એ વ્યક્તિ જેણે ચંદ્ર પર જમીન ખરીદી છે, તમે કઈ રીતે ખરીદી શકો?

મૂન Image copyright Getty Images

હાલ મૂન મિશનના કારણે ચંદ્રની ભારે ચર્ચા થઈ.. ભારતે ચંદ્રયાન-2 લૉન્ચ કરીને ચંદ્ર પર જીવન અંગે શોધ મામલે એક પગલું આગળ વધાર્યું છે.

ચંદ્ર પર હજુ સુધી લોકો વસ્યા નથી પરંતુ પહેલેથી જ ઘણી સંસ્થાઓ ત્યાંની જમીન વેચવા લાગી છે.

ઘણા સેલેબ્રિટી સહિત સામાન્ય લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. તેવા જ લોકોમાંથી એક છે રાજીવ ભાગ્ડી.

રાજીવ એક એવા વ્યવસાયી છે કે જેઓ મૂળ હૈદરાબાદના છે અને તેમનો દાવો છે કે ચંદ્રની કેટલીક જમીન પર તેમનો હક છે.

ફોટો લાઈન રાજીવ ભાગ્ડીનો દાવો છે કે ચંદ્ર પર કેટલીક જમીન પર તેમનો હક છે

રાજીવનો દાવો છે કે તેમણે આ જમીન વર્ષ 2003માં 140 અમેરિકી ડૉલર (આશરે 9,649 રૂપિયા)ની કિંમતે ખરીદી હતી.

આ પ્રોપર્ટી ન્યૂયોર્ક સ્થિત લ્યૂનર રજીસ્ટ્રી દ્વારા નોંધવામાં આવી છે.

રાજીવ સિવાય બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી છે.

સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીન પોતાના માટે ખરીદી હતી જ્યારે હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે શાહરૂખ ખાનને આ જમીન ભેટમાં મળી છે.

રાજીવનું કહેવું છે કે ચંદ્રયાન-2 મિશનના પગલે હવે એવી આશા જાગી છે કે એક દિવસ તેઓ તેમના પરિવાર સાથે ચંદ્ર પર પિકનિક મનાવવા માટે જઈ શકશે અને ચંદ્રની જમીન પર કોઈ નિર્માણ પણ કરી શકશે.


ચંદ્રની માલિકી કોની પાસે?

ઘણી એવી વેબસાઇટ છે કે જેના પર ચંદ્ર પર જમીન વેચવાના દાવા કરવામાં આવે છે. પરંતુ ખરેખર ચંદ્રની માલિકી કોની પાસે છે? શું ત્યાંની જમીનની કોઈ લે-વેચ કરી શકે?

ભારતે એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જે કોઈ પણ વ્યક્તિને અંતરિક્ષના કોઈ પણ ભાગમાં કંઈક ખરીદવા અથવા પોતાનો દાવો કરતા રોકે છે.

1967થી પ્રભાવી આ સમજૂતીને 'ધ આઉટર સ્પેસ ટ્રીટી'ના નામે ઓળખવામાં આવે છે. આ સમજૂતી પર ભારત સહિત 100 દેશોએ હસ્તાક્ષર કર્યા છે.

ટ્રીટીના એક આર્ટિકલ પ્રમાણે, "આઉટર સ્પેસનો ઉપયોગ ગમે તે દેશ પોતાના આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે કરી શકે છે."

"અહીં આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ગમે તે વ્યક્તિ જઈ શકે છે. અહીં વૈજ્ઞાનિક પ્રયોગો કરવાની દરેકને છૂટ છે. દરેક દેશને અહીં સંશોધન કરવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ."

ટ્રીટીના અન્ય એક આર્ટિકલ પ્રમાણે આઉટર સ્પેસ જેમાં ચંદ્ર પણ સામેલ છે, તે એક કૉમન હેરિટેજ છે."

"કૉમન હેરિટેજ એટલે કે કોઈ પણ વ્યક્તિ તેનો ખાનગી ઉપયોગ કરી શકતી નથી."

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સ્પેસ લૉના ડિરેક્ટર સ્ટીફન ઈ. ડૉય્લ જણાવે છે કે ચંદ્ર પર કોઈ વ્યક્તિની માલિકી નથી. એ જ રીતે જેમ દરિયાનું કોઈ માલિક નથી.

બીબીસી ન્યૂઝ તેલુગુ સાથે વાત કરતા તેઓ જણાવે છે, "એવી કોઈ જોગવાઈ નથી કે જેની મદદથી લોકો ત્યાં ખાનગી ઉપયોગ માટે જમીન ખરીદી શકે."

"ચંદ્ર પર જે મટીરીયલ છે તે ત્યાંથી લાવીને અહીં વાપરી શકાય છે, એ જ રીતે જેમ દરિયામાંથી માછલીને બહાર કાઢી તેનો ઉપયોગ થાય છે. તે વસ્તુઓ પર કોઈનો માલિકી હોતી નથી."

જ્યારે રાજીવ ભાગ્ડીના દાવા અંગે વાત કરવામાં આવી તો સ્ટીફન કહે છે, "ચંદ્ર પર જમીનની માલિકીનો દાવો બોગસ છે. તેનો કોઈ મતલબ નથી."

"જે લોકો ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે તેઓ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. તેમની પાસે કોઈ પ્રોપર્ટી નથી જેને તેઓ વેચી શકે."

એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા મળી નથી કે લ્યૂનર રજીસ્ટ્રી અને લ્યૂનર લૅન્ડ જેવી કંપનીઓ કે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે, તેમની વિરુદ્ધ કોઈ કેસ દાખલ થયો છે કે નહીં.

તેમની પ્રતિક્રિયા જાણવા માટે બીબીસીએ એ કંપનીઓનો પણ સંપર્ક સાધ્યો, પરંતુ આ રિપોર્ટ તૈયાર થવા સુધી તેમની કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી.

લૂનર રજીસ્ટ્રીએ તેમની વેબસાઇટ પર FAQમાં જવાબ આપ્યો છે, "તેમની પાસે ચંદ્ર પર જમીનની માલિકી નથી પરંતુ એક પ્રોસેસના માધ્યમથી તેઓ માલિકી નોંધાવી શકે છે."

"આ માલિકી તેઓ ચંદ્રની કેટલીક મર્યાદિત જગ્યાઓ માટે નોંધાવી શકે છે."

સ્પેસ સેટલમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના એલન વેસ્સર જણાવે છે, "ચંદ્ર પર કોઈ માલિકી ધરાવતું નથી, અને ઇન્ટરનેશનલ ટ્રીટી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ક્યારેય ચંદ્ર પર હક જમાવી શકે નહીં."

"રાજીવ જેવા લોકો પણ પોતાની માલિકી નોંધાવી શકતા નથી. ચંદ્રની જમીન જે કંપનીઓ વેચી રહી છે, તે કંપનીઓ તેમને નવીન આઇટમ તરીકે વેચી રહી છે, કાયદાકીય રીતે નહીં."

Image copyright EPA

તો એ લોકોનું શું કે જેમણે ચંદ્ર પર જમીન માટે પૈસા આપ્યા છે? સ્ટીફન ઈ. ડૉય્લ કહે છે કે એ પૈસા કોઈ ઠગને આપ્યા હોવા સમાન છે.

આ મામલે રાજીવ કહે છે કે તેમને તેમના દસ્તાવેજના ખરા હોવા અંગે કોઈ ચિંતા નથી.

તેમનું માનવું છે કે તેમણે એક પ્રોજેક્ટ માટે રોકાણ કર્યું છે કે જે ભવિષ્યમાં મનુષ્યો માટે સારું હોઈ શકે છે.

તેઓ કહે છે, "લોકો મને મૂર્ખ કહી રહ્યા છે. મને તેનાથી કોઈ ફેર પડતો નથી. મારો એક દૃષ્ટિકોણ હતો અને હું માનું છું કે ચંદ્ર મનુષ્યોને મદદ કરશે."

"તે જ દિશામાં મેં નાનું એવું રોકાણ કર્યું છે. મને તેમાં કોઈ વાંધો નથી જો મારા દસ્તાવેજને માન્ય ન ગણવામાં આવે."

"મને ત્યારે ખુશી થશે જ્યારે એક દિવસ મનુષ્ય ચંદ્ર પર જીવી શકશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો