અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટતાં 2 લોકોનાં મૃત્યુ, 28 ઘાયલ

કાંકરિયામાં તૂટી પડેલી રાઇડ Image copyright Sagar D Patel
ફોટો લાઈન કાંકરિયામાં તૂટી પડેલી રાઇડ

અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા લેક ફ્રન્ટમાં એક રાઇડ તૂટતાં 2 લોકોનાં મૃત્યુ થયા છે અને 1 વ્યકિતની હાલત ગંભીર છે.

હાલ ગૌરીવ્રત ચાલી રહ્યું છે અને રવિવારની રજા છે ત્યારે કાંકરિયામાં એક ડિસ્કવરી નામની રાઇડ તૂટી પડતાં 2 લોકોનાં મૃત્યુ થયાં છે અને 28 લોકો ઘાયલ થયાં છે.

મૃત્યુ પામનારાં લોકોમાં 24 વર્ષીય મનાલી રજવાડી અને 22 વર્ષીય મોહમ્મદ ઝાહિદ મોમિનનો સમાવેશ થાય છે.

આ રાઇડની ક્ષમતા 32 લોકોની હતી પરંતુ તૂટી પડી તે વખતે તેમાં કેટલા લોકો સવાર હતા તેની હજી તપાસ ચાલી રહી છે.

Image copyright Sagar D patel

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરી કસૂરવારો સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ એફએસએલની ટીમોને સાથે રાખીને કામગીરી કરશે.

એમણે તમામ ઈજાગ્રસ્તોની સારવારની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે એમ પણ જણાવ્યું છે.

આ અંગે એડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસીને કહ્યું કે આ રાઇડ વચ્ચેથી તૂટી છે એટલે આ તૂટવાનું કારણ શું હોઈ શકે એ તપાસ કરવી પડે. અમે માટે એફએસએલની મદદ લઈશું. અમે પ્રાથમિક ધોરણે બચાવની કામગીરી કરી છે પરંતુ રાઇડ તૂટવાનું કારણ ટેકનિકલ છે કે મેઇન્ટેનેન્સનો અભાવ એ અંગે તપાસ પછી જ ખબર પડશે.

જોકે, કૉંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે કહ્યું કે દર અઠવાડિયે મેઇન્ટેનેન્સની જે કામગીરી થવી જોઈએ તે થતી નથી અને તેને લીધે આ આ સ્થિતિ સર્જાઈ છે.

આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની એલ.જી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલો પૈકી સામાન્ય ઈજાગ્રસ્ત બે લોકોને રજા આપી દેવાઈ છે.

આ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે જે લોકોને ઈજા થઈ છે તેનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. રાઇડના કોન્ટ્રાક્ટરની અટકાયત કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા