આસામમાં પૂર : 'પાંચ મહિનાનો ગર્ભ છે, મને બાળકની ચિંતા થાય છે'

મહિલા Image copyright DILIP SHARMA/BBC

"મારે પાંચ મહિનાનો ગર્ભ છે. એક અઠવાડિયા પહેલાં તમામ બાબતો યોગ્ય હતી. હું મારા પતિ સાથે ચેકઅપ કરાવવા માટે હૉસ્પિટલ ગઈ હતી. ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું કહ્યું હતું, પરંતુ પૂરના કારણે અમારા પરિવારને તમામ વસ્તુઓ છોડીને રાહત છાવણીમાં જવું પડ્યું. ગત છ દિવસથી અમે અહીં છીએ.'

36 વર્ષનાં લિપિ દાસ જ્યારે આ તમામ વાતો કહી રહ્યાં હતાં, તો તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જોવા મળતી હતી.

શું તેમને પોતાના આવનારાં બાળકની ચિંતા સતાવી રહી હતી?

આ સવાલનો જવાબ આપતાં લિપિ કહે છે, "રાહત શિબિરમાં ઘર જેવી સુવિધાઓ ક્યાં મળશે. સગર્ભા હોઈએ ત્યારે ડૉક્ટર સારું ખાવાનું અને ચોખ્ખું પાણી પીવા માટે કહે છે, નહીંતર બાળક સ્વસ્થ નહીં જન્મે. "

"રાહત છાવણીમાં સારું ખાવાનું ક્યાંથી મળશે? અહીં ખાવામાં માત્ર દાળ, ભાત અને બટાકા મળે છે. પીવાનું પાણી પણ યોગ્ય નથી."

લિપિએ વધુમાં કહ્યું, "શૌચાલયમાં ઘણા લોકો જાય છે. મને બહુ ચિંતા થઈ રહી છે. પૂર મારું બધું બરબાદ ના કરી નાખે."

ડિબ્રુગઢ જિલ્લાના લેજાઈ હાયર સેકન્ડરી સ્કૂલમાં બનાવવામાં આવેલી એક અસ્થાયી રાહત છાવણીમાં આ સમયે અનેક લોકોની સાથે લિપિનો પરિવાર પણ રહે છે.

તેઓ નજીકના કોઠાબામ ગામના રહેવાસી છે જ્યાં મોટા ભાગનાં ગામ પાણીમાં ડૂબી ગયાં છે.


તકલીફમાં જીવન

Image copyright DILIP SHARMA/BBC

થોડા દિવસ અગાઉ સુધી 28 વર્ષનાં આરતી ઘટવાર પણ આ રાહત છાવણીમાં હતાં. તેમને નવ મહિનાનો ગર્ભ છે અને આ મહિને બાળકને જન્મ આપવાનાં હતાં.

રાહત છાવણીની સ્થિતિ જોઈને આરતીના પરિવારે તેમને ડિબ્રૂગઢની હૉસ્પિટલમાં ભરતી કરાવ્યાં છે.

પૂરથી પ્રભાવિત આ વિસ્તારને પાર કરીને અમે આગળના કોલાખુઆના ગોજાઈ ગામમાં પહોંચ્યા.

આ ગામમાં મોટા ભાગના મકાનની માત્ર છત જ દેખાતી હતી, કારણ કે વાંસ અને તાડપત્રીની છતથી બનેલાં તમામ મકાનનો અડધાથી વધારે ભાગ પાણીમાં ડૂબેલો હતો.

અહીં ચારે તરફ પાણી જ પાણી હતું. એક દેશી નાવડીના સહારે 200 પરિવારની વસતી ધરાવતા આ ગામની અંદર પહોંચતા ખબર પડી કે અહીં લગભગ તમામ પરિવાર પોતાનો જીવ બચાવીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે.

અમુક લોકો માત્ર કેટલાંક ચાંગ ઘર(વાંસ અને પાક્કા પિલરથી બનેલાં ઊંચા પરંપરાગત મકાન) પર પોતાના ફર્નિચર અને બાકીના સામાનનું રક્ષણ કરવા માટે રોકાયા હતા.

અહીં ચાંગ ઘરની ઉપર પોતાના નવ વર્ષના દીકરાની સાથે રહેતાં તિલુરાની સૈકિયા હજારિકાએ કહ્યું :

"અમે વરસાદના કારણે ગત એક અઠવાડિયાથી અહીં કેદ છીએ. કોઈ અમને જોવા પણ આવતું નથી."

"સરકાર તરફથી એક દિવસ પૂરતી રાહતસામગ્રી મળી હતી. તે લાવવા માટે મારા પતિને નાવડી લઈને જવું પડ્યું હતું."

"ગત બે દિવસથી મારો 10 વર્ષનો દીકરો તાવથી તપી રહ્યો છે, પરંતુ અમે દવા લેવા માટે જઈ શકીએ તેમ નથી. ઘણી તકલીફમાં દિવસો પસાર કરી રહ્યાં છીએ."


ગોજાઈગામનું મહત્ત્વ કેમ?

Image copyright DILIP SHARMA/BBC

તિલુરાનીની વાત સાંભળીને મારી સાથે નાવડીમાં આવનારા મિહિરે તેમને કહ્યું કે આજે રસ્તા ખૂલી ગયા છે અને તે પોતાના દીકરાને દવાખાને લઈ જઈ શકશે.

આ સમયે પૂરના ભારે સંકટથી પ્રભાવિત ગોજાઈગામનું મહત્ત્વ એટલા માટે છે, કારણ કે આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનેવાલે પોતાના રાજકીય જીવનની શરૂઆત આ વિધાનસભા ક્ષેત્રથી કરી હતી.

સોનેવાલે પોતાની પહેલી ચૂંટણી મોરાન વિધાનસભા વિસ્તારમાંથી લડી હતી અને ગોજાઈગામ આજ વિધાનસભા વિસ્તાર હેઠળ આવે છે.

એક સવાલનો જવાબ આપતાં તિલુરાનીએ કહ્યું, "સોનેવાલ પહેલીવાર અહીંથી ધારાસભ્ય બન્યા હતા અને આજે તેઓ રાજ્યના મુખ્ય મંત્રી છે."

"અમને સૌને લાગ્યું હતું કે સોનેવાલ નદીના કિનારાની પાસે એક બંધ બનાવી દેશે, પરંતુ તેઓ મુખ્ય મંત્રી બન્યા પછી એકવાર પણ અહીં આવ્યા નથી."

તિલુરાની કહે છે, "પહેલા કૉંગ્રેસની સરકાર હતી અને હવે ભાજપની સરકાર છે. પરંતુ અમારા ગામમાં કોઈ ફરક પડ્યો નથી. દર વર્ષે પૂરના કારણે ભારે નુકશાન થાય છે."

"ઘરનો સામાન, અનાજ તમામ વસ્તુ નષ્ટ થઈ જાય છે. એટલા માટે મારા પતિએ બે વર્ષ પહેલાં નાણાં બચાવીને ચાંગ ઘર બનાવ્યું જેથી અમે અમારો કિંમતી સામાન પૂરથી બચાવી શકીએ."


હાલ સુધીમાં 30નાં મૃત્યુ

Image copyright DILIP SHARMA/BBC

છેલ્લા કેટલાક દિવસથી આસામ અને તેના ઉપરવાસના વિસ્તારમાં સતત વરસાદ વરસ્યા પછી આવેલાં પૂરથી અહીંના કુલ 33માંથી 29 જિલ્લા ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.

આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા 17 જુલાઈની સાંજે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે તે સમયે રાજ્યનાં 4626 ગામ પૂરનાં પાણીમાં ડૂબેલાં હતાં.

જ્યારે આ ગામના 57 લાખ 51 હજારથી પણ વધારે લોકો પૂરની અસર હેઠળ હતા.

જે લોકોએ સંપૂર્ણ પણે ઘર ખોયા છે તેવા લોકો માટે આસામ સરકારે 819 રાહત છાવણીઓ ખોલી છે, જેમાં 1 લાખ 51 હજાર 947 લોકોએ આશરો લીધો છે.

હાલ સુધીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 30 થઈ ગઈ છે.

આસામના આપત્તિ વિભાગ દ્વારા આપવામાં આવેલી એક જાણકારી પ્રમાણે પૂરના કારણે સૌથી વધારે નુકશાન રાજ્યના ઘુબડી, મોરીગામ, ધેમાજી અને દરાંગ જિલ્લામાં થયું છે.

આ સિવાય કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાણી ઓછું થવાની વાત શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ 13 જુલાઈથી હાલ સુધી ઓછામાં ઓછા 39 વન્યજીવો પૂરનાં કારણે મૃત્યુ પામ્યાં છે.

આ યાદીમાં એક શિંગડાવાળા પાંચ ગેડાઓનો પણ સમાવેશ થાય છે.


રોડ પર રહે છે લોકો

Image copyright DILIP SHARMA/BBC

પૂરમાં પોતાનું બધું જ ગુમાવી ચૂકેલા મોટા ભાગના લોકોએ રસ્તાને આશ્રયસ્થાન બનાવ્યું છે, જ્યાં તેઓ તેમનાં ઢોર સાથે રહે છે.

જો દર વર્ષે પૂરના કારણે તકલીફ થાય છે, તો આ વિસ્તાર છોડીને બીજે ક્યાંય રહેવા કેમ નથી જતાં?

આ સવાલનો જવાબ આપતાં હજારિકા કહે છે, "ખેતી સિવાય અમને કાંઈ આવડતું નથી."

"જો અમે ક્યાંય જતાં પણ રહીશું તો કામ કોણ આપશે. પૂરની આ હેરાનગતિ બાળપણથી સંભાળતાં આવ્યાં છીએ."

"સરકાર ઇચ્છશે તો ડૅમ બનાવીને અમને થોડી રાહત આપી શકે છે, પરંતુ ક્યાં કઈ થયું છે. મુખ્ય મંત્રી સોનેવાલ અહીંથી ધારાસભ્ય બન્યા અને સાંસદ પણ બન્યા."

"તે સમયે તે અમને પૂરથી બચાવવા માટે અમારી મદદ કરવાની વાત કરતા હતા, પરંતુ તેમણે કંઈ કર્યું નથી."

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37થી જે રસ્તો કોલાખોવા ગામ તરફ જાય છે, તે આખો રસ્તો પૂરની ઝપેટમાં આવી ગયો છે.


'પૂરનો સામનો કરવો યુદ્ધનો સામનો કરવા જેવું'

Image copyright DILIP SHARMA/BBC
ફોટો લાઈન રૂપજ્યોતિ બોરા

કોલાખોવા ગામના રસ્તા પર પોતાનાં ઢોરને લઈને બેસેલાં 45 વર્ષનાં રૂપજ્યોતિ બોરા પૂરના દિવસોને યાદ કરીને પણ ડરી જાય છે.

રુપજ્યોતિ કહે છે, "શુક્રવાર રાતની વાત છે. જ્યારે અમે ખાવાનું ખાઈને સૂઈ રહ્યાં હતાં. એટલામાં પાણી આવવાનો અવાજ શરૂ થયો. પહેલા પાણી ધીમે-ધીમે આવી રહ્યું હતું."

"પરંતુ અચાનક ઝડપથી આવવાની સાથે પાણી ઘરમાં ઘૂસી ગયું. અમે માત્ર અનાજને જ ઉપર મૂકી શક્યાં."

"બાકી તમામ સામાન પાણીમાં ડૂબી ગયો. કોઈ પ્રકારે પોતાની ગાય અને બાળકોને લઈને ત્યાંથી નીકળીને અહીં પહોંચ્યા છીએ."

ખરેખર કોલાખોલા ગોજાઈગામનો આ વિસ્તાર બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદી ચેચાની બિલકુલ નજીક છે.

લેજાઈ હાયર સેકન્ડરી સ્કૂલમાં બનેલી રાહત છાવણીમાં ગત ચાર દિવસથી રહેતા શંકર ઠાકુર કહે છે :

"દર વર્ષે ખેત મજૂરી કરીને થોડા ઘણા રૂપિયા એકઠા કરીએ છીએ, પરંતુ પૂર આવવાના કારણે તમામ વસ્તુ છોડીને ભાગી જવું પડે છે."

"નદી પાસે છે એટલા માટે વરસાદની સાથે પૂર આવી જાય છે. પૂરની સામે લડવું યુદ્ધની સામે લડવા જેવું છે. ખબર નહીં હવે આગળ શું કરીશું"

હાલ તો એ વિસ્તારમાં સતત વરસાદ થઈ રહ્યો છે એવામાં રાહત છાવણીમાં રહેતા લોકો ક્યાં સુધી પોતાના ઘરે પરત ફરશે તે કોઈ જાણતું નથી.

ડિબ્રૂગઢ જિલ્લાના ડેપ્યુટી કમિશનર પલ્લવ ગોપાલ જ્હા કહે છે, "જિલ્લા વહીવટીતંત્ર તરફથી રાહત છાવણીમાં રહેતા લોકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે."

"રાહત સામગ્રી સમય પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલ સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ સ્થિતિ સામાન્ય હોવામાં થોડો સમય લાગશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ