સોનભદ્ર જમીન હત્યાકાંડ : 'અમે ગરીબ છીએ, ખેતી નહીં કરીએ તો ખાઈશું શું?'

સ્થાનિક લોકો

શનિવારની બપોરે ઘોરાવલ તાલુકા કચેરીથી આશરે 25 કિલોમિટર દૂર ઉભ્ભા ગામમાં પ્રવેશ કરતાં સમયે જ જાણે કોઈ અતિસુરક્ષિત જગ્યાએ આવી ગયા હોઈએ એવું લાગ્યું.

ગામમાં દરેક રસ્તા પર એટલી પોલીસની ગાડીઓ ઊભી હતી અને પોલીસ એટલી સતર્ક હતી કે કોઈ ગામમાં આવવાની હિંમત કરી શકે તેમ નથી.

ગાડી વળતા જ વૃક્ષની નીચે ખુરસી નાખીને બેઠેલા પોલીસ અધિકારીઓ ઊભા થઈ ગયા. જોકે, ગાડી મીડિયાની છે એ જાણીને તેમણે આગળ વધવાની પરવાનગી આપી.

એક મોટી ઘટના પછી હોઈ શકે એવી જ ગામની સ્થિતિ હતી. ચારે તરફ સન્નાટો ફેલાયેલો હતો અને શોકનો માહોલ હતો.

ગામમાં ગ્રામજનો કરતાં પોલીસવાળાઓ અને તેમની તેમની ગાડીઓ વધારે જોવા મળી રહી હતી.

જોકે, ગ્રામજનોનું કહેવું હતું કે અહીં આમ પણ વધારે ચહલપહલ નથી હોતી. અહીં મોટા ભાગે ગોંડ આદિવાસી રહે છે કે જેઓ ખેતી અને મજૂરીમાં વ્યસ્ત રહે છે.

અમે એ જગ્યાએ પહોંચ્યા જ્યાં 17 જુલાઈના રોજ થયેલા ભૂમિ સંઘર્ષમાં 10 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં અને 25 લોકો ઘાયલ થયા હતા.

ગામનાં એક વૃદ્ધ મહિલા રામરતી પ્રાથમિક શાળાની બીજી તરફ બનેલા પોતાનાં કાચા ઘરમાં બે-ત્રણ બાળકો સાથે ગૂમસૂમ બેઠાં હતાં.

તેમનાં પરિવારના પણ બે સભ્યો આ સંઘર્ષનો ભોગ બન્યા હતા.


શા માટે લડાઈ?

લડાઈનું કારણ પૂછવા પર તેઓ નારાજ થઈ ગયાં.

તેમણે કહ્યું, "શાની લડાઈ? લડાઈ તો બે તરફથી થાય છે. તેઓ તો એકાએક બસો- અઢીસો જેટલા લોકો ટ્રેક્ટર અને પગપાળે આવ્યા, ખેતર ખેડવા લાગ્યા. ના પાડી તો મારવા લાગ્યા. જ્યારે ગામમાંથી 40-50 લોકો એકત્રિત થઈ ગયા, તો ગોળી મારવા લાગ્યા."

આટલું બોલતાં જ તેમની આંખોમાં આંસુ આવી ગયાં.

તેઓ કહેવા લાગ્યાં કે તેમના દિયર તેમજ એક ભત્રીજાનો જીવ જતો રહ્યો. ભત્રીજાનાં પત્ની બે નાનાં બાળકો સાથે ત્યાં જ હાજર હતાં.

જ્યાં આ ઘટના બની છે એ સ્થળ આ ઘરથી માત્ર અડધો કિલોમિટર દૂર છે.

17 જુલાઈની ઘટનાના સાક્ષી સમાન ખેતરોની વાડમાંથી પસાર થતાં ખેતરોમાં ટ્રેક્ટરોના પૈડાના નિશાન હજુ યથાવત છે.

ક્યાંક ક્યાંક કલ્ટિવેટર જેવા કેટલાક સાધનો પણ છૂટી ગયાં હતાં.

મારી સાથે હાજર સ્થાનિક પત્રકાર જ્ઞાન પ્રકાશ ચતુર્વેદીએ જણાવ્યું કે ઘટનાના એક દિવસ પછી પણ અલગ અલગ સ્થળે બંદૂકો, કુહાડી, દંડા અને અન્ય હથિયારો પડ્યાં હતાં જેનો પાછળથી પોલીસે કબજો મેળવ્યો હતો.


જમીનનોઝઘડો

આશરે 100 વીઘા જમીન પર અધિકાર મામલે ગામના સરપંચ અને આદિવાસીઓ વચ્ચે વિવાદ થયો. તે જમીન ખૂબ રહસ્યમયી છે.

ઉમ્ભા ગામ મુર્તિયા ગ્રામ પંચાયતની હદમાં આવે છે અને અહીંની આશરે 700 લોકોની વસતિમાં મોટા ભાગના લોકો ગોંડ આદિવાસી છે.

આ ગ્રામ પંચાયત અંતર્ગત સપહી ગામ પણ આવે છે જ્યાં સરપંચ યજ્ઞદત્ત ગુજ્જરનું ઘર છે.

ઉમ્ભા ગામની આ જમીન બે વર્ષ પહેલાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે સરપંચે આ જમીનને ખરીદી લીધી અને પેઢીઓથી ત્યાં ખેતી કરી રહેલા ગોંડ આદિવાસીઓને પાકની લણણી કરવા અને આગળ ખેતી કરવાની ના પાડી દીધી.

ગ્રામજનો તરફથી વકીલ નિત્યાનંદ દ્વિવેદીએ બીબીસીને જણાવ્યું, "આ જમીન તો પચાસના દાયકાથી જ વિવાદિત છે. પરંતુ બે વર્ષ પહેલાં સુધી આ જમીન આદર્શ કો-ઑપરેટિવ સોસાયટીના નામે હતી અને એ સોસાયટીના સભ્ય તરીકે આદિવાસીઓ પણ તેના પર ખેતી કરતા હતા."

"તેઓ તેનો કેટલોક ભાગ સોસાયટીને આપતા હતા. આવું તેઓ દાયકાઓથી કરી રહ્યાં છે."

જમીનની કહાણી નિત્યાનંદ દ્વિવેદી કંઈક આ રીતે જણાવે છે, "આ જમીન બડહર હકૂમતના રાજાની કુલ 600 વીઘા જમીનનો ભાગ છે."

"જ્યારે જમીનદારીની પ્રથા ખતમ થઈ તો રાજસ્વ અભિલેખોમાં તેને વેરાન જમીન ઘોષિત કરીને ગ્રામસભાની સંપત્તિ તરીકે નોંધવામાં આવી."

"વર્ષ 1952માં IAS અધિકારી રહી ચૂકેલા પ્રભાતકુમાર મિશ્ર અને ભાનુ પ્રતાપ શર્માએ આદર્શ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડ ઑફ ઉમ્ભાની સ્થાપના કરી ત્યાં સુધી ગ્રામજનો આ જમીન પર સુધી ખેતી કરતા રહ્યા."

"આ લોકોએ પોતાના તમામ સંબંધીઓને કો-ઑપરેટિવ સોસાયટીના સભ્ય બનાવી દીધા અને ગ્રામજનોને પણ કહી દીધું કે તમે લોકો પણ સભ્ય છો અને આ જમીન પર ખેતી કરતા રહો. આ લોકોએ ત્યારબાદ પણ ખેતી કરવાનું ચાલુ રાખ્યું."


છળ

નિત્યાનંદ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે ગામમાં રહેતા આદિવાસીઓ સોસાયટીની જમીન પર ખેતી કરતા રહ્યા અને આ તરફ સોસાયટીની જમીન સમયાંતરે પ્રભાતકુમાર મિશ્રના સંબંધીઓ અને કેટલાક અન્ય સભ્યોનાં નામે રજીસ્ટર થતી રહી.

વર્ષ 2017માં તેમાંથી જ આશરે 100 વીઘા જમીન સરપંચ ભુર્તિયાને વેચી દેવામાં આવી.

સ્થાનિક લોકો સાથે વાતચીત દરમિયાન એવી જાણકારી પણ સામે આવી કે પહેલાં સોસાયટીના મુખ્ય લોકો જ આ જમીન પર હર્બલ ખેતી કરવા માગતા હતા.

પરંતુ જમીન પર કબજો મેળવી ન શકવાના કારણે એ શક્ય બની શક્યું નહીં.

સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે સરપંચને જમીન વેચવા પાછળ પણ આ જ કારણ છે.

ઉમ્ભા ગામના રહેવાસી રામલાલ કહે છે, "અમે લોકો ચાર-પાંચ પેઢીઓથી આ જમીન પર ખેતી કરી રહ્યા છીએ. અમારી પાસે કોઈ દસ્તાવેજ નથી પરંતુ અમે એ જાણીએ છીએ કે સોસાયટીના સભ્યો છે અને સોસાયટીમાં પૈસા પણ જમા કરે છે."

"બે વર્ષ પહેલાં અમે ધાનની ખેતી કરી હતી તો સરપંચના લોકો આવીને કહેવા લાગ્યા કે હવે તમે લોકો તેની લણણી કરશો નહીં અને આગળથી આ જમીન પર ખેતી પણ નહીં કરો. કેમ કે, આ જમીન અમે ખરીદી લીધી છે."

"અમે લોકો માન્યા નહીં. અમે કહ્યું કે અમે ગરીબ છીએ, ખેતી નહીં કરીએ તો શું ખાઈશું? બે વર્ષથી અમે લોકોએ સોસાયટીમાં પૈસા જમા કર્યા નથી, કેમ કે કોઈ લેવા આવ્યું જ નથી. સરપંચ આ વખતે જમીન પર કબજો કરવા માટે આખી સેના લઈને આવી ગયા અને અમારા પર હુમલો કરી દીધો."

નિત્યાનંદ દ્વિવેદી પ્રમાણે, જમીનને ગ્રામસભાની જમીન તરીકે નોંધવી, તેને સોસાયટીને સોંપવી અને પછી તેની ખરીદી તેમજ વેચાણ બધુ જ ગેરકાયદેસર હતું પરંતુ તેમ થતું રહ્યું.

તેની પાછળ કારણ એવું હતું કે આખી 'ગૅમ' માત્ર કેટલાક લોકો અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે મર્યાદિત રહી.

જમીન પર ખેતી કરતા આદિવાસીઓને આ અંગે કોઈ માહિતી ન હતી. તેઓ તો પોતાને જમીનના માલિક સમજીને ખેતી કરી રહ્યા હતા.

પરંતુ જ્યારે સરપંચે જમીન ખરીદીને તેના પર કબજો મેળવવાનો પ્રયાસ કરવા માગ્યો તો મોટો વિવાદ ઊભો થઈ ગયો.

અધિકારીઓને પૂછવા પર તેમની પાસે પણ કોઈ જવાબ નથી.

ઘોરાવળના એસડીએમ અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે સોનભદ્રના જિલ્લાધિકારી અંકિત અગ્રવાલ કહે છે, "આ સમગ્ર મામલાની તપાસના આદેશ મુખ્ય મંત્રીએ આપ્યા છે અને તપાસ ચાલી રહી છે કે આ બધું કેવી રીતે થયું."

વિવાદિત હોવા અને આદિવાસીઓ ખેતી કરી રહ્યા હોવા છતાં સરપંચે જમીન કેમ ખરીદી, તેના અંગે જાણકારી મળી શકી નથી.

કારણ એ છે કે સરપંચ અને તેમના પરિવારના ચાર લોકોની ધરપકડ થઈ ગઈ છે જ્યારે મહિલાઓ સહિત અન્ય પરિવારજનો નાસી છૂટ્યાં છે.

ઉમ્ભા ગામથી તળાવના કિનારે કાચા રસ્તે પસાર થઈને સરપંચ ભુર્તિયાના ઘરે પહોંચવુ ઘણું અઘરું હતું.

પરંતુ ઉમ્ભા ગામથી આશરે બે કિલોમિટર દૂર હોવા છતાં સરપંચનું ઘર દેખાઈ રહ્યું હતું કેમ કે કાચા ઘર ધરાવતા ગામમાં એકમાત્ર પાકું અને મોટું ઘર હતું.

સરપંચના ઘરની બહાર કેટલાક પોલીસકર્મીઓ હતા જેઓ સુરક્ષા આપી રહ્યા હતા. ઘરે અન્ય કોઈ સભ્યો હાજર ન હતા.

સેંકડો બોરી ઘઉં અને તમામ અન્ય વસ્તુઓ ઘરની બહાર પડી હતી.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સરપંચ મૂળ આ ગામના નથી પરંતુ રાજસ્થાનના કોઈ વિસ્તારમાંથી તેમના પૂર્વજો 60ના દાયકામાં અહીં આવીને વસ્યા હતા. તેમણે સપહી ગામમાં ઘણી જમીન ખરીદી લીધી હતી.

શનિવારના રોજ જ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પીડિત પરિવારોને મળવાની જીદ વચ્ચે ઉમ્ભા ગામમાં મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની રકમ વહેંચવામાં આવી, પરંતુ ઘાયલોને 50-50 હજાર રૂપિયા હજુ મળ્યા નથી.

Image copyright @CONGRESS

આશરે બે ડઝન ઘાયલ લોકોનો સોનભદ્રની જિલ્લા હૉસ્પિટલમાં અને વારાણસીમાં ઇલાજ ચાલી રહ્યો છે.

પ્રિયંકા ગાંધીને ઉમ્ભા ગામ આવવાની પરવાનગી ન મળી અને કેટલાક પરિવારજનો સાથે તેમની મુલાકાત ચુનારના કિલ્લામાં જ કરાવી દેવામાં આવી.

જ્યારે આગામી દિવસે એટલે કે રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પીડિત પરિવારોને મળવા ઉમ્ભા ગામ પહોંચ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો