Top News: બ્રાહ્મણ 'દ્વિજ' હોય છે અને દરેક 'સારા ગુણ' બ્રાહ્મણમાં હોય છે : કેરળ હાઈકોર્ટ જજ

પ્રતીકાત્મક તસવીર Image copyright Godong / Getty
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ કેરળ હાઈકોર્ટના જજ ચિતમબરેશે નિવેદન આપ્યું છે કે બ્રાહ્મણ 'દ્વિજ' હોય છે અને 'દરેક સારા ગુણો' બ્રાહ્મણમાં હોય છે.

કોચીમાં યોજાયેલી તમિલ બ્રાહ્મણ ગ્લોબલ મિટિંગમાં તેમણે આ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે સમુદાયે 'આર્થિક અનામત'ની માગણી કરવી જોઈએ.

એમણે કહ્યું, ''બ્રાહ્મણ કોણ છે? બ્રાહ્મણ પૂર્વજન્મના સુકર્મોને કારણે દ્વિજ છે."

"એની ખાસ લાક્ષણિકતા હોય છે, સ્વચ્છ ટેવો હોય, વિચારક મિજાજ હોય, શુદ્ધ ચરિત્ર હોય છે, એ મોટા ભાગે શાકાહારી હોય છે અને એ કર્ણાટકી સંગીતને પ્રેમ કરે છે.''

''દરેક સારી બાબતોનો સંગમ જેમાં થાય છે તે બ્રાહ્મણ છે. એ પણ નોંધવું જોઈએ કે બ્રાહ્ણણ કોમવાદી કદી નથી હોતો."

"એ લોકોને પ્રેમ કરે છે, બીજાની લાગણીનો વિચાર કરે છે, એ અહિંસાવાદી હોય છે.''

''એ સારા કાર્ય માટે ઉદાર હાથે દાન આપે છે અને આવી વ્યકિત સદા ઉચ્ચસ્થાને હોવી જોઈએ.''

જસ્ટિસ ચિતમબરેશ 2011માં કેરળ હાઈકોર્ટમાં એડિશનલ જજ બન્યા અને 2012માં કાયમી જજ બન્યા.


પાકિસ્તાને એક વર્ષમાં 16 અબજ ડૉલરનું વિદેશી કરજ લીધું

Image copyright Reuters

ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ પહેલી વાર પાકિસ્તાનનું વિદેશી કરજ એક વર્ષમાં 16 અબજ ડૉલર થઈ ગયું છે.

16 અબજ ડૉલરનું આ વિદેશી કરજ પાકિસ્તાને નાણાકીય વર્ષ 2018-19માં લીધું છે. જેમાં અગિયાર મહિનાનો કાર્યકાળ ઇમરાન ખાનની સરકારનો રહ્યો છે.

ગત જુલાઈ મહિનામાં નાણાકીય વર્ષ 2018-19માં પૂરું થયું હતું અને અંત સુધીમાં દેવું 16 અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે.

16 અબજ ડૉલરમાંથી 13.6 અબજ ડૉલર ઇમરાન ખાનની સરકારના કાર્યકાળમાં લેવામાં આવ્યું છે. જે કોઈ પણ સરકારમાં એક વર્ષમાં લીધેલું સૌથી વધુ વિદેશી કરજ છે.

આ કરજમાં સાઉદી અરબ, સંયુક્ત આરબ અમિરાત અને કતારના પાંચ અબજ ડૉલર સામેલ છે.

પાકિસ્તાનના મુખ્ય અખબાર એક્સપ્રેસ ટ્રીબ્યુનનું કહેવું છે કે નાણા મંત્રાલય તરફથી જે ડેટા રજૂ કરવામાં આવ્યો છે, તેમાં પાંચ અબજ ડૉલરને કરજના રૂપમાં સામેલ કરવામાં આવ્યા નથી.

શરૂઆતમાં ચીનના બે અબજ ડૉલરને પણ વિદેશી કરજમાં સામેલ નહોતા કરાયા, પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના દબાણમાં પાકિસ્તાનને આમ કરવું પડ્યું છે.

નાણાકીય વર્ષ 2017-18માં પણ પાકિસ્તાને 11.4 અબજ ડૉલરનું વિદેશી કરજ લીધું હતું.


સરકારે ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી

Image copyright Getty Images

નાણા મંત્રાલયે ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી દીધી છે.

હવે કરદાતાઓ 31 ઑગસ્ટ, 2019 સુધી રિટર્ન ભરી શકશે.

અગાઉ રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈ હતી. એટલે રિટર્ન ભરવા માટે વધુ એક મહિનાનો સમય મળશે.

કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને કરદાતાઓને આ જાણકારી આપી હતી.


કિંજલ દવે ભાજપમાં જોડાયાં

Image copyright BJP GUJARAT/FACEBOOK

'ચાર ચાર બંગડીવાળી' અને 'ગુજરાતી લહેરીલાલા...' વગેરે જેવાં ગીતોથી જાણીતાં થયેલાં ગુજરાતી લોકગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઈ ગયાં છે.

કિંજલ દવેને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પક્ષમાં આવકાર આપ્યો હતો.

કિંજલ તેમના પિતા સાથે ભાજપમાં જોડાયાં હતાં.

તેઓ 'સદસ્યતા વૃદ્ધિ અભિયાન' અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ બન્યાં હતાં.

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને કિંજલ દવેએ પણ ફેસબુકમાં આ તસવીરો શૅર કરી હતી.

ભાજપમાં જોડાતાં કિંજલ દવેએ કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'ફર્સ્ટ નેશન'ની વિચારધારાથી પ્રેરાઈને ભાજપમાં જોડાયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો