બાબરી વિધ્વંસ કેસ : અડવાણી સામેનો ખટલો નવ માસમાં પૂર્ણ કરવા સુપ્રીમનો આદેશ

કારસેવક પુરમની તસવીર Image copyright AFP

બાબરી વિધ્વંસ કેસમાં ભાજપના ટોચના નેતાઓ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી તથા અન્ય સામેના કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.

સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે મોટા ભાગના ટોચના નેતાઓને સાંકળતા આ કેસ અંગે નવ માસની અંદર ચુકાદો આપવામાં આવે.

લખનૌની સીબીઈઆઈ કોર્ટના જજ એસ. કે. યાદવ આ કેસની સુનાવણી કરી રહ્યા છે. તેઓ તા. 30મી સપ્ટેમ્બર 2019ના નિવૃત્ત થશે. તેમણે સર્વોચ્ચ અદાલતને પત્ર લખી માગ કરી હતી કે તેમને સુનાવણી માટે વધુ સમય આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચની અધ્યક્ષતા રોહિંગ્ટન ફલી નરિમાને કરી હતી અને નવ મહિનાની મુદ્દત આપવામાં આવી છે.

આ સિવાય સર્વોચ્ચ અદાલતે સુનાવણી કરી રહેલા જજ એસ. કે. યાદવનો કાર્યકાળ લંબાવવા માટે પણ નિર્દેશ આપ્યા છે. જજ યાદવે જ આ અંગે અરજી દાખલ કરી હતી.


કેસની પૃષ્ઠભૂમિ

Image copyright Getty Images

તા. 19 એપ્રિલ 2017ના દિવસે સર્વોચ્ચ અદાલતે રાજકીય રીતે સંવેદનશીલ એવા બાબરી વિધ્વંસ કેસની ડે-ટૂ-ડે ટ્રાયલ ચલાવવા તથા બે વર્ષની અંદર સુનાવણી પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા હતા.

એ સમયે સર્વોચ્ચ અદાલતે બાબરી વિધ્વંસની ઘટનાને 'અપરાધ' ઠેરવીને તેને 'દેશના બિનસાંપ્રદાયિક બંધારણ ઉપર કુઠારાઘાત' સમાન ઠેરવી હતી.

એ સમયે ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય મંત્રી કલ્યાણસિંહ હાલમાં રાજસ્થાનના રાજ્યપાલ છે, એટલે તેમને બંધારણીય રક્ષણ મળેલું હોવાથી જ્યાં સુધી રાજ્યપાલ પદે રહે તેમને બંધારણીય રક્ષણ મળશે.

આ કેસમાં વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા તથા વિષ્ણુ હરિ દાલમિયા પણ આરોપી છે. તેમની સામે રાય બરેલીમાં સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. જેને લખનૌના એડિશનલ સેશન્સ જજ (અયોધ્યા બાબતો)ને ટ્રાન્સફર કરી દેવાયો હતો.

આ પહેલાં તા. 12મી ફેબ્રુઆરી 2001ના રોજ અલ્લાહબાદ હાઈકોર્ટે અડવાણી સહિત પાંચ અન્યો સામે કાવતરું ઘડવાનો આરોપ પડતો મુકવાનના ચુકાદાને 'ખામીયુક્ત' ગણાવ્યો હતો.


મધ્યસ્થતા કમિટીએ રિપોર્ટ સોંપ્યો

Image copyright Getty Images

અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન અંગે નીમવામાં આવેલી જસ્ટિસ (રિટાયર્ડ) મધ્યસ્થી સમિતિએ તેનો રિપોર્ટ સુપરત કર્યો છે.

સુપ્રીમ કોર્ટથી બીબીસીના પ્રતિનિધિ સુચિત્ર મોહંતી જણાવે છે કે આ અંગે વધુ સુનાવણી તારીખ બીજી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે.

એ અગાઉ તારીખ 31મી જુલાઈ સુધીમાં આ મુદ્દે થયેલી પ્રગતિનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું છે. જો જરૂર જણાશે તો સર્વોચ્ચ અદાલત ડે-ટુ-ડે હિયરિંગનો આદેશ આપી શકે છે.

પાંચ જજોની આ બેન્ચની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ કરી રહ્યા છે. આ સિવાય જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ તથા જસ્ટિસ એસ. એ. નઝીર પણ સામેલ છે.

તારીખ આઠમી માર્ચે સુપ્રીમ કોર્ટે પૅનલનું ગઠન કર્યું હતું.

સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ એફએમઆઈ કલિફુલ્લાની અધ્યક્ષતામાં મધ્યસ્થી સમિતિનું ગઠન કર્યું હતું.

વર્ષ 2010માં અલ્લાહાબાદ હાઈકોર્ટે અયોધ્યાની 2.77 એકર વિવાદાસ્પદ જમીન અંગે ચુકાદો આપ્યો હતો.

જેમાં જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા તથા રામલલ્લા વિરાજમાન વચ્ચે સરખા ભાગે વહેંચવાનું ઠરાવ્યું હતું, જેની સામે સર્વોચ્ચ અદાલતમાં 14 અપીલ દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 16મી સદીમાં નિર્મિત બાબરી મસ્જિદ તારીખ છઠ્ઠી ડિસેમ્બર, 1992માં તોડી પડાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો