દલિતો, મજૂરો અને મહિલાઓનું એ આંદોલન જેણે ભારતને માહિતીનો અધિકાર અપાવ્યો

MKSS Image copyright MKSS

જ્યારથી લોકસભામાં આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટ 2015 એટલે કે માહિતી અધિકાર કાયદામાં સુધારો સૂચવતું બિલ 'આરટીઆઈ ઍમેન્ડમૅન્ટ બિલ 2019' પાસ કરવામાં આવ્યું ત્યારથી દેશભરમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

આ કાયદો દેશના લોકોને માત્ર 10 રૂપિયામાં સરકારનાં કામકાજનો હિસાબ તથા અન્ય માહિતી માગવાની સ્વતંત્રતા આપે છે. આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ થતો નથી.

જોકે, વિરોધ પક્ષ અને સામાજિક કાર્યકરોનું માનવું છે કે સરકારે કરેલા આ સુધારાથી માહિતી મેળવવાનો કાયદો નબળો પડી જશે.

કર્મશીલો માને છે કે સરકારે જે સુધારો કર્યો છે તેનાથી માહિતી કમિશનરોને ચોક્કસ રાજકીય હેતુ માટે લલચાવી શકાશે અને એમની પર ભય ઊભો થશે.

ભારતના ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ પડે કે જ્યારે પણ લોકોએ પોતાના હક માટે રસ્તા પર ઊતરી જનઆંદોલનો કર્યાં છે, તેના પરિણામ સ્વરૂપે ઉજ્જવળ ભવિષ્યનો સૂર્યોદય થયો છે.


માહિતી માટે મજૂરોનું આંદોલન

Image copyright MKSS

જુલાઈ 1990માં રાજસ્થાનના દેવડુંગરી ગામમાં ભરબપોરે આગઝરતી ગરમીમાં લોકો રસ્તા પર આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલન 'રોટી, કપડાં ઔર મકાન' માટે નહીં, પરંતુ માહિતી માટે થઈ રહ્યું હતું.

રસ્તા પર બનાવેલી વાંસની નાની ઝૂંપડીઓ અને અસ્થાયી આશ્રયસ્થાનોમાંથી 'પહેલેવાલે ચોર બંદૂક સે મારતે થે, આજ કે ચોર કલમ સે મારતે હૈ, રાજ ચોરો કા હૈ' સરકાર સામે બળવા સ્વરૂપે ગવાતું આ ગીત દલિત મજૂર મોહનલાલના કંઠેથી વેદનાના સ્વરો સાથે નીકળી રહ્યું હતું.

માહિતી માટે થઈ રહેલા આ આંદોલન અંગે સામાજિક કાર્યકર અરુણા રોયે 'ધ આરટીઆઈ સ્ટોરી- પાવર ટુ ધ પીપલ' નામે એક પુસ્તક પણ લખ્યું છે.

જોકે, તેમનું કહેવું છે કે આ પુસ્તક માત્ર તેમણે નહીં પરંતુ આંદોલનકારીઓના સહયોગથી લખ્યું છે.

પુસ્તકમાં તેમણે લોકોને મળેલા માહિતીના અધિકારની સંઘર્ષગાથા વર્ણવી છે.

માહિતી મેળવવા માટેનું સૌપ્રથમ આંદોલન રોજ કમાઈને રોજ ખાનારા મજૂરો દ્વારા પોતાના હક માટે લડવામાં આવ્યું હતું.

મજૂરોની માગ હતી કે તેમણે કરેલા દરરોજનાં કામકાજનો હિસાબ તેમને આપવામાં આવે. આ લોકોનો એવો આક્ષેપ હતો કે સરકારી અધિકારીઓ ખોટાં બહાનાં ધરી તેમનું વેતન કાપી લે છે.

તનતોડ મહેનત અને દિવસભર સંઘર્ષ કર્યા બાદ પણ જો ગુજરાન ચલાવવા માટે પૂરું વળતર ના મળે, તો સરકારી તંત્રમાં ક્યાંક કંઈ અજુગતું 'રંધાઈ' રહ્યું હોય તેવી શંકા મજૂરોને ગઈ.

આ શંકાનું નિરાકરણ લાવવા બધા મજૂરો એકઠા થયા અને સ્થાનિક તંત્ર પાસે પોતાના કામનો હિસાબ માગ્યો.

જોકે, તંત્રે આ 'દસ્તાવેજ ગુપ્ત' હોવાનું કહી તેમને હિસાબ આપવાનું ટાળી દીધું. આ જ એ ઘટના હતી જ્યાંથી 'માહિતીના અધિકાર'નો વિચાર જન્મ્યો.

આ આંદોલન સામાજિક મુદ્દાઓ અને લોકોને ન્યાય અપાવા માટે કાર્ય કરતા સંગઠન MKSS (મજદૂર કિસાન શક્તિ સંગઠન) દ્વારા થઈ રહ્યું હતું.


શું છે MKSS?

Image copyright MKSS

MKSS એટલે 'મજદૂર કિસાન શક્તિ સંગઠન' જેની સ્થાપના વર્ષ 1987માં અરુણા રોય, નિખિલ ડે, શંકરસિંહ તથા અન્ય લોકો દ્વારા કરવામાં આવી હતી.

અરુણા રોય એક એવાં મહિલા છે જેઓ IAPSની નોકરી છોડી ગરીબ લોકોની સેવા માટે રાજસ્થાનના એક નાનકડા ગામડામાં વસી ગયાં.

અરુણા રોય 1968ની બૅન્ચનાં IAS અધિકારી તરીકે જાહેરસેવામાં આવ્યાં હતાં, પરંતુ છ વર્ષની સરકારી નોકરી બાદ તેમણે બધું જ છોડી સામાજિક કાર્ય માટે જીવન અર્પી દીધું.

અરુણા રોય અને તેમના સંગઠનના જોરે એક પંચાયત પૂરતું સીમિત બનેલું જનઆંદોલન સમગ્ર રાજ્યવ્યાપી બન્યું.


જાહેરમાં સરકારનો 'ભાંડાફોડ'

Image copyright ARUNA ROY

1990માં મજૂરોને સરકારી ચોપડે નોંધાયેલી માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી MKSS દ્વારા ભૂખહડતાળ, રેલીઓ અને અનેક પ્રદર્શનો કરવામાં આવ્યાં.

આખરે વર્ષ 1994માં આ સંઘર્ષનું સફળ પરિણામ આવ્યું. બન્યું એવું કે સરકારી તંત્ર પાસેથી ગમે તેમ કરીને ગામમાં ચાલી રહેલાં કામોના દસ્તાવેજ MKSSને મળી ગયા.

2 ડિસેમ્બર, 1994માં MKSS દ્વારા ગામના કોઈ એક ચોક પર 'જનસુનાવણી' કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. આ 'જનસુનાવણી'માં મજૂરોનાં વેતન અને કામની હાજરીને લગતી તમામ બાબતોની માહિતી જાહેર કરી દેવામાં આવી.

આ માહિતીમાં જાણવા મળ્યું કે તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

આ પ્રથમ સફળતા હતી કે જો લોકો પાસે માહિતીનો અધિકાર હશે તો તંત્રમાં પારદર્શકતા આવશે.

આ અધિકારને બહોળા સ્તરે લાગુ કરવા અને કાયદાનું રૂપ આપવા માટે MKSS દ્વારા સમાયાંતરે 'જનસુનાવણી' કાર્યક્રમ હાથ ધરવામાં આવી.

આ જનસુનાવણીમાં સરકારનાં કાર્યોને લગતી માહિતીને ગામના ચોક વચ્ચે જાહેર કરવામાં આવતી.

લાંબા સંઘર્ષ બાદ સરકાર પંચાયત ઍક્ટમાં ફેરફાર કરવા રાજી થઈ, જેમાં લોકોને માહિતી મેળવવાનો અધિકાર આપવાની વાત કરવામાં આવી હતી.

લોકોને સરકાર પાસેથી માહિતી મળે તેવો કાયદો બને તે માટે MKSS દ્વારા સમગ્ર રાજસ્થાનમાં પ્રદર્શનો કરવામાં આવ્યાં.

ધીરે-ધીરે સમય વીતતો ગયો અને માહિતીના અધિકારનો કાયદો બને તે માટે આંદોલનો ઉગ્ર બન્યાં. આ એ સમય હતો જ્યારે રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી હતી.

આંદોલનને શાંત પાડવા માટે તત્કાલીન મુખ્ય મંત્રી ભૈરોસિંહ શેખાવતે વચન આપ્યું કે 'લોકોને માહિતીનો અધિકાર મળે તેવો કાયદો બનાવવામાં આવશે.'

પરંતુ આ વચન પણ નેતાઓનાં અન્ય વચનોની જેમ સમય સાથે વીસરાઈ ગયું.

સામે MKSS દ્વારા આંદોલન તેજ કરવામાં આવ્યાં અને આંદોલનને દેશવ્યાપી બનાવવા તરફ વિચાર કરવામાં આવ્યો.


40 દિવસનું આંદોલન

Image copyright MKSS

એપ્રિલ 1996માં આંદોલનને મજબૂત બનાવવા માટે MKSS દ્વારા રાજસ્થાનના અજમેર જિલ્લાના બેવાર ગામને પસંદ કરવામાં આવ્યું.

અરુણા રોયેનું કહેવું છે કે બેવારમાં થયેલા આ આંદોલનનો ખૂબ જ પ્રભાવ પડ્યો.

40 દિવસ સુધી ચાલેલા આ આંદોલનમાં રાજસ્થાન સહિત દેશભરમાંથી લોકો સાથ આપવા માટે બેવાર આવી રહ્યા હતા.

આંદોલન કરી રહેલા લોકોને ખાવાપીવાનું પૂરું પાડવા માટે લોકો જાતે જ આગળ આવી રહ્યા હતા.

કોઈ શાકભાજી, અનાજ, પાણી આપી જતું તો કોઈ સ્વાસ્થ્યને લગતી સેવાઓ પણ આપવા આવતા હતા.

આખરે આંદોલનના પરિણામ સ્વરૂપે દિલ્હી ખાતે NCPRI (નેશનલ કૅમ્પેન ઑન ધ પીપલ્સ રાઇટ ટુ ઇન્ફર્મેશન)નું ગઠન થયું.

NCPRIનું કામ માહિતીના અધિકારને કાયદાકીય સહાય અને સરકાર તેને કાયદાનું સ્વરૂપ આપે તેવું હતું.

ત્યારબાદ ધીમે-ધીમે માહિતીના અધિકાર માટેનો કાયદો બને તે માટે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા આગળ આવ્યું, જેમણે રાજસ્થાનમાં નેતાઓ સાથે બેઠકો કરી.

આખરે 1996ના અંતમાં NCPRI અને પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ 'માહિતી અધિકાર બિલ'નો મુસદ્દો તૈયાર કર્યો અને કેન્દ્ર સરકારને સુપરત કર્યો.

સરકારે આ મુસદ્દા માટે એચ. ડી. મંસૂરી કમિટીનું ગઠન કર્યું, જેમણે માહિતી અધિકાર બિલ પર કામ કર્યું અને સરકારને તેમનો મુસદ્દો સોંપ્યો.


સંઘર્ષ બાદ કાયદાને મંજૂરી

Image copyright ARUNA ROY

આખરે સંસદમાં આ મુસદ્દાને 'ફ્રિડમ ઑફ ઇન્ફર્મેશન ઍક્ટ 2002' મથાળા હેઠળ લીલીઝંડી આપવામાં આવી, પરંતુ તેનો પણ ઘણો વિરોધ થયો.

હજુ એ સમય નહોતો આવ્યો કે ભારતની જનતાને માહિતીનો અધિકાર મળી જાય. હજુ તો આ બિલને ઘણા કાયદાકીય અને રાજકીય 'દાવપેચ'માંથી પસાર થવાનું હતું.

વર્ષ 2004માં યૂપીએ (યુનાઇટેડ પ્રોગેસિવ અલાયન્સ)ની સરકાર ચૂંટાઈને આવી. તેમણે વચન આપ્યું કે 'માહિતીનો અધિકાર આપતો કાયદો વધુ પ્રગતિશીલ, સહભાગી અને યથાર્થપૂર્ણ બનશે.'

આ બાદ નેશનલ એડવાઇઝરી કમિટી (NAC)એ આ કાયદામાં રસ લીધો અને તેને આગળ ધપાવવાનું કામ કર્યું.

ત્યારબાદ NACની બેઠકમાં અરુણા રોય અને અન્ય લોકો સાથે થઈ અને બિલ અંગે ચર્ચા કરવામાં આવી.

આખરે 10 મે, 2015માં લોકસભામાં 'આરટીઆઈ ઍમેન્ડમૅન્ટ બિલ 2005' રજૂ થયું અને સભ્યો દ્વારા પાસ કરી દેવામાં આવ્યું.

12 મેના રોજ આ બિલ રાજ્યસભામાં રજૂ થયું અને ત્યાં પણ તેને પાસ કરી દેવામાં આવ્યું.

15 જૂન, 2005માં આ બિલને એ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામે મંજૂરીની મહોર મારી. 12 ઑક્ટોબર, 2005માં સત્તાવાર રીતે ભારતમાં 'માહિતી અધિકાર બિલ 2005' લાગુ કરવામાં આવ્યું.

અત્યારે દેશના લોકો સરકારને કોઈ પણ સવાલ કરી શકે છે એ ગરીબ અને મજૂરોના આંદોલનને કારણે શક્ય બન્યું છે.


સરકારે પાસ કરેલું નવું બિલ

Image copyright RTI.GOV.IN

સરકારે લોકસભામાં આરટીઆઈ ઍમેન્ડમૅન્ટ બિલ 2019 રજૂ કર્યું જે આરટીઆઈ બિલ 2015ની અનુચ્છેદ 13 અને 16માં સંશોધન કરે છે.

આ સંશોધન મુજબ કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરનો કાર્યકાળ પાંચ વર્ષ (65 વર્ષની ઉમર મર્યાદા અથવા કાર્યકાળ જે પણ પહેલાં હોય) માટે નિર્ધારિત કરવામાં આવે છે.

મોદી સરકારનો પ્રસ્તાવ છે કે સૂચના અધિકારીના કાર્યકાળનો નિર્ણય કેન્દ્ર સરકાર કરશે. આ ફેરફારની સામે કર્મશીલો અને વિરોધપક્ષો વાંધો ઉઠાવી રહ્યા છે.

કર્મશીલો માને છે કે કાર્યકાળ નિશ્ચિત નહીં રાખવાને લીધે અને વેતન-ભથ્થાં વગેરે પર જે તે સરકાર પર આશ્રિત થવાને લીધે માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર દબાણમાં આવશે.

અનુચ્છેદ 13 મુજબ મુખ્ય સૂચના અધિકારીનું વેતન, ભથ્થું અને સેવાની શરતો મુખ્ય ચૂંટણી કમિશનર સમાન હશે અને સૂચના આયોગ પણ ચૂંટણીપંચની સમકક્ષ હશે.

અનુચ્છેદ 16 રાજ્યકક્ષાના મુખ્ય ચૂંટણી અધિકારી અને સૂચના અધિકારી સંબંધિત છે. તેમનો કાર્યકાળ પાંચ વર્ષ (65 વર્ષની ઉમર મર્યાદા અથવા કાર્યકાળ જે પણ પહેલાં હોય) માટે નિર્ધારિત કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ