અલ્પેશ ઠાકોર : ભાજપ સરકારનો વિરોધ કરનારા હવે ભાજપમાં કેમ જોડાયા?

અલ્પેશ ઠાકોર અને જીતુ વાઘાણી
ફોટો લાઈન ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હતા

પૂર્વ કૉંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલા પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપ સાથે જોડાયા હતા.

અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો તેમનો રાજકીય ઉદય ભાજપની ટીકા કરીને થયો હતો. તેઓ ભાજપ વિરુદ્ધ આંદોલનો કરીને આગળ આવ્યા હતા. પરંતુ હવે તે જ અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેર્યો છે.

આ અંગે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યએ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી.

આ વાતચીત દરમિયાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું, "મારો ઉદય સામાજિક સેવાથી થયો છે. વર્ષ 2010થી હું સમાજમાં રહેલી બદીઓને દૂર કરવા માટે કામ કરી રહ્યો છું."

અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે તેમણે વ્યસનમુકિત, શિક્ષણ, રોજગારી, આવનારી પેઢીઓને પ્રોત્સાહિત કરવાનું, તેમને સુરક્ષિત ભવિષ્ય આપવાનું કામ કર્યું છે.

જોકે, આ બધું રાજ્યમાં જોવા મળ્યું નથી તેના માટે તેમણે ભાજપ સરકારને જ જવાબદાર ગણાવી હતી.

Image copyright Getty Images
ફોટો લાઈન અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે

આ મામલે અલ્પેશ ઠાકોર કહે છે, "સરકારની ઘણી નિષ્ફળ નીતિઓ અમે ઉજાગર કરી હતી અને તેના મામલે વાત પણ કરી હતી."

"પરંતુ જ્યારે અમે વ્યસનમુક્તિનું આંદોલન કર્યું ત્યારે સરકારે આશરે અમારા 10 કલાકના ઉપવાસ દરમિયાન જ કડક કાયદાની અમારી માગને સ્વીકારી હતી."

"વ્યસનમુક્તિ સિવાય અમારો બીજો મુખ્ય મુદ્દો બેરોજગારી અને ત્રીજો મુદ્દો શિક્ષણ હતો. આ મામલાઓ પર જે વિચારધારા સાથે અમે જે પાર્ટીમાં જોડાયા હતા એ પાર્ટીમાં લોકો માટે વિચારધારા જ નહોતી."

"અમને લાગ્યું હતું કે તે ગરીબો માટે વિચારશે અથવા તો ગરીબોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરશે પણ ત્યાં અંદર અંદર જૂથવાદને વધારે મહત્ત્વ મળી રહ્યું હતું અને લોકોની કોઈ વાત થતી નહોતી."

"ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી જે સરકાર છે તે પ્રતિપક્ષ છે. હું જે વર્ગનું પ્રતિનિધિત્વ કરું છું તે ગરીબ અને સામાન્ય વર્ગ છે."

"તેમનાં સપનાં ખૂબ મર્યાદિત છે પણ તે સપનાંને પૂરા કરવા માટે સરકારનો સાથ અને સહકાર જરૂરી હતો. તે સહકાર આ સરકાર આપી શકે છે."


વિજય રૂપાણીના કારણે આજે ગુજરાતમાં આંદોલન નહીં

Image copyright Getty Images
ફોટો લાઈન અલ્પેશ ઠાકોરનું માનવું છે કે વિજય રૂપાણીના કારણે આજે ગુજરાતમાં આંદોલનો થઈ રહ્યાં નથી

અલ્પેશ ઠાકોરે આ વાતચીત દરમિયાન વિજય રૂપાણીનાં પણ વખાણ કર્યાં.

અલ્પેશ ઠાકોર કહે છે, "વિજય રૂપાણી એક એવી વ્યક્તિ છે કે જેઓ પ્રતિપક્ષના ધારાસભ્યને પણ શાંતિથી સાંભળે છે અથવા તો તેમના માટે કામ કરવાની તૈયારી બતાવે છે. એ જ કારણ છે કે આજે ગુજરાતમાં કોઈ જગ્યાએ આંદોલન થઈ રહ્યાં નથી."

પરંતુ એ આંદોલનોનું શું જે અલ્પેશ ઠાકોરે વિજય રૂપાણીની સરકાર સામે જ કર્યાં હતાં?

આ સવાલના જવાબમાં અલ્પેશ ઠાકોર કહે છે, "વિજય રૂપાણી છેલ્લે આવ્યા હતા. અમારા જે કંઈ મામલા હતા તે વર્ષ 2014થી જ ચાલતા હતા અને 2015થી આંદોલન શરૂ થયું. જેમાં વિજય રૂપાણીનો પાછળથી પ્રવેશ થયો હતો."

અલ્પેશ ઠાકોરના આ જવાબ મામલે સવાલ થાય કે શું અલ્પેશ ઠાકોર પાર્ટીના કારણે ભાજપમાં જોડાયા છે કે પછી વિજય રૂપાણીના કારણે?

તેના જવાબમાં તેઓ કહે છે, "ભાજપ પાર્ટી પર આખા દેશે ભરોસો કર્યો છે અને ગુજરાત તો વર્ષોથી કરે છે. નરેન્દ્ર મોદી, અમિત શાહના વ્યક્તિત્વ અને ભાજપની કાર્યશૈલીથી તમામ લોકો વાકેફ છે."


'નરેન્દ્ર મોદી અને મશરૂમ વિશે હવે શું કહેશો?'

Image copyright Getty Images
ફોટો લાઈન એક સમયે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગોરા દેખાવા માટે ચાર લાખના મશરૂમ ખાય છે

જે અલ્પેશ ઠાકોર હાલ નરેન્દ્ર મોદી અને ભાજપનાં વખાણ કરી રહ્યા છે તે જ અલ્પેશ ઠાકોરે એક સમયે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગોરા દેખાવા માટે લાખો રૂપિયાનાં મશરૂમ ખાય છે.

તો શું અલ્પેશ ઠાકોર આજે પણ પોતાના આ નિવેદન પર કાયમ છે?

એ મામલે અલ્પેશ ઠાકોર કહે છે, "જે તે વખતે જેવાં નિવેદનો થયાં તેના મામલે હવે ભૂતકાળમાં ન પડવું જોઈએ."

"એક વર્ષ પહેલાં જ્યારે હું અમેરિકા ગયો હતો ત્યારે ત્યાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મેં નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં વખાણ કર્યાં હતાં."

"તેમાં એવું નથી કે મારા દ્વારા વખાણ કરવાથી તેઓ વધારે મોટા બની જાય."

"વિશ્વમાં જ્યારે તેમના નેતૃત્વની નોંધ લેવાતી હોય ત્યારે કોઈ જૂની વાતને ખેંચવાનો પ્રયાસ ન કરવો જોઈએ."


અચાનક કેમ ભાજપમાં જોડાયા?

Image copyright Getty Images

માર્ચ 2019માં અલ્પેશ ઠાકોર જ્યારે દિલ્હી ગયા હતા અને બીજે દિવસે પરત ફરીને તેમણે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

તેમાં તેમણે કહ્યું હતું કે 'મારામાં મંત્રી બનવાની લાલચ હતી, પરંતુ હવે મેં સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે અને હું કૉંગ્રેસ ક્યારેય નહીં છોડું.'

આ નિવેદનના ત્રણ મહિના બાદ અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો.

આ મામલે અલ્પેશ ઠાકોર જણાવે છે, "મને એવા મૅસેજ મળ્યા હતા કે ચાર પાંચ નેતાઓ ભેગા થયા અને તેમણે એવી વ્યૂહરચના ઘડી કે લોકસભા ચૂંટણી પૂર્ણ થાય એટલે અલ્પેશ ઠાકોર તેમજ તેમની સેનાને રફેદફે કરી દેવામાં આવશે. આવી બાબતો મારા ધ્યાનમાં આવી."

"મને એવું લાગ્યું કે મારે મારા સંગઠનને કંઈક અપાવવું હોય અને સંગઠન ટકાવી રાખવું હોય તો હવે અહીં ન રહી શકાય."

"તે પાર્ટીમાં જે વ્યવ્હાર થયો તે પણ દુઃખદાયી હતો. તેવામાં મારા યુવાનોના હિત માટે મારે નિર્ણય લેવો જરૂરી હતો."


રોજગારી મામલે સરકાર પાસે શું આશા?

Image copyright Getty Images

એક સમયે અલ્પેશ ઠાકોર ટાટા નેનોના પ્લાન્ટ પર તાળું મારવા ગયા હતા. વાઇબ્રન્ટ ગુજરાતનો વિરોધ કર્યો હતો.

તેવામાં શું હવે ફરી જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ યોજાય તો શું તેમાં અલ્પેશ ઠાકોર ભાગ લેશે?

તેના જવાબમાં અલ્પેશ ઠાકોર કહે છે, "મને 100% વિશ્વાસ છે કે જો વ્યવસ્થિત યોજના ઘડવામાં આવે તો ગુજરાતમાં લાખો યુવાનોને હજુ પણ રોજગારી મળશે."

"આ સરકારે સ્થાનિક યુવાનોને રોજગારી આપવાનો કાયદો બનાવ્યો છે. તે કાયદાનું 50% પણ અમલીકરણ થાય તો કોઈ બેરોજગાર રહેશે નહીં."

યુવાનોને રોજગારી આપવા માટે સરકારે મેક ઇન ઇન્ડિયા જેવી બીજી ઘણી યોજના જાહેર કરી છે. પરંતુ તેને સફળતા મળી નથી.

આ મામલે અલ્પેશ ઠાકોરનું કહેવું છે, "સરકાર પ્રયાસ કરે છે અને સરકારની સાથે સામાજિક જાગરૂકતા ફેલાવતા લોકો, સામાજિક કાર્યકરોએ જોડાવવાની જરૂર છે."

"સરકાર નાણાં ખર્ચવા તૈયાર છે પરંતુ એ નાણાંની યોગ્ય અમલવારી માટે માણસની પણ જરૂર પડે."

"અમારા લોકો તેના માટે માધ્યમ બનશે. અમે યોગ્ય પ્લેટફૉર્મ થકી અમારો અવાજ પણ મૂકીશું."

"સરકારની પહેલી અગ્રતા એ જ હોય છે કે તે લોકોને કંઈક આપી શકે. લોકો માટે મદદરૂપ થઈ શકે."

"સરકારની સંવેદના અને તેના અભિગમ સાથે અમારી જનભાગીદારીને સાથે રાખીને અમે લોકોને મદદ કરીશું."


સરકારની કોઈ નીતિમાં ઠાકોર સેના અસહમત હોય તો?

Image copyright Getty Images

અલ્પેશ ઠાકોરે હંમેશાં કહ્યું છે કે મારી પ્રાથમિકતા ઠાકોર સેના છે. અલ્પેશ ઠાકોર જ્યારે કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે પણ નિર્ણય ઠાકોર સેનાએ જ લીધો હતો.

પરંતુ હવે આગળ જો સરકારની કોઈ નીતિ સાથે ઠાકોર સેના અસહમત હોય તો અલ્પેશ ઠાકોરની પ્રાથમિકતા ઠાકોર સેના રહેશે કે ભાજપ સરકાર?

આ મામલે અલ્પેશ ઠાકોર કહે છે, "મારી પ્રાથમિકતા ઠાકોર સેના અને ઠાકોર સમાજ તો છે જ. પરંતુ તેમની સાથે બક્ષીપંચ, દલિત, આદિવાસીઓ પણ એટલી પ્રાથમિકતા છે."

"ગુજરાતના ગરીબો, બેરોજગારો, સામાન્ય લોકો, ખેડૂતો મારી પ્રાથમિકતા છે."

"ક્યાંક કોઈ પરિસ્થિતિમાં ઠાકોર સેના સરકાર સાથે અસહમતી દર્શાવે છે તો એ વચ્ચેની મધ્યસ્થી સાથે હું પ્રયાસ કરીશ કે ઠાકોર સેનાના સવાલોને યોગ્ય પ્લેટફૉર્મ થકી સરકાર સુધી પહોંચાડીશ અને તેમાં 100 ટકા નહીં તો કંઈ નહીં, પણ મહદ અંશે સફળતા અપાવવાનો પ્રયાસ કરીશ."

"હું અહીં એવાં કામ કરવા માગું છું કે આવી પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો