કોર્ટમાં ગયા વિના લોકોને આતંકવાદી જાહેર કરશે સરકાર?

અમિત શાહ Image copyright Getty Images

પુણે પોલીસે બુધવારે આરોપ લગાવ્યો કે સામાજિક કાર્યકર ગૌતમ નવલખા અને નક્સલી સમૂહોનો હિજ્બ-ઉલ-મુજાહિદ્દીન અને કાશ્મીરના અલગાવવાદી સાથે સંપર્ક રહ્યો છે.

જોકે, બૉમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રંજિત મોરે અને ભારતી ડાંગરની બૅન્ચે આગામી આદેશ સુધી નવલખાની ધરપકડની રોકની સમયસીમા વધારી દીધી છે.

નવલખાની સાથે અન્ય ઘણા કાર્યકરો નક્સલીઓ સાથેના સંબંધોના કેસનો સામનો કરી રહ્યા છે.

નવલખાએ આ મામલે કોર્ટમાંથી એફઆઈઆર ખતમ કરાવવાની અરજી કરી છે. નવલખા દેશના જાણીતા પત્રકાર અને માનવાધિકાર કાર્યકર છે.

બુધવારે નવલખા પર પોલીસ ઉગ્રવાદી સંગઠન સાથે સંબંધ હોવાના આરોપ મૂકી રહી હતી ત્યારે બીજી તરફ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદવિરોધ બિલના સમર્થનમાં 'અર્બન નક્સલ' કહીને નિશાન સાધી રહ્યા હતા.

'અર્બન નક્સલ' ટર્મનો ઉપયોગ સત્તાધારી ભાજપ નવલખા જેવા કાર્યકરો માટે કરતો રહે છે.

ગૌતમ નવલખા પર પુણે પોલીસનો ઉગ્રવાદી સંગઠન સાથે સંપર્ક રાખવાનો આરોપ અને એ જ દિવસે લોકસભામાં અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍમેન્ડમૅન્ટ બિલ 2019નું લોકસભામાં પાસ થવું એક સંયોગ જોઈ શકે છે.

પણ વિપક્ષે આ બિલને લઈને ઘણી ચિંતાઓ વ્યક્ત કરી છે.

જો આ વિધેયક રાજ્યસભામાં પાસ થઈ જાય તો કેન્દ્ર સરકારને ન માત્ર કોઈ સંગઠનને આતંકવાદી જાહેર કરવાની તાકાત મળશે, પરંતુ કોઈ વ્યક્તિને પણ આતંકવાદી જાહેર કરી શકશે.


ગંભીર સવાલ

એ વ્યક્તિ જો આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહિત કરતી હોય કે તેમાં સામેલ હોય તો સરકાર તેને આતંકવાદી જાહેર કરી દેશે. પરંતુ આ પ્રક્રિયા કેટલી તટસ્થ હશે એ ગંભીર સવાલ છે.

આ બિલના દુરુપયોગને લઈને વિપક્ષ કૉંગ્રેસ અને અન્ય પક્ષોએ સવાલ કર્યા તો લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે જવાબમાં કહ્યું કે સરકારની પ્રાથમિકતા આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાની છે.

શાહે કહ્યું કે કોઈ સંગઠન પર પ્રતિબંધ લાદે તો તેની સાથે સંકળાયેલા લોકો અન્ય આતંકવાદી સંગઠન માટે કામ કરવા લાગે છે.

શાહે વધુમાં કહ્યું, ''અહીં એ જોગવાઈની જરૂર છે જેના માધ્યમથી કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાય.''

''અમેરિકા, પાકિસ્તાન, ચીન, ઇઝરાયલ અને યુરોપીય યુનિયનમાં પણ આ જોગવાઈ છે. બધાએ આતંકવાદની વિરુદ્ધ આ જોગવાઈ બનાવી રાખી છે.''

શાહે કહ્યું કે ઇન્ડિયન મુજાહિદ્દીનના યાસિન ભટકલને આતંકવાદી જાહેર કર્યો હોત તો તેની પહેલાં જ ધરપકડ કરાઈ હોત અને 12 બૉમ્બબ્લાસ્ટ ન થાત.

ગૃહમંત્રીએ કહ્યું કે આતંકવાદ લોકોના વિચારમાં હોય અને બાદમાં સંગઠન બને છે. આથી વ્યક્તિને આતંકવાદી જાહેર કરવી જરૂરી છે.


વિધેયકનો વિરોધ

એનસીપીનાં સુપ્રિયા સુલેએ આ બિલ પર સવાલ ઉઠાવ્યો તો અમિત શાહે કહ્યું, ''સામાજિક કાર્યોના નામ પર ગરીબ લોકોને વામપંથી અતિવાદના માધ્યમથી ગુમરાહ કરનારા લોકો પ્રત્યે સરકારને કોઈ સહાનુભૂતિ નથી.''

''આતંકવાદ માત્ર બંદૂકના દમ પર નથી આવતો, પરંતુ તેને પ્રૉપગેન્ડાના માધ્યમથી ફેલાવવામાં આવે છે. જે માઓવાદમાં આસક્ત હોય એને છોડી શકાય નહીં.''

લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ આ બિલનો વિરોધ કર્યો અને તેમણે બિલને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવાની માગ કરી.

કૉંગ્રેસ પાર્ટીએ આ બિલના વિરોધમાં લોકસભામાંથી વૉકઆઉટ કર્યું હતું.

આ બિલને વોટ માટે મૂકવામાં આવ્યું તો વિરોધમાં માત્ર 8 વોટ પડ્યા, જ્યારે સમર્થનમાં 288 વોટ.

આ બિલનો લગભગ બધા વિપક્ષી નેતાઓએ વિરોધ કર્યો.

આ નેતાઓએ કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાની પ્રક્રિયા અને એનઆઈએના રાજ્ય સરકારની પરવાનગી વિના સંપત્તિ જપ્ત કરવાના અધિકાર પર પણ સવાલો ઉઠાવ્યા.

વિપક્ષોએ કહ્યું કે આ બિલથી નાગરિક સ્વાતંત્ર્ય અને સંવિધાનમાં જે સંઘીય ઢાંચાની વાત કરાઈ છે એનું ઉલ્લંઘન થાય છે.

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે આ સંવિધાનના અનુચ્છેદ 15 અને 21નું ઉલ્લંઘન છે.

ઓવૈસીએ કહ્યું કે યુએપીએ કાયદા અંતર્ગત મોટી સંખ્યામાં મુસલમાનો વર્ષોથી જેલમાં બંધ છે અને બાદમાં તેમને મુક્ત કરાયા હતા, કેમ કે તેમની વિરુદ્ધમાં કોઈ પુરાવા નહોતા.

ઓવૈસીએ કહ્યું, ''મને આશા છે કે આ સરકાર નિર્દોષોને સજા નહીં આપે, કેમ કે અમને ન તો ભાજપની સરકારમાં ન્યાય મળ્યો છે, ન તો કૉંગ્રેસની સરકારમાં.''

''જે પણ કડક કાયદા છે એનો ઉપયોગ મુસલમાનો અને દલિતોની સામે કરવામાં આવે છે. હું બંને પાર્ટીની નિંદા કરું છું, કેમ કે કૉંગ્રેસ અને ભાજપ બંનેના શાસનમાં કાયદાનો દુરુપયોગ મુસલમાનોની સામે થયો છે.''

ઓવૈસીએ યુએપીએના દુરુપયોગ પર કહ્યું, ''હું એના માટે કૉંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠેરવું છું, કેમ કે તેણે આ કાયદો બનાવ્યો હતો. હું કૉંગ્રેસને પૂછવા માગું છું કે આ કાયદાના પીડિતો કોણ છે?''

ઓવૈસીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિને તમે ત્યારે આતંકવાદી કહી શકો છો જ્યારે કોર્ટ તેને પુરાવાને આધારે દોષી ઠેરવે.

ઓવૈસીએ પૂછ્યું કે સરકાર અનુભવી રહી છે કે કોઈ વ્યક્તિ આતંકવાદી છે તો તેને આતંકવાદી જાહેર કરી દેશે.

તેમણે કહ્યું કે આ ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર હુમલો છે.

તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુવા મોઇત્રાએ પણ આ બિલનો જોરશોરથી વિરોધ કર્યો.

મોઇત્રાએ કહ્યું, ''આ બિલ દેશના સંઘીય ઢાંચાની વિરુદ્ધ છે અને કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવી બહુ ખતરનાક જોગવાઈ છે.''

''જે પણ સરકારનો વિરોધ કરે છે તેને દેશવિરોધી કહેવામાં આવે છે.''

''લોકો વચ્ચે આ વાત પ્રૉપગેન્ડાના માધ્યમથી ફેલાવવામાં આવે છે કે વિપક્ષ નેતા, માનવાધિકાર કાર્યકરો અને અલ્પસંખ્યકો દેશવિરોધી છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ