કારગિલ વિજય દિવસ : જ્યારે દિલીપ કુમારે કહ્યું કે મિયાં સાહેબ, તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી

જૂન 1999માં કારગીલમાં પાકિસ્તાની ઘૂસણખોરી પર પ્રહાર કરતું ભારતીય હેલિકૉપ્ટર Image copyright Getty Images
ફોટો લાઈન જૂન 1999માં કારગિલમાં પાકિસ્તાની ઘૂસણખોરી પર પ્રહાર કરતું ભારતીય હેલિકૉપ્ટર

20 વર્ષ પહેલાં કારગીલની પર્વતમાળા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ હતી. પાકિસ્તાની સૈનિકોએ કારગીલના ઊંચા પહાડો પર ઘૂસણખોરી કરીને પોતાની છાવણીઓ બનાવી દીધી તે પછી આ લડાઈ થઈ હતી.

કારગિલ યુદ્ધની 20મી જયંતીએ વિશેષ લેખોની શ્રેણીમાં પ્રસ્તુત છે પ્રથમ લેખ.

8 મે, 1999ના રોજ પાકિસ્તાનની 6 નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના કૅપ્ટન ઇફ્તેખાર અને લાન્સ હવાલદાર અબ્દુલ હકીમ 12 સૈનિકો સાથે કારગિલની આઝમ ચોકી પર બેઠા હતા. તેમણે જોયું કે થોડે દૂર કેટલાક ભારતીય માલધારીઓ માલઢોર ચરાવવા આવ્યા હતા.

પાકિસ્તાની સૈનિકોએ ચર્ચા કરી કે આ માલધારીઓને પકડી લેવા છે? કેટલાકે કહ્યું કે તેમને કેદ કરીશું તો ખાવાનું આપવું પડશે. અત્યારે સૌને થઈ રહે તેટલું રાશન પણ નથી. માટે તેમને જવા દેવા.

તે લોકો ત્યાંથી જતા રહ્યા અને દોઢેક કલાક બાદ છથી સાત ભારતીય જવાનો સાથે ત્યાં ફરી આવી પહોંચ્યા હતા.

ભારતીય સૈનિકોએ પોતાનાં દૂરબીનોથી ઉપર નજર કરી અને પરત જતા રહ્યા. બપોરે લગભગ બે વાગ્યે એક લામા હેલિકૉપ્ટર ત્યાં ઊડતું જોવા મળ્યું.

હેલિકૉપ્ટર એટલું નીચે ઊડી રહ્યું હતું કે કૅપ્ટન ઇફ્તેખારને પાયલટનો બેજ પણ દેખાઈ શકે. આ પ્રથમ વાર હતું કે જ્યારે ભારતીય સૈનિકોને જાણ થઈ કે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો કારગિલના પહાડોની ટોચ પર અડ્ડા જમાવીને બેસી ગયા.

પાકિસ્તાની સેનાના નિવૃત્ત કર્નલ અશફાક હુસૈને 'વિટનેસ ટૂ બ્લન્ડર - કારગિલ સ્ટોરી અનફૉલ્ડ્સ' નામે પુસ્તક લખ્યું છે.

બીબીસી સાથે વાતચીત કરતાં તેઓ કહે છે, "મેં પોતે કૅપ્ટન ઇફ્તેખાર સાથે વાત કરી હતી. તેમણે મને જણાવ્યું કે બીજા દિવસે ફરીથી ભારતીય સેનાનું લામા હેલિકૉપ્ટર ત્યાં આવ્યું હતું અને આઝમ, તારિક અને તશફીન ચોકીઓ પર જોરદાર ગોળીબારી કરી હતી.

"કૅપ્ટન ઇફ્તેખારે બટાલિયન હેડક્વાર્ટર પાસે ભારતીય હેલિકૉપ્ટર પર વળતો ગોળીબાર કરવા માટે મંજૂરી માગી હતી, પણ તેમને મંજૂરી મળી નહોતી. તેના કારણે ભારતીયો માટે સરપ્રાઇઝ ઍલિમૅન્ટ ખતમ જશે એમ માનીને નકાર કરી દેવાયા હતો."


ભારતનું રાજકીય નેતૃત્વ અંધારામાં

Image copyright Getty Images
ફોટો લાઈન કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકો

આ બાજુ ભારતીય સેનાના અધિકારીઓને ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાની સેનાએ ભારતનાં મોટાં ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. જોકે, તેમને લાગ્યું કે પોતાની રીતે મામલાને પાર પાડી દેવાશે. તેથી સેનાએ રાજકીય નેતાગીરીને આ બાબતની જાણ કરી નહોતી.

એક જમાનામાં ઇન્ડિયન એક્સપ્રેસમાં સંરક્ષણ બાબતોના સંવાદદાતા તરીકે કામ કરનારા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ યાદ કરતા કહે છે, "મારા એક મિત્ર ત્યારે સેનાના વડામથકે કામ કરતા હતા. તેમણે ફોન કરીને મને કહ્યું કે મળવા માગે છે."

"હું તેમના ઘરે મળવા ગયો હતો. તેમણે કહ્યું કે સરહદે કંઈક ગરબડ થઈ લાગે છે, કેમ કે ઘૂસણખોરી રોકવા માટે આખી પલટનને હેલિકૉપ્ટરથી કોઈ મુશ્કેલીગ્રસ્ત જગ્યાએ મોકલવામાં આવી છે. બીજા દિવસે મેં આ વાત પિતાને જણાવી."

"તેમણે સંરક્ષણપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝને ફોન કર્યો. બીજા દિવસે તેઓ રશિયા જવાના હતા. તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો, કેમ કે આ રીતે હવે સરકારને ઘૂસણખોરીની જાણકારી મળી ગઈ હતી."


સિયાચીનથી ભારતને અલગ કરવાનો કારસો

ફોટો લાઈન માનવેન્દ્ર સિંહ બીબીસી સ્ટુડિયોમાં

મજાની વાત એ છે કે તે વખતે ભારતીય સેનાના વડા જનરલ વેદપ્રકાશ મલિક પણ પોલૅન્ડ અને ચેક રિપબ્લિકના પ્રવાસે ગયા હતા. તેમને આ ઘટનાની પ્રથમ માહિતી સેનાના અધિકારીઓ દ્વારા નહીં, પણ ત્યાંના ભારતીય રાજદૂતના માધ્યમથી મળી હતી.

સવાલ એ છે કે લાહોર શિખર સંમેલન પછી પાકિસ્તાની સેનાએ આ રીતે ગુપચુપ કારગિલની પહાડીઓ પર કબજો જમાવ્યો તેની પાછળનો ઇરાદો શું હતો?

ઇન્ડિયન એક્સપ્રેસના ઍસોસિએટ એડિટર સુશાંત સિંહ કહે છે, "ઇરાદો એવો જ હતો કે ભારતના ઉત્તરમાં સૌથી દૂરના છેડાના, સિયાચીન ગ્લેશિયરની લાઇફ-લાઇન ગણાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વન-ડીને વચ્ચેથી કાપીને તેના પર કબજો કરી લેવો."

"લદ્દાખ સુધી આવનજાવન માટે જે માર્ગ જતો હતો તેના ઉપરની ટેકરીઓ પર કબજો કરી લેવો, જેથી સિયાચીન છોડી દેવાની ભારતને ફરજ પડે."

સુશાંત સિંહનું માનવું છે કે 1984માં ભારતે સિયાચીન પર કબજો કરી લીધો હતો તે વાતથી મુશર્રફ ભારે નારાજ હતા. તે વખતે તેઓ પાકિસ્તાની સેનાના કમાન્ડો ફોર્સમાં મેજર તરીકે હતા."

"તેમણે ઘણી વખત તે જગ્યાનો ફરી કબજો કરવાની કોશિશ કરી હતી, પણ ક્યારેય સફળ થઈ શક્યા નહોતા."


દિલીપકુમારે નવાઝ શરીફને તતડાવી નાખ્યા

Image copyright Shushant SIngh
ફોટો લાઈન ઇન્ડિયન એક્સપ્રેસના સહાયક સંપાદક સુશાંત સિંહ

ભારતના નેતાઓને મામલાની ગંભીરતાથી જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ફોન કર્યો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી ખુરશીદ મહમૂદ કસૂરીએ પોતાની આત્મકથા 'નેઇધર અ હૉક, નૉર એ ડવ'માં લખ્યું છે, "વાજપેયીએ શરીફને ફરિયાદ કરી કે તમે મારી સાથે બહુ ખોટું કર્યું."

"એક તરફ તમે લાહોરમાં મને ગળે મળી રહ્યા હતા, બીજી બાજુ તમે લોકો કારગિલના પહાડો પર કબજો કરી રહ્યા હતા. નવાઝ શરીફે કહ્યું કે તેમને આ બાબતની બિલકુલ જાણ નથી."

"પરવેઝ મુશર્રફ સાથે વાત કરીને પછી તમને ફોન કરું છું. ત્યારે વાજપેયીએ કહ્યું કે મારી સાથે એક સાહેબ બેઠા છે, તેમની સાથે વાત કરી લો."

નવાઝ શરીફ ચોંકી ગયા, કેમ કે ફોનમાં મશહૂર અભિનેતા દિલીપ કુમારનો અવાજ સંભળાયો.

દિલીપ કુમારે તેમને કહ્યું, "મિયાં સાહેબ, અમને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી, કેમ કે આપે હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની વાત કરી છે."

"હું તમને જણાવી દઉં કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે ત્યારે ભારતના મુસ્લિમોમાં અસલામતીની ભાવના પેસી જાય છે. તેમના માટે પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે."


રૉ પણ અંધારામાં હતું

Image copyright Getty Images
ફોટો લાઈન ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન ગયેલા વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને નવાઝ શરીફ

સૌથી નવાઈ લાગે તેવી વાત એ હતી કે ભારતની જાસૂસી સંસ્થાઓને પણ આટલા મોટા ઑપરેશનની જરા સરખી પણ ગંધ આવી નહોતી.

ભારતના ભૂતપૂર્વ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, પાકિસ્તાન ખાતે હાઇ કમિશનર તરીકે રહી ચૂકેલા અને બાદમાં બનાવાયેલી કારગિલ તપાસ સમિતિના સતીશચંદ્ર કહે છે, "રૉને આની જરા પણ ગંધ આવી નહોતી.

"પણ સવાલ એ છે કે શું તેને ગંધ આવી હોત ખરી? પાકિસ્તાને વધારાનાં કોઈ દળો ગોઠવ્યાં નહોતાં. પાકિસ્તાન આગળ ગોઠવણ માટે પોતાના ફૉરમેશન્સ આગળ વધારે તો રૉને જાણ થઈ હોત."


પાકિસ્તાનનો જબરો વ્યૂહાત્મક પ્લાન

ફોટો લાઈન પૂર્વ લૅફ્ટન્ટ જનરલ હરચરણજિતસિંહ પનાગ સાથે બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ

ભારતીય સેનાએ કારગિલ મામલાને જે રીતે સંભાળ્યો તેની ઘણા લોકોએ ટીકા કરી હતી.

બાદમાં ખુદ કારગિલમાં ફરજ બજાવનારા ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ હરચરણજિતસિંહ પનાગ કહે છે, "હું એવું કહીશ કે પાકિસ્તાનીઓએ બહુ જોરદાર પ્લાન બનાવ્યો હતો. તેમણે ખાલી પડેલા વિશાળ વિસ્તાર પર આગળ વધીને કબજો કરી લીધો."

"તેઓ લેહ કારગિલ સડક પર છવાઈ ગયા હતા. આ તેમની બહુ મોટી સફળતા હતી."

પનાગ કહે છે, "ત્રીજી મેથી જૂનના પહેલા અઠવાડિયા સુધી આપણી સેનાની કામગીરી 'બિલો પાર' એટલે કે સામાન્ય કરતાં નીચા દરજ્જાની રહી હતી. હું તો ત્યાં સુધી કહીશ કે એક મહિના સુધી આપણી કામગીરી શરમજનક હતી."

"ત્યારબાદ આઠમી ડિવિઝને ચાર્જ લીધો અને તે પછી ખ્યાલ આવ્યો કે આ વિસ્તારમાં કેવી રીતે કામગીરી બજાવવાની છે. તે લોકો શિખર પર કબજો જમાવીને બેઠા હતા અને આપણે તળેટીમાં હતા એટલે સ્પષ્ટ છે આ એક બહુ મુશ્કેલ ઑપરેશન હતું."

પનાગ તે વખતની સ્થિતિને સમજાવતા કહે છે, "આ એવી વાત થઈ કે કોઈ દાદરા ઉપર ચડી ગયું હોય અને તમારે તેની પાછળ દાદરા ચડીને તેને નીચે ઉતારવાનો હોય."

"બીજી મુશ્કેલી એ હતી કે ઊંચાઈ પર ઓક્સિજન ઓછો હોય છે. ત્રીજું પર્વતમાળા પર હુમલો કરવાની આપણી તાલીમ પણ નબળી હતી."


જનરલ મુશર્રફનું કહેવું શું હતું?

Image copyright Getty Images

જનરલ પરવેઝ મુશર્રફે વારંવાર કહ્યું હતું કે તેમની રીતે આ બહુ ઉત્તમ પ્લાન હતો, જેના કારણે ભારતીય સેના મુશ્કેલીમાં આવી ગઈ હતી.

મુશર્રફે પોતાની આત્મકથા 'ઇન ધ લાઇન ઑફ ફાયર'માં લખ્યું છે, "અમારા આઠ કે નવ સિપાહીઓ જ ગોઠવાયેલા હતા, ત્યાં એ ચોકીઓ પર ભારતે આખી બ્રિગેડ મોકલીને હુમલો કર્યો હતો."

"જૂનના મધ્ય સુધી તેમને ખાસ કોઈ સફળતા મળી નહોતી. ભારતીયોએ સ્વીકાર્યું હતું કે તેમના 600થી વધુ સૈનિકો માર્યા ગયા હતા અને 1500થી વધુ ઘવાયા હતા."

"અમારી જાણકારી એવી છે કે સાચી સંખ્યા આનાથી બમણી હતી. ભારતીયો એટલા મોટા પ્રમાણમાં માર્યા ગયા હતા કે તેમનાં કૉફિન ખૂટી પડ્યાં હતાં. તેના કારણે બાદમાં કૉફિન કૌભાંડ પણ બહાર આવ્યું હતું."


તોલોલિંગ પર કબજાથી બાજી પલટાઈ

Image copyright Getty Images
ફોટો લાઈન યુદ્ધ દરમિયાન પહાડી વિસ્તારમાં હથિયાર લઈ જવામાં પણ ભારતીય સૈનિકોને ખૂબ મુશ્કેલી પડી હતી

જૂનનું બીજું અઠવાડિયું પૂરું થવામાં હતું ત્યાં સુધીમાં સ્થિતિ ભારતીય સેનાના નિયંત્રણમાં આવવા લાગી હતી.

મેં એ વખતે ભારતીય સેનાના વડા જનરલ વેદપ્રકાશ મલિકને પૂછ્યું હતું કે લડાઈમાં નિર્ણાયક વળાંક ક્યારે આવ્યો હતો?

મલિકે જવાબ આપ્યો હતો કે "તોલોલિંગ પર જીત. એ પહેલો હુમલો હતો જે મેં કો-ઑર્ડિનેટ કર્યો હતો. તે અમારી બહુ મોટી સફળતા હતી. ચાર-પાંચ દિવસ સુધી લડાઈ ચાલી હતી."

"એ લડાઈ એટલી સામસામે આવીને લડાઈ હતી કે બંને દેશના સૈનિકો એકબીજાને ગાળો આપતા હતા તે સાંભળી શકતા હતા."

જનરલ મલિકે કહ્યું હતું, "આપણે તેની મોટી કિંમત ચૂકવવી પડી હતી. આપણી તરફે બહુ જાનહાનિ થઈ હતી. છ દિવસ સુધી ગભરાટ હતો કે શું થશે, પણ ત્યાં આપણને જીત મળી તે સાથે મને, સૈનિકોને અને અફસરોને ભરોસો બેસવા લાગ્યો કે આપણે સ્થિતિ પર કાબૂ કરી લઈશું."


કારગિલ પર એક પાકિસ્તાનીને હઠાવવા 27 સૈનિકોની જરૂર

Image copyright Getty Images

લગભગ 100 કિલોમીટરના વિસ્તારમાં લડાઈ જામી હતી. 1700 જેટલા પાકિસ્તાની સૈનિકો ભારતીય સરહદમાં આઠથી નવ કિમી અંદર ઘૂસી આવ્યા હતા. એ સમગ્ર ઑપરેશનમાં ભારતના 527 સૈનિકો માર્યા ગયા હતા અને 1363 જવાનો ઘાયલ થયા હતા.

વરિષ્ઠ પત્રકાર સુશાંત સિંહ કહે છે, "સેનામાં કહેવત છે કે પર્વત સેનાને ખાઈ જાય છે. સમથળ જમીન પર લડાઈ લડવાની હોય તો રક્ષક સેના કરતાં આક્રમણ કરનારી સેનામાં ત્રણ ગણા વધારે જવાનો હોવા જોઈએ, પરંતુ પહાડો પર નવ ગણા જવાનો જોઈએ."

"કારગિલમાં તો 27 ગણી વધારે સંખ્યાની જરૂર પડી હતી. મતબલ કે દુશ્મનના એક જવાનને હઠાવવા માટે આપણે 27 જવાનોને મોકલવા પડે તેમ હતા."

"ભારતે તેમને હઠાવવા માટે આખું ડિવિઝન કામે લગાડ્યું હતું અને ટૂંકી નોટિસે વધારાની બટાલિયનોને પણ ત્યાં કામે લગાડવી પડી હતી."


પાકિસ્તાનીઓએ ભારતના બે જેટ અને એક હેલિકૉપ્ટર તોડી પાડ્યાં

Image copyright Getty Images
ફોટો લાઈન ભારતના સરંક્ષણમંત્રી જર્યોજ ફર્નાન્ડીઝ કારગીલ યુદ્ધ સમયે

મુશર્રફ છેક સુધી કહેતા રહ્યા કે પાકિસ્તાનની રાજકીય નેતાગીરીએ તેમને સાથ આપ્યો હોત તો સમગ્ર કહાની જુદી જ હોત.

તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, "ભારતે પોતાના વાયુદળને કામે લગાડીને એક રીતે ઓવર રિએક્ટ કર્યું હતું. તેમણે માત્ર મુજાહિદીનોના અડ્ડા પર જ નહિ, પણ સરહદ પાર કરીને પાકિસ્તાની સેનાની છાવણીઓ પર પણ બૉમ્બમારો શરૂ કર્યો હતો."

"પરિણામ એ આવ્યું કે અમે પાકિસ્તાની ધરતી પર તેમના એક હેલિકૉપ્ટર અને બે જેટ વિમાનોને તોડી પાડ્યાં હતાં."


ભારતીય વાયુદળ અને બોફોર્સ તોપથી બદલાયું ચિત્ર

Image copyright Getty Images
ફોટો લાઈન કારગિલ યુદ્ધમાં ભારતની બોફોર્સ તોપોએ નિર્ણાયક ભૂમિકા ભજવી

એ વાત સાચી કે પ્રારંભમાં ભારતે પોતાનાં બે મિગ વિમાનો અને એક હેલિકૉપ્ટર ગુમાવવાં પડ્યાં હતાં, પરંતુ ભારતીય વાયુદળે અને બોફોર્સ તોપે વારંવાર બરાબર રીતે પાકિસ્તાની અડ્ડાઓ પર વાર કર્યા હતા.

નસીમ ઝેહરાએ પોતાના પુસ્તક 'ફ્રોમ કારગિલ ટૂ ધ કૂ'માં લખ્યું છે, "આ હુમલા એટલા ભયાનક અને અચૂક હતા કે પાકિસ્તાની ચોકીઓ 'ચૂરેચૂરા' થવા લાગી હતી. પાકિસ્તાનીઓ કોઈ સાધન-સરંજામ વિના લડી રહ્યા હતા."

"બંદૂકોની જાળવણી બરાબર થઈ નહોતી, તેના કારણે તે લાકડી બનીને જ રહી ગઈ હતી."

ભારતીયોએ પણ કબૂલ્યું હતું કે નાના વિસ્તારમાં ભારે તોપમારો કરાયો હતો. એક અખરોટ તોડવા માટે હથોડા મારવામાં આવ્યા હોય તેના જેવી આ વાત હતી.

કારગિલ યુદ્ધમાં કમાન્ડર તરીકે રહેલા લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પુરીનું માનવું છે કે કારગિલમાં વાયુદળની ભૂમિકા વધારે તો મનોવૈજ્ઞાનિક હતી. ઉપર ભારતીય જેટ વિમાનો ગરજતાં દેખાય એટલે પાકિસ્તાની સૈનિકો ડરીને આમતેમ ભાગવા લાગતા હતા.


ક્લિન્ટને નવાઝ શરીફનો કાન આમળ્યો

Image copyright Getty Images
ફોટો લાઈન 4 જુલાઈએ બ્લેયર હાઉસમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અને બિલ ક્લિન્ટનની મુલાકાત

જૂનના બીજા અઠવાડિયાથી ભારતીય સૈનિકોનો હાથ ઉપર રહેવા લાગ્યો તે જુલાઈના અંત સુધી ચાલતો રહ્યો.

આખરે નવાઝ શરીફે યુદ્ધવિરામ માટે અમેરિકાનું શરણું લેવું પડ્યું. શરીફની બહુ કફોડી સ્થિતિમાં વિનવણીઓ પછી અમેરિકાના સ્વતંત્રતાદિને એટલે કે ચોથી જુલાઈ, 1999ના રોજ આખરે ક્લિન્ટન સાથે મુલાકાત થઈ.

એ મુલાકાત વખતે હાજર રહેલા, દક્ષિણ એશિયાની બાબતોના સલાહકાર બ્રૂસ રાઇડિલે પોતાના એક અભ્યાસ લેખ 'અમેરિકાઝ ડિપ્લોમસી એન્ડ 1999 કારગિલ સમિટ'માં લખ્યું હતું કે, 'એક તબક્કે નવાઝ શરીફે એવું કહ્યું કે તેઓ એકલા તેમની સાથે વાત કરવા માગે છે."

"ક્લિન્ટને જણાવી દીધું કે તેવું શક્ય નથી. રાઇડિલ અત્યારે નોંધ લખી રહ્યા છે. હું ઇચ્છું છું કે આ બેઠકમાં આપણા વચ્ચે જે વાતચીત થઈ રહી છે તેનો દસ્તાવેજ તરીકે રેકર્ડ રાખવામાં આવે."

ફોટો લાઈન નસીમ ઝેહરાનું કારગિલ પરનું પુસ્તક

રાઇડિલે પોતાના લેખમાં લખ્યું હતું કે, "ક્લિન્ટને કહ્યું કે મેં તમને પહેલેથી જ જણાવ્યું હતું કે તમે વિના શરતે સૈનિકો ખસેડી લેવા ના માગતા હો તો મળવા આવશો જ નહિ."

"તમે એવું નહિ કરો તો મારી પાસે જાહેર કરવાનું એક નિવેદન તૈયાર જ છે. તેમાં કારગિલ કટોકટી માટે માત્ર ને માત્ર પાકિસ્તાનને જવાબદાર ઠરાવવામાં આવશે. આ સાંભળીને નવાઝ શરીફના ચહેરાનો રંગ ઊડી ગયો હતો."

તે વખતે અમેરિકા ગયેલા પાકિસ્તાની પ્રતિનિધિમંડળમાં તારિક ફાતિમી પણ હતા. તેમણે લેખિકા નસીમ ઝેહરાને જણાવ્યું હતું કે 'શરીફ ક્લિન્ટનને મળીને બહાર આવ્યા ત્યારે તેમનો ચહેરો ઊતરી ગયેલો હતો."

"તેમની વાતો સાંભળીને લાગ્યું કે તેઓ વિરોધ કરવાની તાકાત ગુમાવી ચૂક્યા હતા.'

શરીફ ક્લિન્ટન સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ ટીવી પર સમાચારો ફ્લેશ થઈ રહ્યા હતા કે ટાઇગર હિલ પર પણ ભારતે કબજો કરી લીધો છે.

વાતચીતમાં વચ્ચે બ્રેક પડ્યો ત્યારે નવાઝ શરીફે મુશર્રફને ફોન કરીને પૂછ્યું હતું કે શું આ ખબર સાચા છે? મુશર્રફે સમાચારનું ખંડન કર્યું નહોતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ