'રાજીવ ગાંધી INS વિરાટ પર વૅકેશનમાં નહોતા ગયા'- ભારતીય નેવીનો જવાબ

રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી Image copyright JOHN GIANNINI/AFP/GETTY IMAGES

તારીખ 9 મે 2019, નરેન્દ્ર મોદી રામલીલા મેદાન ખાતેથી નિવેદન આપે છે કે 'મિત્રો તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પરિવાર યુદ્ધજહાજ લઈને વૅકેશન માણવા જાય? કૉંગ્રેસના સૌથી 'નામદાર' ગાંધી પરિવારે INS વિરાટનો ઉપયોગ 'ખાનગી ટૅક્સી' તરીકે કર્યો હતો.'

જોકે, નરેન્દ્ર મોદીનો આ દાવો ભારતીય નેવીએ આ મામલે આપેલા જવાબ બાદ ખોટો જણાય છે.

ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી પર INS વિરાટ લઈને વૅકેશન પર ગયા હતા એવો દાવો કર્યો હતો.

આ બાદ મીડિયા ચેનલ 'ઇન્ડિયા ટુડે ટીવી' દ્વારા આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) કરવામાં આવી હતી.

'ઇન્ડિયા ટુડે ટીવી'એ આરટીઆઈમાં પૂછ્યું હતું કે નેવીના યુદ્ધજહાજને પ્રાઇવેટ વૅકેશન માટે કોણે અને કેટલીવાર ઉપયોગ કર્યો છે?

Image copyright Getty Images

સંરક્ષણ મંત્રાલયે આ અરજીનો જવાબ આપતા જણાવ્યું, "અનઅધિકૃત અને ખાનગી મુસાફરી માટે ભારતીય નેવીનાં જહાજોનો ઉપયોગ અસ્વીકાર્ય છે."

આનો અર્થ એવો થયો કે ક્યારેય પણ ભારતીય યુદ્ધજહાજનો ખાનગી ઉપયોગ કરવામાં આવ્યો નથી.

એવો પણ સવાલ કરવામાં આવ્યો હતો કે શું રાજીવ ગાંધીએ 1987માં INS વિરાટનો ખાનગી ઉપયોગ લક્ષદ્વીપ જવા માટે કર્યો હતો?

પ્રત્યુત્તર આપતા સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, "રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે 28 ડિસેમ્બર 1987માં ત્રિવેન્દ્રમ ખાતેથી INS વિરાટ પર ચઢ્યા હતા અને 29 ડિસેમ્બર 1987માં લક્ષદ્વીપના ટાપુ મિનિકોય પર ઊતર્યા હતા."

મંત્રાલયે એવું પણ જણાવ્યું કે તેમની સાથે તેમનાં પત્ની સોનિયા ગાંધી હતાં. તેમની સાથે અન્ય કોણ હતા તેની માહિતી નિદેશાલયના પાસે નથી.


'ગાંધી પરિવાર INS પર લક્ષદ્વીપ ગયો'

નરેન્દ્ર મોદીએ આઠ જુલાઈના રોજ રાજીવ ગાંધીની એક તસવીર ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે 'ક્યારેય વિચાર્યું છે કે ભારતીય સેનાના જહાજનો ઉપયોગ ટૅક્સી તરીકે ખાનગી વૅકેશન માણવા માટે થઈ શકે? એક પરિવારે આવું કર્યું છે.'

મોદીના આ દાવાને અગાઉ પણ પૂર્વ આર્મી અધિકારીઓ દ્વારા ખારિજ કરી દેવામાં આવ્યા છે.

રિટાયર્ડ વાઇસ એડમિરલ વિનોદ પસરિયા ડિસેમ્બર 1987માં વિરાટના કમાન્ડિંગ ઑફિસર હતા, એ જ વખતે રાજીવ ગાંધીએ આ યુદ્ધજહાજની સવારી કરી હતી.

વાઇસ એડમિરલ પસરિયાએ એ વાતને નકારી કરી દીધી છે કે રાજીવ ગાંધીએ તેમના મિત્રો અને ઇટાલિયન સાસુ માટે આઈએનએસ વિરાટનો ઉપયોગ કર્યો હતો.

વિનોદ પસરિચાનું કહેવું છે, "રાજીવ ગાંધી ત્યારે સરકારી કામથી લક્ષદ્વીપ ગયા હતા. આઇલેન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીની એક બેઠક હતી અને રાજીવ ગાંધી એમાં જ ભાગ લેવા પહોંચ્યા હતા."

"રાજીવ ગાંધી કોઈ ફૅમિલી ટ્રિપ પર નહોતા ગયા. રાજીવ ગાંધી સાથે તેમનાં પત્ની સોનિયા ગાંધી. પુત્ર રાહુલ ગાંધી અને આઈએએસ અધિકારીઓ હતા."

તેમણે રાજીવ ગાંધી સાથે અમિતાભ બચ્ચન અને સોનિયા ગાંધીનાં માતાપિતા યુદ્ધજહાજમાં હોવાની વાતને પસરિયાએ નકારી કાઢી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો