'આ રીતે RTI હેઠળ માહિતી માગનારા ઍક્ટિવિસ્ટોની હત્યામાં ગુજરાત દેશમાં પ્રથમ'

અમિત જેઠવા Image copyright AMIT JETHVA\ BLOGSPOT
ફોટો લાઈન અમિત જેઠવા

માહિતી અધિકાર પહેલના એક્ઝિક્યુટિવ સેક્રેટરી પંક્તિ જોગ કહે છે કે "ગુજરાતમાં 13 માહિતી અધિકાર કર્મશીલોએ જીવ ગુમાવ્યા છે અને મહારાષ્ટ્રમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માગનારા લોકોની હત્યામાં ગુજરાત પછી બીજા ક્રમે છે, પરંતુ જો મહારાષ્ટ્ર અને ગુજરાતની વસતિની સરખામણી કરીએ તો મહારાષ્ટ્ર નહીં, ગુજરાત નંબર વન કહી શકાય."

અલબત્ત, આ આંકડા એકત્ર કરનારી સંસ્થા કૉમનવેલ્થ હ્યુમનરાઇટ્સ ઇનિશિએટિવની વેબસાઇટ મુજબ તેઓ પ્રાદેશિક ભાષામાં આવતા તમામ ડેટાનો હજી અભ્યાસ કરી શકતા નથી. એટલે આ સરખામણીમાં ઓછી વસતિ ધરાવતા રાજ્યોને સાંકળી શકાયા નથી. જોકે, તે છતાં ગુજરાતમાં આરટીઆઈ હેઠળ અરજી કરનારા લોકોની હત્યાનો આંકડો મહત્ત્વનો મુદ્દો છે.

વસતિની રીતે મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે અહેવાલ મુજબ ત્યાં 8 આરટીઆઈ ઍક્ટિવિસ્ટોની હત્યા થઈ છે. આ ઉપરાંત હરિયાણામાં 4, બિહારમાં 9, આંધ્ર પ્રદેશમાં 5, દિલ્હીમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, ઝારખંડમાં 4, કર્ણાટકમાં 8, મધ્ય પ્રદેશમાં 3 અને ઓછી વસતિ ધરાવતા મેઘાલયમાં 1 હત્યા થઈ છે. આ તમામ આંકડાઓ કૉમનવેલ્થ હ્મુમન રાઇટ્સ ઇનિશિએટિવની વેબસાઇટ પરથી મેળવવામાં આવ્યા છે.

આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન)ની વિશેષ અદાલતે ભાજપના પૂર્વ સંસદસભ્ય દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકોને આજીવનકેદની સજા કરી છે.

અમિત જેઠવાની તા. 20મી જુલાઈ-2010માં અજાણ્યા શખ્સોએ અમદાવાદમાં ગોળી મારીને હત્યા કરી હતી. આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ગીરના જંગલમાં ચાલી રહેલા ગેરકાયેદસર ખનનનો પર્દાફાશ કરવા માટે ચળવળ હાથ ધરી હતી.

2005માં માહિતી અધિકારનો કાયદો લાગુ થયો એ પછી ગુજરાતમાં તે કાયદા હેઠળ માહિતી માગનારાઓ પર હુમલા અને હત્યાના કિસ્સા અવારનવાર સામે આવ્યા છે.

ગત વર્ષે માહિતી અધિકાર કર્મશીલ નાનજી સોંદરવાની હત્યા થઈ હતી અને બે મહિના પહેલાં નાનજીભાઈના દીકરા રાજેશની પણ હત્યા થઈ.

ગામમાં સરકાર દ્વારા મળેલી સહાય રોડથી લઈને શૌચાલયમાં જે રીતે ખર્ચાઈ રહી હતી તેમાં ગેરરીતિ જણાતા નાનજીભાઈએ માહિતી અધિકાર અંતર્ગત હિસાબ માગ્યો હતો.

9 માર્ચ, 2018ના રોજ નાનજીભાઈની હત્યા થઈ ગઈ. હત્યા અગાઉ નાનજીભાઈ જણાવી ચૂક્યા હતા કે તેમના જીવને જોખમ છે.


મારા બીજા દીકરાવને પણ મારી નાખશે

ફોટો લાઈન કાજલબહેન સોંદરવા

રાજકોટના માણેકવાડા ગામમાં રહેતાં કાજલબહેન સોંદરવાએ 22 મેએ પુત્ર રાજેશને ગુમાવ્યો અને 2018માં પતિ નાનજીભાઈને ગુમાવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં નાનજીભાઈ સોંદરવાનાં પત્ની કાજલબહેને કહ્યું હતું કે "મારા ઘરવાળાનું ગયે વર્ષે ખૂન થઈ ગયું એ પછી મારા દીકરાનું પણ એ વર્ષે ખૂન થઈ ગયું. મારે કાંઈ નથી જોઈતું. હું બસ એટલું જ ઇચ્છું છું કે આ ખૂન કરનારાઓને જનમટીપની સજા થાય. જો એ લોકો જેલમાંથી બહાર નીકળશે તો અમારા બીજા દીકરાવને પણ મારી નાખશે. અમને એટલો ડર છે."

નાનજીભાઈના બીજા પુત્ર અજય કે જેઓ ફરિયાદી પણ છે તેમણે બીબીસીને જણાવ્યું હતું કે "મારા પિતાના મોત બાદ આરોપીઓએ મારા પરિવાર પર કેસ પાછો ખેંચી લેવાનું દબાણ કર્યું હતું. સમાધાન માટે સતત ધમકીઓ આપી હતી. અમારા પરિવારે નમતું ન જોખ્યું અને મારા ભાઈ રાજેશની પણ હત્યા કરી નાખવામાં આવી."


આ રીતે ગુજરાત દેશમાં પ્રથમ

ફોટો લાઈન જેમની ગત વર્ષે હત્યા થઈ તે નાનજીભાઈ સોંદરવાની તસવીર

માહિતી અધિકાર પ્રત્યે લોકો જાગૃત થાય એ માટે કામ કરતી ગુજરાત માહિતી અધિકાર પહેલ નામની સંસ્થા અમદાવાદમાં છે.

એના એક્ઝિક્યુટિવ સેક્રેટરી પંક્તિ જોગે કૉમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઇનિશિયેટિવને આધારે આંકડા આપતાં બીબીસીને કહ્યું, "દેશમાં 65 કરતાં વધુ માહિતી કર્મશીલોની હત્યા થઈ છે અને 300 કરતાં વધુ લોકો પર હુમલા થયા છે. માહિતી અધિકાર હેઠળ માહિતી માગનારાઓ પર હુમલા અને મોતના મામલે મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે છે."

"ગુજરાતમાં 13 લોકોની હત્યા થઈ છે. મહારાષ્ટ્રમાં 17 લોકોની હત્યા થઈ છે. જોકે, ગુજરાત અને મહારાષ્ટ્રની વસતીની સરખામણી કરીએ અને સેન્સસ ઇન્ડિયાના આંકડા ટાંકીએ તો 2011માં થયેલી વસતીગણતરી અનુસાર એ વખતે ગુજરાતની વસતી 6 કરોડ 4 લાખ હતી. મહારાષ્ટ્રની વસતી 11 કરોડ 24 લાખ હતી. મહારાષ્ટ્રની વસતી ગુજરાત કરતાં લગભગ બમણી કહી શકાય. આમ, બંને રાજ્યોની વસતીને આધારે સરખામણી કરીએ માહિતી અધિકાર ઉપયોગકર્તાઓની હત્યામાં ગુજરાત નંબર વન કહેવાય."


સ્થાપિત હિતોનું દબાણ પણ પોલીસ રક્ષણ નહીં

પંકિત જોગ કહે છે કે માહિતી અધિકાર અન્વયે ભ્રષ્ટાચાર ઉજાગર થયા પછી એ ભ્રષ્ટાચાર કરનારાઓ જ હુમલા કરે છે અને મોત નીપજાવે છે.

નાનજીભાઈ સોંદરવાના કેસનો હવાલો આપતાં પંક્તિબહેને કહ્યું હતું, "નાનજીભાઈના મોત પછી તેમના દીકરા રાજેશને પણ જીવ ગુમાવવો પડ્યો, કારણ કે નાનજીભાઈના કેસમાં સમાધાન કરવા માટે તેમના પરિવાર પર સતત દબાણ થતું હતું."

"રાજેશ નાનજીભાઈની બાબતોમાં રસ લેતો હતો. તે વિગતોથી વાકેફ હતો. તેમના પરિવારે સમાધાન ન કર્યું અને દીકરાનો પણ જીવ ગયો એવું પ્રથમ દૃષ્ટિએ લાગે છે."

"નાનજીભાઈએ ગ્રામવિકાસના તમામ મુદ્દા પર માહિતી માગી હતી. ખાસ કરીને નરેગા, શૌચાલય, રોડ વગેરેની માહિતી માગી હતી."

"નાનજીભાઈએ એ વિગતો માગી હતી કે ગ્રામવિકાસનાં કામો માટે જે પૈસા આવતા હતા તે ક્યાં વપરાયા છે, એમાં જે હકદાર છે તે કોણ છે."

આરટીઆઈ દ્વારા શૌચાલય બાંધકામની યાદી તેમણે ચકાસી હતી. જેમાં ગેરરીતિ જણાતા તેમણે આ બાબત વિજિલન્સ કમિશનમાં જણાવી હતી. કલેક્ટરથી લઇને મુખ્યપ્રધાન સુધીના જવાબદાર લોકોને વાકેફ કર્યા હતા."

"નાનજીભાઈને આશા હતી કે સરકાર આમાં કંઈક ઍક્શન લેશે, પરંતુ સરકાર યોગ્ય સમયગાળામાં ઍક્શન લેવામાં નિષ્ફળ રહી અને દરમિયાન ગેરરીતિ કરનારાઓએ નાનજીભાઈ પર હુમલો કર્યો અને તેમનું મોત થયું હતું."

"આ ઘટના બાદ આજ સુધી એ પંચાયતનું કોઈ સોશિયલ ઑડિટ કે સ્પેશિયલ ઑડિટ થયું નથી. નાનજીભાઈના જીવને ખતરો છે એવું તેમણે પોલીસ સ્ટેશનમાં પણ જણાવ્યું હતું. તેમ છતાં તેમને રક્ષણ મળ્યું નહોતું."


ગુજરાત માહિતી કમિશન નિષ્ફળ

Image copyright FB pankti Jog

પંક્તિબહેને એમ પણ કહ્યું હતું કે માહિતી અધિકાર ઉપયોગકર્તા પર હુમલા અને ખૂનની ઘટનાઓ ચોંકાવનારી છે. સરકાર એક તરફ પારદર્શિતા, સુચારુ વહીવટ, સુશાસનની વાત કરે છે, ને બીજી તરફ લોકશાહીના પાયારૂપ માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માગતા લોકો પર હુમલા થાય છે. આ પ્રકારના બનાવ ગુજરાતમાં વધતા જાય છે તે આપણા બધા માટે આ શરમ અને ચિંતાની વાત છે. મહારાષ્ટ્રમાં હત્યાના આવા તમામ કિસ્સામાં માહિતી કમિશને તમામ માહિતી જાહેર કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ ગુજરાતનું માહિતી આયોગ આમાં પણ નિષ્ફળ ગયું છે.

માહિતી આયોગે લગભગ તમામ કિસ્સામાં ચુપકીદી સાધી લીધી છે એવું પંકિત જોગ જણાવે છે.

પંકિત જોગની ફરિયાદ છે કે માહિતી માગતા લોકોનાં મોત થઈ રહ્યાં છે અને એમાં માહિતી આયોગ કોઈ ભૂમિકા લેતું નથી અને સાવ ચૂપ છે.


માહિતી આયોગ ભૂમિકા ભજવી શકે

Image copyright FB Shailesh Gandhi

બીબીસીએ ગાંધીનગરમાં આવેલા ગુજરાત માહિતી અધિકાર આયોગની મુલાકાત લીધી હતી. ત્યાંના સચિવ નરેન્દ્ર ગઢવીનું કહેવું છે કે આયોગની ભૂમિકા માહિતી આપવા પૂરતી મર્યાદિત છે.

એમણે બીબીસીને જણાવ્યું, "ક્યાંય કોઈ હુમલો કે દુર્ઘટના થાય તો કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં આવે છે, આયોગ એમાં કંઈ ન કરી શકે. હુમલા અને મોતની ઘટનાઓ પરથી અમે એટલું વિચારી શકીએ કે બને તેટલી માહિતી જાહેર કરી દેવામાં આવે તો દુર્ઘટનાઓ ન બને."

હુમલાઓ કે મોતની ઘટના બને તો માહિતી આયોગ કોઈ ભૂમિકા ભજવી શકે કે નહીં એ સવાલના જવાબમાં ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર શૈલેશ ગાંધીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "આયોગ બીજાને પગલાં લેવાની ફરજ પાડી શકે છે. વળી, માહિતી અધિકારની જે વિગતો ન અપાઈ હોય તે વેબસાઇટ પર મૂકવાની ફરજ પાડી શકે છે. ઉપરાંત, કોઈએ માહિતી માગી હોય અને હુમલો થયો હોય તો કમિશન આદેશ આપી શકે છે કે તેમણે માગેલી જે પણ માહિતી હોય તે તરત જ વેબસાઇટ પર મૂકો."

પંક્તિ જોગે જણાવ્યું હતું કે માહિતી અધિકાર અન્વયે કોઈએ માહિતી માગી હોય અને તેમના પર હુમલો કે હત્યા થાય તો મહારાષ્ટ્રમાં નમૂનારૂપ વ્યવસ્થા છે. જેના પર હુમલો થયો હોય કે હત્યા થઇ હોય તેમણે જે માહિતી માગી હોય એ તરત જાહેર કરી દેવામાં આવે છે. જેથી એ વિષય પર કોઈ માહિતી માગે તો ફરી દુર્ઘટના ન બને. ગુજરાતમાં આવું નથી.

મહારાષ્ટ્રમાં આ વ્યવસ્થા લાગુ થઈ તેની પાછળ શૈલેશ ગાંધીની ભૂમિકા છે.

શૈલેશ ગાંધીએ કહ્યું હતું કે હું જ્યારે સૅન્ટ્રલ કમિશનમાં હતો ત્યારે મેં એક ઠરાવ પાસ કરાવ્યો હતો કે કોઈના પર હુમલો થાય કે ખૂન થઈ જાય અને એવું લાગે કે એની આરટીઆઈ પ્રવૃત્તિને દબાવવા માટે આમ થયું છે તો કમિશને એ આદેશ આપવો જોઈએ કે આને લગતી જે કોઈ આરટીઆઈ અરજી પેન્ડિંગ છે તે વેબસાઇટ પર મૂકવી. મેં જે ઠરાવ કર્યો હતો તે ફક્ત કેન્દ્રીય કમિશનને જ લાગુ પડતો હતો. પાંચેક વર્ષ અગાઉ મહારાષ્ટ્રના ચીફ કમિશનર રત્નાકર ગાયકવાડને મેં આના વિશે લેખિતમાં જણાવ્યું હતું અને તેમણે પણ એ નિયમ લાગુ કર્યો હતો અને મહારાષ્ટ્રમાં એનો અમલ કરાવ્યો હતો.


ખરેખર તો આ માહિતી સામેથી આપવાની હોય છે

ફોટો લાઈન ગત મહિને જેમની હત્યા કરી દેવાઈ છે તે રાજેશ નાનજીભાઈ સોંદરવા

ગુજરાતમાં કયા કયા પ્રકારની માહિતી માગનારાઓ પર હુમલા થાય છે એ વિશે જણાવતાં પંક્તિ જોગે કહ્યું હતું, "ગુજરાતમાં માહિતી અધિકાર અન્વયે વિગત માગનારાઓમાં જે લોકોની હત્યા થઈ છે, એમાં ખાણ-ખનન, નરેગા, ગ્રામવિકાસનાં કાર્યો, જેવાં કે આવાસ યોજના, શૌચાલય, રોડરસ્તા, શહેરોમાં જાહેર નાણાંના વપરાશની માહિતી વગેરેનો સમાવેશ થાય છે."

જોકે, માહિતી અધિકાર કાયદાની વાત કરીએ તો આમાંથી મોટા ભાગની માહિતી એવી છે કે જે કલમ 4-1(ખ)માં સામેથી જાહેર કરવાની કૅટેગરીમાં આવે છે.

આને પ્રોઍક્ટિવ ડિસ્ક્લોઝર કહેવામાં આવે છે. જે અંતર્ગત કોઈ માગે કે ન માગે દરેક સત્તામંડળે કેટલીક માહિતી સામેથી જાહેર કરવાની હોય છે. જાહેર કરવાની એ વિગતોમાં જે તે સત્તામંડળનાં કાર્યો, ફરજ, કાર્યો બજાવવા માટે નક્કી કરેલાં ધોરણ, તમામ યોજનાઓનો સૂચિત ખર્ચ, ખર્ચની વહેંચણી, ફાળવેલી રકમ, લાભાર્થીઓની વિગતો, એજન્સીને ફાળવવામાં આવેલાં નાણાં વગેરે વિગતો સાથે 17 મુદ્દાનો સમાવેશ થાય છે.

પંકિત જોગ કહે છે કે આ એવી માહિતી છે કે જેમાં કોઈ પૂછે કે ન પૂછે સરકારે વેબસાઇટ, નોટિસ બોર્ડ, કિઓસ્ક વગેરે વિવિધ માધ્યમોથી લોકો સુધી માહિતી પહોંચાડવાની હોય છે. પરંતુ આ બાબતે આપણે ખૂબ નબળા છીએ. રાજ્ય સરકારની આમાં ક્ષમતા નથી એવું નથી. પૈસા નથી એવી પણ વાત નથી. ટૅક્નૉલૉજી નથી એની પણ વાત નથી. સવાલ દાનતનો છે. સરકારને કદાચ એવી બીક છે કે આ માહિતી જાહેર કરશું તો એમાં જે ખોટું થયું છે એ બહાર આવશે. આ બીકને છાવરવામાં આવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ