બળાત્કારની સજાથી બચવા જ્યારે યુવકે સગીરા સાથે લગ્ન કરી લીધાં

ચાઇલ્ડ બ્રાઇડ Image copyright BBC THREE

હિધર દુલહનના વેશમાં સુંદર લાગી રહ્યાં હતાં. લીલા ગાઉનમાં સજ્જ થયેલાં હિધરના ચહેરા પર વાળની લટ સુંદરતામાં વધારો કરતી હતી.

લગ્નવિધિ પૂર્ણ થઈ પછી તેમના પિતાએ નવદંપતિને આશીર્વાદ આપતું નાનકડું ભાષણ આપ્યું.

જોકે, હિધર તે વખતે માત્ર 15 વર્ષનાં હતાં અને ગર્ભવતી પણ.

ઑગસ્ટ 2015માં આ લગ્ન થયાં ત્યારે વરરાજા એરોન 24 વર્ષના હતા. હિધરનાં માતા આ લગ્નના વિરોધમાં હતાં, પણ તેમના પિતા અને હિધર જેમની સાથે રહેતાં હતાં તે દાદા-દાદીનું માનવું હતું કે હજી ન જન્મેલા બાળકનાં માતાપિતાએ લગ્ન કરી લેવાં જોઈએ.

તેથી તેઓએ તપાસ કરીને શોધી કાઢ્યું કે અમેરિકાના કયા રાજ્યમાં માતાપિતામાંથી એકની મંજૂરી સાથે 15 વર્ષની કન્યા લગ્ન કરી શકે.

તેમની ગણતરી હતી કે લગ્ન કરી લેવાથી એરોન સામે બળાત્કારનો કેસ પણ નહીં થઈ શકે અને જેલમાં જવાનો વારો નહીં આવે.

બીબીસી થ્રીએ તૈયાર કરેલી એક નવી ડૉક્યુમેન્ટરીમાં સગીર વયે લગ્નની મંજૂરીથી શું થાય છે અને સગીરોનાં માતાપિતા શું વિચારતા હોય છે તે જાણવાનો પ્રયાસ થયો છે.

16-18 વર્ષથી નીચેની ઉંમરે સેક્સ અમેરિકામાં મોટા ભાગનાં રાજ્યોમાં ગુનો બને છે.

જાન્યુઆરી 2019ની સ્થિતિ પ્રમાણે અમેરિકાનાં 17 રાજ્યોમાં અમુક સંજોગોમાં લગ્ન માટે કોઈ લઘુત્તમ વય નક્કી કરવામાં આવેલી નથી.

સાઉથ કેરોલિનાનાં કેરીએ લગ્ન કર્યાં ત્યારે તેઓ કિશોરી હતાં, જ્યારે તેમના પતિ તેનાથી એક 10 વર્ષ મોટા હતા.


Image copyright BBC THREE
ફોટો લાઈન વર્ષ 2013માં કેરી અને પૉલ

2013માં તેમના 15મા જન્મદિને એક પાર્ટીમાં તેઓ 24 વર્ષના પૉલને મળ્યાં હતાં.

તેમની વચ્ચે એક જ વાર શારીરિક સંબંધ બંધાયો હતો, પણ કેરી ગર્ભવતી બની ગયાં હતાં.

કેરી કહે છે, "તેમનો (પૉલનો) વિચાર હતો કે લગ્ન કરી લેવાં જોઈએ. લગ્ન કરી લે તો તેમણે બળાત્કાર બદલ જેલમાં ના જવું પડે."

જોકે, તેમનાં લગ્ન માટે કેરીના પિતાની મંજૂરીની જરૂર હતી.

પૉલે તેમની દીકરીનો હાથ માગ્યો ત્યારે તેમણે હા પણ પાડી દીધી.

લગ્ન થયા તેના એક અઠવાડિયા પહેલાં લેવાયેલી તસવીરોમાં કેરીના દાંત પર લગાવેલા બ્રેસીઝ પણ દેખાઈ આવતાં હતાં.

તેમનું કહેવું છે કે લગ્નના દિવસે પણ તેમણે બ્રેસીઝ પહેરી રાખ્યાં હતાં.


Image copyright BBC THREE
ફોટો લાઈન ગર્ભાવસ્થા દરમિયાન કેરી અને તેમની સાથે પૉલ

તેઓ સ્વીકારે છે પિતા સાથે ઘરમાં તેઓ ખુશ નહોતાં. તેમણે પૉલ સાથે નવું જીવન શરૂ કરીને સુખી થશે એવું વિચારીને જુગાર જ રમ્યો હતો.

તેઓ કહે છે, "હું તે સ્થિતિ વધારે ચલાવી શકું તેમ નહોતી."

એ દિવસો યાદ કરતાં તેઓ કહે છે કે પોતાને પૉલ સાથે લગ્નની મંજૂરી આપનારો કાયદો 'સ્ટુપિડ' છે.

"મને નથી લાગતું કે આવો કાયદો યોગ્ય છે. તમે શક્ય હોય ત્યાં સુધી બાળક જ રહેવા જોઈએ."

તેઓ ઉમેરે છે કે જો તેઓ શાળાનો અભ્યાસ પૂરો કરી શક્યાં હોત તો સારું થાત.

તેઓ કહે છે, "તમારી પાસે હાઈસ્કૂલની ડિપ્લોમાની ડિગ્રી ના હોય તો તમને મૅકડોનાલ્ડમાં પણ કામ મળતું નથી."

તેમનું કહેવું હતું કે પૉલ સાથેનાં તેમનાં લગ્ન ત્રાસદાયક હતાં, કેમ કે તેઓ તેમને 'કામવાળીની જેમ' રાખતા હતા.


Image copyright BBC THREE
ફોટો લાઈન પોતાના બાળક સાથે કેરી

કેરી હવે 21 વર્ષનાં છે અને પોતાના નવા પતિ મેસન સાથે રહે છે.

તેમનાં પ્રથમ લગ્ન બે વર્ષ જ ચાલ્યાં હતાં. પ્રથમ લગ્નન થયેલા બાળક સહિત હવે તેમને ત્રણ સંતાન છે.

બીબીસી થ્રીએ કેરીના પિતાનો સંપર્ક સાધીને જાણવાની કોશિશ કરી હતી કે શા માટે તેમણે પોતાની 15 વર્ષની દીકરીનાં લગ્ન 24 વર્ષના યુવક સાથે કરવા માટે મંજૂરી આપી હતી.

જોકે, તેમણે આ બાબતમાં કોઈ જવાબ આપ્યો નહોતો.

પત્રકાર અને કાર્યક્રમના પ્રેઝન્ટર એલી ફ્લિન પૉલને મળ્યા હતા, જેથી તેમની વાત જાણી શકાય.

સાઉથ કેરોલિનામાં 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિના 16 વર્ષથી નાની વયની વ્યક્તિ સાથે સેક્સને કાયદેસર ગણવામાં આવે છે.

પૉલનું કહેવું હતું કે તેમના મતે કેરી તેમને 18 વર્ષનાં લાગ્યાં હતાં. તેઓ દેખાવમાં નાના લાગતાં હતાં, પણ તેમની પાસે નકલી આઈડી હતું.

કેટલાકે તેમને પેડોફાઇલ હોવાનું કહ્યું હતું, પણ તેઓ આરોપને તે નકારે છે. તેઓ કહે છે, "મને કિશોરીઓ પ્રત્યે આકર્ષણ થતું નથી."

કેરીની મુલાકાત લેનારા સામાજિક કાર્યકરને તેમના સંબંધની જાણ થઈ ગઈ તે પછી પોલીસે પૉલ સામે બળાત્કારના કેસની તપાસ પણ શરૂ કરી દીધી હતી.

Image copyright BBC THREE

પૉલ સ્વીકારે છે કે તેમણે બળાત્કારના આરોપથી બચવા માટે જ લગ્ન કર્યાં હતાં.

તેમનું માનવું હતું કે પોતે જેલમાં જશે અને કેરી ગર્ભવતી હશે, "તેનાથી તેમને જ મુશ્કેલી થશે."

"[કેરીના] પિતા પણ તરત જ તૈયાર થઈ ગયા હતા. આમ તે મજાના માણસ છે, પણ તેમને દારૂ પીવા ખૂબ જોઈએ છે."

શું પૉલને હવે પસ્તાવો થાય છે?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "ના, કેમ કે અમે પ્રેમમાં હતાં. હા એ 15 વર્ષનાં હતાં અને હું 24 વર્ષનો, પણ હું હંમેશાં કહું છું કે દિલની વાત માનો. પ્રેમનાં તો અનેક રૂપ હોય છે."

કિશોરી હોય ત્યારે જ લગ્ન થઈ ગયાં હોય તેવી સ્ત્રીઓ માટે કામ કરતી એનજીઓના અંદાજ અનુસાર અમેરિકામાં 2000થી 2010 દરમિયાન 2,48,000 બાળલગ્નો થઈ ગયાં હતાં, જેમાં કેટલીક કિશોરી તો માત્ર 12 વર્ષની જ હતી.

છેલ્લાં બે વર્ષો દરમિયાન જ 10 રાજ્યોમાં હવે લગ્ન અંગેના કાયદા કડક કરાયા છે.

લગ્ન માટે ઓછામાં ઓછી ઉંમર 16 અને 18 કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત લગ્ન કરનારી વ્યક્તિઓ વચ્ચે ઉંમરનો તફાવત પણ મર્યાદિત કરાઈ રહ્યો છે.

જોકે, માત્ર ડેલાવેર અને ન્યૂજર્સીમાં જ કોઈ જાતની છૂટછાટ વિના બાળલગ્નો પર પ્રતિબંધો મુકાયેલા છે.

Image copyright BBC THREE

જ્યોર્જિયામાં રહેતાં ઝિયોન કહે છે કે જો કાયદો બદલીને લગ્નની ઉંમર 18 વર્ષની કરી નાખવામાં આવી હોત તો તેમનું જીવન ખૂબ જુદું હોત.

તેઓ 14 વર્ષનાં હતાં ત્યારે હાઈસ્કૂલમાં 16 વર્ષના ડેવિડને મળ્યાં હતાં.

તેઓ 15 વર્ષનાં થયાં ત્યારે ગર્ભવતી થયાં હતાં. જ્યોર્જિયામાં સહમતી માટેની ઉંમર 16 વર્ષની નિર્ધારિત છે.

જોકે, બન્નેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને તેમની વચ્ચે વયનો તફાવત 4 વર્ષથી ઓછો હોય ત્યારે કાયદા પ્રમાણે બળાત્કાર ગણાતો નથી. તેથી ડેવિડ પર ગુનો લાગુ પડે તેમ નહોતો.

બે વર્ષ પછી ઝિયોન 16 વર્ષની અને ડેવિડ 18 વર્ષના થયા ત્યારે તેમણે લગ્ન કરી લીધા. ડેવિડને સેનામાં નોકરી મળી હતી તેથી લગ્ન કરવાં જરૂરી હતાં.

સેનામાં પતિ-પત્નીને જ ફરજના સ્થળે સાથે રહેવાની છૂટ આપવામાં આવે છે.

તેઓ કહે છે, "નાની ઉંમરે લગ્ન કરવાની મંજૂરી મળી હતી તેના કારણે મારો સંબંધ બચી ગયો."

જોકે, બાળકના પિતા સાથે લગ્ન કરવા માટે બંનેનાં માતાપિતાની સહમતી જરૂરી ગણાય છે.


Image copyright BBC THREE

તેમનાં માતા મિશેલે શા માટે પોતાની નાની એવી દીકરીને લગ્ન માટે મંજૂરી આપી?

તેના જવાબમાં તેઓ કહે છે, "બાળકને માતાપિતા બન્ને મળવાં જોઈએ."

"તે બન્નેની જરૂરિયાતો કરતાં તેમનાં બાળકની જરૂરિયાત વધારે મહત્ત્વની છે."

મિશેલ કહે છે કે જો ડેવિડ વધારે મોટી ઉંમરના હોત તો પણ પોતે લગ્ન માટે મંજૂરી આપત.

તેઓ કહે છે, "તો પણ મેં એમ જ માન્યું હોત કે લગ્ન સૌથી સારો વિકલ્પ છે."

ઝિયોને પોતાને ગર્ભવતી કરનારા પુરુષ સાથે લગ્ન કર્યા તે સ્થિતિ કેરીની સ્થિતિ કરતાં જુદી હતી.

તેમના માટે ઉજ્જળ ભવિષ્યની શક્યતા હતી. જોકે, હંમેશાં સારું પરિણામ જ આવે તેવું જરૂરી હોતું નથી.

હાલમાં 18 વર્ષનાં હિધર દાદાદાદી સાથે ઇડાહોમાં રહેતાં હતાં. તેઓ ત્યાં જ એરોનને મળ્યાં હતાં.

Image copyright BBC THREE
ફોટો લાઈન કિશોરાવસ્થામાં લગ્ન કરનારાં હિધર

તેઓ કહે છે, "હું દારૂ પી ગઈ હતી અને ભાનમાં આવી ત્યારે તેમની સાથે ટ્રેલરમાં હતી."

"મેં પૂછ્યું કે શું થયું. તેમણે કહ્યું કે આપણે સેક્સ કર્યું હતું. મને ખબર હતી કે તેણે મારો લાભ ઉઠાવ્યો હતો."

"હું ખરેખર સ્વીકારવા તૈયાર નહોતી કે મારા પર બળાત્કાર થયો હતો."

બાદમાં જ્યારે તેઓ ગર્ભવતી થયાં ત્યારે હિધર મૂંઝાઈ ગયાં હતાં. તેમનાં માતાએ પોલીસને બોલાવીને ફરિયાદ દાખલ કરી હતી.

જોકે, હિધરના પિતા એરોનને જેલમાં મોકલવાના બદલે હિધર પાસે રહે તેમ ઇચ્છતા હતા.

હિધરને એકથી વધુ વિકલ્પો આપવામાં આવ્યા હતા: "મારા દાદાએ મને કહ્યું કે તમારે કેનેડા નાસી જવું જોઈએ."

"માતાએ કહ્યું કે ગર્ભપાત કરાવી લે. પિતાએ કહ્યું કે મારે લગ્ન કરી લેવાં જોઈએ."

"મારા પિતાનું કહેવું હતું કે તમે કોઈને ગર્ભવતી કરો ત્યારે તેની સાથે લગ્ન કરી લેવાં જોઈએ."

હિધરના પિતાએ બે દિવસ સતત ડ્રાઇવિંગ કર્યું અને તે લોકો મિસુરી પહોચ્યાં.

મિસુરીમાં માતાપિતામાંથી કોઈ એકની મંજૂરી સાથે પણ 15 વર્ષની કિશોરીનાં લગ્ન થઈ શકે તેમ હતાં.

હિધર કહે છે, "મારી ઇચ્છા લગ્ન કરવાની નહોતી. મારાં લગ્ન બહુ કઢંગાં હતાં તે હું જાણતી હતી."

જોકે, તેઓ કહે છે, "હું ખૂબ મૂંઝાતી હતી અને શું કરવું તે સમજાતું નહોતું, હું એવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી કે જ્યાં હવે અમારે અમારું બાળક ઉછેરવાનું હતું. હું એકલી પણ હવે નહોતી તે વાત પણ રાહતદાયક લાગતી હતી."

જોકે, આખરે હિધરની કસૂવાવડ થઈ હતી.


Image copyright BBC THREE
ફોટો લાઈન હિધર અને એરોન

હિધરનાં માતા હજુ પણ બળાત્કારની ફરિયાદ આગળ વધારવા માગતાં હતાં.

તેમનું કહેવું હતું કે એરોને લગ્ન કરી લીધાં તેના પહેલાં જ તેમણે ફરિયાદ નોંધાવી દીધી હતી.

લગ્નના ચાર જ મહિના પછી હિધરના પતિ તરીકે રહેલા એરોનને જેલમાં જવાનો વારો આવ્યો.

તેમણે ગૂનો કબૂલી લીધો અને તેમને 15 વર્ષની કેદની સજા થઈ.

તેમને અને હિધરના પિતાને હતું કે લગ્ન કરાવી દેવાથી કાયદામાંથી બચી શકાશે.

જોકે, આ કેસની તપાસ કરનારા અધિકારી ગ્રેગ ગ્રિફેલના જણાવ્યા અનુસાર: "લગ્ન કરી લેવાથી કંઈ ફરક પડવાનો નહોતો. તમે લગ્ન કર્યાં હોય કે ના કર્યાં હોય, તમે ગુનો કર્યો તે હકીકત હતી."

એરોને ત્રણ વર્ષ જેલમાં કાઢ્યાં પછી પેરોલ મળી હતી. જાન્યુઆરી 2019માં તેમને છોડવામાં આવ્યા હતા.

હિધરને હંમેશાં ચિંતા હતી કે તેઓ છૂટીને આવશે તો શું થશે.

"મને હતું કે હું જીવનમાં આગળ વધી ગઈ અને મારું પોતાનું કુટુંબ પણ છે, તે વાતથી તે કેવો પ્રતિસાદ આપશે?"

પોતાનાં નવાં લગ્ન પછી થયેલા બાળક સાથે ઊભેલાં હિધર આગળ કહે છે, "તેઓ એવું સમજશે કે મેં તેને સડવા માટે છોડી દીધા. તેઓ ખૂબ ગુસ્સાવાળા છે, જે મનમાં રહેલો ડંખ ભૂલતા નથી."

એરોન વિશેના ભયના કારણે તેમણે વધુ ખતરનાક લાગે તેવી સાવધાની લેવાનું નક્કી કર્યું હતું.

"મેં અને મારા પતિએ વિચાર્યું હતું કે આપણે હેન્ડગન રાખવી પડશે. તે પાછો આવશે તેના ભયમાં હું જીવવા માગતી નહોતી."

"તે મારી કે મારી દીકરીની નજીક આવશે તો હું તેને શૂટ કરી દઈશ."

Image copyright BBC THREE

જોકે, પોલીસે માત્ર એરોનની જ તપાસ કરી હતી તેવું નહોતું. પોલીસનું માનવું હતું કે હિધરના પિતા કિથે પણ તેમનાં લગ્ન કરાવી દીધાં તેના કારણે તેઓ પણ 'બળાત્કારમાં મદદ કરનારા' સાબિત થઈ શકે છે.

પોલીસ અધિકારી ગ્રિફેલનું કહેવું છે, "મને સૌથી વધુ આઘાત એ વાતનો લાગ્યો હતો કે તેના પિતા કાયદાનો સાથ લેવા આગળ આવ્યા નહોતા."

"મેં આ વિશે કિથને પૂછ્યું હતું. તેમણે એવું કહ્યું કે, 'અમે ધાર્મિક પ્રકૃતિના માણસો છીએ અને બાળક પિતા વિના ઉછરે એમ ઇચ્છતા નહોતા'. પણ તેમણે તમારી દીકરી પર બળાત્કાર કર્યો હતો. આ ઘટનાને કારણે હિધરને આખી જિંદગી ભોગવવું પડશે."

હિધર કહે છે, "હવે હું તે વખતની સ્થિતિ વિચારું છું ત્યારે લાગે છે કે મારી માતા જ એવી વ્યક્તિ હતી જે વિચારી રહી હતી કે તેની દીકરી માટે શું યોગ્ય છે."

"બધા જ મારી સાથે હતા, ત્યારે તેમણે સાથે આપ્યો તે બદલ હું તેમની ઋણી છું."

Image copyright BBC THREE
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

હિધર કહે છે, "મારા પિતાને પણ ચાર મહિનાની કેદ થઈ હતી. મારે ચાર મહિના મારા બળાત્કારી સાથે રહેવું પડ્યું તેટલી કેદ તેમને કરી રહ્યો છું એવું જજનું કહેવું હતું."

"જોકે, મને નથી લાગતું કે તેઓ સમજી શક્યા હોય કે તેમણે શું ખોટું કામ કર્યું હતું."

"મને એવું લાગતું હતું કે જાણે મારી પાસે કોઈ વિકલ્પ જ નથી. મને કાયમ તે બાબતે તેમની સામે વાંધો રહેશે."

"હું કદી નહીં ઇચ્છું કે મારે જેમાંથી પસાર થવું પડ્યું, તેમાંથી મારી દીકરીએ પસાર થવું પડે."

જોકે, આ મુદ્દે ધીમેધીમે સ્થિતિ સુધરી રહી છે. 29 જાન્યુઆરી, 2019ના રોજ સ્ટેટ સેનેટે સર્વસંમતિ સાથે સાઉથ કેરોલિનામાં બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો.

આ કાયદો અમલમાં આવી જશે તે પછી 16 વર્ષથી નાની વયે લગ્ન કરવાની છૂટ ગર્ભવતી કિશોરીને મળતી હતી તે બંધ થઈ જશે.

જોકે, કેટલાક માટે આ કાયદો બહુ મોડો આવ્યો તેવું બનશે. પરંતુ બીજી અનેક કિશોરીઓ માટે તે ઉપકારક બનશે અને વધુ સારું જીવન જીવવાની તેમને તક મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો