વર્લ્ડ કપ 2019 : શું ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી આ સવાલોના જવાબ આપશે?

વર્ષ 2011માં વર્લ્ડ કપની જીત બાદ ટ્રૉફી સાથે સચીન સહિત અન્ય ભારતીય ખેલાડીઓ Image copyright REUTERS
ફોટો લાઈન વર્ષ 2011માં વર્લ્ડ કપની જીત બાદ ટ્રૉફી સાથે સચીન સહિત અન્ય ભારતીય ખેલાડીઓ

"ગૈરી અને અમારી કોચિંગ ટીમ અભિનંદનની હકદાર છે. આ દિવસ માટે તેઓએ એક વર્ષ પહેલાં અમને તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ટીમમાં મોટો ફેરફાર લાવ્યા."

વર્ષ 2011ના વર્લ્ડ કપમાં જીત બાદ સચીન તેંડુલકરે આ વાત કહી હતી.

મૃદુભાષી અને મીડિયા પર ખીજાતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓપનર ગૈરી કર્સ્ટને વર્ષ 2008માં એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે હાર મળ્યા બાદ કામકાજની રીત ધરમૂળથી બદલી નાખી.

કર્સ્ટને નક્કી કર્યું કે ભારતના પ્રભાવશાળી અને કરોડપતિ ક્રિકેટર એક શિસ્તબદ્ધ યુનિટની જેમ ટીમ મૅનેજમૅન્ટ સાથે તાલમેલ બનાવી રમે અને દેશ માટે સન્માન મેળવે.


ચાર વર્ષમાં બીજી વાર નૉટઆઉટ

Image copyright REUTERS
ફોટો લાઈન 2015ના વર્લ્ડ કપમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં હાર્યું હતું, એ સમયે ધોની કપ્તાન અને રવિ શાસ્ત્રી ટીમના ડાયરેક્ટર હતા

હવે 26 માર્ચ, 2015ના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના ઘટનાક્રમ પર નજર નાખીએ. યજમાન ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું.

વિરાટ કોહલી ભાવશૂન્ય આંખો સાથે પેવેલિયનની બાલ્કનીમાં બેઠા હતા અને કપ્તાન મહેન્દ્રસિંહ ધોની વિજેતા ઑસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને અભિનંદન આપવા મેદાનમાં આવ્યા હતા. ત્યારે રવિ શાસ્ત્રી ભારતના દરેક ક્રિકેટરની પીઠ થાબડીને શાબાશી આપતા હતા.

એ સમયે રવિ શાસ્ત્રીની ઉંમર 53 વર્ષ હતી અને તેઓ ભારતીય ટીમના ડાયરેક્ટર હતા. પૂર્વ કપ્તાન અનિલ કુંબલે હેડકોચ ન બન્યા ત્યાં સુધી શાસ્ત્રીએ વર્ષ 2014થી 2016 સુધી આ ભૂમિકા નિભાવી.


કુંબલે સફળ રહ્યા

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન અનિલ કુંબલે અંદાજે એક વર્ષ સુધી ભારતીય ટીમના કોચ રહ્યા

અનિલ કુબલેએ અંદાજે એક વર્ષ એટલે કે જૂન 2017 સુધી ભારતના કોચ રહ્યા. જૂનમાં જ તેમના અને કપ્તાન વિરાટ કોહલી વચ્ચેના મતભેદો મીડિયા રિપોર્ટમાં આવ્યા.

ઇંગ્લૅન્ડમાં ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર બાદ કુંબલે ભારતીય ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝ ન ગયા.

ભારતીય ટીમના કોચ કુંબલેના ભાગે સફળતા પણ આવી. ભારતે 17 ટેસ્ટ મૅચમાંથી 12 મૅચ જીતી. ભારતે આઈસીસીના રૅન્કિંગમાં પણ બીજી વાર પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું.


કપ્તાનની પસંદ રવિ શાસ્ત્રી!

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન અનિલ કુંબલે પછી રવિ શાસ્ત્રી ટીમના કોચ બન્યા

બાદમાં તરત રવિ શાસ્ત્રી ભારતના હેડકોચ બન્યા અને સામાન્ય રીતે એવું માનવામાં આવ્યું કે આ નિર્ણયને કપ્તાન અને ટીમના કેટલાક વરિષ્ઠ સભ્યોનું સમર્થન છે.

એ પણ આશા હતી કે ટીમ ડાયરેક્ટર તરીકે ભારતને શાનદાર રીતે વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી લઈ ગયેલા રવિ શાસ્ત્રી વર્ષ 2019ના ઇંગ્લૅન્ડમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ટીમને તૈયાર કરશે.

શાસ્ત્રીએ એવું કર્યું પણ.

તેમણે ન માત્ર સંજય બાંગરને બૅટ્સમૅન કોચ તરીકે યથાવત્ રાખ્યા, પરંતુ તેમને ટીમના આસિસ્ટન્ટ કોચ પણ બનાવ્યા.

તેઓ ભરત અરુણને ટીમના બૉલિંગ કોચ તરીકે લાવ્યા. આ નિર્ણયને લઈને જોરદાર વિવાદ પણ થયો હતો. કારણ એ હતું કે અનિલ કુંબલે પોતાના કાર્યકાળ દરમિયાન આ પદ માટે ભારતના પૂર્વ ઝડપી બૉલર ઝહીર ખાનની નિમણૂકના પક્ષમાં હતા.


પસંદગી પર સવાલ

Image copyright AFP/GETTY IMAGES

રવિ શાસ્ત્રીએ એ બાબત પર ભાર મૂક્યો કે ભારતીય ટીમના વિદેશપ્રવાસ સમયે યુવા ખેલાડીઓને અજમાવતા રહે, જેથી તેઓ અલગઅલગ પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે.

શાસ્ત્રીને એ વાતનું પણ શ્રેય આપવું જોઈએ કે તેઓએ ભારતીય ક્રિકેટરોને સ્વાભાવિક રમત રમવા અને પોતાની બૉલિંગ-બેટિંગ કરવાની ખૂબીને ખીલવવા માટે આઝાદી આપી.

પરંતુ વર્લ્ડ કપ 2019 પહેલાં અને વર્લ્ડ કપ દરમિયાન લેવાયેલા કેટલાક નિર્ણયો ભવિષ્યમાં પણ તેમને પરેશાન કરતા રહેશે.

ભારતના પૂર્વ ખેલાડી ફારુક એન્જિનિયરે બીબીસી હિંદી સાથેની વાતચીતમાં રવિ શાસ્ત્રી અને કપ્તાન વિરાટ કોહલીને લઈને એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો છે.

તેમણે પૂછ્યું, રિષભ પંત શરૂઆતથી ટીમનો હિસ્સો કેમ નહોતા? જ્યારે વર્લ્ડ કપ માટે ટીમ જાહેર થઈ ત્યારે ખોટી પસંદગી કેમ થઈ?

શું તેઓ માને છે કે હાર માટે ટીમના કોચ પર એટલા જ જવાબદાર હતા?

આ સવાલ કરતા એન્જિનિયરે કહ્યું, "આપણે તેના માટે માત્ર રવિ શાસ્ત્રીને દોષ ન આપી શકીએ. આ હાર ટીમની છે અને એ એક ખરાબ દિવસ હતો, પરંતુ ટીમ પસંદગી એક મુદ્દો છે અને તેનું સમાધાન થવું જોઈએ."


અનુભવને નજરઅંદાજ કેમ કરાયો?

Image copyright ALLSPORT/GETTY IMAGES
ફોટો લાઈન એવું માનવામાં આવતું કે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની પસંદગીમાં ઘણી દખલ હતી

ગત બે વર્ષમાં રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની પસંદગીમાં ઘણી દખલ હતી અને તેને લઈને વધુ એક સવાલ ઊઠે છે.

જ્યારે આખી દુનિયા જાણે છે કે ટુર્નામેન્ટ ઇંગ્લૅન્ડમાં થવાની છે, જ્યાં બૉલ સ્વિંગ થાય છે, તો ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓને ટીમમાં કેમ સામેલ ન કરાયા?

કોહલી સહિત ચીફ કોચ રવિ શાસ્ત્રી પણ આ વાતથી વાકેફ હતા કે પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં રમીને સ્વિંગ બૉલનો સામનો કરવાનું અને ખાસ કરીને ઇંગ્લૅન્ડની પીચ પર પડતી મુશ્કેલીમાંથી બહાર આવવાનું શીખી લીધું હતું.

રહાણે પણ એ જ આવડત ધરાવે છે. તેમણે ઘણી વાર સીધા બૅટથી રમી અને પડકારજનક બૉલિંગ સ્પેલનો ધૈર્યથી સામનો કરીને સારું પ્રદર્શન કર્યું છે.

તેમણે ગત આઈપીએલમાં ઝડપી રન બનાવી અને લાંબા શૉટ રમીને ટીકાકારોને ખોટા સાબિત કર્યા હતા.


કોણે લેશે જવાબદારી?

Image copyright AFP/GETTY IMAGES

એટલે સુધી કે અનુભવી અંબાતી રાયડુના નામ પર પણ પસંદગી સમયે કોઈ વિચાર ન કરાયો. કદાચ એટલા માટે જ તેઓએ વર્લ્ડ કપ દરમિયાન જ ઉતાવળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી.

પરંતુ ભારતીય ટીમે વિજય શંકર, મંયક અગ્રવાલ અને એટલે સુધી કે પોતાની ભૂમિકા પર કેટલોક સમય અચોક્કસ રિષભ પંત જેવા બિનઅનુભવી ખેલાડીઓને સ્થાન આપવાનું જોખમ લીધું અને તેઓ પ્રદર્શન ન કરી શક્યા તો તેના માટે જવાબદાર કોણ?

પસંદગીકાર, કપ્તાન કે પછી કોચ, જે તમામ લોકોમાંથી સૌથી વરિષ્ઠ છે. ન માત્ર ઉંમરમાં, પરંતુ ક્રિકેટના અનુભવના આધારે પણ.

વધુ એક સવાલ જે બે દિવસ જૂનો છે, પણ આજે પ્રસ્તુત છે.


દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન ભારતના પૂર્વ ક્રિકેટરોએ ધોનીને મોડે મોકલવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

ઓલ્ડ ટ્રૈફર્ડમાં શરૂઆતના ત્રણ બૅટ્સમૅનો (રોહિત, વિરાટ અને રાહુલ)ની સસ્તામાં વિકેટ પડ્યા બાદ ટીમની થિંક ટૅન્ક (રવિ શાસ્ત્રી અને કોહલી)એ બાજી સંભાળવા માટે મહેન્દ્રસિંહ ધોની જેવા અનુભવી બૅટ્સમૅનને કેમ ન મોકલ્યા?

ધોનીને પંત, પંડ્યા અને દિનેશ કાર્તિક બાદ સાતમા નંબરે બેટિંગ માટે મોકલવામાં આવ્યા. આ એ દિવસની સૌથી મોટી ભૂલ હતી.

એવા સમયે જ્યારે ભારતને બેટિંગમાં મજબૂતી આપી શકે એવા એક અનુભવી બૅટ્સમૅનની જરૂર હતી. પણ તેઓએ ધોનીને સાતમા નંબરે બેટિંગ માટે મોકલ્યા.

હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક જેવા પીચહિટર ધોની પહેલાં બેટિંગમાં આવ્યા અને જ્યારે છેલ્લે ભારતને પીચહિટરની જરૂર પડી ત્યારે તેઓ ડ્રેસિંગ રૂમમાં બેસીને નિઃસહાય ભાવથી મૅચ જોઈ રહ્યા હતા.

સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ જેવા ભારતના પૂર્વ ક્રિકેટરોએ ધોનીને મોડે મોકલવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

ટુર્નામેન્ટના સત્તાવાર બ્રૉન્ડકાસ્ટર માટે કૉમેન્ટરી કરતી વખતે લક્ષ્મણે કહ્યું, "ધોનીને આટલા નીચે મોકલવા મોટી ભૂલ હતી. તેઓ દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાની વિકેટ બચાવી શકતા હતા અને ધોનીને રિષભ પંત સાથે ભાગીદારી કરવાનો મોકો આપી શકતા હતા."

સૌરવ ગાંગુલીએ પણ આ મુદ્દે લક્ષ્મણ સાથે સહમતી દર્શાવી.

તેમણે કહ્યું, "ધોની બેટિંગ માટે વહેલા આવી શકતા હતા અને છેલ્લે સુધી રમી શકતા હતા. તેમના પછી આપણી પાસે જાડેજા, પંડ્યા અને કાર્તિક તો હતા જ, જેમનું અગાઉ ચાર કે પાંચ ઓવરમાં ખાસ યોગદાન રહ્યું છે.


પીચને સમજવામાં થાપ?

Image copyright Reuters

છેલ્લે એક મોટો સવાલ એ છે કે શું ટીમ મૅનેજમૅન્ટે પીચને યોગ્ય રીતે પારખી હતી?

કોચે પોતાના સ્ટાફના વરિષ્ઠ સભ્યો અને ખેલાડીઓ સાથે એક દિવસ પહેલાં નેટ પ્રૅક્ટિસ દરમિયાન ઓલ્ડ ટ્રૈફર્ડની પીચનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

જો આ પીચ ફાસ્ટ બૉલર માટે અનુકૂળ હોય તેવા અણસાર હતા તો સ્પિનર યુજવેન્દ્ર ચહલની જગ્યાએ મોહમ્મદ શમીને સામેલ કરીને ફાસ્ટ બૉલિંગ આક્રમણને તેજ કરી શકાતું હતું.

સેમિફાઇનલમાં જાડેજાએ સ્પિનરની ભૂમિકા નિભાવી. 10 ઓવરમાં માત્ર 34 રન આપ્યા અને ખતરનાક દેખાઈ રહેલા ન્યૂઝીલૅન્ડના ઓપનર હેનરી નિકોલસની મહત્ત્વની વિકેટ લીધી.

Image copyright ALLSPORT/GETTY IMAGES

તો, યુજવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 63 રન આપ્યા અને માત્ર એક વિકેટ લીધી.

નવાઈની વાત એ છે કે ટુર્નામેન્ટમાં માત્ર ચાર મૅચ રમનાર અને 14 વિકેટ લેનાર મોહમ્મદ શમીને ઓલ્ડ ટ્રૈફર્ડમાં અંતિમ 11માં સ્થાન ન અપાયું.

એમાં કોઈ શંકા નથી કે ક્રિકેટ એક ગેમ છે અને તેમાં હાર કે ખોટા નિર્ણય માટે એક-બે વ્યક્તિને દોષી ઠેરવવી યોગ્ય નથી.

Image copyright Ronald Grant

પરંતુ કપ્તાન અને ખેલાડીઓના દરેક નિર્ણય, રન, બૉલ અને કૅચ માટે સમીક્ષા થઈ રહી હોય ત્યારે આ મોટા જહાજના કૅપ્ટન ગણાતા કોચને પણ મુશ્કેલ સવાલો પુછાવા જોઈએ.

અને જેમ ફારુક એન્જિનિયર કહે છે, "હારનો નાશ સૌથી મુશ્કેલ છે. હાર આફતનો પટારો ખોલી દે છે. એ પણ વાત કરી શકાય કે ધોની જાણતા હતા કે ફિલ્ડર તેમની તરફ બૉલ ફેંકી રહ્યા છે, તો તેઓએ બીજો રન લેતી વખતે ડાઇવ કેમ ન લગાવી? રવીન્દ્ર જાડેજા અત્યારે કદાચ જીવનના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં છે, તો તેઓને આટલી મૅચમાં બહાર કેમ રખાયા? આ બધું મગજને થાપ આપે તેવું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો