મુંબઈના ડોંગરીમાં ચાર માળની ઇમારત ધ્વસ્ત, 14નાં મૃત્યુ

મુંબઈ ફાયર બ્રિગેડની તસવીર Image copyright MUMBAI FIRE BRIGADE

મુંબઈના ડોંગરી વિસ્તારમાં 'કેસરબાઈ બિલ્ડિંગ' નામની ચાર માળની ઇમારત ધ્વસ્ત થતાં અંદાજે 40 લોકો દબાયા હોવાની આશંકા છે. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર અત્યાર સુધી 14 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 9 લોકોને ઈજા પહોંચી છે.

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "આ 100 વર્ષ જૂની ઇમારત છે અને ત્યાંના રહેવાસીઓએ તેના ફરી નિર્માણ માટેની અરજી કરી હતી અને મંજૂરી પણ આપવામાં આવી હતી. આની તપાસ ચાલી રહી છે."

ઇમારતનો જે ભાગ ધ્વસ્ત થયો છે તે જૂની કેસરબાઈ બિલ્ડિંગનો હિસ્સો નહોતો અને તેને પાછળથી બાંધવામાં આવ્યો હતો તેમ મહારાષ્ટ્રના મંત્રી વિખે પાટિલે બીબીસી મરાઠીને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે.

બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર આ ઇમારતને 7 ઑગસ્ટ 2017ના રોજ ભયજનક જાહેર કરવામાં આવી હતી અને તેને સી-1 શ્રેણીમાં મૂકવામાં આવી હતી.

આ શ્રેણી મુજબ ઇમારતને તત્કાળ ખાલી કરવી પડે અને તેને તોડી પાડવી પડે.

જોકે, આવું ન થાય અને દુર્ઘટના ઘટે તો તેના માટે મહાનગરપાલિકાની કચેરી જવાબદાર ન ઠેરવી શકાય.

મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે ઇમારત ધ્વસ્ત થતાં મહાનગરપાલિકાએ છોકરીઓ માટેની ઇમામવાડા મ્યુનિસિપલ માધ્યમિક શાળામાં આશ્રયસ્થાન ઊભું કર્યું છે.

આ ઘટના અગે વડા પ્રધાન કાર્યાલયે શોક વ્યકત કર્યો છે અને જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

મળતી માહિતી પ્રમાણે, મંગળવારે સવારે 11 વાગ્યા અને 40 મિનિટ આજુબાજુ ડોંગરીની ટંડેલ ગલીમાં આ ઘટના ઘટી હતી.

ઘટનાને પગલે ફાયર-બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવવાની તથા દટાઈ ગયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ)ની મદદ માગવામાં આવી છે.

મુંબઈના ચીફ ફાયર ઓફિસર પ્રભાત રહાંગદલેના કહેવા પ્રમાણે, "આજુબાજુની ઇમારતોની સ્થિતિ ભયજનક હોવાથી તેને પણ ખાલી કરાવી દેવાઈ છે."

હાલ આ ઘટનામાં બચાવની કામગીરી ચાલુ છે અને તેમાં દળના શ્વાન પણ મદદ કરી રહ્યા છે.


100 વર્ષ જૂની ઇમારત

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઇમારતને 100 વર્ષ જૂની ગણાવી છે, આજુબાજુની મોટાભાગની ઇમારતો પણ બહુ જૂની છે.

સ્થાનિકોનો આરોપ છે કે જૂની ઇમારતોની સમસ્યા પ્રત્યે વહીવટીતંત્ર દુર્લક્ષ સેવે છે.

તેમના મતે જૂની ઇમારતો અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ સરકારે આ દિશામાં કશું કર્યું નથી.

વળી, આ વિસ્તારની સાંકળી અને ગીચ ગલીઓને કારણે તંત્રને રાહત તથા બચાવકાર્ય કરવામાં મુશ્કેલી ઊભી થાય છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ