Sheila Dikshit : 15 વર્ષ મુખ્ય મંત્રી રહ્યા બાદ જ્યારે પોતાના ગઢમાં જ હારી ગયાં

શીલા દીક્ષિત Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE

ત્રણ વખત દિલ્હીનાં મુખ્ય મંત્રી રહી ચૂકેલાં શીલા દીક્ષિતનું નિધન થયું છે. તેઓ 81 વર્ષનાં હતાં. તેમનું નિધન દિલ્હી સ્થિત ફૉર્ટિસ ઍસ્કૉર્ટ્સ હૉસ્પિટલમાં થયું છે.

તેઓ છેલ્લાં કેટલાંક સમયથી હૃદય સંબંધી રોગના પગલે બીમાર હતાં.

2019ની લોકસભા ચૂંટણી સમયે શીલા દીક્ષિત દિલ્હીનાં પ્રદેશ અધ્યક્ષ રહ્યાં હતાં. તેમણે ઉત્તર પૂર્વ દિલ્હીથી લોકસભા ચૂંટણી પણ લડી, પરંતુ મનોજ તિવારીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

શીલા દીક્ષિતના જીવન પર બીબીસી સંવાદદાતા રેહાન ફઝલે ખાસ અહેવાલ તૈયાર કર્યો હતો જે પહેલી વખત 9 ફેબ્રુઆરી 2018ના રોજ બીબીસી હિંદી પર છપાયો હતો.

રિપોર્ટથી શીલા દીક્ષિતના જીવનના રસપ્રદ પ્રસંગો વિશે તમને જાણવા મળશે.

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE
ફોટો લાઈન શીલા દીક્ષિત (ઘેરા રંગની સાડીમાં) પોતાનાં બહેનો સાથે

વાત એ સમયની છે જ્યારે દેવાનંદ ભારતીય કિશોરીઓનાં મન પર રાજ કરી રહ્યા હતા.

પહેલું ફિઝ્ઝી ડ્રિંક 'ગોલ્ડ સ્પૉટ' ભારતીય બજારોમાં પ્રવેશ કરી ચૂક્યું હતું. ટેલિવિઝનની શરૂઆત થઈ ન હતી.

રેડિયોમાં પણ થોડા કલાકો માટે જ કાર્યક્રમ આવતા હતા. એક દિવસ 15 વર્ષીય કિશોરી શીલા કપૂરે નક્કી કર્યું કે તેઓ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને મળવા તેમના 'તીનમૂર્તિ' સ્થિત નિવાસસ્થાને જશે.

તેઓ 'ડુપ્લે લેન' સ્થિત પોતાના ઘરમાંથી બહાર નીકળ્યાં અને ચાલતાં-ચાલતાં જ 'તીનમૂર્તિ ભવન' પહોંચી ગયાં.

ગેટ પર ઊભેલા એકમાત્ર દરવાને તેમને પૂછ્યું, તમે કોને મળવા માટે અંદર જઈ રહ્યાં છો? શીલાએ જવાબ આપ્યો, 'પંડિતજી ને'. તેમને અંદર જવા દેવામાં આવ્યાં.

તે જ સમયે જવાહરલાલ નહેરુ પોતાની સફેદ 'ઍમ્બૅસૅડર' કારમાં સવાર થઈને પોતાના નિવાસના ગેટની બહાર નીકળી રહ્યા હતા.

શીલાએ તેમને 'વેવ' કર્યું. તેમણે પણ હાથ હલાવીને તેનો જવાબ આપ્યો.

શું તમે આજના યુગમાં વડા પ્રધાન તો દૂર કોઈ સામાન્ય ધારાસભ્યના ઘરે આ રીતે ઘૂસવાની હિંમત કરી શકો?

શીલા કપૂર ક્યારેય સપનામાં પણ વિચારી શકતાં નહોતાં કે જે વ્યક્તિએ તેમના અભિવાદનનો જવાબ આપ્યો છે, 32 વર્ષ બાદ તેઓ તેમના જ પૌત્રના મંત્રીમંડળમાં મહત્ત્વપૂર્ણ સભ્ય બનશે.


ઝઘડાનું સમાધાન લાવવામાં મળ્યા જીવનસાથી

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE

દિલ્હી વિશ્વવિદ્યાલયમાં પ્રાચીન ઇતિહાસનું શિક્ષણ પ્રાપ્ત કર્યું એ દરમિયાન શીલાની મુલાકાત વિનોદ દીક્ષિત સાથે થઈ. તેઓ તે સમયના કૉંગ્રેસના મોટા નેતા ઉમાશંકર દીક્ષિતની એકમાત્ર સંતાન હતા.

શીલાએ જણાવ્યું હતું, "અમે ઇતિહાસ 'M.A.'ના ક્લાસમાં સાથે ભણતાં હતાં. મને તેઓ વધારે પસંદ આવ્યા નહોતા. મને લાગ્યું કે 'શું ખબર તેઓ પોતાને શું સમજે છે.' તેમના સ્વભાવમાં થોડું ઉદ્ધતપણું હતું."

શીલાએ કહ્યું હતું, "એક વખત અમારા કૉમન મિત્રો વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઈ ગઈ હતી અને તે ગેરસમજને દૂર કરતી વખતે અમે એકબીજાની નજીક આવી ગયાં હતાં."


બસમાં કર્યું લગ્ન માટે પ્રપોઝ

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE
ફોટો લાઈન પતિ વિનોદ દીક્ષિત સાથે શીલા દીક્ષિત

વિનોદ મોટાભાગે શીલા સાથે બસમાં બેસીને ફિરોઝશાહ રોડ જતા હતા, જેથી તેઓ તેમની સાથે વધારે સમય વિતાવી શકે.

શીલાએ કહ્યું હતું, "અમે બન્ને ડીટીસીની 10 નંબરની બસમાં બેઠાં હતાં. અચાનક ચાંદની ચોકની સામે વિનોદે મને કહ્યું કે હું મારી માને કહેવા જઈ રહ્યો છું કે મને એ છોકરી મળી ગઈ છે જેની સાથે મારે લગ્ન કરવાં છે. મેં તેમને પૂછ્યું કે શું તમે એ છોકરી સાથે આ અંગે વાત કરી છે? વિનોદે જવાબ આપ્યો કે ના, પણ એ છોકરી હાલમાં મારી બાજુમાં બેઠી છે."

"હું એ સાંભળીને ચોંકી ગઈ. એ સમયે તો હું કંઈ જ ન બોલી, પરંતુ ઘરે આવીને ખુશીથી નાચી ઊઠી. તે સમયે આ અંગે મેં મારાં માતાપિતા સાથે કોઈ વાત ન કરી, કેમ કે તેઓ ચોક્કસ પૂછતા કે છોકરો શું કરે છે? હું તેમને શું કહેતી કે વિનોદ તો હજુ ભણી રહ્યા છે."


એક લડકી ભીગી-ભાગી સી......

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE
ફોટો લાઈન જ્યારે શીલા દીક્ષિતનાં લગ્ન થયાં

બે વર્ષ બાદ શીલા અને વિનોદનાં લગ્ન થયાં. શરૂઆતમાં વિનોદના પરિવારમાં તેનો ખૂબ વિરોધ થયો, કેમ કે શીલા બ્રાહ્મણ નહોતાં.

વિનોદે 'IAS'ની પરીક્ષા આપી અને ભારતમાં નવમું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમને ઉત્તર પ્રદેશ કૅડરમાં સ્થાન મળ્યું.

એક દિવસ લખનૌથી અલીગઢ આવતા સમયે વિનોદની ટ્રેન છૂટી ગઈ.

તેમણે શીલાને વિનંતી કરી કે તેઓ તેમને ડ્રાઇવ કરીને કાનપુર લઈ જાય જેથી તેઓ ત્યાંથી પોતાની ટ્રેન પકડી લે.

શીલાએ આગળ જણાવ્યું હતું, "હું રાત્રે ભારે વરસાદ વચ્ચે વિનોદને મારી કારમાં બેસાડીને 80 કિલોમિટર દૂર કાનપુર લઈ ગઈ. તેઓ અલીગઢવાળી ટ્રેનમાં ચઢી ગયા. જ્યારે હું સ્ટેશનની બહાર આવી તો મને કાનપુરના રસ્તાઓ અંગે કોઈ જાણકારી ન હતી."

તે સમયે રાત્રીના દોઢ વાગ્યા હતા. શીલાએ કેટલાક લોકોને લખનૌ જવાના રસ્તા અંગે પૂછ્યું, પરંતુ કંઈ જાણી શકાયું નહી.

રસ્તા પર ઊભેલા કેટલાક રોમિયો તેમને જોઈને કિશોર કુમારનું એ પ્રખ્યાત ગીત ગાવા લાગ્યા, 'એક લડકી ભીગી ભાગી સી...'

ત્યારે જ ત્યાં એક કૉન્સ્ટેબલ આવ્યા. તેઓ તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાંથી શીલાએ એસપીને ફોન કર્યો, જે તેમને ઓળખતા હતા.

તેમણે તુરંત બે પોલીસકર્મીઓને શીલાની સાથે મોકલ્યા. શીલાએ તે પોલીસકર્મીઓને પાછળની સીટ પર બેસાડ્યા અને જાતે ડ્રાઇવ કરીને તેઓ સવારે 5 વાગ્યે લખનૌ પરત પહોંચ્યાં.


ઇંદિરાને જલેબીઓ અને આઇસક્રીમ ખવડાવ્યો

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE
ફોટો લાઈન શીલા દીક્ષિતના વેડિંગ રિસેપ્શનમાં ઇંદિરા ગાંધી

શીલા દીક્ષિત રાજકારણના ગુરુમંત્રો પોતાના સસરા ઉમાશંકર દીક્ષિત પાસેથી શીખ્યા કે જેઓ ઇંદિરા ગાંધીના મંત્રીમંડળમાં ગૃહમંત્રી હતા અને પછી કર્ણાટક અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ બન્યા.

એક દિવસ ઉમાશંકર દીક્ષિતે ઇંદિરા ગાંધીને જમવા માટે બોલાવ્યાં અને શીલાએ તેમને ભોજન બાદ ગરમ-ગરમ જલેબીઓ સાથે વેનિલા આઇસક્રીમ સર્વ કર્યો.

શીલાએ જણાવ્યું હતું, "ઇંદિરાજીને એ પ્રયોગ ખૂબ ગમ્યો હતો. આગામી દિવસે તેમણે પોતાના રસોઇયાને તેની પદ્ધતિ જાણવા માટે અમારે ત્યાં મોકલ્યા. ત્યારબાદ ઘણી વખત અમે ભોજન બાદ મીઠામાં આ જ સર્વ કરતાં હતાં. પરંતુ ઇંદિરા ગાંધીના નિધન બાદ મેં એ સર્વ કરવાનું બંધ કરી દીધું."


જ્યારે સસરાએ બાથરૂમમાં બંધ કર્યાં

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE
ફોટો લાઈન દીક્ષિત પરિવારની ત્રણ પેઢી

ઇંદિરાની હત્યા બાદ કોલકાતાથી જે વિમાનમાં બેસીને રાજીવ ગાંધી દિલ્હી આવ્યા હતા, એમાં બાદમાં ભારતના રાષ્ટ્રપતિ બનેલા પ્રણવ મુખરજી અને શીલા દીક્ષિત પણ સવાર હતાં.

શીલાએ કહ્યું હતું, "ઇંદિરાજીની હત્યાના સમાચાર સૌથી પહેલાં મારા સસરા ઉમાશંકર દીક્ષિતને મળ્યા હતા. તેઓ એ વખતે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. વિન્સેન્ટ જ્યૉર્જના ફોન થકી એમને આ અંગે જાણકારી મળી તો તેમણે મને એક બાથરૂમમાં લઈ જઈને દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે હું આ અંગે કોઈને ન જણાવું."

જ્યારે શીલા દિલ્હી જવા માટે વિમાનમાં બેઠાં ત્યારે રાજીવ ગાંધીને પણ આ અંગે કોઈ જાણકારી નહોતી. અઢી વાગ્યે તેઓ કૉકપિટમાં ગયા અને પછી બહાર આવીને બોલ્યા કે 'ઇંદિરાજી નથી રહ્યાં.'

શીલા દીક્ષિતે આગળ જણાવ્યું હતું, "અમે લોકો વિમાનના પાછળના ભાગમાં જતાં રહ્યાં. રાજીવે પૂછ્યું કે આવી પરિસ્થિતિમાં શું કરવાની જોગવાઈ છે? પ્રણવ મુખરજીએ કહ્યું કે પહેલાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વરિષ્ઠ મંત્રીને કાર્યકારી વડા પ્રધાન બનાવાયા બાદ વડા પ્રધાનની વિધિવત્ ચૂંટણી કરાઈ હતી."


પ્રણવ મુખરજીને વડા પ્રધાન બનવું હતું?

મેં શીલા દીક્ષિતને પૂછ્યું કે શું પ્રણવ મુખરજીએ આપેલી આ સલાહ તેમના જ વિરુદ્ધમાં ગઈ?

તેમણે જવાબ આપ્યો, "પ્રણવ જ એ વખતે સૌથી વરિષ્ઠ મંત્રી હતા. બની શકે કે તેમની આ સલાહનો એવો અર્થ કાઢવામાં આવ્યો કે તેઓ પોતે જ વડા પ્રધાન બનવા માગે છે. જ્યારે રાજીવ ગાંધી જીતીને આવ્યા તો તેમણે મુખરજીને પોતાના મંત્રીમંડળમાં પણ સામેલ ન કર્યા અને બાદમાં પક્ષમાંથી પણ હાકી કાઢ્યા."


મુખ્ય મંત્રી બનીને શું કર્યું?

Image copyright CITIZEN DELHI/ MY TIMES, MY LIFE
ફોટો લાઈન રાજીવ ગાંધી સાથે શીલા દીક્ષિત

જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા તો તેમણે શીલા દીક્ષિતને પોતાના મંત્રીમંડળમાં લીધાં અને પહેલાં સંસદીય કાર્ય મંત્રી અને બાદમાં વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રીની જવાબદારી સોંપી.

1998માં સોનિયા ગાંધીએ તેમને દિલ્હી પ્રદેશ કૉંગ્રેસનાં વડાં બનાવ્યાં. તેઓ ત્રણ-ત્રણ વખત દિલ્હીનાં મુખ્ય મંત્રી પણ બન્યાં.

15 વર્ષના એમના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હતું, "પહેલી 'મેટ્રો', બીજી 'સીએનજી' અને ત્રીજી દિલ્હીની હરિયાળી, શાળાઓ અને હૉસ્પિટલો માટે કામ કરવું."

તેમણે ઉમેર્યું હતું, "આ તમામ બાબતોએ દિલ્હીના લોકોની અંગત જિંદગી પર ભારે પ્રભાવ પાડ્યો. મેં સૌ પ્રથમ વખત બાળકીઓને શાળામાં જતી કરવા 'સેનિટરી નૅપ્કિન' વહેંચ્યાં. મેં દિલ્હીમાં કેટલીય વિશ્વવિદ્યાલયો બનાવડાવી અને 'આઈઆઈટી' પણ ખોલી."


જ્યારે ફ્લૅટની તપાસ કરાઈ

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE
ફોટો લાઈન દિલ્હી મેટ્રોમાં શીલા દીક્ષિત

રસપ્રદ વાત એ છે કે ત્રણ વખત ચૂંટણી જીતવા છતાં કૉંગ્રેસના સ્થાનિક નેતાઓએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો.

સ્થિતિ એવી બની કે દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના એ વખતના અધ્યક્ષ અને દિલ્હી નગર નિગમના સભાસદ રામબાબુ ગુપ્તે તેમના નિઝામુદ્દીન ઇસ્ટમાં આવેલા ફ્લૅટની તપાસના આદેશ આપ્યા.

ફ્લૅટના નિર્માણમાં ભવનનિર્માણ કાયદાનું ઉલ્લંઘન થયું છે કે કેમ એની ચકાસણી કરવા આ આદેશ અપાયા હતા.

તેમણે કહ્યું હતું, "જે ઘરમાં તમે બેઠા છો એ જ ઘરમાં દિલ્હી નગર નિગમના અધિકારીઓએ એ વાતની તપાસ કરી હતી કે ક્યાંક તેમાં ગેરકાયદે નિર્માણ તો નથી થયું?"

તેમણે આગળ જણાવ્યું હતું, "જ્યારે તેમને કંઈ ન મળ્યું તો તેમણે મારી બહેન પાસેથી ફ્લૅટના દસ્તાવેજ માગ્યા અને તેણે એ રજૂ પણ કર્યા. આ બધું ત્યારે થયું કે જ્યારે હું દિલ્હીની મુખ્ય મંત્રી હતી. આ કિસ્સો દર્શાવે છે કે રાજકારણ કઈ હદ સુધી નીચું ઊતરી શકે છે."

તેમના કાર્યકાળ દરમિયાન એક પડકાર એ પણ આવ્યો કે જ્યારે કૉમનવેલ્થ સ્પૉર્ટ વિલેજની બાજુમાં બનેલા અક્ષરધામ મંદિરના સ્વામીએ તેમની સમક્ષ માગ કરી કે ખેલગામમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવે.

શીલાએ કહ્યું હતું, "સ્વામીનારાયણ મંદિરના સ્વામીને મહિલાઓ તરફ જોવાની અનુમતિ નથી. એટલા માટે જ્યારે તેઓ મને મળવા આવ્યા ત્યારે બીજા રૂમમાં બેઠા હતા."

"જો તેમને કંઈ કહેવું હોય તો એક સંદેશાવાહક તેમનો સંદેશ લઈને આવતા અને મારો ઉત્તર લઈને તેમને પહોંચાડતા."

તેમણે ઉમેર્યું હતું, "ભારતની બદનામી થાત એટલા માટે મેં તેમની શાકાહારી ભોજન બનાવવાની વાત નહોતી માની. મેં તેમને આશ્વાસન આપ્યું હતું કે ખેલગામથી નીકળેલો કચરો અલગ નાળા મારફતે બહાર નીકળશે."


શીલા દીક્ષિત એક સ્ટ્રિક્ટ માતા

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE
ફોટો લાઈન બાળકો સાથે શીલા દીક્ષિત

શીલા દીક્ષિતને બે બાળકો છે. તેમના પુત્ર સંદિપ દીક્ષિત લોકસભામાં પૂર્વ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

તેમનાં પુત્રી લતિકાએ કહ્યું હતું, "અમે નાનાં હતાં ત્યારે અમ્મા બહુ સ્ટ્રિક્ટ હતાં. અમે કંઈક ભૂલ કરીએ તો તેઓ અમને બાથરૂમમાં બંધ કરી દેતાં હતાં. પરંતુ તેમણે કોઈ દિવસ અમને માર્યાં નથી. અભ્યાસ અને વ્યવહાર પર તેઓ ખૂબ ભાર મૂકતાં હતાં."

શીલા દીક્ષિતને વાંચનની સાથે ફિલ્મ જોવાનો પણ શોખ હતો. લતિકા અનુસાર, "એક સમયે તેઓ શાહરુખ ખાનના ફેન હતાં. તેમણે 'દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે' એટલી વખત જોઈ કે અમે પરેશાન થઈ ગયાં."

આ અગાઉ તેઓ દિલીપ કુમાર અને રાજેશ ખન્નાના ફેન હતાં. તેમને સંગીતનો પણ ખૂબ શોખ હતો. કદાચ જ એવો દિવસ વીત્યો હશે જ્યારે તેમણે સૂતાં પહેલાં ગીત ના સાંભળ્યાં હોય.

15 વર્ષ સુધી દિલ્હીનાં મુખ્ય મંત્રી રહ્યાં બાદ તેઓ 2013માં વિધાનસભા ચૂંટણી હારી ગયાં હતાં.


'કેજરીવાલને હળવાશથી લીધા'

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE
ફોટો લાઈન શીલા દીક્ષિતની આત્મકથા

જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમનો ઉત્તર હતો : "કેજરીવાલજીની 'મફત'માં પાણી, 'મફત' વીજળી આપવાની વાતની ખૂબ અસર થઈ. લોકો તેમની વાતોમાં આવી ગયા."

"બીજું કે જેટલી ગંભીરતાથી તેમને લેવાની જરૂર હતી, અમે તેટલી ગંભીરતા દાખવી નહીં." શીલા દીક્ષિતનું માનવું હતું કે નિર્ભયા બળાત્કારની પણ તેમના પર ખૂબ અસર થઈ.

તેમણે કહ્યું હતું, "બહુ ઓછા લોકોને જાણ હતી કે કાયદો અને વ્યવસ્થા દિલ્હી સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકારની જવાબદારી હતી. તે સમયે કેન્દ્ર સરકાર પણ 2G, 4G જેવાં કૌભાંડનો શિકાર બની હતી, જેનું વળતર ચૂકવવું પડ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ