વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની રવિ શાસ્ત્રીનું શું થશે?

કોહલી, ધોની અને રવિ શાસ્ત્રી Image copyright AFP

વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતની ન્યૂઝીલૅન્ડ સામે હાર બાદ ભારતીય પ્રશંસકો ઉદાસ જરૂર થઈ ગયા છે. પરંતુ આ પ્રશંસકોની લાગણીઓ ભારતીય ટીમ પ્રત્યે ઓછી નથી થઈ.

હવે સવાલ એ થવો જોઈએ કે આ મૅચ દરમિયાન ભારતીય ટીમ પર જે દબાણ ઊભું થયું હતું તેના પર કાબૂ મેળવવા માટે શાસ્ત્રીએ શું ભારતીય ખેલાડીઓને તૈયાર કર્યા હતા?

કોહલીએ સ્વીકાર કર્યો કે જેવી રીતે ન્યૂઝીલૅન્ડની ટીમે મૅચની આખરમાં એક-એક રનનો બચાવ કર્યો તેનાથી તેમને કોઈ અચરજ નથી થયું.

આ પરથી એવું માની શકાય કે શાસ્ત્રી અને તેમની કોચિંગ ટીમે ખેલાડીઓને તૈયાર કર્યા હતા.


શાસ્ત્રીની આશા

Image copyright AFP

આ વર્ષની શરૂઆતમાં જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે હતી, ત્યારે હેમિલ્ટન ખાતે બૉલરો માટે ફાયદાકારક પીચ પર ભારતીય બૅટ્સમૅનોની હાલત કેવી હતી તે શાસ્ત્રીએ જોયું જ હતું.

તે સમયે તેમના દિલના કોઈ એક ખૂણે એવી આશા જાગી હશે કે ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ ખાતે ન્યૂઝીલૅન્ડના બૉલરો સામે ભારતીય બૅટ્સમૅનોનું પ્રદર્શન સારું હોય.

એવામાં ભારતીય ખેલાડીઓ સામે સવાલ થાય છે કે શું તેઓ યોજનાને યોગ્ય રીતે લાગુ કરી શક્યા અને તેમની પૂરી ક્ષમતા સાથે રમ્યા?

દિનેશ કાર્તિક, ઋષભ પંત અને હાર્દિક પંડ્યાના ખરાબ શૉટ્સ, કૅપ્ટનની રણનીતિને લગતા નિર્ણયોને જવાબદાર ઠેરવવા યોગ્ય નહીં ગણાય. આમ પણ ટૉસ બાદ ટીમને ચલાવવાનું કામ કૅપ્ટનનું હોય છે.

ટૉસ પહેલાં કોહલીએ મોહમ્મદ શમીની જગ્યાએ દિનેશ કાર્તિક પર પસંદગી ઊતારી જેથી શરૂઆતમાં વિકેટ પડે તો ટીમને મુશ્કેલી ના પડે.

પરંતુ જ્યારે ન્યૂઝીલૅન્ડની ટીમ રમી રહી હતી ત્યારે ભારતની બૉલિંગમાં મોહમ્મદ શમીની કમી દેખાઈ આવી.

આ નિર્ણયથી બીજું નુકસાન એ થયું કે દિનેશ કાર્તિક બેટિંગમાં કંઈ ખાસ ના કરી શક્યા. તેઓ 6.5 ઓવર સુધી વિકેટ પર ટકી રહ્યા પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

બેટિંગમાં ટીમ પર ઊભા થયેલા દબાણને દૂર કરવાને બદલે તેઓ આઉટ થઈ ગયા જેના કારણે અન્ય બૅટ્સમૅનો પર દબાણ આવ્યું. તેમને પ્લેઇંગ ઇલેવન સમાવવાનો નિર્ણય ખોટો સાબિત થયો.

જ્યારે 11મી ઓવરમાં 24 રન પર ભારતની ચાર વિકેટ પડી ગઈ હતી ત્યારે બૅટિંગ માટે હાર્દિક પંડ્યા આવ્યા હતા.


ચોંકાવનારો નિર્ણય

Image copyright AFP

કોહલીએ ઋષભ પંતનો સાથ આપવા માટે હાર્દિક પંડ્યાને મોકલ્યા. આ ચોંકાવનારો નિર્ણય હતો કારણ કે બન્ને ખેલાડીઓ પાસે કુલ મળીને માત્ર 63 વન-ડે મૅચ રમવાનો અનુભવ હતો અને આ સમયે મોટી જવાબદારી નિભાવવાની હતી.

કોહલીએ યુવા ખેલાડીઓ પર વિશ્વાસ બતાવ્યો અને તેમને તેમના અંદાજમાં રમવાનું કહ્યું જે સારી વાત હતી.

પરંતુ અહીં એ જોવું પડે કે આ વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચ હતી અને ન્યૂઝીલૅન્ડ સામે ભારત પર દબાણ વધી રહ્યું હતું.

એવામાં યોગ્ય એ હોત કે પંતનો સાથે આપવા ધોનીને મોકલવામાં આવે અને ખાસ કરીને ત્યારે જ્યારે ડાબા હાથના બૉલર મિશેલ સેંટનર તેમને ખોટા શૉટ રમવા ઉશ્કેરી રહ્યા હતા.

લીગ મૅચમાં ઇંગ્લૅન્ડ સામેની હાર અને સેમીફાઇનલમાં ધોનીએ અમુક બૉલ ખાલી જવા દીધા હતા તે મુદ્દે ચાહકો સહિત સચીન તેંડુલકરે પણ તેમની આલોચના કરી હતી.

કોહલીએ સંકેત આપ્યા હતા કે તેમને વર્લ્ડ કપમાં ધોનીની સ્ટ્રાઇક રેટને લઈને કોઈ સમસ્યા નથી.

તેમણે આ વાત પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે ધોનીને જવાબદારી આપવામાં આવી હતી કે જો સ્થિતિ ખરાબ થાય તો તેઓ વિકેટ પર ટકેલા રહે અને મૅચની અંતિમ ઓવરોમાં મોટા શૉટ્સ મારે.

પરંતુ વાસ્તવિકતા એ છે કે કોહલી અથવા અન્ય કોઈ ધોનીની સ્ટ્રાઇક રેટ પર સવાલ કેવી રીતે ઉઠાવી શકે કે જ્યારે તેમની સ્ટ્રાઇક રેટ 87.78 હોય.

આ ટુર્નામેન્ટમાં રોહિત શર્માની સ્ટ્રાઇક રેટ 98.33 અને કોહલીની સ્ટ્રાઇક રેટ 94.05 હતી.

આ બન્ને સિવાય ધોનીથી વધુ રન કે. એલ. રાહુલે બનાવ્યા હતા જેમની સ્ટ્રાઇક રેટ 77.46 હતી.

એવામાં ધોનીની સ્ટ્રાઇક રેટનો મુદ્દો બનાવીને તેમની ઉપયોગિતા અંગે સવાલ કરવા અયોગ્ય છે.


ટીમ ઇન્ડિયાએ શું કરવું જોઈએ?

Image copyright Getty Images

આગામી સમયમાં ધોની ક્રિકેટ ક્ષેત્રેથી સંન્યાસ લેવાનો નિર્ણય લઈ શકે છે, કારણ કે આ તેમની વ્યક્તિગત પસંદ ઉપર આધાર રાખે છે.

જ્યારે તેમને લાગશે કે તેઓ ટીમના પ્રદર્શનમાં પોતાનો ફાળો આપી નથી શકતા ત્યારે તેઓ નિવૃત્તિ અંગે નિર્ણય લેશે.

જો તેઓ સંન્યાસ લેવાનો નિર્ણય ન કરે તો પણ પસંદગીકારોએ કૅપ્ટન તથા જો શક્ય હોય તો ધોનીની સાથે બેસીને ટીમની યોજના તૈયાર કરવી જોઈએ.

કારણ કે ભવિષ્યના વિકેટકીપર-બૅટ્સમૅનને આગામી પડકાર માટે તૈયાર કરવો પડશે. રિષભ પંતે (રિદ્ધિમાન સાહાની ગેરહાજરીમાં) ટેસ્ટ તથા ટી-20માં પોતાની ક્ષમતાઓનો પરચો આપ્યો છે.

ત્યારે વન-ડેમાં પણ પસંદગીકારોએ તેમને તક આપવી જોઈએ, જેથી આ ફૉર્મેટમાં પણ તેમની ક્ષમતાઓને ચકાસી શકાય.

જ્યાં સુધી ટીમ ઇંડિયાના મુખ્ય કૉચપદે રવિ શાસ્ત્રીને જાળવી રાખવાની વાત છે, તો આ અંગે બોર્ડે નિર્ણય લેવાનો છે, એટલું જ નહીં તેમના કાર્યકાળ અંગેનો નિર્ણય પણ બોર્ડે જ લેવાનો છે.

શાસ્ત્રી ક્યાર સુધી આ પદ ઉપર રહેવા ઇચ્છે છે તથા ક્યાર સુધી દબાણ સહન કરવા માગે છે, તે જોવું રહ્યું. આ અંગેની સ્પષ્ટતા પણ આવનારા સમયમાં જ થશે.

વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલ દરમિયાન ભારતના પરાજય છતાં દરરોજ સૂર્યોદય થશે જ, પરંતુ કોહલી, ધોની તથા શાસ્ત્રીની ત્રિપુટી આગામી આઈસીસી ઇવેન્ટમાં એકસાથે ડ્રેસિંગ રૂમમાં નજરે નહીં પડે.

આવતા વર્ષે ઑક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન આઈસીસી વર્લ્ડ ટી-20 ઇવેન્ટમાં આ ત્રિપુટી સાથે નજરે નહીં પડે.

ચાર વર્ષ પછી ભારતમાં જ વર્લ્ડ કપ યોજાશે, ત્યારે ટીમ ઇંડિયા હારનો આઘાત પચાવી લે અને દરેક દિવસને એક નવી તક તરીકે જુએ તે ઇચ્છનીય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો