બિહાર પૂર : અન્ન અને જળ માટે વલખાં મારતા લોકો

બિહાર પૂર

બિહારમાં આવેલા પૂરમાં મૃત્યુ પામેલા લોકોનો સરકારી આંકડો 78 સુધી પહોંચી ગયો છે. લગભગ 66 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 130 જેટલા રાહત કૅમ્પમાં એક લાખથી વધુ લોકો હાલ આશરો લઈ રહ્યા છે.

આ માહિતી બિહારના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસોમાં પૂરની સીમા ખૂબ ઝડપથી વધી રહી છે અને જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે.

રોજ રોજ નવા નવા વિસ્તારો પૂરની ઝપટમાં આવી રહ્યા છે. પૂરના કારણે ઘર છોડી ચૂકેલા લોકો ફરી સામાન્ય જીવન જીવી શકશે કે નહીં તેની ચિંતામાં છે.

આ મુશ્કેલ સમયમાંથી ઊભરવાનો વિચાર પણ જાણે એક પડકાર લાગે છે.

17 જુલાઈના રોજ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 67 હતી, જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 47 લાખ હતી.

જ્યારે 16 જુલાઈએ અસરગ્રસ્તોની સંખ્યા લગભગ 26 લાખ અને મૃતકોની સંખ્યા 33 હતી અને 18 જુલાઈએ અસરગ્રસ્તોની સંખ્યા 55 લાખ થઈ ગઈ.

આશ્ચર્યની વાત એ છે કે 16 જુલાઈએ રાહત અને બચાવ કાર્ય માટે 125 મોટરબૉટ સાથે એનડીઆરએફ અને એસડીઆરએફના 796 જવાનોને લગાવવામાં આવ્યા હતા.

જ્યારે અસરગ્રસ્તોની સંખ્યા 55 લાખ થઈ ગઈ તો પણ રાહતકર્મીઓમાં વધારો કરવામાં આવ્યો નથી.

16 જુલાઈના રોજ 185 શિબિરોમાં લગભગ એક લાખ તેર હજાર લોકો હતા.

ગુરુવાર સુધીમાં આ શરણાર્થીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે અને શિબિરોની સંખ્યા 130 થઈ ગઈ છે.

આવું કેમ થયું? શું અસરગ્રસ્તો રાહતશિબિરોમાંથી જઈ રહ્યા છે? કે પછી આવતા જ નથી.

બિહાર સરકારના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગ દ્વારા લગાવવામાં આવેલા રાહત કૅમ્પની વાસ્તવિકતા જાણવા માટે અમે ગુરવારે ઝંઝારપુરથી પસાર થતા નેશનલ હાઈવે-27 પર પહોંચ્યા.


હાવે પરનું જીવન

એક તરફનો રસ્તો બ્લૉક હતો. ડિવાઇડર પર હારબંધ તંબુ લાગેલા હતા. જેમાં આસપાસના ગામના લોકોએ આશરો લીધો હતો. બીજી તરફના રસ્તા પર જ વાહનોની અવર-જવર થઈ રહી હતી.

શરણાર્થીઓમાં મોટા ભાગના ઝંઝારપુરના કન્હોલી અને બિદેરસ્થાન ગામના લોકો પણ હતા. આ વિસ્તાર નરુઆર પંચાયતમાં આવે છે.

અહીં જ કમલા બાલન પાસે ગયા શનિવારે ચાર જગ્યાએ પુલ તૂટવાથી તબાહી મચી હતી.

ગયા શનિવારે રાત્રે આ વિસ્તારમાં પૂર આવ્યું. મિનિટોમાં તો લોકોના ઘરોમાં ડૂબી જાય એટલું પાણી ઘૂસી ગયું.

કેટલા લોકો પાણીમાં તણાઈ ગયા તેનો અંદાજ પણ નથી. જે લોકો બચી ગયા એમણે હાઈવે પર શરણ લીધું છે.

તેમની પાસે બસ વાંસ-નળિયાં, થોડાં વાસણ, વરસાદ અને તાપથી બચવા તાડપત્રી, ઢોર અને થોડાં કપડાં બચ્યાં છે.

પોતાના ડૂબેલાં ઘરોને જોતાં લોકોના ચહેરા ઉદાસ રહે છે.

તેઓ શનિવારની એ કાળી રાત યાદ કરતાં રહે છે જ્યારે એટલું ઝડપથી પાણી આવ્યું કે કશુ સંભાળવાની પણ તક મળી નહીં.

એક તંબુમાં બિદેરસ્થાનના વડીલ સુંદર યાદવ પોતાના દોહિત્ર અને પત્ની સાથે રસ્તા પર બેઠા હતા.


પીવાના પાણી માટે તરસતા લોકો

સુંદર યાદવ કહે છે, "પાણી તો અમારે ત્યાં દર વર્ષે આવે છે, પણ આ વર્ષ જેવું ક્યારેય નથી આવ્યું. તમને અહીં દેખાય છે એ સિવાય અમે કશું જ બચાવી શક્યા નથી."

અસરગ્રસ્ત લોકો માટે સૌથી મોટો પ્રશ્ન ભોજન અને પીવાના પાણીનો છે.

રાહત શિબિરોમાં સરકાર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે લોકો હજુ સુધી ગામમાં છે, તેમના માટે પીવાના પાણીની સમસ્યા મુખ્ય છે કારણ કે સ્વચ્છ પીવાનું પાણી હાલ ક્યાંક મળી શકે એમ નથી.

એનડીઆરએફની હોડીઓ પાણી અને ભોજન પહોંચાડે છે પરંતુ એનડીઆરએફના જવાનો જ કહે છે કે તે પૂરતું નથી.

બિદેરસરસ્થાન પાસે ચાલી રહેલી રાહત શિબિરમાં બપોરના બે વાગ્યા સુધી ભોજન બન્યું નહોતું.

સામૂહિક રસોડામાં પંચાયતની શાળામાં શિક્ષક અને રસાઈયા ભોજન બનાવવામાં લાગેલા હતા.

રસોઈમાં માત્ર ભાત અને દાળ જ હતાં. એ પણ શાળામાંથી આવ્યાં હતાં. બપોરના ભોજનમાં એ જ પીરસાય છે.


પૂરમાં બધું જ તબાહ

રસોઈની જેમના પર જવાબદારી છે તે પ્રતાપ નારાયણ જ્હા કહે છે, "બધી જ રસોઈ શિક્ષકો અને રસોઈયા મળીને બનાવી રહ્યા છે."

"મંડળ અને જિલ્લા વહિવટી તંત્ર તરફથી તેની વ્યવસ્થા કરવામાં આવી છે."

"અમારી પાસે શાળામાં મધ્યાહ્ન ભોજનનો પુરવઠો હતો એ લઈને આવ્યા છીએ."

રસોડાથી દસ પગલાં દૂર જ લીલાદેવી તંબુમાં પોતાનાં બાળકો સાથે બેઠાં છે અને ભોજનની રાહ જોઈ રહ્યાં છે.

તેઓ કહે છે, "હવે લાગે છે કે અમે ભૂખ્યા-તરસ્યા જ મરી જઈશું."

"જ્યાં સુધી આ(રસોઈ) ચાલે છે ત્યાં સુધી જ છે, જ્યારે પોતાનાં ઘરોમાં જઈશું તો કંઈ જ નહીં હોય."

થોડો દૂર વધુ એક તંબૂ હતો જેમાં એક પરિવાર હતો, જેના એક સભ્યનું પૂરમાં મૃત્યુ થઈ ગયું હતું.

20 વર્ષના લાલુ યાદવ તેમના ઘરમાં કમાનારા એક જ હતા. સોમવારે ઘરનો સામાન લેવા જઈ રહ્યા હતા. એ જ દરમિયાન તેઓ પૂરના પાણીમાં તણાઈ ગયા.

લાલુના પિતા કહે છે, "ઘરમાં શું વધ્યું, શું નહીં, કંઈ જ ખબર નથી. જ્યારથી દીકરો ગયો ત્યારથી ફરી ઘરે જવાની કોઈની હિંમત નથી ."

તેઓ જણાવે છે, "સરકારની તરફથી કોઈ મદદ મળી નહીં. બસ આ એક તાડપત્રી મળી છે, તેમાંથી તંબુ બનાવ્યો છે."

"ઘરમાંથી કંઈ લાવી શક્યા નહીં. કાલે જ્યારે લાલુનો મૃતદેહ મળ્યો તો તેને પણ કિનારે રાખીને અગ્નિદાહ આપવો પડ્યો."

લગભગ ત્રણ વાગ્યે રસોડામાં ભોજન તૈયાર થયું. પરંતુ તકલીફ એ હતી કે આટલા લોકોને એક સાથે ભોજન આપવું કઈ રીતે. ધોમધખતો તાપ અને ટૅન્ટમાં પણ જગ્યા ઓછી.


હજુ સુધી વળતર મળ્યું નથી

ફોટો લાઈન ઝંઝાપુર એસડીઓ અંશુલ અગ્રવાલ

બુધવારે બિહાર વિધાનમંડળમાં મુખ્ય મંત્રી નીતિશકુમારે કહ્યું, "દરેક પૂરગ્રસ્તોને વળતરમાં છ હજાર આપવામાં આવશે."

આ પૈસા તેમને 24 કલાકમાં આપવાની વાત હતી પરંતુ આ રકમ ગુરુવાર સુધી મળી નથી.

રાહત શિબિરની તપાસ કરવા આવેલા ઝંઝાપુરના એસડીઓ અંશુલ અગ્રવાલે કહ્યું, "હજુ તો અસરગ્રસ્તોની નોંધણીનું કામ ચાલે છે."

"આધાર કાર્ડથી લિંક કરીને એક ડેટા તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ જ વળતર આપી શકીશું. નોંધણી કરવામાં કમ સે કમ ત્રણ ચાર દિવસ થશે."

પરંતુ શું આ છ હજાર રૂપિયામાં રાહત શિબિરમાં રહેતાં લોકોનું જીવન આગળ વધી શકશે?

ચુનર દેવી કહે છે, "ઘર જ ડૂબી ગયું, તો બચે શું. બધું જ ખતમ થઈ ગયું. આ છ હજાર પણ ક્યારે મળશે, નહીં મળે, કંઈ જ ખબર નથી. છ હજારમાં અમે શું કરી લઈશું, શું આટલામાં ફરી ઘર બની શકશે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ