વિશ્વ કપ 2019 : હાર બાદ ટીમ ઇન્ડિયાના નેતૃત્વમાં પરિવર્તનની જરૂર કેટલી?

રવિશાસ્ત્રી અને વિરાટ કોહલી Image copyright AFP

વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલ મૅચમાં ભારત હારી ગયું. દરેક હારની સમીક્ષા થાય છે અને આ સમીક્ષા પછી કેટલાક કડક નિર્ણય લેવાય છે.

શું ભારતીય ક્રિકેટ ટીમને પણ આગામી સમયમાં કોઈ કઠોર પરિવર્તનનો સામનો કરવો પડી શકે છે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અત્યાર સુધી તેનાં પત્તાં નથી ખોલ્યાં પરંતુ આ સવાલ આ સમયે સોશિયલ મીડિયા અને ગલીઓમાં ચર્ચાનો વિષય છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય બૅટ્સમૅન 240 રનનો લક્ષ્યાંક મેળવી ન શક્યા અને હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા.

તો શું આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના નેતૃત્વમાં પરિવર્તનના અણસાર છે?

વરિષ્ઠ ખેલ પત્રકાર પ્રદીપ મૅગેઝીન માને છે કે કૅપ્ટન બદલવાની જરૂરના અણસાર નથી પણ કોચ બદલવા અંગે ચોક્કસ વિચાર થઈ શકે છે.

તેઓ કહે છે કે વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ નિયંત્રણમાં છે. આ દુનિયાનો શ્રેષ્ઠ બૅટ્સમૅન ક્રમાંક છે. ટીમ સાચી દિશામાં આગળ વધી રહી છે અને કૅપ્ટન બદલવાનું કોઈ કારણ નથી.

કોચ સાથે સંકળાયેલી કેટલીક વાતો જરૂરી છે. તે એ વાત પર આધાર રાખે છે કે રવિ શાસ્ત્રી કોચ રહેવા માગે છે કે નહીં. બોર્ડ અને કૅપ્ટન કોહલી શું વિચારે છે તે પણ મહત્ત્વપૂર્ણ રહેશે.


રોહિતને મળે સારા પ્રદર્શનનું નામ

Image copyright AFP

જો કે સોશિયલ મીડિયા પર લોકોએ ઇચ્છા વ્યક્ત કરી છે કે વાઈસ કૅપ્ટન રોહિત શર્માને વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનનું ઇનામ મળવું જોઈએ.

તેમને વન-ડે અને ટી-20 મૅચના કૅપ્ટનની જવાબદારી સોંપી દેવી જોઈએ. ટેસ્ટ મૅચના કૅપ્ટનનો કાર્યભાર ભલે કોહલી સંભાળે.

પ્રદીપ મૅગેઝિન કહે છે, "રોહિત શર્મામાં એક કૅપ્ટનની કુશળતા જરૂર છે. તેઓ સમજદાર છે અને કૅપ્ટન તરીકે તેમનો રેકર્ડ પણ સારો છે."

"પણ જે દેશની ટીમમાં ટેસ્ટ અને વન-ડેના કૅપ્ટન અલગ-અલગ હોય છે, તેમાં કેટલીય વાર ટેસ્ટ મૅચના કૅપ્ટન વન-ડે મૅચ નથી રમતા."

"અહીં જો વિરાટ કોહલી ટેસ્ટમાં કૅપ્ટન હશે અને વન-ડેમાં અન્ય કોઈની કૅપ્ટનશીપમાં રમશે તો રમત સારી નહીં રહે. ભારતીય માળખામાં આ પ્રયોગ ચાલશે નહીં."

જો કે ભૂતકાળમાં એવું થયું છે કે જ્યારે અનિલ કુંબલે ટેસ્ટ કૅપ્ટન હતા અને ધોની વન-ડેની કૅપ્ટનશીપ સંભાળતા હતા. તેમના પછી ધોની ટેસ્ટ મૅચના કૅપ્ટન રહ્યા અને વન-ડેની કૅપ્ટનશીપ વિરાટ કોહલીને સોંપી દેવાઈ.

કૅપ્ટન તરીકેના રેકર્ડને જોઈએ તો 70થી વધારે મૅચમાં કૅપ્ટનશીપ કરનારાઓમાં વિરાટ કોહલીની સફળતાનો દર સૌથી ઊંચો છે. તેમણે 77 મૅચમાંથી 56 મૅચ જીતી છે. તેમની કૅપ્ટનશીપમાં ભારત 74.34 ટકાના દરે મૅચ જીત્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?


પરંતુ શું કોહલીથી કોઈ ચૂક થઈ છે?

Image copyright AFP

કૅપ્ટન તરીકે રોહિત શર્માનું પ્રદર્શન પણ શાનદાર છે. વિરાટ કોહલીને આરામ આપવા રોહિત શર્માએ જે 10 વનડે મૅચમાં કૅપ્ટનશીપ કરી તેમાંથી 8 મૅચ ભારત જીત્યું છે. 2018માં તેમની કપ્તાનીમાં ભારતે એશિયા કપ અને બાંગ્લાદેશ સામે નિધાસ ટ્રોફી જીતી છે.

આઈપીએલમાં રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટનશીપ કરી રહ્યા હતા જે ટીમ સૌથી વધારે ચાર વખત આઈપીએલ વિજેતા બની છે. રોહિતે અનેક વખત જવાબદારીને ગંભીરતાથી સ્વીકારી છે અને પોતાના પર ભરોસો રાખી યોગ્ય નિર્ણય કર્યા છે.

આઈપીએલમાં તેમણે ઘણી સ્માર્ટ કપ્તાની કરી. જેમાં એબી ડી વિલિયર્સ સામે કૃણાલ પંડ્યાનો ઉપયોગ હોય અથવા હાર્દિક પંડ્યાને વચ્ચેની ઓવરમાં બૉલિંગ આપવા જેવા નિર્ણયો સામેલ છે. જેથી બૅટ્સમૅનને ઝડપથી રન બનાવવાની લાલચ આપી શકાય.

Image copyright Reuters

જોકે પ્રદીપ મૅગેઝિન કહે છે કે આ વિશ્વ કપમાં હારનું કારણ વિરાટ કોહલીની ખરાબ કપ્તાની નથી આથી તેમની સજા ન અપાય.

તેઓ કહે છે, "રણનીતિ મુદ્દે તમે કહી શકો છો કે સેમિફાઇનલમાં ધોનીને બેટિંગમાં મોડેથી મોકલવા એ ભૂલ હતી અને રિષભ તથા હાર્દિકને તેમના પછી મોકલવા જોઈતા હતા. પણ એ વિશે તમામની પોતપોતાની વ્યાખ્યાઓ છે."

"કપ્તાન તરીકે તેમની ભૂલ એ જ છે કે સમય રહેતા તેઓ મિડલ-ઑર્ડરને મજબૂત ન કરી શક્યા. પણ તેની જવાબદારી સૌની છે અને આ એવી ભૂલ નથી તે તેમને હટાવી દેવા જોઈએ."

ભારતીય ટીમના મુખ્ય કૉચ સહિત બાકીનો સહાયક સ્ટાફનો કાર્યકાળ ખતમ થઈ ચૂક્યો છે અને બીસીસીઆઈએ નવી અરજીઓ પણ મંગાવી છે. અરજી કરવાની આખરી તારીખ 30 જુલાઈ છે.

Image copyright Getty Images

હાલ રવિ શાસ્ત્રી મુખ્ય કૉચ છે જ્યારે બેટિંગ કૉચ સંજય બાંગર અને બોલિંગ કૉચ ભરત અરુણ છે ઉપરાંત ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર છે. હાલ સપૉર્ટ સ્ટાફનો કાર્યકાળ 45 દિવસ લંબાવાયો છે. જેથી તેઓ 3 ઑગસ્ટથી શરૂ થતી વેસ્ટ ઇન્ડીઝ સીરિઝમાં ટીમ સાથે રહે. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ ભારતીય ટીમના સપૉર્ટ સ્ટાફમાં કેટલાક બદલાવ થઈ શકે છે.

પ્રદીપ મૅગેઝિન કહે છે,"હાલ કપ્તાન વિરાટ કોહલીને પદ પરથી દૂર કરવાનું કોઈ કારણ નથી. જોકે કોઈને તો જવાબદાર ગણાવવામાં આવશે આથી લોકો કહેશે કે કોચને હટાવી દો અને ટીમ માર્ગદર્શન માટે તેજ દિમાગવાળા માણસની જરૂર છે."

"પરંતુ મારું માનવું છે કે બોર્ડે વિરાટ કોહલીના અભિપ્રાયનું સન્માન કરવું જોઈએ. જો કોહલી શાસ્ત્રીને હટાવાવના પક્ષમાં નથી, તો બોર્ડ માટે ઇચ્છે તો પણ સરળ નહીં રહે."


મિડલ-ઑર્ડર બેટિંગમાં અસ્થિરતા

ભારતીય ટીમ આ વિશ્વ કપમાં મિડલ-ઑર્ડર બેટિંગમાં અસ્થિરતાનો સામનો કરી રહી છે. ખાસ કરીને નંબર 4ને લઈને સૌથી વધુ સમસ્યા છે.

પ્રદીપ મૅગેઝિન કહે છે કે કોહલી અને શાસ્ત્રીની સૌથી મોટી ચૂક એ જ છે કે તેઓ નંબર ચારના બૅટ્સમૅન તૈયાર નહીં કરી શક્યા.

તેઓ કહે છે,"તેમણે જે બૅટ્સમૅનોને નંબર ચાર માટે પસંદ કર્યા તેમણે પૂરતો સમય રમવાની તક ન મળી અને તે ભારતની હારનું મુખ્ય કારણ રહ્યું. આથી તેમાં ફેરફાર તો જરૂર થશે."

વિશ્વ કપમાં પહેલાં વિજયશંકર, પછી કેએલ રાહુલ અને પછી રિષભ પંતે નંબર ચાર પર બેટિંગ કરી હતી. પ્રદીપ મૅગેઝિન રિષભ પંતની ટીમમાં જગ્યા બને તેનો અવકાશ હોવાનું સ્વીકારે છે પરંતુ નંબર ચાર પર નહીં.

તેઓ કહે છે, "ધોની જો વિશ્વ કપ બાદ હવે સંન્યાસ લઈ લે. એવું પણ થઈ શકે છે કે તેમને એક વિદાય લેવા માટે એક સિરીઝ ત્યાર બાદ તેઓ સંન્યાસ લઈ લે. રિષભ પંત એક આક્રમક ઉત્તરાધિકારી છે અને તેઓ એક આક્રમક વિકેટકીપર બૅટ્સમૅન તરીકે ટીમમાં હશે."

"નંબર ચારની જવાબદારી કોઈ બીજાને આપવી પડશે. અને જેમને પણ આ જવાબદારી આપવામાં આવે, તેને રમવા માટેનો પર્યાપ્ત સમય પણ આપવો પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો