કે અવ્યવસ્થાની શક્યતા રહેતી. એ દિવસોમાં બીએસએનએલનાં સિમ માટે ત્રણ-ચાર કિલોમિટરની લાંબી લાઇન લાગતી હતી."

આ દિવસોમાં ખાનગી ઑપરેટરોએ બીએસએનએલ શરૂ થયાના અમુક મહિનાઓ પહેલાં જ પોતાની સેવા શરૂ કરી દીધી હતી. પરંતુ બીએસએનએલની સેવાઓ એટલી લોકપ્રિય થઈ કે બીએસએનએલના 'સેલવન' બ્રાન્ડની માગ જબરદસ્ત રીતે વધી ગઈ.

અધિકારી ગર્વથી જણાવે છે કે "લૉન્ચના અમુક મહિનામાં જ બીએસએનએલ નંબર વન મોબાઇલ સેવા બની ગઈ હતી."


સરકારી દખલ

Image copyright Anupam srivatsav

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ (ડીઓટી)માંથી ઑક્ટોબર 2000માં બીએસએનએલનો જન્મ થયો. તેમાં ભારત સરકારની 100 ટકા ભાગીદારી હતી.

બીએસએનએલની દોર ડીઓટીના હાથમાં છે, જે ભારત સરકારના સંચાર મંત્રાલયનો ભાગ છે.

એમટીએનએલ મુંબઈ અને દિલ્હીમાં ઑપરેટ કરતું હતું, જ્યારે બાકીના દેશમાં બીએસએનએલ છે.

વર્ષ 2000માં સ્થાપના બદ બીએસએનએલના અધિકારી બને તેટલી જલદી મોબાઇલ સેવા શરૂ કરવા માગતા હતા. જેથી તેઓ ખાનગી ઑપરેટરોને પડકાર આપી શકે, પરંતુ વરિષ્ઠ અધિકારીઓના મતે તેમને જરૂરી સરકારી મંજૂરીઓ મળી શકતી નહોતી.

વિમલ વાખલૂ એ વખતે બીએસએનએલમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેઓ કહે છે, "અમે બહુ નિરાશ હતા. અમે એક રણનીતિ પર કામ કરવા માગતા હતા, જેથી અમે હરીફાઈમાં તેમને પાછળ રાખી શકીએ."

તેઓ કહે છે, "બીએસએનએલના બોર્ડે પ્રસ્તાવ પસાર કરી સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો."

એ વખતે ડૉક્ટર ડીપીએસ સેઠ બીએસએનએલના પહેલા પ્રમુખ હતા. તેઓ સરકાર સાથે પોતાના સંબંધો અંગે બહુ વાત કરવા ઇચ્છતા નથી, પરંતુ કહે છે કે શરૂઆતમાં નિર્ણયો લેવાની જે આઝાદી હતી તે ધીરે-ધીરે ઓછી થવા લાગી.

વિમલ વાખલૂ જણાવે છે, "જ્યારે બીએસએનએલની શરૂઆત થઈ ત્યારે ખાનગી કંપનીઓ 16 રૂપિયા પ્રતિ મિનિટ કૉલ ઉપરાંત ઇનકિંમગ પર પણ 8 રૂપિયા પ્રતિ મિનિટ લેતી હતી. અમે ઇનકમિંગ મફત કર્યું અને આઉટ ગોઇંગ કૉલ્સની કિંમત દોઢ રૂપિયા સુધી થઈ ગઈ. તેથી ખાનગી કંપનીઓ હલી ગઈ."

બીએસએનએલના કર્મચારીઓ 2002-2005ના સમયને બીએસએનએલનો સુવર્ણકાળ ગણાવે છે, જ્યારે બધાને બીએસએનએલનું સિમ જોઈતું હતું. કંપની પાસે 35 હજાર કરોડની કૅશ જમા હતી, ઓળખિતા લોકો બીએસએનએલનાં કાર્ડની માગ કરતા.


બાબુશાહી

Image copyright Bsnl

બીએસએનએલ કર્મચારી અને અધિકારી 2006-12ના સમયને આજની બીએસએનએલની સ્થિતિ સાથે સરખાવે છે.

એ સમયે મોબાઇલ સૅગમેન્ટમાં જબરદસ્ત ઉછાળો હતો, પણ બીએસએનએલ બાબુશાહીમાં ફસાયેલું હતું.

માર્કેટમાં પોતાની ક્ષમતા વધારવા માટે તેઓ નવાં ઉપકરણ ખરીદે અને જલદી નિર્ણયો લે તે જરૂરી હતું.

ખાનગી કંપનીઓ આવા નિર્ણયો તરત લેતી હતી, જ્યારે સરકારી કંપની હોવાને કારણે બીએસએનએલ માટે ટૅન્ડર પ્રક્રિયા પૂરી કરવામાં મહિનાઓનો સમય લાગતો હતો.

એક પૂર્વ વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે બીએસએનએલના વિસ્તારનું છઠ્ઠું ચરણ હતું. એ સમયે ભારતમાં લગભગ 22 કરોડ મોબાઇલ કનેક્શન્સમાં બીએસએનએલના માર્કેટ શૅર 22 ટકા હતા.

તેઓ જણાવે છે, "કંપનીએ 93 મિલિયન લાઇન્સ ક્ષમતા વધારવા માટે ટૅન્ડર બહાર પાડ્યું, પરંતુ કોઈને કોઈ કારણે એમાં મહિનાઓ લાગ્યા. ક્યારેક ભ્રષ્ટાચારના આરોપથી વિલંબ થયો, કયારેક કોઈ બીજા કારણથી. પરિણામ એ આવ્યું કે 2006-12 વચ્ચે બીએસએનએલની ક્ષમતામાં હજુ તો થોડો નફો થવા લાગ્યો હતો ત્યાં માર્કેટ શૅરમાં ઘટાડો થઈ ગયો અને ખાનગી કંપનીઓ આગળ નીકળી ગઈ."

તેઓ કહે છે, "એ વખતે કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓમાં બેચેની હતી. અમે વિચારતા હતા કે અમે કેમ પાછળ રહી ગયા, લોકોએ નેટવર્ક કન્જેશન અને અન્ય સમસ્યાઓના કારણે બીએસએનએલ છોડીને ખાનગી કંપનીઓની દિશા પકડી."

લોકો બીએસએનએલની સેવાથી નારાજ હતા.

એ જ વખતે બીએસએનએલના કે. પી. અભિમન્યુ અમદાવાદ ગયા. સાંજે તેમની તબિયત બગડી તો તેમને ડૉક્ટર પાસે લઈ જવાયા.

બીએસએનએલ કર્મચારી યુનિયનના મહાસચિવ કે. પી. અભિમન્યુ જણાવે છે, "ડૉક્ટરે મને કહ્યું, તમે પહેલાં મારી મદદ કરો ત્યારે હું તમારી મદદ કરીશ. મારી પાસે બીએસએનએલનો મોબાઇલ છે. કૉલ સાંભળવા માટે રસ્તા પર જવું પડે છે, બૂમ પાડીને વાતો કરવી પડે છે. તમે પહેલાં મારી સમસ્યાઓનું સમાધાન કરો."

નિષ્ણાતો જણાવે છે તે એ વખતે મંત્રાલયમાંથી મંજૂરી આવવામાં વાર લાગતી હતી.

ટેલિકૉમ ક્ષેત્રના જાણકાર પ્રોફેસર સૂર્યા મહાદેવનના મતે સ્થિતિ એટલી બગડી કે બજારમાં એક વાત એવી પણ હતી કે મંત્રાલયમાં કહેવાતા કેટલાક લોકો ઇચ્છતા હતા કે બીએસએનએલના માર્કેટ શૅર ઘટે, જેથી ખાનગી કંપનીઓને ફાયદો થઈ શકે.

Image copyright Getty Images

દયાનિધિ મારન વર્ષ 2004-07 દરમિયાન સંચારમંત્રી રહ્યા. તેમના બાદ એ. રાજા 2007-10 સુધી.

બીએસએનએલની ખરાબ હાલત પર એ. રાજા સાથે તો સંપર્ક જ ન થઈ શક્યો, પરંતુ સંચારમંત્રી રહી ચૂકેલા દયાનિધિ મારન કહે છે, "મારા સમયમાં બીએસએનએલ વિસ્તરી રહી હતી. બીએસએનએલ બોર્ડ પાસે કોઈ પણ નિર્ણય લેવાના સંપૂર્ણ અધિકાર હતા. એ બીએસએનએલનો સૌથી સારો સમય હતો અને તેનો વિસ્તાર થઈ રહ્યો હતો."

"મારા સમયમાં એક પણ ટૅન્ડર રદ થયું નથી. કોઈ પાસે આ સાબિત કરવા માટે એક પણ કાગળ છે? મારા સમયમાં એક ખાનગી ઑપરેટરની બીએસએનએલને ટૅકઓવર કરવાની ઇચ્છા હતી, તો અમે તેના પર દંડ ફટકાર્યો હતો."

મારન આ આરોપોનું ખંડન કરે છે કે સરકાર ખાનગી કંપનીઓના પ્રભાવમાં કામ કરતી હતી.

દયાનિધિ મારને કહ્યું, "મારા સમય દરમિયાન બીએસએનએલ જુસ્સાથી કામ કરતી હતી અને ખાનગી કંપનીઓ ભાગી રહી હતી."

મારન પર ચેન્નાઈમાં પોતાના ઘરમાં બીએસએનએલ લાઇન્સના ગેરકાયદેસર દુરુપયોગના આરોપ પણ લાગ્યા, પરંતુ દયાનિધિ મારન તેને 'રાજકારણ પ્રેરિત જણાવે છે, જેમાં તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી.'

આ કેસ અદાલતમાં છે.


વર્ષ 2010નું 3-જી ઑક્શન

Image copyright AFP

વર્ષ 2010માં 3-જી સ્પેક્ટ્રમની હરાજી થઈ જેમાં સરકારી કંપની હોવાને કારણે બીએસએનએલે ભાગ ન લીધો.

બીએસએનએલને સમગ્ર દેશ માટે સ્પેક્ટ્રમ તો મળ્યા, પરંતુ હરાજીમાં જે ભાવે ખાનગી કંપનીઓએ સ્પેક્ટ્રમ ખરીદ્યાં હતાં એ જ ભાવે ખરીદી કરવાનું બીએસએનએલને કહેવાયું.

વળી, વાયમૅક્સ ટૅક્નૉલૉજી પર આધારિત બ્રૉડબૅન્ડ વાયરલેસ એક્સેસ (બીડબલ્યૂએ) સ્પેક્ટ્રમ માટે પણ બીએસએનએલને ભારે રકમ આપવી પડી.

આની અસર એમટીએનએલ અને બીએસએનએલની આર્થિક સ્થિતિ પર પડી.

એક પૂર્વ વરિષ્ઠ અધિકારીમા મતે આ કારણે બીએસએનએલે આ હરાજીમાં 17,000થી 18,000 કરોડ ખર્ચ કર્યા જેથી ખજાનો ખાલી થઈ ગયો. એમટીએનએલને તો લોન લેવી પડી જેને ચૂકવવા માટે તેને મહિને 100 કરોડ રૂપિયા આપવા પડતા હતા.


આશાનું કિરણ

Image copyright Anupam srivastav

પૂર્વ અધિકારીઓના મતે વર્ષ 2014થી 2017 બીએસએનએલ માટે થોડો આશાનો દોર હતો, જ્યારે બીએસએનએલે ઑપરેટિંગ પ્રૉફિટ્સ મેળવ્યો અને વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી તેનો ઉલ્લેખ કર્યો.

બીએસએનએલના પૂર્વ પ્રમુખ અનુપમ શ્રીવાસ્તવના મતે, "વર્ષ 2014-15માં બીએસએનએલનો ઑપરેટિંગ પ્રૉફિટ 67 કરોડ રૂપિયા, વર્ષ 2015-16માં 2000 કરોડ રૂપિયા અને વર્ષ 2016-17માં 2500 કરોડ રૂપિયા હતો. સાથે જ 15 ઑગસ્ટ 2016એ વડા પ્રધાન મોદીએ જયારે લાલ કિલ્લા પરથી બીએસએનએલની સફળતાનો ઉલ્લેખ કર્યો એ બીએસએનએલના સારા દિવસોના આગમનનો સંકેત હતો."

તે ઉપરાંત બીએસએનએલ અને એમટીએનએલે બીડબલ્યૂએ સ્પેક્ટ્રમ સરેન્ડર કર્યું, જેમાં તેમને સરકાર પાસેથી પૈસા મળ્યા અને તેની બગડતી સ્થિતિમાં થોડો સુધારો થયો.

બીજી તરફ બીએસએનએલ અધિકારી વિમલ વાખલૂ કહે છે ઑપરેટિંગના ફાયદાની વાત કરવી એ મજાક જેવી છે, કારણ કે આ આંકડા પર પહોંચતી વખતે ઉપકરણો અને ડેપ્રિસિયેશન અથવા અવમૂલ્યનને ધ્યાનમાં રાખવામાં નહોતું આવ્યું.

જોકે, અનુપમ શ્રીવાસ્તવ આ વાતથી સહમત નથી. તેઓ કહે છે કે ઑપરેટિંગ ફાયદો ગણતી વખતે ડેપ્રિસિયેશન અંગે વિચારાયું હતું. તેમના મતે બીએસએનએલની એકાઉન્ટિંગ પ્રક્રિયા ઉચ્ચ કક્ષાની છે.


જિયોનું આગમન

Image copyright AFP

બજારમાં રિલાયન્સ જિયોનું આવવું એક ગેમચૅન્જર હતું. જેનાથી બજારની બધી જ ટેલિકૉમ કંપનીઓને અસર થઈ.

એક તરફ બીએસએનએલનો એક વર્ગ પોતાની સ્થિતિ માટે જિયોને જવાબદાર માને છે, એક બીજો વર્ગ આ વાત સાથે સહમત નથી.

બીએસએનએલ કર્મચારી યુનિયનના પી. અભિમન્યુ બીએસએનએલની આર્થિક સ્થિતિ માટે જિયોની પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી અને નીતિઓના ઘડવૈયાઓ પર કંપનીની કહેવાતી અસરને પણ જવાબદાર ગણાવે છે. આ કારણે ઍરસેલ, ટાટા ટેલિસર્વિસિસ, રિલાયન્સ ઇન્ફોકૉમ, ટેલિનૉર જેવી મધ્યમ અને નાની ટેલિકૉમ કંપનીઓ બંધ થઈ ગઈ.

જ્યારે પૂર્વ બીએસએનએલ અધિકારી વિમલ વાખલૂના મતે "બીએસએનએલ અને એમટીએનએલને જિયોથી કોઈ પડકાર નહોતો મળ્યો. જ્યારે જિયોએ પોતાની સેવાઓ શરૂ કરી, તેની હાલત પહેલાંથી જ ખરાબ હતી. ઘણા લોકો જિયોનો બહાનાં તરીકે ઉપયોગ કરે છે."

એક પૂર્વ બીએસએનએલ અધિકારીના મતે જિયોએ પોતાની સેવાઓ શરૂ કરવા માટે બહુ મોટી રકમ લગાવી છે, તો બીજી કંપનીઓને આવા રોકાણ માટે કોણ રોકે છે?


4-જી સ્પેક્ટ્રમ હરાજી

આશ્ચર્યની વાત એ છે કે જ્યારે દુનિયા 5-જી સ્પેક્ટ્ર્મ તરફ આગળ વધી રહી છે ત્યારે બીએસએનએલ પાસે 4-જી સ્પેક્ટ્રમ નથી.

અધિકારીઓના મતે જ્યારે 2016માં 4-જી સ્પેક્ટ્રમની હરાજી થઈ ત્યારે બીએસએનએલને બાકાત રાખવામાં આવી.

એક અધિકારીના મતે બીએસએનએલ મૅનેજમૅન્ટે આ અંગે ભારત સરકારનું ધ્યાન દોરવા માટે 17 પત્રો લખ્યા, પણ પરિસ્થિતિ ન બદલાઈ.

અધિકારીઓના મતે "ફાઇલ ઑફિસોમાં ફરતી રહી. ફાઇલ આગળ કેમ ન વધી તેનાં અલગઅલગ કારણ હોઈ શકે."

દયાનિધિ મારનના મતે 4-જી સ્પેક્ટ્રમ ન મળવાને કારણે બીએસએનએલની હાલત ખરાબ થઈ છે. સરકાર નહોતી ઇચ્છતી કે બીએસએનએલ ખાનગી ઑપરટર્સ સાથે હરીફાઈમાં ઊતરે. સરકાર તેનું ગળું દબાવવા માગે છે.

એ વખતના ટેલીકૉમમંત્રી રહેલા મનોજ સિન્હા સાથે સંપર્ક થઈ શક્યો નથી. જો તેમની સાથે વાત થશે તો અમે અપડેટ કરીશું.

એક વિચારધારા એવી પણ છે કે હવે સીધું 5-જી વિશે વિચારવું જોઈએ. પરંતુ અધિકારીઓના મતે 5-જીનો રસ્તો 4-જીમાં થઈને જ જાય છે. જેથી સિસ્ટમના નેટવર્ક અને ઉપકરણોને 5-જી માટે તૈયાર કરી શકાય.


બીએસએનએલનું ભવિષ્ય

Image copyright Anupam srivastav

એક પૂર્વ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે બીએસએનએલમાં કામ કરવાની સ્વતંત્રતા નથી અને તેઓ ખુદને બંધાયેલા માને છે. જેમ કે, બીએસએનએલના વિસ્તારના ખર્ચનો પ્રસ્તાવ સરકાર પાસે લાંબા સમય સુધી કોઈ જ નિર્ણય વિના લટકેલો રહ્યો છે. આમ, કામની પદ્ધતિને સુધારવા માટે જરૂરી છે.

બીએસએનએલના પહેલા પ્રમુખ ડૉક્ટર ડીપીએસ સેઠથી લઈને આજના અધિકારી માને છે કે બીએસએનએલને સરકારી મદદની જરૂર છે, કમસેકમ થોડા મહિનાઓ માટે તો છે જ.

બીએસએનએલના અધિકારીઓના મતે બીએસએનએલ પાસે દેશની અલગઅલગ જગ્યાઓ પર જમીન છે, જેની બજારકિંમત એક લાખ કરોડ આસપાસ છે. 20,000 કરોડ રૂપિયાના ટાવર છે અને 64,000 કરોડ રૂપિયાના ઑપ્ટિકલ ફાઇબર્સ છે, જેની લંબાઈ લગભગ આઠ લાખ કિલોમિટર છે અને જરૂર પડે તેનાથી પૈસા ઊભા કરી શકાય છે.

અનુપમ શ્રીવાસ્તવ કહે છે, "ભારત જેવા દેશમાં એક પબ્લિક સૅક્ટર ઑપરેટરની જરૂર છે. જેથી બજારમાં એક સરકારી સંસ્થાની હાજરી અને સંતુલન રહે."

જ્યારે પ્રોફેસર સૂર્ય મહાદેવન બીએસએનએલના ખાનગીકરણના પક્ષમાં છે.

તેઓ કહે છે કે, બીએસએનએલને તમે જેટલું લાંબું ચલાવશો એટલું નુકસાન થશે. બીએસએનએલમાં કોઈ જવાબદારી નથી. કોઈને સારા કામ માટે ઇનામ નથી મળતું કે ન ખરાબ કામની સજા. આપણી ઘણી સરકારી સંસ્થાઓ ત્યારે જ કામ કરે છે જયારે તેમને બચાવીને રાખવામાં આવે, તેમને હરીફાઈમાંથી બહાર રાખવામાં આવે તેમજ તેમની સામે કોઈ પડકાર ન હોય.

દયાનિધિ મારન કહે છે કે તેઓ ખાનગીકરણના પક્ષમાં નથી, પરંતુ બીએસએનએલને એવો માહોલ મળવો જોઈએ જેથી તે ખાનગી કંપનીઓ સાથે મુકાબલો કરી શકે.

બીજી તરફ બીએસએનએલ મૅનેજમૅન્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કંપનીને બચાવવા માટે સર્વાઇવલ પ્લાન પર સરકાર કામ કરી રહી છે અને તેઓ આથી વધુ કંઈ જ કહી શકશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ