માયાવતીના ભાઈ આનંદ કુમારની રૂ. 400 કરોડની જમીન જપ્ત

આનંદ કુમાર Image copyright Getty Images

માયાવતીએ પોતાના ભાઈની માલિકીની જમીનને જપ્ત કરવાના આવકવેરા ખાતાનાં પગલાં અંગે પ્રતિક્રિયા આપતા રેડ્સને સંઘ-ભાજપની 'જ્ઞાતિવાદી માનસિક્તા'ને જવાબદાર ઠેરવી હતી.

બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતીના ભાઈ અને પાર્ટીના ઉપાધ્યક્ષ આનંદ કુમાર તથા તેમનાં પત્નીને નામે રહેલી 400 કરોડ રૂપિયાની જમીન જપ્ત કરવાનો આવકવેરા વિભાગે આદેશ કર્યો છે.

બહુજન સમાજ પક્ષનાં અધ્યક્ષ માયાવતીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું :

"ભાજપ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જાતિવાદી માનસિક્તા ધરાવે છે. તેઓ દલિત તથા આદિવાસી સમુદાયના લોકોને આગળ આવવા દેવા નથી માગતા."

"છતાં અમારી પાર્ટી દેશભરમાં આર્થિક, સામાજિક તથા રાજકીય લડાઈ લડી રહી છે."

માયાવતીએ ચૂંટણી સમયે ભાજપને મળલા રૂ. બે હજાર કરોડનાં ફંડ અંગે પણ સવાલ ઉઠાવ્યાં હતાં.

સમાચાર સંસ્થા પીટીઆઈ અને એએનઆઈના જણાવ્યા મુજબ બસપાના ઉપ પ્રમુખ આનંદ કુમાર તથા તેમનાં પત્ની વિચિત્ર લતાને નામે નોઇડામાં આવેલી 7 એકર જમીન જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આવકવેરા ધારાની કલમ 24(3) મુજબ આ સંપત્તિ બેનામી ગણવવામાં આવી છે.

આવકવેરા વિભાગ આનંદ કુમાર અને તેમની પત્નીને નામે બેનામી સંપત્તિની તપાસ કરી રહ્યું છે. તેમની પાસે નવી દિલ્હી અને નોઇડામાં સંપત્તિ છે અને તેમણે પ્રમોટ કરેલી ઇન્વેસ્ટમૅન્ટ કંપની પણ છે.

સમાચાર સંસ્થા જણાવે છે કે આનંદ કુમાર અને તેમની પત્ની ડઝનેક કંપનીમાં ડાયરેક્ટર પદે છે.

લોકસભાની ચૂંટણી પછી માયાવતીએ આનંદ કુમારની પાર્ટીના ઉપાધ્યક્ષ અને ભત્રીજા આકાશની નેશનલ કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરી હતી.


ગીરમાં કેટલા સિંહ? સરકારના જવાબથી સંખ્યા અંગે વિવાદ

Image copyright Getty Images

ગુજરાત વિધાનસભામાં રાજ્યકક્ષાના વન પ્રધાન ગણપત વસાવાએ આપેલાં એક જવાબને કારણે રાજ્યમાં કેટલા સિંહ છે, તેની વસતિ અંગે વિવાદ ઊભો થયો છે.

ટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, ધારાસભ્ય શૈલેશ પરમાર તથા ઇમરાન ખેડાવાલાએ પૂછેલાં સવાલના જવાબમાં વસાવાએ જણાવ્યું હતું કે જૂન-17 થી મે-2019 દરમિયાન 222 સિંહનાં મૃત્યુ થયાં હોવાનું જણાવ્યું હતું.

સપ્ટેમ્બર-ઑક્ટોબર 2018 દરમિયાન CDV વાઇરસને કારણે 29 તથા અન્ય અકુદરતી કારણસર 23 અન્યનાં મૃત્યુ થયાં હતાં.

આ સિવાય દર વર્ષે સરેરાશ 85 સિંહના કુદરતી રીતે મૃત્યુ થયાં.

નિષ્ણાતોના અંદાજ મુજબ સામાન્ય રીતે દર વર્ષે 10 ટકાના દરથી મૃત્યુ થાય છે, જો 85નાં મૃત્યુ થયાં હોય તો વસતી 850 આજુબાજુ હોવી જોઈએ.

2015ની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં 523 સિંહ હતા, જે 2010ની વસતી ગણતરીની સરખામણીએ 27 ટકા વધુ હતી.


યૂપીમાં જમીન વિવાદમાં 9નાં મૃત્યુ

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં જમીન વિવાદને કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ત્રણ મહિલા સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

બુધવારે ઘોરાવલના ઉભ્ભા ગામ ખાતે વિવાદ થયો હતો. પોલીસ વડા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા.

યજ્ઞ દત્ત નામના શખ્સે ઉભ્ભા 90 વીઘા જમીન ખરીદી હતી, બુધવારે તેની ઉપર ખેતી કરવા માટે 20 ટ્રેક્ટરમાં લગભગ 300 લોકોને લઈને પહોંચ્યા હતા.

ત્યારે સ્થાનિક ગોંડ તથા ગુર્જર લોકોએ વિરોધ કર્યો હતો, જેના જવાબમાં યજ્ઞ દત્તના માણસોએ ગોળીબાર કર્યો હતો અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 24 કલાકમાં રિપોર્ટ સુપ્રત કરવા ડીજીપીને નિર્દેશ આપ્યો છે. પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે.


કર્ણાટકમાં વિશ્વાસના મત પહેલાં નેતાની રાજીનામું પાછું ખેંચવાની વાત કરી

Image copyright Getty Images

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ આજે કર્ણાટકમાં વિશ્વાસનો મત રજૂ કરવાનો છે તે પહેલાં બુધવારે સાંજે કૉંગ્રેસના ધારાસભ્ય રામાલિંગા રેડ્ડીએ પોતાનું રાજીનામું પાછું ખેંચવાની વાત કરી છે.

તેમણે કૉંગ્રેસ અને જનતા દળ સેક્યુલરના ગઠબંધનને પોતાનો મત આપવાની વાત પણ કરી હતી.

તેમણે પીટઆઈને કહ્યું હતું કે, "હું વિધાનસભામાં હાજર રહીશ ને પાર્ટીના પક્ષમાં વોટ આપીશ. હું પક્ષના ધારાસભ્ય તરીકે રહીશ અને પાર્ટી છોડીશ નહીં."

જ્યારે અન્ય સભ્યોએ કહ્યું છે કે પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ બે અઠવાડિયા પહેલાં કૉંગ્રેસના 13 ને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં.

તેની સ્વીકૃતિ અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે સ્પીકર પર છોડ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે આ બળવાખોર નેતાઓને વિધાનસભામાં હાજર રહેવા માટે દબાણ કરવામાં આવે નહીં.

જો આ બધાં જ રાજીનામાં સ્વીકારાયા તો સત્તાધારી ગઠબંધનના સભ્યોની સંખ્યા 117માંથી 101 થઈ જશે, જે કુલ 224 સભ્યોમાં ભાજપના 105 સભ્યોથી ઓછી હશે અને ગઠબંધન બહુમતી ગુમાવશે.


સાપુતારામાં સેલ્ફી ઉપર નિયંત્રણ

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ચોમાસામાં સાપુતારા અને મહારાષ્ટ્રની સરહદનો વિસ્તાર પ્રવાસીઓ માટેનું મનપસંદ સ્થળ બની જાય છે.

ત્યારે ડાંગના પાણીના ધોધ અને હાઇવે પર સેલ્ફી લેવા પર વહીવટી તંત્રએ પ્રતિબંધ મુક્યો છે.

ડાંગના જિલ્લા કલેક્ટર એન કે ડામોરે કહ્યું, "વઘઈ - સાપુતારા હાઈવે ડાંગના નૈસર્ગિક સૌંદર્યને પોતાના કૅમેરામાં કેદ કરવા માટે પ્રવાસીઓનું ગમતું સ્થળ છે."

"તેઓ જોખમનું ધ્યાન રાખ્યા વિના સેલ્ફી લેતાં હોય છે. આથી, તેમની સુરક્ષા માટે હાઈવે અને સાપુતારાના પાણીના ધોધ સિવાયના અન્ય કેટલાક સ્થળો પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો