Top News: આમ્રપાલી ગ્રૂપ સાથે જોડાયેલી કંપનીમાં મહેન્દ્રસિંહ ધોનીનાં પત્ની ડિરેક્ટર

સાક્ષી ધોની Image copyright Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસ પ્રકાશિત એક અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનાં પત્ની સાક્ષી આમ્રપાલી સમૂહ સાથે જોડાયેલી એક કંપનીમાં નિદેશક અને 25 ટકા શૅરધારક હતાં.

મહેન્દ્રસિંહ ધોની કાયમ કહેતા હોય છે કે તેઓ ફક્ત આમ્રપાલી સમૂહના બ્રાન્ડ ઍમ્બૅસૅડર હતા પરંતુ રજિસ્ટાર ઑફ કંપનીઝમાં જમા કરાવવામાં આવેલા દસ્તાવેજો મુજબ કંપની અને ધોની વચ્ચેનો સંબંધ જટિલ છે.

આમ્રપાલી સમૂહ સામે દગાબાજીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અખબાર અનુસાર ધોનીનાં પત્ની સાક્ષી માહી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના નિદેશક અને 25 ટકાનાં માલિક છે જ્યારે આમ્રપાલી સમૂહના સીએમડી અનિલ કુમાર શર્મા 75 ટકાના માલિક છે.

સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી આમ્રપાલી સમૂહની ઑડિટ રિપોર્ટ મુજબ આ કંપની પણ એમના સમૂહની એ 47 કંપનીઓમાં સામેલ છે જેમને આમ્રપાલી સમૂહ તરફથી પૈસા મળે છે. ઑડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પૈસા મકાન ખરીદનારા લોકોના હતા.

ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દગાબાજી કેસથી ચર્ચાામાં આવેલા આમ્રપાલી ગ્રૃપના કેસમાં સુપ્રીમ કોર્ટે તેને કૌભાંડ ગણાવી ઈડીને તપાસનો આદેશ આપ્યો છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
આંખ વગર ઘોડેસવારી કરતાં મહિલા

લોકસભામાં આજે રજૂ થશે 'ટ્રિપલ તલાક બિલ', ભાજપે વ્હિપ જાહેર કર્યો

Image copyright Getty Images

લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ ચર્ચા બાદ પાસ થાય તેવી શક્યતા છે. સત્તાધારી ભાજપે પોતાના સાંસદોને તેના માટે વ્હિપ જાહેર કર્યો છે અને સદનમાં ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું છે.

આ વિધેયકમાં અચાનક તલાક આપવાની બાબતને ગુનો ગણવામાં આવી છે અને સાથે જ દોષીને જેલની સજાની પણ જોગવાઈ છે.

નરેન્દ્ર મોદી સરકારે મે મહિનામાં પોતાનો બીજો કાર્યકાળ સંભાળ્યા બાદ સંસદના પહેલા સત્રમાં આ વિધેયક રજૂ કર્યું હતું.

ઘણા વિપક્ષોએ આ વિધેયકનો વિરોધ પણ કર્યો છે. જોકે સરકારનું કહેવું છે કે આ વિધેયક લૈંગિક સમાનતા અને ન્યાયની દિશામાં મોટું પગલું છે.

કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ અને દ્રમુકની માગ છે કે બિલને તપાસ-નિરીક્ષણ માટે સંસદીય સમિતિને સોંપવામાં આવે.

જનતાદળ (યૂ) જેવા ભાજપના સહયોગી પક્ષો પણ આ વિધેયક પર વિરોધ દર્શાવી ચૂકયા છે.


જોન્ટી રોડ્સે કોચ માટે અરજી કરી

Image copyright Getty Images

સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ માટે અરજી કરી છે.

જોન્ટી રોડ્સ જે તે સમયે ફિલ્ડિંગમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા હતા.

તેમજ તેઓ સાઉથ આફ્રિકાની ટીમમાં મિડલ ઑર્ડરના પ્રભાવશાળી બૅટ્સમૅન હતા.

જોન્ટી રોડ્સે 'ક્રિકેટનેક્સ્ટટ' નામની વેબસાઇટને જણાવ્યું કે હાં, મેં ભારતના ફિલ્ડિંગ કોચ માટે અરજી કરી છે.

''હું અને મારી પત્ની આ દેશને પ્રેમ કરીએ છીએ અને અગાઉ પણ આ દેશે અમને ઘણું બધું આપ્યું છે. અમારાં બે બાળકનો જન્મ પણ ભારતમાં થયો છે.''

49 વર્ષીય જોન્ટી રોડ્સ લાંબા સમય સુધી 'ઇન્ડિયન પ્રીમિયર લિગ'માં મુંબઈ ઇન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ રહ્યા હતા.

બીસીસીઆઈએ મુખ્ય કોચ, બૅટ્સમૅન કોચ, બૉલર કોચ અને ફિલ્ડિંગ કોચ સહિત વિભિન્ન પદો માટે અરજીઓ મંગાવી છે અને 30 જુલાઈ અરજી મોકલવાની છેલ્લી તારીખ છે.

વર્તમાન સમયમાં આર. શ્રીધર ભારતના ફિલ્ડિંગ કોચ છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસને લીધે તેમનો કાર્યકાળ 45 દિવસ સુધી વધારવામાં આવ્યો છે.


ગુજરાતમાં ટિક ટૉક વીડિયો બદલ મહિલા પોલીસ સસ્પેન્ડ

Image copyright Getty Images

ટિક ટૉક વીડિયો બનાવવા બદલ ગુજરાતના મહેસાણામાં એક મહિલા પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમ સમાચાર સંસ્થા એએનઆઈનો અહેવાલ જણાવે છે.

મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકમી અલ્પિતા ચૌધરીએ લૉકઅપ પાસે ડાન્સ કરતા હોય તેવો ટિકટૉક વીડિયો બનાવ્યો હતો.

આ વીડિયોમાં તેઓ સાદાં કપડાંમાં હતાં.

આ અંગે પોલીસે કહ્યું કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


પાકિસ્તાની ક્રિકેટર પર આરોપ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી ઇમામ-ઉલ-હક પર કથિત રીતે ઘણી છોકરીઓ સાથે સંબંધ હોવાના અને તેમને દગો દીધાના આરોપ લાગ્યા છે.

એક ટ્વિટર યૂઝરે ઇમામના વૉટ્સઍપ એકાઉન્ટની કેટલીટ ચેટ્સના સ્ક્રીનશોટ સાર્વજનિક કરતાં આરોપ લગાવ્યા કે તેઓ તેમના સ્ટારડમનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

જે સ્ક્રીનશોટ શૅર કરવામાં આવ્યા એ કથિત રીતે ઇમામ અને એ મહિલાઓ સાથેની વાતચીત છે, જે સંદર્ભમાં વાત કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ચેટ સાર્વજનિક કરનાર શખ્સનો દાવો છે કે આ મહિલાઓએ તેનો સંપર્ક કર્યો હતો. જેથી તેઓ 23 વર્ષીય આ ખેલાડીની અસલિયત સામે લાવી શકે.

આ સ્ક્રીનશોટ છેલ્લા છ મહિનાના છે. પાકિસ્તાની મીડિયા અનુસાર ત્યાંના લોકોમાં આ મામલે મિશ્ર પ્રતિક્રિયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો