રાંચી : રિચાને આપેલો કુરાન વહેંચવાનો આદેશ કોર્ટે પરત લીધો, મુસ્લિમ યુવાનો ગીતા વહેંચશે

રિચા પટેલ Image copyright RAVI PRAKASH/BBC

ઝારખંડની અદાલતે રિચા ભારતીને કુરાનની પાંચ કૉપી વહેંચવાનો આપેલો આદેશ પરત ખેંચી લીધો છે.

મૅજિસ્ટ્રેટ મનીષકુમાર સિંહે તેમની એ શરત પરત લઈ લીધી છે જે અંતર્ગત રિચાને તેમણે પાંચ કુરાન વહેંચવા કહ્યું હતું.

કોર્ટ તરફથી જે નિવેદન જારી કરાયું છે તેમાં કહેવાયું છે કે આ શરતોને લાગુ કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આ શરતો પરત લેવાય છે.

હકીકતમાં આ કેસના તપાસકર્તા અધિકારીએ તેમના તપાસ અહેવાલમાં કહ્યું હતું કે આ શરતોને લાગુ કરવી મુશ્કેલ છે, આથી તેને પરત લેવાય, જેને કોર્ટે માન્ય રાખી.

કોર્ટે તેના આદેશમાં કહ્યું કે પિઠોરિયાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને આ કેસના તપાસ અધિકારીએ અનુરોધ કર્યો છે કે કુરાન વહેંચવાની શરતનું પાલન કરાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

રાજ્યે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરના માધ્યમથી અનુરોધ કર્યો કે કોર્ટ 15 જુલાઈએ કરેલા તેના આદેશને બદલી દે. આ અનુરોધને ધ્યાનમાં રાખી કોર્ટે આ નિર્ણય કર્યો.

આ પછી આશા રખાઈ રહી છે કે આ મામલાથી શરૂ થયેલો વિવાદ રોકાઈ જશે.

પિઠોરિયાના સોનાર મહોલ્લામાં રહેતી રિચા પટેલ સામે આઈપીસીની કલમ 153 (એ) (1) (એ), (બી) અને 295 (એ) હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી.

ઈસ્લામ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપસર તેમની ધરપકડ કરાઈ હતી.

ત્રણ રાત જેલમાં વિતાવ્યા પછી સોમવારે સાંજે તેમને જામીન પર મુક્ત કરાયાં હતાં.

જામીન માટે આગામી પંદર દિવસમાં અંજુમન કમિટી અને શાળા-પુસ્તકાલયોમાં તેઓ કુરાનની પાંચ-પાંચ કૉપી વહેંચશે અને તેની રસીદ પણ મેળવશે તેવી શરત રખાઈ હતી.

આમ કરવા માટે કોર્ટે તેમને પોલીસ સુરક્ષા આપવાનો પણ નિર્દેશ કર્યો હતો.


શું છે આખો મામલો?

Image copyright RAVI PRAKASH/BBC

રાંચીમાં મહિલા કૉલેજમાં ફાર્મસીનો અભ્યાસ કરતી રિચા ભારતીએ કહ્યું કે તેમણે ઇતિહાસનાં પુસ્તકો પણ વાંચ્યા છે.

તેમને ખબર છે કે હિંદુઓ વિરુદ્ધ એક ધર્મ વિશેષના લોકો એકજૂથ થઈ જાય છે. તેઓ માને છે કે તેમનું જેલ જવું પણ આવી જ એકતાનું પરિણામ છે. આ કારણથી તેઓ દુઃખી છે.

તેમણે કહ્યું કે તેઓ અદાલતની એ શરતના વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરશે, જેમાં તેમને કુરાનની પાંચ કૉપી વહેંચવાનો આદેશ અપાયો હતો.

આ શરત રાંચી સિવિલ કોર્ટના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ મનીષકુમાર સિંહે રિચા પટેલને જામીન આપતી વખતે રાખી હતી.

રિચા પટેલ ઉર્ફ રિચા ભારતી પર આરોપ છે કે તેમણે ફેસબુક અને વૉટ્સઍપ પોસ્ટથી ઈસ્લામમાં માનનારા લોકોની ધાર્મિક લાગણીઓ ઠેસ પહોંચાડી છે.

તેનાથી સામાજિક સૌહાર્દ બગડી શકે છે. તે પછી પોલીસે 12 જુલાઈના રોજ સાંજે તેમની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધાં હતાં.


કુરાન વહેંચવાની શરત મૌલિક અધિકારોનું અપમાન : રિચા

Image copyright RAVI PRAKASH/BBC

રિચા પટેલે બીબીસીને કહ્યું, "મેં લોકસભા ચૂંટણીઓના સમયથી મારા ફેસબુક પેજ પર હિંદુ ધર્મ સંબંધિત પોસ્ટ લખવાનું અને શૅર કરવાનું કર્યું."

"હું ઈચ્છતી હતી કે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બને. આ માટે મેં કેટલીક પોસ્ટ લખી અને અન્ય લોકોએ લખેલી પોસ્ટ પણ શૅર કરી."

"હું ઈચ્છું છું કે લોકો પોતપોતાના ધર્મનો આદર કરે. એનો એ અર્થ નથી થતો કે કોઈ મને મસ્જિદમાં જવા અને કુરાન વહેંચવા મજબૂર કરે. હું તેનો વિરોધ કરું છું."

"મને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે અને લોકોએ મને આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે. આ માટે હું તેમની આભારી છું. જોકે, મને કોઈ આર્થિક સહાય હજુ સુધી મળી નથી."


વકીલોએ કેમ કર્યો વિરોધ?

Image copyright RAVI PRAKASH/BBC

રાંચી બાર ઍસોસિયેશનના મહાસચિવ કુંદન પ્રકાશને બીબીસીને કહ્યું કે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કે જસ્ટિસને એ અધિકાર છે કે તે કોઈ મામલે સુનાવણી કરી ફેંસલો સંભળાવે.

"પરંતુ કોઈ હિંદુ યુવતીને કુરાન વહેંચવાની શરત પર જામીન આપવા તે તો સમાજના સદભાવને વધારે બગાડશે."

તેમણે બીબીસીને કહ્યું, "રાંચી બાર ઍસોસિયેશનના પદાધિકારીઓએ સર્વસંમતિથી નિર્ણય લઈ બુધવારે જ્યુડિશિયલ કમિશનર સાથે મુલાકાત કરી હતી."

આ બાજુ જામીન પર જેલમાંથી બહાર આવ્યાના ત્રીજા દિવસે પણ રિચાના ઘર પર મીડિયા અને વિવિધ હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકોની ભીડ ઊમટી પડી.

સનાતન હિંદુ સમાજ સાથે જોડાયેલા લોકોએ તેમના ઘરે જઈ ગીતાની પાંચ કૉપી આપી અને કહ્યું કે કુરાન વહેંચવા કરતાં રિચા શ્રીમદ ભગવદગીતા વહેંચે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા પ્રતુલ શાહદેવ અને કેટલાક અન્ય નેતાઓએ પણ રિચાના ઘરે જઈને તેમની અને પરિવારજનો સાથે વાતચીત કરી.

સોશિયલ મીડિયા પર રિચા ટ્રૅન્ડમાં રહી અને ટ્વિટર પર આર્થિક મદદ માટે ક્રાઉડ ફંડિંગ સંબંધિત અપીલ પણ કરાઈ.


ગીતા વહેંચશે મુસ્લિમ યુવકો

Image copyright RAVI PRAKASH/BBC

આ દરમિયાન ચર્ચિત સામાજિક કાર્યકર્તા નદીમ ખાન અને તેમના સાથીઓએ 18 જુલાઈએ રાંચીના સંકટમોચન મંદિરમાં ભગવદગીતા વહેંચવાની જાહેરાત કરી.

તેમણે બીબીસીને કહ્યું, "ભારતનું ચરિત્ર જ ધર્મ નિરપેક્ષ છે. કેટલાક લોકો ચૂંટણી સમયે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ઊભું કરી તેનો રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરે છે."

"અમારું અભિયાન તેમની સામે છે. અમે ઇચ્છીએ છીએ કે સમાજમાં સાંપ્રદાયિક સદભાવના રહે. એટલે અમે ગીતા વહેંચવા જઈ રહ્યા છીએ. જરૂર પડી તો આગામી દિવસોમાં અમે સંવિધાનની કોપી પણ વહેંચીશું."

ઝારખંડના ઍડવોકેટ જનરલ અજિતકુમારે મીડિયાને કહ્યું કે તેમને કોર્ટની શરતોમાં પણ કંઈ અયોગ્ય નથી લાગતું.

"કુરાન વહેંચવાની શરત લાગુ કરતી વખતે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની ઇચ્છા એ જ હશે કે લોકો બધા ધર્મોનો આદર કરે. આ મામલે વિવાદ ના કરવો જોઈએ."

તો રાંચી પોલીસે પણ એક જાહેરહિતની અરજી જાહેરી કરી લોકોને ભડકાઉ પોસ્ટ શૅર ના કરવા અપીલ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો