જાપાન : ક્યોટોના ઍનિમેશન સ્ટુડિયોથી નારાજ થઈ એને લગાવી દીધી આગ, 33 લોકોનાં મૃત્યુ

ઘટનાસ્થળની ઇમારત Image copyright AFP
ફોટો લાઈન આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામકદળને કલાકો લાગ્યા

જાપાનના સત્તાધિશોના જણાવ્યા અનુસાર જાપાનના ક્યોટોમાં ઍનિમેશન સ્ટુડિયોમાં એક વ્યકિતએ આગ લગાવી દેતા એકંદરે 33 લોકોનાં મૃત્યુ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર 41 વર્ષીય શકમંદે ગુરુવારની સવારે ક્યોટો ઍનિમેશન સ્ટુડિયોમાં ધૂસીને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી.

ઘટનામાં શકમંદ ખુદ ઈજાગ્રસ્ત થતાં તેને પણ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ કહ્યું કે હુમલાની વ્યથા વર્ણવવા શબ્દો નથી અને તેમણે સાંત્વના પાઠવી છે.

ક્યોઍનિ તરીકે ઓળખાતો ક્યોટો ઍનિમેશન સ્ટુડિયો ફિલ્મ અને ગ્રાફિક નૉવેલ્સનું સર્જન કરે છે તથા તેની ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ માટે ફૅન્સને તેનું સર્જન ઘણું પસંદ છે.


બનાવ કઈ રીતે બન્યો?

ફોટો લાઈન ક્યાં ઘટના બની?

સ્થાનિક સમય મુજબ ગુરુવારે સવારે 10:30 કલાકે બનાવ બન્યો હતો. હજુ પણ બચાવ કામગીરી ચાલુ જ છે.

સ્થાનિક મીડિયા અનુસાર પોલીસને ઘટનાસ્થળ પરથી છરી પણ મળી આવી છે.

કંપની સાથે શકમંદનો શો સંબંધ છે તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.

ઘટનાના સાક્ષીઓનું કહેવું છે કે પહેલા ધડાકો થયો અને પછી ઇમારત આગની જ્વાળા અને ધુમાડાથી ઘેરાઈ ગઈ હતી.

ઘટનાસ્થળની નજીક રહેતી વ્યક્તિએ કહ્યું, "મેં કેટલાક લોકોને દાઝેલી હાલતમાં જોયાં. તેમને ઢાંકી દેવાયા હતા. અને ઍમ્બુલન્સમાં લઈ જવાયા. "

ફાયરફાઇટર્સને 10 પીડિતો છતને જોડતી બીજા માળની સીડી પાસે મળી આવ્યા હતાં. છત પર હજુ પણ કેટલાક લોકો હોવાની ભીતિ સેવાઈ રહી છે.

36 લોકો હૉસ્પિટલમાં છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. આગ લાગી ત્યારે ઇમારતમાં 70 લોકો હાજર હતા.


શકમંદ કોણ છે?

તાજા અહેવાલો અનુસાર શકમંદ કંપનીનો પૂર્વ કર્મચારી નથી. પણ ઘટનાના સાક્ષીઓનું કહેવું છે કે તે સ્ટુડિયોથી રોષે ભરાયો હોય એવું લાગી રહ્યું હતું.

તેમનું કહેવું છે કે આગ લગાવ્યા પછી તેણે નજીકના ટ્રેન સ્ટેશન તરફ ભાગવાની કોશિશ કરી પણ તે જમીન પર પડી ગયો. કેટલાકનું કહેવું છે કે સ્ટુડિયોના કર્મચારીઓ તેને પકડી લીધો હતો.

ઘટનાસ્થળ પાસે રહેતા 59 વર્ષીય મહિલાએ ક્યોડો ન્યૂઝ એજન્સીને કહ્યું,"બળેલા વાળ સાથે વ્યક્તિ જમીન પર પડી હતી અને લોહીનાં પગલાં પણ હતા."

"વ્યક્તિને અત્યંત દર્દ થઈ રહ્યું હતું પણ તે ગુસ્સામાં હતો. મેં તેને કહેતા સાંભળ્યું કે 'તમે નકલ કરી'."

પાડોશમાં જ રહેતી એક 61 વર્ષની વ્યક્તિને ટાંકીને અશાહી શિમ્બુન અખબારે લખ્યું કે મહિલાએ સ્પષ્ટ સાંભળ્યું કે તે વ્યક્તિ તીવ્ર અવાજે બોલી રહ્યો હતો કે 'તમે મને બરબાદ કરી નાખ્યો'.

એનએચકે અનુસાર શકમંદ પણ ઇજાગ્રસ્ત થતા હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આથી પોલીસ તુંરત તેની પૂછપરછ નથી કરી શકી.

દરમિયાન ક્યોટો સ્ટુડિયોના ડિરેક્ટર હિડેકી હટ્ટાએ બ્રૉડકાસ્ટરને કહ્યું કે તાજેતરમાં તેમને કેટલાક ધમકીભર્યા ઇમેલ મળ્યા હતા.

તેમણે ઉમેર્યું કે ઇમેલ તેમની ઑફિસ અને સેલ્સ વિભાગને સંબોધીને કરાયા હતા જેમાં તેમના મોતની વાત પણ કરાવામાં આવી હતી.


શું છે ક્યોટો ઍનિમેશન સ્ટુડિયો?

ક્યોઍનિ તરીકે ઓળખાતો આ સ્ટુડિયો 1981માં સ્થાપવામાં આવ્યો હતો. તેણે કૅ-ઑન અને ધ મેલાન્ચોય ઑફ હુરાહી સુઝુમિયા સહિતના પૉપ્યુલર શૉનું નિર્માણ કર્યું છે.

વર્ષ 2016માં સ્ટુડિયોએ એક ફિચર ફિલ્મ અ સાયલન્ટ વૉઇસ પણ રીલિસ્ કરી હતી. વળી તેની એક સીરિઝ ઇવાગાર્ડનને નૅટફ્લિક્સ પર પણ પ્રસારિત કરાઈ હતી.

તે સ્કૂલ લાઇફ સંબંધિત ગ્રાફિક્સ નૉવેલ્સ પણ પ્રકાશિત કરે છે.

સ્ડુડિયો તેના કર્મચારીઓને પ્રતિ ફ્રૅમ ચૂકવણી કરવાની જગ્યાએ નિયમિત પગાર ચૂકવે છે. જે ઇન્ડસ્ટ્રીના ધારાધોરણનું ઉલ્લંઘન ગણવામાં આવે છે. આથી સ્ટાફ પ્રેશરમાં રહેતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


સોશિયલ મીડિયા પર ફૅન્સની પ્રતિક્રિયાઓ

જાપાનના આ સ્ટુડિયોનું જાપાન સહિત વિશ્વભરમાં મોટું ફૅન-ફોલોઇંગ છે.

વૉઇસ ઑવર આર્ટિસ્ટ સૂંગવોને ટ્વીટ કર્યું કે ઘટના જાણીને હેબતાઈ ગયો છું. લોકોનાં જીવનમાં ખુશી લાવનારાં લોકો સાથે કોઈ આવું કેવી રીતે કરી શકે!.

અન્ય યુઝર્સે પણ સાંત્વના અને દુખ વ્યક્ત કરતા ટ્વીટ કરી પીડિતો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા