નર્મદા પાણી વિવાદ : રૂપાણીએ કહ્યું મધ્ય પ્રદેશ પાણી મામલે ધમકીના આપે

વિ-રૂ Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નર્મદાના પાણી મામલે ગુજરાત અને મધ્ય પ્રદેશ આમને-સામને આવી ગયાં છે. પાણીને લઈને ફરી વિવાદ શરૂ થયો છે.

મધ્ય પ્રદેશે કહ્યું છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર જ્યાં સુધી વિસ્થાપિતોના પ્રશ્રોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી તેઓ નર્મદામાં વધારાનું પાણી નહીં છોડે.

જે મામલે ગુજરાતે પણ મધ્ય પ્રદેશને વળતો જવાબ આપ્યો છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે પાણીના નામે મધ્ય પ્રદેશ ધમકીઓ આપવાનું બંધ કરે.

પત્રકારો સાથે વાત કરતાં રૂપાણીએ કહ્યું કે હાલ ચોમાસું મોડું થયું છે, ત્યારે આ રીતે નર્મદા પર રાજકારણ કરવું અયોગ્ય છે.

તેમણે કહ્યું કે નર્મદા મામલે થયેલી સમજૂતી પ્રમાણે મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પાણીની વહેંચણીનો નિર્ણય લેવાયો છે. જેમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી.


સંસ્કૃત જાણ્યા વિના દેશને સમજવો મુશ્કેલ - મોહન ભાગવત

Image copyright Getty Images

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું કે સંસ્કૃતને જાણ્યા વિના ભારત દેશને પૂરેપૂરો સમજવો અઘરો છે.

એનડીટીવીના અહેવાલ મુજબ એક પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કહ્યું, "ભારતમાં દરેક ભાષા, આદિવાસી વિસ્તારોમાં પણ લગભગ 30 પ્રશિષ્ટ શબ્દો છે."

"સંસ્કૃત જ્ઞાનની ભાષા છે અને પ્રાચીન ખગોળ વિજ્ઞાન, ખેતી અને આયુર્વેદનું બધું જ્ઞાન સંસ્કૃતમાં જ મેળવી શકાય છે."

"સંસ્કૃત જાણ્યા વિના ભારતને પૂરેપૂરો સમજવો મુશ્કેલ છે, બાબા સાહેબ આંબેડકરે પણ આ જ કહ્યું હતું."


વડોદરાનો આ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની પ્રિન્સિપલ બૅંચે 10 જુલાઈએ કહ્યું છે કે ગુજરાતના 10 સૌથી પ્રદૂષિત ઔદ્યોગિક ક્લસ્ટર અંગે તાકીદે પગલાં લેવામાં આવે.

તેમને સુરક્ષિત સીમાની અંદર લાવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

તેમજ આ ઔદ્યોગિક ક્લસ્ટરમાંથી જે પણ યૂનિટ પ્રદૂષણના કાયદાનું પાલન ન કરતાં હોય તેમને બંધ કરવાની દિશામાં પગલાં લેવાનો ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડને આદેશ આપ્યો છે.

આ સૌથી પ્રદૂષિત ક્લસ્ટરની યાદીમાં વડોદરા અંકલેશ્વરથી પણ આગળ વધીને પ્રથમ ક્રમે આવી ગયું છે, બીજા ક્રમે અંકલેશ્વર, ત્યાર બાદ વાપી, સુરત, અમદાવાદ-વટવા, રાજકોટ ભાવનગર, મોરબી અને જૂનાગઢ છે.


ઈરાને જપ્ત કરેલા બ્રિટિશ વહાણમાં 18 ભારતીયો

Image copyright Erwin willemse

ઈરાને હોર્મુઝની ખાડીમાં જપ્ત કરેલા બ્રિટીશ વહાણમાં 18 ભારતીયો ફસાયા છે.

ભારત સરકારે તહેરાન સાથે આ 18 વ્યક્તિઓને છોડાવવા અંગે વાતચીત શરૂ કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારના કહેવા પ્રમાણે "અમે તહેરાન સાથે સતત સંપર્કમાં છીએ અને ભારતીય નાગરિકો શક્ય તેટલી ઝડપથી સુરક્ષિત પરત ફરે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ."

ઈરાનની સમાચાર સંસ્થા આઈઆરએનએ હોર્મુઝગન વિસ્તારના પોર્ટ્સ એન્ડ મૅરિટાઇમ અફેર્સના ડિરેક્ટર જનરલ અલ્લાહમોરદ અફ્ફિપોર સાથે કરેલી વાત મુજબ "આ બોટ પર 18 ભારતીય ઉપરાંત એક રશિયન, ફિલિપિન્સ, લાત્વિયન અને અન્ય દેશોના નાગરિકો છે. બોટના કૅપ્ટન ભારતીય છે, પરંતુ તેના પર બ્રિટિશ ફ્લૅગ છે."


'બહુ જલ્દી આવશે કાશ્મીર સમસ્યાનો અંત'

Image copyright AFP

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે કાશ્મીર મુદ્દાનું નિરાકરણ બહુ જલ્દી આવી જશે.

ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાની ઉઝ નદી પર એક પુલનું ઉદ્ઘાટન કરતી વખતે રાજનાથસિંહે આ વાત કરી.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને ઉગ્રવાદમાંથી આઝાદી મળી જશે. છેલ્લી સરકારમાં ગૃહમંત્રી રહેલા રાજનાથસિંહે કહેલું કે, આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે તે માટે તેનું નિરાકરણ લાવવા દરેક પક્ષ સાથે વાતચીત ચાલી રહી છે.

તેમણે કહ્યું, "મને નથી લાગતું બીજા કોઈ ગૃહમંત્રીએ એટલા પ્રયત્નો કર્યા હોય જેટલા છેલ્લાં પાંચ વર્ષમાં મેં કર્યા છે."

"મેં બધા જ પક્ષો સાથે ઘણી વાર વાત કરી અને સાર્થક સમાધાન લાવવાની કોશિશ કરી છે."

"હું સર્વદળીય પ્રતિનિધિમંડળ લઈને કાશ્મીર ગયો હતો. બધાએ જોયું કે અલગતાવાદીઓએ પોતાના દરવાજા ખોલ્યા નહીં."

રાજનાથે સંકેત આપ્યો કે ભારત સરકાર આ મુદ્દે કડક વલણ અપનાવી શકે છે. "અમારે સમાધાન લાવવું છે, હું તમને વિશ્વાસ આપું છું કે હવે કોઈ તાકાત તેને રોકી શકશે નહીં. જો તેમને વાતચીતથી સમાધાન નથી લાવવું તો પણ તમે નિશ્ચિંત રહો, અમને સમાધાન કાઢતાં આવડે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો