ગુજરાતમાં દર મહિને સરેરાશ એક વ્યક્તિ કસ્ટડીમાં મૃત્યુ પામે છે, છેલ્લાં બે વર્ષમાં 133 મૃત્યુ

કસ્ટોડિયલ ડૅથ

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો મુજબ ગુજરાતમાં 2001થી 2016 દરમિયાન 180 લોકોનાં કસ્ટડીમાં મૃત્યુ થયાં છે.

દર વર્ષે સરેરાશ 11થી 12 લોકોનાં કસ્ટડીમાં મૃત્યુ થયાં છે. જોકે, આ આંકડામાં ઘણો મોટો વધારો 2017થી 2019 વચ્ચે થયો છે.

છેલ્લાં બે વર્ષમાં યાને કે એપ્રિલ 2017થી માર્ચ 2019 સુધીમાં કસ્ટોડિયલ ડેથની સંખ્યા 133 પર પહોંચી છે.

છેલ્લા પોણા બે દાયકામાં કસ્ટોડિયલ ડેથની સંખ્યા 313 થઈ ગઈ છે. આમ દર વર્ષે 12 લોકોનાં કસ્ટડીમાં મૃત્યુ થયાં છે અને દર મહિને સરેરાશ 1 વ્યકિતનું કસ્ટડીમાં મૃત્યુ થાય છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં એટલે કે એપ્રિલ 2017થી માર્ચ 2019 સુધીમાં કસ્ટડીમાં 133 લોકોનાં મૃત્યુ થયાં છે.

જેને છેલ્લાં બે વર્ષની સરેરાશ ગણીએ તો વર્ષે 65 લોકોનાં મૃત્યુ થયાં ગણાય. જે 2001થી 2016 સુધીની વાર્ષિક સરેરાશ 11થી 12 કરતાં વધારે છે.

આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એડિશનલ ડીજીપી કે. કે. ઓઝા કહ્યું કે આ ફક્ત પોલીસ કસ્ટડીમાં થયેલાં મૃત્યુ નથી.

તેમણે કહ્યું, "આ મૃત્યુમાં મોટી સંખ્યા બીમારી કે ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં રહેલા લોકોની છે."

Image copyright Getty Images

ગુજરાત વિધાનસભામાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ માગેલી માહિતીના અનુસંધાને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપેલા લેખિત જવાબમાં આ વિગતો સામે આવી છે.

આ માહિતી મુજબ એપ્રિલ 2017થી એપ્રિલ 2019 દરમિયાન કુલ 133 લોકોનાં મૃત્યુ થયાં છે અને કુલ 23.50 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે.

આ 133 કેસો અંગે પોલીસ અધિકારીઓ સામે લેવાયેલાં પગલાંની વાત કરીએ તો 1 પોલીસ ઇન્સ્પેક્ટર, હૅડ કૉન્સ્ટેબલ અને કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે અને જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ સિવાય 3 કૉન્સ્ટેબલ પાસેથી રોકડ દંડ વસૂલવામાં આવ્યો છે અને 1 ઇન્સ્પેક્ટર, 2 સબ ઇન્સ્પેક્ટર, 5 આસિસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર, 3 હૅડ કૉન્સ્ટેબલ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

સરકારે બે એએસઆઈ અને કૉન્સ્ટેબલનું ઇન્ક્રિમૅન્ટ અટકાવ્યું હોવાની અને ગ્રામરક્ષક દળના બે જવાનોને કસ્ટોડિયલ ડૅથના કેસમાં ડિસમિસ કર્યા હોવાની માહિતી આપી છે.


તાજેતરમાં સંજીવ ભટ્ટનો કેસ

Image copyright Getty Images

ગુજરાતમાં પોલીસ કસ્ટડી દરમિયાન થયેલાં મૃત્યુની ઘટનામાં છેલ્લાં વર્ષોમાં પોલીસ અધિકારીને દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા કરાઈ હોય તેવી એક માત્ર ઘટના તાજેતરમાં પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની છે.

ગત મહિને ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે.

1990માં ભારત બંધ વખતે જામનગરમાં હિંસા થઈ હતી. આ સમયે સંજીવ ભટ્ટ ત્યાં તહેનાત હતા.

એ સમયે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વખતે પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

જે પૈકી એક પ્રભુદાસ માધવજીની તબિયત બગડતા તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

2002નાં રમખાણો મુદ્દે નરેન્દ્ર મોદી પર આરોપ મૂકવાને લીધે સંજીવ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા.

કોઈ વ્યકિત પોલીસના તાબા હેઠળ હોય અને તેનું કોઈ કારણસર મૃત્યુ થાય તો તે પોલીસ કસ્ટોડિલ ડેથ ગણાય છે.

જેમાં કથિત ફૅક ઍન્કાઉન્ટર વગેરેનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યકિત ન્યાયિક તાબા હેઠળ યાને કે જેલમાં હોય અને તેનું મૃત્યુ થાય તો તેને જ્યુડિશિયલ કસ્ટોડિયલ ડેથ ગણાવાય છે.

ગુજરાતમાં 2003થી 2007 દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટિ ટૅરરિઝમ સ્કવૉડ દ્વારા 8 કથિત રીતે ફૅક ઍન્કાઉન્ટર કરવામાં આવ્યાં હતાં.

જોકે, સોહરાબુદ્દીન, કૌસર બી, તુલસી પ્રજાપતિ, ઇશરત જહાં એમ અનેકવિધ ઍન્કાઉન્ટર કેસમાં સામેલ ડી.જી. વણઝારા, એન. કે . અમીન, રાજકુમાર પાંડિયન, અભય ચુડાસમા સહિત મોટા ભાગના અધિકારીઓ અદાલતમાં નિર્દોષ છૂટી ગયા છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશમાં 2001થી 2016 દરમિયાન કુલ 1,557 લોકોનાં કસ્ટડીમાં મૃત્યુ થયાં હતાં.

એનસીઆરબીના 2001થી 2016ના ડેટા મુજબ સૌથી વધારે કસ્ટોડિયલ ડેથ મહારાષ્ટ્રમાં હતાં અને આંધ્ર પ્રદેશ પછી ત્રીજા ક્રમે હતું.


આટલો મોટો વધારો કેમ?

Image copyright Getty Images

ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથમાં આટલો મોટો વધારો કેમ એ અંગે ગુજરાતમાં કાયદા અને માનવઅધિકાર પર કાર્યરત સંસ્થા સામાજિક ન્યાય કેન્દ્રના મૅનેજિંગ ટ્રસ્ટી નૂપુરે કહ્યું કે રાજ્ય પોતે એક વાર કાયદાની શિસ્ત તોડે ત્યારે એ એના તંત્રમાં આગળ વધતી હોય છે.

તેમણે કહ્યું, ''જે રીતે 2002માં અને એ પછી રાજ્ય પોલીસ તંત્ર પર હાવી થયું એને લીધે પોલીસ તંત્રમાં પણ શિસ્ત ઘટવા લાગી."

"આ મોટો આંકડો સૂચવે છે કે કસ્ટોડિયલ ડેથની કે પોલીસ અત્યાચારની ઘટનાઓમાં પગલાં લેવાતાં નથી જેથી અંકુશ રહ્યો નથી.''

નૂપુર કહે છે ''કસ્ટોડિયલ ડેથમાં માર્યા જનાર ગરીબો, વંચિતો, લઘુમતીઓ કે છેવાડાના લોકો હોય છે."

"કસ્ટોડિયલ ડેથમાં સાધનસંપન્ન કે અમીર લોકો મરતા નથી એટલે એના વિશે ઉહાપોહ પણ થતો નથી.''

આટલા મોટા વધારા અંગે પણ નૂપુરનું કહેવું છે કે ''આ આંકડો હજી વધારે હોઈ શકે છે કેમ કે અનેક કેસો બહાર પણ આવતા હોતા નથી.''


'દરેક મૃત્યુમાં પોલીસની ભૂમિકા ન હોય'

Image copyright Getty Images

પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ કહ્યું કે ''આ આંકડો ચોંકાવનારો તો છે જ પણ તમામ કસ્ટોડિયલ ડેથમાં પોલીસની ભૂમિકા હોય જ એવું કહી ન શકાય. એના માટે બધા કેસોની હકીકતો જાણવી પડે.''

ગુજરાત પોલીસના પૂર્વમહાનિર્દેશક રહી ચૂકેલા આર. બી. શ્રીકુમારે બીબીસી ગુજરાતીને કહ્યું, 'કસ્ટોડિયલ ડેથની ઘટનાઓમાં આટલો મોટો વધારો થવા પાછળ અનેક કારણો છે."

તેઓ કહે છે ''સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સ્ટેટ વિરુદ્ધ બી. કે. બાસુ કેસમાં પોલીસને આદર્શ કાર્ય પ્રકિયા માટે જે કહ્યું અને પોલીસ સુધારણાની જે વાત કરી ન તો એનું પાલન થાય છે કે ન તો પોલીસ મૅન્યુઅલ મુજબ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરનું.''

શ્રીકુમાર કહે છે, ''કસ્ટોડિયલ મૃત્યુની ઘટનાઓ અટકાવી શકાય છે અને એમાં ઉચ્ચઅધિકારીઓના સુપરવિઝનની મોટી ભૂમિકા રહેલી છે પરંતુ આ આંકડા પરથી દેખાય છે કે સુપરવિઝન થતું નથી.''

ગુજરાતમાં આટલા કેસો છે તો કેટલા અધિકારીઓ સામે અને ઉચ્ચઅધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં તેઓ સવાલ પણ તેઓ કરે છે.

તેઓ કહે છે કે ગૂડ બુકમાં રહેવાનાં ચક્કરમાં અને એકબીજાની રાજકીય ગતિવિધીઓ સાચવવામાં વિભાગીય કાર્યવાહીની પ્રણાલિ અને ભારતીય દંડ સંહિતાનું ઉલ્લંઘન થાય છે.

નૂપુરની જેમ શ્રીકુમાર પણ માને છે કે કસ્ટોડિયલ ડેથનો ભોગ બનનારા મોટા ભાગના લોકો ગરીબી રેખાથી નીચે જીવન જીવનારા લોકો હોય છે એટલે આવી ઘટનાઓ ટૂંકનોંધ બનીને રહી જાય છે.

શ્રીકુમાર કહે છે, ''રૂલ ઑફ લૉની કાર્યવાહી બહુ સ્પષ્ટ છે અને જો તેને જ અનુસરવામાં આવે તો આટલી ઘટનાઓ ન બને."

"પરંતુ ઉચ્ચઅધિકારીઓ રૂલ ઑફ લૉને બદલે રૂલ ઑફ ફૅવર, કૅરિયર પ્રોગેસ, અંગત ફાયદા જુએ છે અને કાયદાને અવગણે છે.''

કસ્ટોડિયલ ડેથના દરેક બનાવની રાષ્ટ્રીય માનવઅધિકાર પંચને દરેક રાજ્યે જાણ કરવાની હોય છે.

અગાઉ આ નિયમ 24 કલાકમાં જાણ કરવાનો તથા ત્યારબાદ પૉસ્ટમાર્ટમ રિપોર્ટ, ફરિયાદ, અન્ય તપાસની વિગત વગેરે ફોટો-તસવીરો સાથે રજૂ કરવાનો હતો.

રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ એનએચઆરસીની વેબસાઈટ પર આ અંગે રાજ્યો માટે જે ગાઇડલાઇન આપવામાં આવી છે. તેમાં આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે કાર્યપ્રણાલિ અને ઘટના બને ત્યારે કરવાની કાર્યવાહી વિશે વિગતે નોંધ છે.

જોકે, કમિશન નોંધે છે કે મોટા ભાગનાં રાજ્યો તરત માહિતી આપતાં નથી હોતાં. જેથી વળતર કે તપાસની દાદ માગવા આવેલા કેસો પણ પૅન્ડિંગ રહે છે.


વળતરનો સવાલ

Image copyright Getty Images

કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં પોલીસની તપાસ પદ્ધતિ અને કાર્યપ્રણાલિ બાબતે પોલીસ મૅન્યુઅલ, સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન અને આઈપીસીની અનેકવિધ જોગવાઈઓ તો છે પરંતુ વળતર અંગે કોઈ ચોક્કસ નિયમ નથી.

વળી આની સાથે સંકળાયેલો એક સવાલ જેલ સુધારણાનો પણ છે.

તાજેતરમાં કથિત રીતે ભાગેડુ વિજય માલ્યા અને નીરવ ચોક્સી જેવા હાઇ પ્રોફાઇલ કેસોમાં ભારતની જેલની સ્થિતિ સારી નથી એવા આક્ષેપો લંડનની અદાલતની કાર્યવાહીમાં થયેલા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વકીલ નવીન આ અંગે કહે છે કે કસ્ટડીમાં મૃત્યુના કેસમાં કોઈ એક ચોક્કસ વળતરની રકમ ન તો રાજયે નક્કી કરેલી છે કે ન તો અદાલતે.

તેમણે કહ્યું, "આમાં કેસ ટૂ કેસ વળતર ચૂકવવામાં આવતું હોય છે. એટલે કેસના સંજોગો અને અત્યાચાર અને મૃત્યુ પામનારની સામાજિક-આર્થિક પરિસ્થિતિ પણ જોવામાં આવે છે."

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં 133 કેસોમાં કુલ 23.50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.

અલબત્ત, વળતરનો આ આંકડો કુલ કેસો પૈકી કેટલા કેસનો છે કે પછી તમામ કેસનો છે એ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

કુલ 133 કેસોમાં 23.50 લાખ વળતર ગણીએ તો મૃત્યુ પામનાર દરેક વ્યકિતના પરિવારને આશરે સરેરાશ 17,669 રૂપિયા વળતર તરીકે ચૂકવાયા હોઈ શકે છે.


શું કહે છે પોલીસ?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એડિશનલ ડીજીપી કે. કે. ઓઝાએ કહ્યું કે આ આંકડો મોટો લાગે છે પરંતુ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ અને ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ બેઉ અલગ બાબતો છે.

તેમણે કહ્યું, "મુખ્ય મંત્રીશ્રીએ જે આંકડો આપ્યો છે તે કુલ કસ્ટડોડિયલ ડેથનો છે. મતલબ, એમાં જેલમાં સજા કાપી રહેલા અને ઉંમરને કે વયને કારણે મૃત્યુ પામેલા લોકોનો પણ સમાવેશ થાય છે."

ઓઝાના કહેવા પ્રમાણે ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનારાની સંખ્યા 2-3થી વધારે નથી.

તેમણે કહ્યું, "પોલીસ કસ્ટડીમાં ટૉર્ચર કે મારપીટને લીધે મૃત્યુ થાય એવી ઘટનાઓને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે."

"તેના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે છે."

"ગુજરાત પોલીસ આ અંગે નિયમોનુસાર માનવઅધિકાર પંચ વગેરેને પણ જાણ કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ