કર્ણાટક : કુમારસ્વામીની સરકાર પડી, હવે આગળ શું?

કુમાર સ્વામી Image copyright Getty Images

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણનો અંત આવ્યો છે અને વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીની સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની લાલચનો વિજય થયો છે અને લોકશાહી, પ્રામાણિકતા અને કર્ણાટકના લોકોની હાર થઈ છે.

આ સાથે જ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં ચાલતી કૉંગ્રેસ-જેડીએસની સરકાર પડી ગઈ છે.

આજે વિશ્વાસમત અંગે થયેલા મતદાનમાં કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને 99 મતો મળ્યા હતા જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા.

વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શક્યા બાદ કુમારસ્વામી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા હતા અને પોતાનું રાજીનામું આપી દીધું હતું.

વજુભાઈ વાળાએ કુમારસ્વામીનું રાજીનામું સ્વીકારી લીધું છે, હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

જોકે, રાજ્યમાં નવી સરકારની રચના ના થાય ત્યાં સુધી કુમારસ્વામી કાર્યકારી મુખ્ય મંત્રી બન્યા રહેશે.

ગત સપ્તાહથી ચાલી રહેલા આ રાજકીય ઘમસાણમાં અંતે આજે ફ્લોર ટેસ્ટ થયો હતો.

બળવાખોર ધારાસભ્યો ઉપરાંત બસપાના એકમાત્ર ધારાસભ્ય પણ હાજર રહ્યાં નહોતા.

રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું કે પહેલા દિવસથી જ બહારના અને અંદરના લોકોના સ્થાપિત હિતો માટે કૉંગ્રેસ-જેડીએસની સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી હતી, એમને એવું લાગતું હતું કે આ ગઠબંધન સરકાર એમની સત્તાની સામે પડકાર છે અને અવરોધરૂપ છે. એમની લાલસા જતી ગઈ. લોકશાહી, પ્રામાણિકતા અને કર્ણાટકના લોકોની હાર થઈ.

માયાવતીએ ગૃહમાં હાજરી નહીં આપનાર ધારાસભ્યની શિસ્તભંગ બદલ હકાલપટ્ટી કરી છે.

કુમારસ્વામીએ વિશ્વાસમત સદનમાં રજૂ કર્યો હતો. જે બાદ તેના પર મતદાન થયું હતું.

આ પહેલાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બે વખત વિશ્વાસ મતની ડેડલાઇન સેટ કરી હતી પરંતુ એ સમયમર્યાદામાં પણ વિશ્વાસ મત માટે વિધાનસભામાં મતદાન થઈ શક્યું ન હતું.


હવે કર્ણાટકમાં શું થશે?

Image copyright Ani

કૉંગ્રેસ-જેડીએસની સરકાર પડી ગયા બાદ કર્ણાટકમાં ભાજપની સરકારના ગઠનનો રસ્તો સાફ થઈ ગયો છે.

બી. એસ. યેદુરપ્પાના નેતૃત્વમાં ભાજપ હવે રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે.

વિશ્વાસમત દરમિયાન 15 ધારાસભ્યોએ સદનની કાર્યવાહીથી અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો.

આ રીતે સદનમાં સભ્યોની સંખ્યા 224થી ઘટીને 204 રહી ગઈ હતી.

જેથી કુમારસ્વામી માત્ર ચાર મતોના અંતરથી વિશ્વાસમત હાંસલ કરી શક્યા ન હતા.

મતદાન પહેલાં પોતે આપેલા ભાષણમાં તેમણે કહ્યું કે તેઓ રાજકરણમાં આવવા માગતા ન હતા, તેમણે કર્ણાટકની જનતાની પણ માફી માગી હતી.

વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શક્યા બાદ હવે કુમારસ્વામી પોતાના પદ પરથી રાજીનામું આપશે.

જે બાદ ભાજપ કર્ણાટકમાં પોતાની સરકાર રચવાનો દાવો કરશે.


જ્યારે ભાજપે કુમારસ્વામીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા

કૉંગ્રેસ-જેડીએસના નેતાઓએ ભાજપ પર એવા આરોપો લગાવ્યા હતા કે તેઓ તેમના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે ભાજપ અને યેદિયુરપ્પાને કારણે તેમની સરકાર પડી ગઈ છે અને તેમના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં.

જોકે, વર્ષ 2006માં આ જ ભાજપ અને યેદિયુરપ્પાને કારણે કુમારસ્વામી મુખ્ય મંત્રી બન્યા હતા.

2006માં ભાજપે જેડીએસને પોતાનો ટેકો જાહેર કરીને કુમારસ્વામીને કર્ણાટકના મુખ્ય મંત્રી બનાવ્યા હતા.

એ સરકારમાં યેદિયુરપ્પા ઉપમુખ્ય મંત્રી હતા અને તેઓ કુમારસ્વામીના નેતૃત્વ નીચે કામ કરતા હતા.

જ્યારે યેદિયુરપ્પાને મુખ્ય મંત્રી બનાવવાનો મામલો આવ્યો તો કુમારસ્વામીએ પોતાનું સમર્થન પરત લઈ લીધું અને સરકાર પડી ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ