રાધા-કૃષ્ણના પ્રેમની ભૂમિ પર જ આ રીતે દમ તોડી રહી છે પ્રેમકહાણીઓ

11 જૂન, નયાગાંવ, એટા: સત્યપ્રકાશ યાદવ અને સપના યાદવઆંબાની ડાળે લટકતાં મળ્યાં.

24 જૂન, ગણેશપુર, મૈનપુરી : અમન યાદવ અને રેખા યાદવનાં શબ તેજાબથી બાળી દેવાયેલી સ્થિતિમાં ઝાડીમાંથી મળી આવ્યાં.

27 જૂન, ખૈરાગઢ, આગ્રા : શ્યામવીર તોમર અને તેમની પ્રેમિકા નેહા કુશવાહાનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો.

1 જુલાઈ, સોરોં, કાસગંજ : કુંવરપાલ લોધી અને તેમની પ્રેમિકાનાં લોહીથી લથપથ શબ મળી આવ્યાં.

પ્રેમીઓના લોહીથી રંગાઈ રહેલી આ એ વ્રજભૂમિ છે, જ્યાં દુનિયાભરના પ્રેમીઓ માટે તીર્થસમો તાજમહલ બનેલો છે.

વ્રજ ક્ષેત્રમાં ઘરે-ઘરે રાધા-કૃષ્ણની પ્રેમકથા ગીતોમાં ગવાતી રહી છે. પરંતુ આ પ્રદેશના પ્રેમીઓના નસીબમાં મૃત્યુકથાઓ જ લખેલી છે.

એવું લાગે છે કે પરિવારોમાં જ અદૃશ્ય યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ઉંબરાની એક તરફ પ્રેમી છે તથા પ્રેમિકા અને બીજી તરફ છે તેમના સ્વજનો.

છેલ્લા થોડા વખતમાં આગ્રા અને તેની આસપાસના જિલ્લામાં કુટુંબની આબરૂના નામે પ્રેમીઓની હત્યાના એકથી વધુ કિસ્સાઓ બહાર આવ્યા છે.

મૈનપુરીના વરિષ્ઠ પત્રકાર મનોજ ચતુર્વેદી કહે છે, "જુવાનીને ઉંબરે આવેલા યુવાનોની જીદ સામે કુટુંબની આબરૂનો પ્રશ્ન આવીને ટકરાય છે ત્યારે માસૂમ સંતાનોનો જીવ જાય છે."

ફોટો લાઈન શ્યામવીર અને તેમનાં સગીર પ્રેમિકાને મારીને ખેતરમાં ફેંકી દેવાયાં હતાં

27 જૂનની સવારે આગ્રાના ખૈરાગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નગલા ગોરઉ ગામના એક ખેતરમાં યુવક અને સગીર યુવતીની લાશ મળી આવી જેના કારણે તંગદિલી ઊભી થઈ હતી.

મરનાર યુવક હતા શ્યામવીર તોમર અને તેમની પાસે જ પડી હતી તેમની પ્રેમિકા નેહા કુશવાહાની લાશ.

સવારે ચાર વાગ્યે ગામના સરપંચે શ્યામવીરના ઘરે આવીને કુટુંબીજનોને જાણ કરી કે, 'તમારો છોકરો મરેલો પડ્યો છે.'

શ્યામવીરનાં માતા કહે છે, "હું તડપી તડપીને મારું માથું ફોડતી રહી, પણ કોઈ મને મારા દીકરા પાસે લઈ ન ગયું."

શ્યામવીર ઠાકુર જ્ઞાતિના હતા, જ્યારે તેમની પ્રેમિકા બાજુના ગામની કુશવાહા જ્ઞાતિની કિશોરી હતી.

ઠાકુરનો છોકરો અને કુશવાહાની છોકરીના પ્રેમની ચર્ચા ગામમાં થવા લાગી હતી.

એકવાર પંચ પણ મળ્યું હતું અને શ્યામવીરને બીજી જ્ઞાતિની છોકરીને ન મળવા માટે સમજાવ્યો હતો.

જોકે, તેમનો પરિવાર એ વાત માનવા તૈયાર નહોતો કે જે છોકરી તેમની સાથે મૃત હાલતમાં મળી આવી તેને શ્યામવીર પ્રેમ કરતા હતા.

લગ્ન વિશેના સવાલ પર તેમનાં માતા કહે છે, "એમ કેવી રીતે લગ્ન કરી આપીએ, તેઓ કાછી છે, અમે ઠાકુર છીએ."

વાત કરતાં-કરતાં અચાનક શ્યામવીરનાં માતા ફરી વિલાપ કરવા લાગે છે અને ધ્રૂજતા અવાજે કહે છે, "મારો દીકરો પ્રેમમાં માર્યો ગયો."

આગ્રા પોલીસ માને છે કે શ્યામવીર અને નેહાની હત્યા કુટુંબની આબરૂના નામે કરવામાં આવી હતી.

શ્યામવીરના ભાઈ ઓમવીરના મોબાઈલમાં ભાઈનાં મૃત્યુ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો છે.

ફોટો લાઈન શ્યામવીરની પ્રેમિકાના ઘરમાં હવે તાળું મારી દેવામં આવ્યું છે

ઓમવીર કહે છે, "મારા ભાઈને તડપાવી તડપાવીને મારી નાખવામાં આવ્યો. આ તસવીરો જોઉં છું ત્યારે મારું લોહી ઊકળી જાય છે. બહુ રડવું પણ આવે છે. મને થાય છે કે હત્યારાઓને મારી નાખું, નહીં તો પછી જાતે મરી જાઉં."

આ કેસમાં નેહાનાં માતાપિતા અને બહેન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આગ્રા જિલ્લાના પોલીસવડા જોગિન્દર સિંહના જણાવ્યા અનુસાર નેહાના પિતાએ હત્યા કરી હોવાનું કબૂલી લીધું છે.

બીજી બાજુ શ્યામવીરના પરિવારનું કહેવું છે કે નેહાના પરિવાર સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતા. બન્નેનાં ખેતરો પણ નજીક છે અને એકબીજાનાં ઘરે અવરજવર રહેતી હતી.

નેહાના ગામ કચ્છપુરા ગોરઉ અને શ્યામવીરના ગામ નગલા ગોરઉ વચ્ચે થોડાંક ખેતરોનું જ અંતર છે.

આ ખેતરોમાં જ શ્યામવીર અને નેહાની ક્યારેય મુલાકાતો થઈ જતી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શ્યામવીર મોડી રાતે નેહાને મળવા પહોંચ્યા હતા. નેહાની સાથે તેમને જોઈને નેહાના ઘરના લોકો ઉશ્કેરાયા હતા અને બન્નેની હત્યા કરી નાખી હતી.

નેહાના ઘરમાં હવે સન્નાટો છે. અડધા પરિવારની ધરપકડ થઈ છે અને બાકીના લોકો ફરાર થઈ ગયા છે.

ત્યાં રહેતા એક વૃદ્ધાએ કહ્યું, "બહુ ખોટું થયું. એવું લાગે છે કે જાણે ગામ ઉજ્જડ થઈ ગયું છે. ક્યાંય ગમતું નથી. બધાને ડર પેસી ગયો છે."

ડરના કારણે ખામોશ થઈ ગયેલા ગામમાં કોઈ વાત કરવા માટે તૈયાર નથી. જોકે, દબાયેલા અવાજે સૌ એટલું કહે છે કે જે કંઈ થયું તે ખોટું થયું.

કેટલાક લોકોએ એક સ્વરમાં કહ્યું, "અમારા વડીલો અને અમારા સંસ્કાર આવું કામ કરવા માટેની મંજૂરી આપતા નથી."

શ્યામવીરના ગામના એક વૃદ્ધ કહે છે, "તે પકડાઈ ગયો તો થોડી મારપીટ કરી લેવી હતી. હાથપગ તોડી નાખવા હતા. પોલીસને સોંપી દેવો હતો. કેસ કરી દેવો હતો. મારી નાખવાની ક્યાં જરૂર હતી?"

એક અન્ય યુવક કહે છે, "આ હત્યા પછી ભય ફેલાઈ ગયો છે. ડર પેસાડી દેવા માટે જ આ હત્યા કરવામાં આવી હતી."


શું આ ઘટના ટાળી શકાઈ હોત?

ફોટો લાઈન શ્યામવીર રિક્ષા ચલાવતા હતા

આ સવાલના જવાબમાં નગલા ગોરઉ ગામના રાજવીર સિંહ કહે છે, "છોકરીના ઘરવાળાની ઇચ્છા હોત તો આવું ન થયું હોત. પોલીસ છે, તંત્ર છે. તેમણે કાયદો હાથમાં લેવાની જરૂર નહોતી."

"તંત્રને તક આપવામાં આવી હોત તો મામલો થાળે પડી શક્યો હોત. જરૂર પડી હોત તો કોર્ટમાં લગ્ન કરાવી દેત. સૌ રાજી થયા હોત તો બન્ને સંસાર માંડી શક્યાં હોત."

આ ઘટના પાછળનું સૌથી મોટું કારણ તેઓ જ્ઞાતિને માને છે.

તેઓ કહે છે, "જ્ઞાતિને કારણે બંનેનું લગ્ન થઈ શક્યું નહીં હોય. અમને જ્ઞાતિનો એટલો વાંધો નહોતો જેટલો હત્યા કરી દેવાનો છે. આ હત્યાકાંડને કારણે ગામની શાંતિ હણાઈ ગઈ છે. બે નિર્દોષ બાળકોના જીવ પણ ગયા."

રાજવીર કહે છે, "આ ઘટનાને કારણે અમારા પરિવારની બદનામી થઈ. ગામની અને જ્ઞાતિની બદનામી થઈ. સૌથી મોટી વાત એ છે કે બન્નેના જીવ ગયા. કંઈ પણ કરવાની જરૂર હતી, પણ તેમના જીવ લેવાની જરૂર નહોતી."


આંતરજ્ઞાતિય લગ્નનો વિરોધ

આ વિસ્તારના સમાજોમાં આંતરજ્ઞાતિય લગ્નોનો વિરોધ થાય છે. સામાન્ય રીતે આંતરજ્ઞાતિય લગ્નો અહીં થતાં જ નથી.

આગ્રાના વરિષ્ઠ પત્રકાર ભાનુપ્રતાપ સિંહ કહે છે, "વ્રજ ક્ષેત્રમાં જ્ઞાતિ સૌથી મોટું પરિબળ છે. એક જ્ઞાતિ બીજી જ્ઞાતિનો સ્વીકાર નથી કરતી."

"અહીં માન-સન્માનની વાત અગત્યની બની જાય છે. એક જ્ઞાતિની છોકરી બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરી લે તો મામલો બગડી જાય છે."

ગામના લોકોનું કહેવું છે કે આ ઘટના પછી શાંતિ રહે તે માટે પોલીસે શક્ય તમામ પ્રયાસો કર્યા છે.

જો મોટા પાયે પોલીસ ગોઠવવામાં આવી ન હોત તો ઘટનાના કંઈ પણ પ્રત્યાઘાત પડ્યા હોત.

આ વિસ્તારમાં હવે અજંપાભરી શાંતિ છે. પરંતુ અહીંથી લગભગ દોઢસો કિલોમિટર દૂર મૈનપુરીના ગણેશપુર ગામમાં હજુ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખવો પડ્યો છે.

19 જૂનની એ રાત હતી. ઘરમાં લગ્નપ્રસંગની તૈયારી ચાલતી હોવાથી ઢોલ વાગી રહ્યાં હતાં. પડોશીઓ અને સગાંઓ આવી પહોંચ્યાં હતાં.

કન્યા તરીકે સજી રહેલી રેખા પર સૌની નજર હતી. રેખા છાનીમાની, સૌની નજર ચુકાવીને ઘરમાંથી નીકળીને ખેતરમાં પહોંચી ગઈ.

તેમની પાછળ અમન પણ પહોંચ્યો. રેખાનું લગ્ન થાય તે પહેલાંની આ તેમની છેલ્લી મુલાકાત હતી.

જોકે, એ દિવસ જ બન્ને માટે જીવનનો અંતિમ દિવસ સાબિત થયો.

ફોટો લાઈન અમન યાદવ અને તેમની પ્રેમિકાના ચહેરાને ઍસિડથી સળગાવી દેવામાં આવ્યો હતો

રેખાના પિતરાઈ ભાઈઓએ બન્નેને સાથે જોઈ લીધા. આવેશમાં આવીને તેમણે બન્નેની હત્યા કરી નાખી.

તેમની ઓળખ મિટાવી દેવા માટે તેમના ચહેરા પર ઍસિડ રેડી દેવામાં આવ્યું.

જે દિવસે રેખાની જાન આવવાની હતી એ જ 24 જૂનના દિવસે બન્નેના મૃતદેહો ગામની નજીકની ઝાડીઓમાંથી મળી આવ્યા.

મૈનપુરી પોલીસ ગણેશપુરની આ ઘટનાને પણ ઑનર કિલિંગ એટલે કે કુટુંબની આબરૂ ખાતર થયેલી હત્યા માને છે.

હત્યાના આરોપસર રેખાના કાકાના દીકરાઓની ધરપકડ કરવામાં આવી છે. અમન અને રેખા લગભગ બે વર્ષથી એકબીજાના પ્રેમમાં હતાં.

અમનના એક મિત્રના જણાવ્યા અનુસાર રેખાના કાકાના દીકરાઓએ ઘણીવાર અમનને ધમકાવ્યો પણ હતો અને રેખાથી દૂર રહેવા પણ કહ્યું હતું.

અમન ગુમ થયા તે પહેલાં છેલ્લે પોતાના મિત્ર અમિત યાદવને મળ્યા હતા.

તે સાંજને યાદ કરતા અમિત કહે છે, "હું મારી ગાડીમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ અમન મળી ગયો. તે બહુ ગુમસૂમ હતો અને ઉદાસ લાગતો હતો. મેં કહ્યું કે શું થયું, પણ તે કંઈ બોલ્યો નહીં. વાત કર્યા વિના જ જતો રહ્યો."

અમિતના જણાવ્યા અનુસાર, 'રેખાનું લગ્ન થવાનું હતું અને અમન પણ તેની તૈયારીમાં જોડાયો હતો. રેખા સાથે ખરીદી કરવા માટે પણ તે ગયો હતો.'

"લગ્ન પહેલાં તે રેખાને છેલ્લીવાર મળવા માગતો હતો. દિવસે જ બન્ને વચ્ચે રાત્રે મળવાની વાત નક્કી થઈ ગઈ હતી. તે મળવા પહોંચ્યો અને ક્યારેય પાછો ન આવ્યો."

ફોટો લાઈન અમન યાદવ

પોલીસના જણાવ્યા અનુસાર છોકરીનાં માતાપિતા કે પરિવારના બીજા વડીલોને આ હત્યાકાંડની કોઈ જાણકારી નહોતી.

અત્યાર સુધીની તપાસમાં પાંચ આરોપીઓનાં નામ બહાર આવ્યાં છે. તેમાંથી બેની ધરપકડ થઈ છે, જ્યારે ત્રણ ફરાર છે.

મૈનપુરીના સિનિયર પોલીસ અધિકારી ઓમ પ્રકાશ સિંહ આ ઘટનાને કુટુંબની આબરૂ ખાતરની હત્યા ગણાવીને કહે છે, "આરોપીઓએ છોકરીને અમન સાથે જોઈ હતી. બધા આરોપીઓ 25 વર્ષથી નાની ઉંમરના છે."

"આવેશમાં આવી તેમણે આ હત્યાકાંડ કરી નાખ્યો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર બન્નેનું મૃત્યુ તે રાત્રે (19 જૂને) જ થઈ ગયું હતું."

તેઓ કહે છે, "આ કિસ્સામાં સગાંઓએ જ હત્યા કરી છે. આજનો યુવાન જ્ઞાતિ અને સમાજનાં બંધનોથી મુક્ત થવા માગે છે. યુવા વર્ગ આઝાદ હવામાં જીવવા લાગ્યો છે પણ સમાજ આ આઝાદીને સહન કરી શકતો નથી."

છોકરીના દાદાને પૂછવામાં આવ્યું કે બંનેનાં લગ્ન કેમ ન કરાવી આપ્યાં. ત્યારે તેમણે કહ્યું, "બન્ને એક જ કુટુંબનાં હતાં. અમારા સમાજમાં આવી રીતે લગ્ન થઈ શકતા નથી."

તેઓ કહે છે, "ત્રણ દિવસ સુધી છોકરી ગૂમ હતી. અપમાનભરી સ્થિતિમાં ખાવાનું પણ હરામ થઈ ગયું હતું. આબરૂના એવા ધજાગરા થયા કે અમે ઘરની બહાર નીકળી શકતા નહોતા. થતું હતું કે રેલની નીચે પડીને મરી જઈએ, પરંતુ એવું પણ કરી શકતા નહોતા."

પત્રકાર મનોજ ચતુર્વેદી કહે છે, "આ વિસ્તારોમાં કુટુંબની આબરૂ સૌથી મોટી ગણાય છે. પહેલા બાળકોને સમજાવાય છે, ગુસ્સો કરવામાં આવે છે અને મારપીટ પણ કરવામાં આવે છે. આમ છતાં કુટુંબને લાગે કે છોકરાઓ હાથમાંથી ગયા છે ત્યારે આવું ભયાનક પગલું પણ ભરવામાં આવે છે."

રેખાની હત્યાની સૌથી વધારે અસર તેના નાનાં ભાઈબહેન પર પડી હોય તેમ લાગે છે.

તેમની નાની બહેન ઘેરી ઉદાસીમાં છે. શબ્દો તેમનાં ગળામાં જ અટવાઈ ગયા છે. રડવાને કારણે આંખો ઊંડી ઊતરી ગઈ છે. ડરતાં-ડરતાં ઘરમાં કામકાજ કરવા માટે હરફર કરે ત્યારે લાગે કે જાણે જીવતી લાશ ફરી રહી છે.

તે ભણવાનું ચાલુ રાખી શકશે ખરાં? એવા સવાલનો માંડ માંડ જવાબ આપતાં કહે છે, "ઘરવાળા જવા દેશે તો જઈશ."

રેખાનો નાનો નાસમજ ભાઈ આ ઘટનાથી ભારે આઘાતમાં છે.

પોલીસ અધિકારી ઓમ પ્રકાશ કહે છે, "અમે બાળ સુરક્ષા માટે અભિયાન ચલાવવાના છીએ. પીડિત પરિવારનાં બાળકોનું પણ કાઉન્સિલિંગ કરાશે, જેથી તેઓ આઘાતમાંથી બહાર આવી શકે."

મૈનપુરીથી એટાના નયાગાંવ જતી વખતે રસ્તામાં ફોન પર પોતાની પ્રેમિકા સાથે વાત કરી રહેલો યુવક મળ્યો.

નયાગાંવ પોલીસની હદમાં જ 11 જૂને એક પ્રેમી યુગલ આંબા પર લટકતું મળ્યું હતું.

આ યુવાને તે ઘટના વિશે અખબારોમાં વાંચ્યુ હતું.

તો તને ડર નથી લાગતો?

આ સવાલનો જવાબ આપતા તેણે કહ્યું, "પ્રેમ કર્યો છે તો પછી ડરવાની વાત ક્યાં આવે છે?"

તેમની પ્રેમકહાણી એક લગ્નપ્રસંગે ફોન નંબરની આપ-લેથી શરૂ થઈ હતી.

હવે ફોન પર વાતો કર્યા કરવાની આદત પડી ગઈ છે. હેડફોન લગાવીને પોતાનાં સપનાની દુનિયામાં તે ખોવાયેલો રહે છે.

તે કહે છે, "અમે મળી શક્યાં નથી. લગ્ન પછી જ કદાચ મળી શકીશું. બસ ફોન પર વાત કરીએ છીએ. વાત કર્યાં વિના ચાલતું નથી. હું મારા દિલના હાલ જણાવું છું, તે પોતાના દિલની વાત કરે છે. ઇચ્છા છે કે તેની સાથે લગ્ન થઈ જાય, બાકી તો ઉપરવાળાની મરજી."

ફોન પર શું વાતો કરો છો? તે સવાલના જવાબમાં તેઓ કહે છે, "પ્રેમની વાતો કરીએ છીએ. કસમ ખાઈએ અને વાયદા કરીએ. આ રીતે સમય હસતાં-હસતાં પસાર થાય છે."


ફોનથી થયેલો પ્રેમ ગળે ફાંસા સુધી

ફોટો લાઈન એટાના નયાગાંવમાં એક પ્રેમી પંખીડાનો મૃતદેહ કેરીના ઝાડ સાથે લટકાયેલો મળ્યો હતો.

એટાના સકીટ તાલુકાના સત્યપ્રકાશ યાદવ અને નયાગાંવ તાલુકાનાં સપના યાદવની પ્રેમકહાણી પણ ફોન પર શરૂ થઈ હતી, પણ તેનો અંત આંબા પર તેમની લટકતી લાશોથી આવ્યો હતો.

નયાગાંવ પોલીસની હદમાં પડતા અસગરપુર દાદૂ ગામ સુધી જતા વાંકાચૂકા રસ્તે એક વળાંક પાસે બે ઘટાદાર આંબા ઊગેલા છે.

11 જૂને પરોઢમાં આંબાની એક ડાળે પીળા ડ્રેસમાં સપના અને વાદળી રંગના શર્ટમાં સત્યપ્રકાશ લટકતાં જોવા મળ્યાં. બન્ને શબના પગ જમીનને અડી રહ્યા હતા.

લાશ નજરે પડી તે પછી કેટલાકે 100 નંબર પર ફોન કર્યો અને નયાગાંવના પોલીસ ઇન્સપેક્ટર એન. પી. સિંહ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા.

એન. પી. સિંહ કહે છે, "અમને હત્યા થઈ હોવાની શંકા ગઈ અને હત્યાનો મામલો દાખલ કરી દેવામાં આવ્યો."

પોલીસે સપનાના ઘરવાળાઓની અટક કરીને પૂછપરછ કરી.

તેમના પિતાને પણ સાત દિવસ સુધી કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી, પણ બાદમાં કોઈ પુરાવા ન મળ્યા એટલે છોડી દેવામાં આવ્યા હતા.

જોકે, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, પ્રાથમિક તપાસ અને ફૉરેન્સિક લૅબ લખનૌની તપાસ પછી પોલીસને હવે આ મામલો આત્મહત્યાનો વધારે લાગી રહ્યો છે.

તો સવાલ એ થાય છે કે પ્રેમીપંખીડાઓએ આત્મહત્યા શા માટે કરી?

તેનો જવાબ કદાચ સપનાના પરિવારની ગરીબી છે. સપનાએ એ જ વર્ષે બારમું ધોરણ પાસ કર્યું હતું.

પરીક્ષા આપવા માટે ગયેલી સપનાનો નંબર સત્યપ્રકાશે લીધો હતો. ફોન પર વાત શરૂ થઈ તે પ્રેમના પાગલપણા સુધી લઈ ગઈ. બન્ને હવે લગ્ન કરવાનાં સપનાં જોવા લાગ્યાં હતાં.

સપનાનાં માતા કહે છે, "એ છોકરાનો ફોન આવ્યો હતો. અમારી દીકરી સાથે લગ્ન કરવા માગતો હતો. અમે કહ્યું હતું કે અમે દીકરીને પરણાવી શકીએ તેવી સ્થિતિમાં નથી."

"તેણે બહુ આગ્રહ કર્યો એટલે મેં મારા પતિને તેના ઘરે મોકલ્યા હતા. તેઓ 70 કિલોમિટર સાઇકલ ચલાવીને તેના ઘરે ગયા હતા. તેમને વાત બહુ જામી નહોતી."

સપનાના પિતા કહે છે, "છોકરાએ અમને કહ્યું હતું કે તેઓ ત્રણ ભાઈ છે. પણ હું ઘરે ગયો ત્યારે ખબર પડી કે છ ભાઈઓ છે અને જમીન વધારે નથી. તે એ વાતથી પણ નારાજ થઈ ગયો હતો કે હું તેના ઘરે શુકન આપીને ના આવ્યો."

સપનાનાં માતા કહે છે, "તેણે ફોન પર ચેતવણી આપી હતી કે તમારી દીકરીનું લગ્ન મારી સાથે નહીં કરાવો તો પછી અમારી ચિતાને આગ ચાંપવાની તૈયારી કરી લેજો."

તેઓ કહે છે, "અમે મોટી છોકરીનું લગ્ન કર્યું ત્યારે લેતીદેતીનો વ્યવહાર કર્યો હતો. નાની દીકરીને ખાલી હાથે મોકલીએ તો ગામ-સમાજના લોકો કહેતા કે છોકરીને વેચી નાખી. પહેલા લગ્નનું દેવું હજુ માથેથી ઉતર્યું નહોતું. અમારી તેવડ નહોતી. દીકરીને ખાલી હાથે કેવી રીતે વિદાય કરીએ?"

સપનાનાં માતાપિતા બહુ તકલીફ વેઠીને તેને ભણાવી રહ્યાં હતાં. તે જેમ-જેમ મોટી થવાં લાગી હતી તેમ-તેમ કમાવ દીકરા જેવી લાગવાં લાગી હતી.

તેમનાં માતા કહે છે, "તે મોટી થવાં લાગી તો અમને લાગ્યું કે દીકરી અમારી ગરીબી દૂર કરી શકશે."

તેઓ ઉમેરે છે, "ભણવામાં હોશિયાર હતી. દેવું કરીને તેને ભણાવતાં હતાં. પરીક્ષા માટે તેણે મૉડલ પેપર ખરીદવાના હતા. અઢીસો રૂપિયાના આવતા હતા. અમારી પાસે પૈસા નહોતાં તો પડોશીઓ પાસેથી ઉધાર લઈને મૉડલ પેપર ખરીદી આપ્યાં હતાં."


'ફર્સ્ટ ક્લાસ લાવી હતી'

સાયન્સની પરીક્ષા તેણે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી હતી. ગામમાં બહુ ઓછી છોકરીઓ ભણતી હોય ત્યાં છોકરી માટે આ મોટી વાત હતી.

માતાપિતાને આશા જાગી હતી કે દીકરીને ક્યાંક ને ક્યાંક નોકરી મળી જશે. તેમને દેવાના ચક્કરમાંથી બહાર કાઢી શકશે.

માતા કહે છે, "તે લાંબી અને તંદુરસ્ત હતી અને ભણવામાં હોશિયાર હતી. દિલ્હીમાં રહેતા મારા ભાઈએ કહ્યું હતું કે તેને આગળ ભણાવવા શહેરમાં તેડાવી લેશે અને નોકરી માટેનાં ફોર્મ પણ ભરાવશે."

એક જ ઓરડાના સપનાના રૂમમાં ખાલી દીવાલો સિવાય કંઈ નથી. પરિવાર પાસે સંપત્તિના નામે એક સાયકલ અને બે ભેંસ છે.

માતા કહે છે, "અમે વિચાર્યું હતું કે ભેંસ વેચીને દીકરીને ભણાવીશું. હવે ભેંસ વેચીને ગામ છોડવું પડશે."

સપનાની કોઈ તસવીર પણ કુટુંબ પાસે નથી. છેલ્લે સપનાએ પીળો ડ્રેસ પહેર્યો હતો તેને માતાએ સંભાળીને રાખી દીધો છે.

તેના જૂનાં કપડામાંથી એક ટી-શર્ટ કાઢીને દેખાડ્યું, જેના પર બે પતંગિયાની ઉપર બ્યૂટી એવું લખેલું છે.

તેઓ કહે છે, "આ તેને બહુ ગમતું હતું. આમાં તે બહુ સુંદર લાગતી હતી. તેણે દુકાનમાં જોયું ત્યારે જ ખરીદવાની જીદ કરી હતી."

"અમારી પાસે તો પૈસા પણ નહોતાં. દુકાનદાર દોઢસોથી ઓછામાં આપવા તૈયાર નહોતો. અમારી પાસે 130થી વધારે નહોતાં. આખરે વિનંતી કરી ત્યારે દુકાનદારે 130 રૂપિયામાં આપી દીધું."

સપનાનાં મૃત્યુથી કુટુંબ પડી ભાંગ્યું છે. શરમ અને સંકોચના કારણે માતાપિતા ઘરની બહાર પણ નીકળતાં નથી.

અમે તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પણ આસપાસનાં ઘરોનાં છાપરાં પર સ્ત્રીઓ એકઠી થઈ ગઈ હતી અને છુપાઈને જોઈ રહી હતી.

સપનાનાં માતા કહે છે, "અમારી તો દીકરી અને આબરૂ બન્ને ગયાં. કોઈને મોઢું દેખાડવાં જેવા રહ્યાં નથી. નાના નાના દીકરા છે, નહીં તો અમે પણ જીવ દઈ દેત."

દીકરીનાં મૃત્યુ પછી પિતાએ પણ આત્મહત્યા માટે કોશિશ કરી હતી. તેઓ કહે છે, "એ જ ઝાડ પર ગળેફાંસો લેવા ગયો હતો. પણ દીકરાનું મોઢું જોઈને અટકી ગયો."

સપના અને સત્યપ્રકાશનાં મૃત્યુને પોલીસે શરૂઆતમાં આબરૂ માટેની હત્યા જ માની હતી.

એટાના પોલીસ વડા સ્વપ્નિલ મમગઈ કહે છે, "11 જૂને પોલીસને જાણકારી મળી તે ગંભીર હતી. બે શબ ઝાડ પર લટકી રહ્યાં હતાં. અમે હત્યાનો કેસ દાખલ કર્યો હતો અને ડૉક્ટરોની પૅનલ પાસે પોસ્ટમૉર્ટમ કરાવ્યું હતું."

"પોસ્ટમૉર્ટમમાં મોતનું કારણ ગળેફાંસો આવ્યું. આ ઉપરાંત શરીર પર ઈજાનાં બીજા કોઈ નિશાન નહોતાં. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આત્મહત્યા થયાનું જણાવી રહ્યો હતો, પણ સ્થળ પર થયેલી તપાસ હત્યા તરફ ઈશારો કરતી હતી."

"અમે કોઈ નિર્ણય કરી શકતા નહોતા. તપાસમાં પણ હત્યાના કોઈ પુરાવા મળ્યા નહીં. અમે લખનૌની ફૉરેન્સિક લૅબની મદદ માગી હતી. તેમણે આખો ઘટનાક્રમ રિક્રિએટ કર્યો. એ રીતે ફૉરેન્સિક લૅબની ટીમ પણ આત્મહત્યા થયાનું જણાવી રહી હતી."

એટા જિલ્લાના ગામડાંમાં ગરીબી ઊડીને આંખે વળગે છે, પણ અહીં લોકો માનસન્માનને જ અસલી ધન માને છે.

શાન ખાતર બંદૂક રાખવાની સંસ્કૃતિ અહીં વિકસી છે. એટામાં 32 હજારથી વધુ લોકો પાસે લાયસન્સ સાથેની બંદૂકો છે.

50 હજારથી વધુ લોકોએ હથિયાર માટેના પરવાનાની અરજીઓ કરેલી છે.

અહીં રસ્તા પર લોકો ખભે બંદૂક ભરાવીને ફરતા હોય તે સામાન્ય બાબત છે.

એવું લાગે છે કે બંદૂકના ઓછાયા હેઠળ પ્રેમ કહાનીઓ પોતાનો દમ તોડી રહી છે.

વરિષ્ઠ પત્રકાર ભાનુપ્રતાપ સિંહ કહે છે, "અહીં બંદૂકનો પ્રભાવ લોકોના વિચારોમાં પણ પડે છે. ઘરમાં ખાવા ધાન ના હોય, પણ ખભે બંદૂક અને મોટી મૂંછો હોવી જોઈએ."

"બંદૂકનાં લાયસન્સ માટે લોકો નેતાઓની પાછળ પડી જતા હોય છે. લાયસન્સ સાથેની બંદૂક ના મેળવી શકે તે ગેરકાયદે તમંચા તો રાખે જ છે."

કાસગંજથી લગભગ 15 કિલોમિટર દૂર પ્રાચીન ભાગીરથી ગુફા છે. માટીની આ ગુફાની ઉપર એક નાનકડું મંદિર છે. પ્રેમીઓને મોકો મળી જાય ત્યારે આ મંદિરની દીવાલ પર પોતાની પ્રેમકથા લખી નાખે છે.

અસંખ્ય પ્રેમી અને પ્રેમિકાઓનાં નામ આ મંદિરની દીવાલ પર લખાયેલાં છે. પક્ષીઓનો કલબલાટ, કોયલની કૂક, નાચતા મોર અહીંના વાતાવરણને પ્રેમમયી બનાવી દે છે.

ગામથી દૂર જંગલમાં ટેકરી પર આવેલું આ મંદિર પ્રેમીઓનાં મિલન માટેનું આદર્શ સ્થળ જણાય છે.

આ મંદિરની પાસેના એક ખાલી ખેતરમાં જુલાઈમાં પ્રેમીજોડીની લાશ મળી હતી.

નજીકના હોડલપુરના ગામના કુંવરપાલ સાથે ખરાબ રીતે મારપીટ થઈ હતી.

તેમની એક આંખ ફોડી નાખવામાં આવી હતી. હાથ તૂટી ગયો હતો અને ગુપ્તાંગને કાપી નાખવામાં આવ્યું હતું. યુવતી રાધા સાથે પણ ક્રૂરતા આચરવામાં આવી હતી.

ફોટો લાઈન કુંવરપાલ અને તેમની પ્રેમિકાનો મૃતદેહ મંદિરની પાસે આવેલા ખેતરમાં ફેંકવામાં આવ્યો હતો

દેખીતી રીતે જ આ મામલો આબરૂ ખાતર હત્યાનો હતો, પરંતુ સ્થાનિક પોલીસે શરૂઆતમાં તેને આત્મહત્યામાં ખપાવી દીધો.

સ્થાનિક એસપી અશોકકુમાર શુક્લનું નિવેદન અખબારોમાં પ્રગટ થયું હતું.

તેમણે જણાવ્યું હતું, "પ્રેમી યુગલે સલ્ફાસ ખાઈને આત્મહત્યા કરી છે. સ્થળ પર સલ્ફાસના પડીકાં મળ્યાં છે. હત્યાની શંકાનો કોઈ આધાર નથી."

કુંવરપાલના પિતા પોતાની દીકરાની લાશની તસવીર દેખાડીને કહે છે, "મારી દીકરાની આવી હાલત કરી નાખી હતી અને પોલીસ કહેતી રહી કે તેણે આત્મહત્યા કરી. તે પોતાનો જીવ જાતે શા માટે લે?"

તેઓ ઉમેરે છે, "અખબારમાં એવું છપાયું હતું કે અમે ફરિયાદ ના આપી એટલે કેસ નોંધાયો નહોતો. અમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસે ભગાવી દીધા હતા. તપાસ પછી એફઆઈઆર થશે એમ કહી દીધું હતું. પણ તપાસ વિના જ અખબારે છાપી નાખ્યું કે આત્મહત્યા કરી છે."

કુંવરપાલનું લગ્ન થોડા દિવસ પહેલાં જ થયું હતું. આમ છતાં તે પોતાના ઘરની પાસે રહેતી પ્રેમિકાને મળતો રહેતો હતો. ગામના લોકોનું કહેવું છે કે તેના કારણે જ તેની હત્યા થઈ હતી.

છોકરીના દાદા કહે છે, "બન્નેના પ્રેમ વિશે બધાને ખબર હતી. બન્નેને અલગ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. છોકરાના ઘરવાળાને બોલાવીને ફરિયાદ પણ કરી હતી. મારી મારીને કમર લાલ કરી દીધી હતી, તેમ છતાં બન્ને માન્યા નહીં. બન્ને કાબૂ બહાર જતા રહ્યાં હતાં."


મોતનું કોઈ દુઃખ નહીં!

દાદાની આંખોમાં પૌત્રીનાં મૃત્યુનું દુઃખ દેખાતું નહોતું, પણ કુટુંબની આબરૂ ગઈ તેનો અફસોસ દેખાતો હતો.

તેઓ કહે છે, "તેમનું લગ્ન કરાવું શક્ય નહોતું. અમે મરી જાત પણ લગ્ન ના થવા દેત. પહેલાં પણ કદી આવું થયું નથી અને આ મામલામાં પણ થાત નહીં."

કુંવરપાલ અને રાધા બન્ને લોધ રાજપૂત સમાજના હતાં. ગામવાળાની રીતે તેમની વચ્ચે ભાઈબહેનનો સંબંધ થાય.

આવો સંબંધ તેમના પ્રેમની વચ્ચે દીવાલ બનીને ઊભો હતો, જે તેમની ગમે તેવી ઈચ્છા છતાં તોડી શકાય તેમ નહોતી.

દાદા કહે છે, "છોકરાનું લગ્ન થઈ ગયું હતું. છોકરીનું લગ્ન અમે કરાવવાના હતા. ત્રણ જગ્યાએ જોયું હતું. એક મહિનામાં લગ્ન પણ કરાવી દેત, પણ આ ઘટના બની ગઈ."

શું તેને અટકાવી શકાઈ હોત? તેઓ કહે છે, "બન્ને કાબૂ બહાર હતાં. તેમને મરી જવાનો ડર હતો એટલે ભાગીને જતાં નહોતાં. તેમને ખબર હતી કે ભાગી ગયાં તો ઘરવાળા મારી નાખશે. આમ છતાં આખરે બન્નેનાં મૃત્યુ થઈ જ ગયાં."

ફોટો લાઈન કુંવરપાલનું હાલ જ લગ્ન થયું હતું તેમ છતાં તેઓ પ્રેમિકાને મળતા હતા

તેઓ કહે છે, "મારનારા જાણે છે કે છોકરીવાળા ફસાઈ જશે. અમને ફસાવી દેવા માટે બાળકોને મારી નાખ્યાં."

આવી ઘટનાઓને કેવી રીતે રોકી શકાય? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "સખતમાં સખત નજર રાખીને. છોકરાવાળા પોતાના છોકરા પર નજર રાખે, છોકરીવાળા પોતાની છોકરીઓ પર."

તેઓ પોતાના પરિવારની શાનને યાદ કરીને કહે છે, "ખાનદાન લોકોને માત્ર પોતાની ખાનદાની જ દેખાતી હોય છે. આ કળિયુગ પોતાનો પ્રભાવ દેખાડી રહ્યો છે."

"પહેલા અમારી સામે કોઈ જવાબ દેવાની હિંમત કરતું નહોતું. છોકરીઓ શું, છોકરા પણ અમને જોઈને આડાંઅવળાં થઈ જતાં હતાં. હવે કોઈ કોઈને રોકી શકતું નથી."

પોલીસે પ્રથમ આ હત્યાકાંડ પર ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી હતી. પરંતુ બાદમાં હત્યાનો કેસ દાખલ કર્યો હતો.

ફોટો લાઈન કુંવરપાલના પરિવારનો આરોપ છે કે પોલીસે હત્યાના મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો છે

એફઆઈઆરમાં મોડું થયાનું કારણ જણાવતા કાસગંજ જિલ્લાના નવા પોલીસ વડા ધુલે સુશીલ ચંદ્રભાન (ઘટના બની તે દિવસે જ કાસગંજના એસપીની બદલી કરી દેવાઈ હતી) કહે છે, "પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યો તે પછી સ્થિતિ સ્પષ્ટ બની હતી. બન્નેની હત્યા કરી દેવામાં આવી હતી. અમે હત્યાનો કેસ નોંધ્યો છે."

આ પ્રકારની ઘટનાઓ એક સંદેશ પણ આપે છે. પરંતુ આવી ગંભીર બાબતમાં પણ પોલીસ લાપરવાહી દાખવીને શું સંદેશ આપે છે?

તેના જવાબમાં ચંદ્રભાન કહે છે, "મેં ચાર્જ સંભાળ્યો કે તરત જ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અમારો સંદેશ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ અપરાધીને છોડવામાં નહીં આવે."

પોલીસવડાએ અમારી સાથેની વાતચીતના થોડા કલાકો બાદ છોકરીના પિતા અને અન્ય એક સાથીની ધરપકડ કરી હતી.

આગ્રા, એટા, મૈનપુરી અને કાસગંજની આ ઘટનાઓમાં એક વાત સ્પષ્ટ દેખાઈ આવે છે. આ લોકોનાં દિલમાં ડર પેસી ગયો છે.

પરિવારો વિખેરાઈ ગયા છે અને નવી દુશ્મની ઊભી થઈ છે. પોલીસ અને ન્યાયતંત્ર માટે આવી ઘટનાઓ પડકારજનક બની રહી છે.

શું પોલીસ આવી ઘટનાઓ રોકવા માટે કોઈ વિશેષ અભિયાન ચલાવે છે ખરી?

એટાના એસપી સ્વપ્નિલ મમગઈ કહે છે, "પ્રેમ બે વ્યક્તિઓ વચ્ચેનો અંગત મામલો છે. ભારતનું બંધારણ પુખ્ત વયના લોકોને પોતાની મરજી અનુસાર નિર્ણયો કરવાની છૂટ આપે છે. અમારું કામ તેમને સુરક્ષા આપવાનું છે અને જ્યારે પણ માગણી થાય છે ત્યારે અમે સુરક્ષા આપીએ છીએ."

ફોટો લાઈન કુંવરપાલના પિતાનું કહેવું છે કે દીકરાની હત્યા બાદ હવે તેમના જીવને પણ જોખમ છે

તેઓ કહે છે, "એટા જિલ્લામાં દર મહિને પ્રેમસંબંધો અંગેના 60-70 મામલા સામે આવે છે. પોલીસ કાયદા અનુસાર પોતાની કામગીરી કરે છે. પ્રેમીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે."

તેઓ કહે છે, "આવી ઘટનાઓ ન બને તે માટે સામાજિક સ્તરે વધારે પ્રયાસો કરવાની જરૂર છે. સમાજમાં જાગૃતિ લાવ્યા વિના તેને રોકી શકાશે નહીં. સૌથી અફસોસ એ વાતનો છે કે નિર્દોષના જીવ જતા રહે છે."

સ્વપ્નિલ કહે છે, "અમારી પ્રથમ જવાબદારી નાગરિકો માટે ભયમુક્ત માહોલની છે. નાગરિકોમાં એ યુવાનો પણ આવી ગયા, જેઓ પ્રેમમાં પડ્યા હોય."

પણ શું પ્રેમીઓ પ્રેમ કરવાથી ડરી રહ્યા છે? એટાથી નયાગાંવ જતી વખતે તળાવ પર નહાતાં કેટલાક બાળકો મળ્યાં.

તે છોકરાઓ ગીત ગાઈ રહ્યા હતા, "પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, જો ડરતે હૈં વો પ્યાર કરતે નહીં."

અખબારોમાં અવારનવાર પ્રેમીઓનાં મૃત્યુની ખબરો છપાતી હોવાં છતાં પ્રેમીઓ પ્રેમ કરતા રહે છે.

છુપી રીતેને પ્રેમ કરનારા કેટલાક પકડાઈ જાય છે અને માર્યા જાય છે. કેટલાક એવા પણ હોય છે, જે હિંમત કરીને ઘરેથી ભાગીને પોતાની રીતે જીવવા કોશિશ કરે છે.

ફોટો લાઈન જૈથરા પોલીસ સ્ટેશનમાં ભાગેલી દીકરીને લેવાં આવેલાં એક માતા

આવી જ રીતે ઘરેથી ભાગી નીકળેલી એક પ્રેમિકા અમને એટા જિલ્લાના જૈથરા પોલીસ સ્ટેશને મળી. તેમનાં માતા તેને પોતાની સાથે લઈ જવા આવ્યાં હતાં.

રડતાં માતા દીકરીને ગળે લગાવવાં માટે આગળ વધ્યાં પણ દીકરીએ ધક્કો મારીને તેને કહ્યું કે - મારાથી દૂર રહે, મારું કોઈ નથી.

માતા રડતાં-રડતાં મારી દીકરી, મારી દીકરી કરી રહ્યાં હતાં, પણ દીકરી કહેતી રહી કે 'દૂર જા.'

એકાદ મહિના પહેલાં પ્રેમી સાથે નાસી ગયેલાં આ યુવતીને લાંબી ભાગદોડ પછી પોલીસે આખરે 'પકડી પાડ્યાં' હતાં.

તેમ પર હજુ પણ પ્રેમનું ભૂત સવાર હોય તેમ લાગતું હતું અને તેઓ કોઈની પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતાં.

પરિવારે દીકરી સગીર હોવાથી અપરહણની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે દીકરી ભારપૂર્વક કહી રહ્યાં હતાં કે તેમની ઉંમર 20 વર્ષની છે.

હોઠ પર લિપસ્ટિક, માથા પર સિંદુર, કાનમાં કડી, લાલ રંગની ચૂંદડી પહેરીને બેઠેલી યુવતીને સૌ કોઈ કુતૂહલથી જોઈ રહ્યા હતા.

પરંતુ તેમને કોઈની કંઈ પરવા નહોતી. તેઓ ગુસ્સામાં લાલચોળ થઈ ગયાં હતાં. જોકે, તેમની સૂઝેલી આંખો દર્શાવતી હતી કે તેઓ બહુ રડ્યાં હતાં.

તેઓ કહે છે, "હું તેને સારી રીતે જાણું છું. હું તેની સાથે નહીં જાઉં. દુનિયામાં બીજા કોઈ સાથે મારે કોઈ નિસબત નથી."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ઑનર કિલિંગના ખતરા વચ્ચે લગ્ન અને પ્રેમની કહાણી

વકીલની સલાહ પ્રમાણે પરિવારના લોકોએ સરકારી સ્કૂલમાંથી દાખલો કઢાવી લીધો છે, જેમાં તેમની જન્મતારીખ 01/07/2004 જણાવેલી છે.

આ દાખલો સ્વીકારી લેવામાં આવે અને કાયદેસર માન્ય રહે તો તે સગીર ગણાશે.

આમ છતાં તેઓ વારંવાર કહી રહ્યાં હતાં કે પોતે 20 વર્ષનાં છે અને પોતાનાં પ્રેમીની સાથે જ જશે.

તેમના હાથ પર ઓમનું છુંદણું છે, પણ તેમના પ્રેમી મુસ્લિમ છે.

ઘરના લોકો જીદ લઈને બેઠા છે કે પોતાની દીકરીને મુસ્લિમ નહીં બનવા દે.

જોકે, હવે તે પોતાનાં માતાપિતા સાથે જશે કે પ્રેમી સાથે જશે, તેનો ફેંસલો અદાલત જ કરશે.

આ બધી ઘટનાઓ વચ્ચે ભલે કંઈ પણ પરિણામ આવવાનું હોય પણ પ્રેમ પોતાની રીતે પાંગરતો જ રહે છે.

(આ અહેવાલમાં બધી છોકરીઓનાં નામ બદલી દેવામાં આવ્યાં છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ